'જો હું બચી ન શકું તો મારાં બાળકોને સંદેશ મોકલી દેજો...', - 174 લોકોના જીવ બચાવનાર સ્મિત મચ્છર પાઇલટ કેવી રીતે બન્યા?

સ્મિત મચ્છર
ઇમેજ કૅપ્શન, ચાર વર્ષ પહેલાં ફ્લાયદુબઈ સાથે જોડાયેલા સ્મિત મચ્છરને સાઉદી અરેબિયાની એક હૉસ્પિટલમાંથી યુએઈ ખસેડવામાં આવ્યા છે, તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ઇઝરાયલ જઈ રહેલા ફ્લાયદુબઈના વિમાનને દુર્ઘટનાગ્રસ્ત થવાથી બચાવવા માટે ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની 'હીરો'ની જેમ પ્રશંસા થઈ રહી છે.

દુનિયાભરનાં મીડિયામાં સ્મિત મચ્છરની પ્રશંસા થઈ રહી છે અને તેમના જીવનનાં દરેક પાસાંને ખંગાળવામાં આવી રહ્યાં છે.

યુકેની સમાચાર એજન્સી રૉયટર્સે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે પાઇલટ બનવું ક્યારેય સ્મિતના બાળપણનાં સપનાંનો હિસ્સો નહોતું.

રૉયટર્સે લખ્યું છે, "મચ્છરનું ધ્યાન પરિવારનાં કપડાંના વ્યવસાયને આગળ વધારવા પર હતું, પરંતુ 19 વર્ષની ઉંમરે પ્લેનના ઉડાવવા પ્રત્યે તેમનો રસ વધ્યો, જેને કારણે તેમનાં માતા ડરી ગયાં હતાં. હવે હજારો કલાકોની ઉડાન બાદ પણ પ્લેન પ્રત્યે મચ્છરનો પ્રેમ એવોને એવો જ છે, જેને તેઓ કૉકપિટ સુધી જ મર્યાદિત રાખે છે અને સામાન્ય લોકો સાથે તેના વિશે વાત કરવાનું ટાળે છે."

બુધવારે તેમના વિમાનનો માર્ગ તબુક તરફ વાળી દેવામાં આવ્યો હતો. ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ, કો-પાઇલટે તેમના પર કથિત રીતે હુમલો કર્યો હતો અને 174 લોકોને લઈ જઈ રહેલા વિમાનને દુર્ઘટનાગ્રસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.

રૉયટર્સે લખ્યું છે, "ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ, મુંબઈના રહેવાસી મચ્છર કૉકપિટના ફર્શ પર લોહીલુહાણ હાલતમાં હતા, ત્યારે તેમણે કૉકપિટનો દરવાજો ખોલવા માટે રિલીઝ સિસ્ટમ સક્રિય કરવામાં સફળતા મેળવી હતી."

"ત્યારબાદ મુસાફરો અને ક્રૂએ કો-પાઇલટને કાબૂમાં લીધો, જ્યારે મુસાફર તરીકે વિમાનમાં મુસાફરી કરી રહેલા ફ્લાયદુબઈના બે પાઇલટોએ વિમાન ઉતારવામાં મદદ કરી."

બૉઇંગ 737ના અનુભવી કૅપ્ટન મચ્છરે લગભગ 15 વર્ષની કારકિર્દી દરમિયાન અંદાજે 9,750 કલાકની ઉડાન પૂર્ણ કરી છે. જોકે, એવિયેશનમાં તેમનું આવવું ઘણું મોડું થયું હતું.

પાઇલટ બનવું બાળપણનું સપનું નહોતું

ફ્લાયદુબઈએ કહ્યું છે કે તે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે
ઇમેજ કૅપ્શન, ફ્લાયદુબઈએ કહ્યું છે કે તે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મચ્છરે 2025માં ઝલક મહેતાના યૂટ્યૂબ ચૅનલ પર આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "આ સમયના ઘણા અન્ય ઍવિયેટરોની વિરુદ્ધ, પ્લેન ઉડાવવાનું મારું બાળપણનું સપનું નહોતું. તે મારા જીવનમાં ઘણું પછી આવ્યું."

શાળા બાદ તેમણે ટેક્સટાઇલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો, કારણ કે તેમનો ધ્યેય પરિવારના વ્યવસાયને આગળ વધારવાનો હતો. ત્યારબાદ તેમણે મુંબઈના વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટમાંથી મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યો.

તે દરમિયાન, લગભગ 19 વર્ષની ઉંમરે એક ઍવિયેશન સેમિનાર દરમ્યાન તેમને ઉડાનની દુનિયા વિશે જાણ થઈ.

તેમણે તે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "અહીંથી જ ઉડ્ડયન પ્રત્યેનો મારો જુસ્સો ખરેખર જન્મ્યો. શરૂઆતમાં મારાં માતા આ કારકિર્દીને લઈને ખૂબ ડરેલાં હતાં."

સ્મિત મચ્છરે કહ્યું હતું, "વિલંબ મારી સમસ્યા નથી. જ્યાં સુધી તમે વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળો છો, મારા માટે એટલું જ મહત્ત્વનું છે."

"જ્યારે હું કૉકપિટ અથવા વિમાનમાંથી બહાર નીકળું છું, ત્યારે હું નથી ઇચ્છતો કે સામેની વ્યક્તિને ખબર પડે કે હું પાઇલટ છું."

"હું ઉડ્ડયન વિશે વાત કરવા માંગતો નથી. જ્યારે હું યુનિફૉર્મ પહેરું છું, ત્યારે પછી કોઈ બકવાસ નહીં, બસ પોતાનું કામ કરો અને તેને પૂર્ણ કરો."

"જ્યારે તમે કૉકપિટમાંથી બહાર નીકળો છો, ત્યારે વાત ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. તેના વિશે વિચારવાનું બંધ કરી દો. હવે કોઈ બીજા વ્યક્તિને તમારી જરૂર છે. બાળકો ત્યાં છે. તેઓ તમારી સાથે રમવા માંગે છે."

સ્મિત મચ્છરની ન્યૂઝીલૅન્ડમાં પણ ખૂબ ચર્ચા

સાઉદી અરેબિયા
ઇમેજ કૅપ્શન, 174 મુસાફરોને લઈને ફ્લાયદુબઈનું એક વિમાન સાઉદી અરબના તબુકસ્થિત પ્રિન્સ સુલતાન બિન અબ્દુલઅઝીઝ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યા બાદ ઍરપૉર્ટ પહોંચ્યું

ન્યૂઝીલૅન્ડની સમાચાર વેબસાઇટ આરએનઝેડ સાથે મેઇનલૅન્ડ ઍરના સ્મિતના પૂર્વ પ્રશિક્ષક ફિલિપ કીને કહ્યું, "મચ્છરે ન્યૂઝીલૅન્ડમાં 18 મહિના સુધી તાલીમ લીધી હતી. હું ખુશ છું કે મારા પૂર્વ વિદ્યાર્થીએ આ મુશ્કેલ પરિસ્થિતિને શ્રેષ્ઠ રીતે સંભાળી."

કીને આરએનઝેડના કાર્યક્રમ 'ચેકપૉઇન્ટ'ને કહ્યું, "મેં જ્યારે વાંચ્યું કે તેણે આ પરિસ્થિતિને જે રીતે સંભાળી, તે ચાકુ તમારા શરીરમાં ઘૂસેલું હોવા છતાં જેટલું સારું કરી શકાય, તેણે એટલી જ સારી રીતે પરિસ્થિતિને સંભાળી, ત્યારે મને ખરેખર ખૂબ ખુશી થઈ."

આ પહેલાં કીને 'ન્યૂઝીલૅન્ડ હેરલ્ડ'ને મચ્છરને થોડા ઉત્સાહી અને ઊર્જાવાન તેમજ સરેરાશ કરતાં વધુ સારા પાઇલટ તરીકે વર્ણવ્યા હતા. તેમણે કહ્યું, "આ ખૂબ ભયાનક છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તે હજુ પણ જીવિત છે."

તેમણે કહ્યું, "તે ખૂબ ઊંચાઈ પરથી નીચે આવી રહ્યો હતો. આ સારી વાત છે કે વિમાન તૂટી પડ્યું નહીં અને તે પાઇલટોએ વિમાનને સંભાળવામાં અદ્ભુત કામ કર્યું."

કીને જણાવ્યું કે તેઓ સ્મિત સાથે ઈ-મેઇલ દ્વારા સંપર્કમાં હતા.

ન્યૂઝીલૅન્ડમાં ઇઝરાઇલના રાજદૂત ઍલોન રોથે કહ્યું કે વિમાન સુરક્ષિત રીતે ઊતરી શક્યું, તે કોઈ ચમત્કારથી ઓછું નથી, ખાસ કરીને એ જોતાં કે વિમાનને કેટલું નુકસાન પહોંચ્યું હતું.

રોથે કહ્યું, "હુમલો કરનાર વ્યક્તિને બહાર ખેંચી કાઢનારા ઇઝરાયલી વ્યક્તિએ કૉકપિટનાં ઉપકરણો સંભાળી લીધાં અને વિમાનને લગભગ 20,000 ફૂટની ઊંચાઈ પરથી એક મિનિટમાં ઝડપથી નીચે તરફ પડતું અટકાવ્યું."

"તેથી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવામાં માત્ર થોડી સેકન્ડ બાકી હતી. હું પાઇલટ સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરું છું, જેમણે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કૉકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી, જેથી વિમાનમાં રહેલા અન્ય લોકો મદદ કરી શકે."

સ્મિતને ઉડાન દરમિયાન જ્યારે મહિલાએ કહ્યું- કૅપ્ટન, લેબર પેઇન થઈ રહ્યું છે...

ઇઝરાયલ
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી મુસાફર અસફ રાજુઆન, જે અગાઉ ડાયવર્ટ કરાયેલી ફ્લાયદુબઈની એક ઉડાનમાં સવાર હતા, 30 સપ્ટેમ્બર, 2026ના રોજ ઇઝરાઇલના લૉડસ્થિત બેન ગુરિયન ઍરપૉર્ટ પર ઊતર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં નજરે પડે છે.

ફિલિપ કીને અમેરિકન બ્રૉડકાસ્ટર સીએનએનને કહ્યું, "તે હંમેશાં ખુશમિજાજ યુવાન વ્યક્તિ છે અને તેમણે ખૂબ મહેનત કરી."

ડનેડિન સ્થિત મેઇનલૅન્ડ ઍરના સીઈઓ કીને કહ્યું, "તેનું પોતાનું એક ખાસ સ્મિત હતું. તે ખૂબ ખુશ રહેતો યુવક હતો."

બુધવારની ઘટના પહેલાં, ઉડ્ડયનમાં 15 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં તેમની સામે આવેલી સૌથી અસામાન્ય ઘટનાઓમાંની એક વિમાનમાં બાળકનો જન્મ થવાનો પ્રસંગ હતો.

મચ્છરે 'બોના-ફાઇડ બૅન્ટર' પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે વિમાનમાં સવાર એક મહિલા, જેની પ્રસૂતિની તારીખ હજુ આવી નહોતી, તેને લેબર પેઇન શરૂ થયું.

તેમણે કહ્યું, "7-10 મિનિટની અંદર તે કહેવા લાગી, 'કૅપ્ટન, હવે બાળકનો જન્મ થવાનો છે.'"

મચ્છરે જણાવ્યું કે તેમણે અને ફર્સ્ટ ઑફિસરે સુરક્ષિત લૅન્ડિંગ માટે સૌથી નજીકના ઍરફીલ્ડ અને ત્યાંની પરિસ્થિતિઓ વિશે માહિતી મેળવવાની શરૂઆત કરી. તમામ ઍરફીલ્ડની હવામાન સ્થિતિ જોઈ અને કામગીરીની દૃષ્ટિએ શું શક્ય છે તે શોધ્યું. અમારી પાસે છ-સાત મિનિટ હતી. અને અચાનક આગામી થોડા જ મિનિટોમાં અમને કૉલ આવ્યો, 'વિમાનમાં એક બાળક છે.'"

તેમણે કહ્યું કે "માતા અને બાળક બંને સ્વસ્થ હતાં."

ન્યૂઝીલૅન્ડથી ફ્લાયદુબઈની ઉડાનમાં મચ્છરની બહાદુરીના સમાચાર જોતા તેમના પૂર્વ પ્રશિક્ષક કીને તે યુવાનની ખૂબ પ્રશંસા કરી, જેને તેમણે ક્યારેય તાલીમ આપી હતી.

તેમણે સીએનએનને કહ્યું, "આ ખરેખર એક અદ્ભુત સિદ્ધિ હતી. માત્ર થોડા જ સેકન્ડમાં વિમાનમાં સવાર તમામ લોકોના જીવ જઈ શક્યા હોત અને સદ્ભાગ્યે તેઓ દરવાજો ખોલવામાં સફળ રહ્યા."

"સદ્ભાગ્યે તેઓ પોતાને સંભાળી શક્યા અને બધાના જીવ બચાવી લીધા. જો અડધી મિનિટ વધુ પસાર થઈ હોત, તો બધું સમાપ્ત થઈ ગયું હોત."

તેમણે કહ્યું, "મને તેના પર ખૂબ ગર્વ છે. તેણે જે રીતે પરિસ્થિતિને સંભાળી તેના પર મને ખૂબ ગર્વ છે. અંતે બધું સારું રહ્યું, તે ખૂબ સારી વાત છે."

સીએનએને પોતાના રિપોર્ટમાં લખ્યું છે, "39 વર્ષીય સ્મિત મચ્છર બે બાળકોના પિતા છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે."

"હુમલા બાદ વિમાનની અંદરનું એક ભયાનક દૃશ્ય સામે આવ્યું. કૉકપિટમાં ચારે તરફ લોહી વેરાયેલું હતું અને ગંભીર રીતે ઘાયલ પાઇલટ ફર્શ પર પડેલા હતા."

ઉડાન દરમિયાન જેમણે સ્મિતની સારવાર કરી તે ડૉક્ટર કોણ છે?

ગુરિયન ઍરપૉર્ટ પર જ્યારે યાત્રીઓ ઉતર્યા ત્યારે પરિવારજનોએ તેમનું સ્વાગત કર્યું
ઇમેજ કૅપ્શન, 30 સપ્ટેમ્બર 2026ના રોજ ઇઝરાઇલના તેલ અવીવમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવવાના વચ્ચે બેન ગુરિયન ઍરપૉર્ટ પર મુસાફરોનું તેમના પરિવારજનોએ સ્વાગત કર્યું.

ઉડાનમાં મુસાફર તરીકે સવાર અને મચ્છરની સારવાર કરવામાં મદદ કરનાર દંતચિકિત્સક શોટા મુસાએવે સીએનએનને જણાવ્યું કે મચ્છરના શરીરમાંથી ખૂબ વધુ લોહી નીકળી ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઘાયલ હતા.

તેમણે કહ્યું, "મને લાગે છે કે જો અમે થોડી વધુ ક્ષણો રાહ જોઈ હોત, તો અમે તેમને ગુમાવી દીધા હોત. તેમનો બ્લડ પ્રેશર ખૂબ ઝડપથી ઘટી ગયું હતું, તેઓ અચાનક બેભાન થઈ ગયા અને ચારે તરફ લોહી હતું."

ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સીએનએનને કહ્યું કે તેમની બહાદુરીએ "9/11 જેવી દુર્ઘટનાને રોકવામાં મદદ કરી."

ગુરુવારે ઇઝરાયલી આર્મી રેડિયો સાથે વાત કરતાં શોટા મુસાએવે કહ્યું, "કૉકપિટ સંપૂર્ણપણે લોહીથી ભરાઈ ગયું હતું. મચ્છરની ગરદન અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ હતી."

"ચાકૂથી કરાયેલા હુમલાના કારણે કૅપ્ટનનો ડાબો હાથ લગભગ અડધો કપાઈ ગયો હતો. જ્યારે મચ્છરની નાડી નબળી થવા લાગી અને તેઓ બેભાન થવા લાગ્યા, ત્યારે અમે રિઝર્વ પાઇલટોને શક્ય તેટલી ઝડપથી વિમાન ઉતારવા કહ્યું."

"ત્યાં સુધીમાં આ પાઇલટોએ વિમાનનું નિયંત્રણ સંભાળી લીધું હતું. વિમાન ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના શહેર તબુકમાં ઊતર્યું."

તેમણે કહ્યું, "મને નથી લાગતું કે તેઓ ઇઝરાઇલ સુધીની આખી યાત્રા પૂરી કરી શક્યા હોત. તેઓ જીવવા માંગતા હતા, તેઓ મરવા માંગતા નહોતા."

"કૅપ્ટને મને કહ્યું કે જો હું બચી ન શકું, તો મારાં બાળકોને એક સંદેશ મોકલી દેજો. મેં તેમને કહ્યું, 'ભગવાન તમારી સાથે છે, પ્રાર્થના કરો. બધું સારું થઈ જશે. અમે તમારી સાથે છીએ.'"

બ્રિટિશ અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, "એક ઇઝરાયલી અધિકારીના જણાવ્યા મુજબ, હુમલાખોર કો-પાઇલટ ઓમાનનો નાગરિક છે. નેતન્યાહૂએ કહ્યું કે સાઉદી અધિકારીઓ તેની પૂછપરછ કરશે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઑફિસમાં પત્રકારોને કહ્યું, "એવું લાગે છે કે કો-પાઇલટ કદાચ આતંકવાદી હતો અથવા કદાચ કોઈ સનકી વ્યક્તિ હતો અને તેણે પાઇલટ પર હુમલો કર્યો."

ઓમાની અધિકારીઓએ આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી અને કો-પાઇલટના હુમલા પાછળનું કારણ તાત્કાલિક રીતે સ્પષ્ટ થઈ શક્યું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન