પાંચ ટાઇટલ, 100+ જીત : IPLમાં ધોનીએ લીધે પાંચ નિર્ણયો જેણે હારેલી બાજીને જીતમાં ફેરવી નાખી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
મહેન્દ્રસિંહ ધોની હવે આપણને વિકેટની પાછળથી મેદાન પર ફિલ્ડરોને સેટ કરતા અને તેમની ચતુર બુદ્ધિથી ગેમનાં પાસાંને પલટી નાખતા જોવા નહીં મળે.
મહેન્દ્રસિંહ ધોનીએ મંગળવારે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે અને હવે, તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સના મેન્ટર તરીકે કામ કરશે.
ધોનીની કપ્તાનીમાં CSK પાંચ વખત ચૅમ્પિયન બન્યું છે. રોહિત શર્મા અને ધોની એવા બે જ કૅપ્ટન છે જેમણે ટીમને પાંચ-પાંચ ટ્રૉફી જિતાડી છે.
ધોની એકમાત્ર એવા કૅપ્ટન છે જેમના નેતૃત્વમાં કોઈ ટીમે IPLમાં 100થી વધુ મૅચ જીતી હોય. તેમની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 17માંથી 10 સિઝનની ફાઇનલમાં પહોંચી હતી.
મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે, ત્યારે આપણે મહેન્દ્રસિંહ ધોનીએ મેદાન પર લીધેલા એ પાંચ નિર્ણયોની વાત કરીશું જેણે મૅચનું પાસું પલટી નાખ્યું હતું.
ધોનીએ IPLની ફાઇનલમાં પૉલાર્ડ માટે ફિલ્ડિંગમાં કર્યો બદલાવ અને મળી વિકેટ

ઇમેજ સ્રોત, ALEXANDER JOE/AFP via Getty Images
2010ની IPLની ફાઇનલ મૅચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે મુંબઈ ઇન્ડિયન્સ સામે પહેલી બેટિંગ કરતા પાંચ વિકેટે 168 રન બનાવ્યા હતા.
મુંબઈની ટીમે 18 ઓવર સુધીમાં છ વિકેટે 136 રન બનાવ્યા હતા. પૉલાર્ડે વિસ્ફોટક બૅટિંગ કરીને અઢારમી ઓવરમાં 6 બૉલમાં 22 રન બનાવ્યા હતા.
આ પછી 19મી ઓવર એલ્બી મૉર્કલે નાખી અને અંબાતી રાયડુએ શરૂઆતના બે બૉલમાં એક રન બનાવ્યો હતો અને પૉલાર્ડે આ પછી બાઉન્ડ્રી ફટકારી હતી. ઓવરના પાંચમા બૉલે બીજો રન લેવા જતા અંબાતી રાયડુ રન-આઉટ થયા અને પૉલાર્ડ સ્ટ્રાઇક પર આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા માટે 8 બૉલમાં 26 રન બનાવનારા હાર્ડ હિટર પૉલાર્ડને આઉટ કરવા જરૂરી હતા.
પૉલાર્ડ સીધા શૉટ ફટકારી રહ્યા હોવાથી ધોનીએ મૅથ્યૂ હેડનને બૉલરના રન-અપ પાસે ગોઠવી દીધા.
પૉલાર્ડે બીજા જ બૉલે સીધો શૉટ ફટકાર્યો અને મેથ્યૂ હેડને શાનદાર કૅચ લીધો. છેવટે IPL 2010ની ફાઇનલ મૅચમાં ચેન્નાઈની ટીમનો 22 રને વિજય થયો.
મહેન્દ્રસિંહ ધોનીએ ફિલ્ડિંગમાં કરેલા બદલાવના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે IPLમાં પોતાનું પહેલું ટાઇટલ જીત્યું હતું.
ક્રિસ ગેઇલની સામે મૅચના પહેલા બૉલથી રવિચંદ્રન અશ્વિન

ઇમેજ સ્રોત, Getty Images
રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ સામેની 2011ની ફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોનીએ પહેલી જ ઓવરમાં ક્રિસ ગેઇલ જેવા વિસ્ફોટક બૅટ્સમૅનની સામે રવિચંદ્રનનો ઉપયોગ કર્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલાં બેટિંગ કરીને 205 રન બનાવ્યા હતા. ક્રિસ ગેઇલે IPLની 2011ની સિઝનમાં બે સદી અને ત્રણ અર્ધ સદી અને 183.13ના સ્ટ્રાઇક રેટથી સૌથી વધુ 608 રન બનાવ્યા હતા. સીએસકેને જિતાડવા માટે ક્રિસ ગેઇલને વહેલા આઉટ કરવા જરૂરી હતા.
મહેન્દ્રસિંહ ધોનીએ એક માસ્ટરસ્ટ્રોક રમતાં ઇનિંગ્સની પહેલી જ ઓવર ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને સોંપી. ધોનીની આ ચતુર રણનીતિ કામ કરી ગઈ અને અશ્વિને ઓવરના ચોથા જ બૉલે ગેઇલને શૂન્ય રને આઉટ કરી દીધા.
ગેઇલની આ ઝડપી વિકેટે મૅચનું પાસું સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. દિગ્ગજ બૉલર ઝહીર ખાને પણ ધોનીની આ દીર્ઘદૃષ્ટિ અને ચતુરાઈની પ્રશંસા કરી હતી. ધોનીનો આ નિર્ણય ચેન્નાઈની જીતમાં નિર્ણાયક સાબિત થયો હતો.
મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની આગળ હરભજનસિંહને બેટિંગ કરવા મોકલ્યા

ઇમેજ સ્રોત, Robert Cianflone/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની ચેપૌક ખાતે 2018માં રમાયેલી મૅચમાં ચેન્નાઈને જીતવા માટે 154 રન બનાવવાના હતા.
પંજાબના બૉલરો શાનદાર બૉલિંગ કરી રહ્યા હતા અને માત્ર 27 રનમાં જ CSKની ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ધોનીએ એક માસ્ટરસ્ટ્રોક રમીને હરભજનસિંહને પાંચમા ક્રમે બેટિંગ કરવા મોકલ્યા.
હરભજનસિંહે 22 બૉલમાં 19 રન બનાવ્યા, અને ત્યારબાદ ધોનીએ દીપક ચહરને મોકલ્યા જેમણે 20 બૉલમાં 39 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ અણધાર્યા પ્રયોગોથી પંજાબના બૉલરો પોતાની લાઇન અને લૅન્થ ભૂલી ગયા.
બીજી તરફ, સુરેશ રૈનાએ 61 રનની શાનદાર ઇનિંગ રમી અને અંતે ધોનીએ 6 બૉલમાં 17 રન ફટકારીને સીએસકેને પાંચ વિકેટે વિજય અપાવ્યો.
સુરેશ રૈના આ કિસ્સા વિશે વાત કરતા કહે છે, 'સૌથી સારું એ થયું છે કે પંજાબની જે તૈયારી હતી તે પ્રમાણે અમે બધું થવા ના દીધું. આ દર્શાવે છે કે ધોની વાસ્તવિક સ્થિતિને કેટલી સરળતાથી સમજી લે છે.'
મહેન્દ્રસિંહ ધોનીએ આ પ્રયોગ વિશે વાત કરતા મૅચ પછી કહ્યું, 'મૅચમાં બૉલ સ્વિંગ થઈ રહ્યો હોય, ત્યારે તમે વધારે વિકેટ લેવાનું પસંદ કરો છો. ભજ્જી અને ચહર અંદર ગયા તો ખેલાડીઓમાં થોડી અંધાધૂંધી ફેલાઈ ગઈ.'
'બૉલરો એકદમ યૉર્કર, શૉટ ઑફ લૅન્થ, બાઉન્સર અને બીજા બૉલ નાખવા લાગ્યા. જ્યારે બૅટ્સમૅન બેટિંગ કરતા હોય ત્યારે બૉલર પોતાની લાઇન અને લૅન્થ પર ધ્યાન આપતા હોય છે. ભજ્જી અને ચહર બેટિંગ કરતા હતા, ત્યારે તેમણે પોતાની લાઇન અને લૅન્થ ગુમાવી દીધી.'
IPL 2021ની ફાઇનલમાં શાર્દૂલ ઠાકુર પર દાવ રમવો
શાર્દૂલ ઠાકુર સામાન્ય રીતે છેલ્લી ઓવરના સ્પેશિયાલિસ્ટ બૉલર માનવામાં આવે છે. દુબઈમાં રમાયેલી IPL 2021ની ફાઇનલ મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની સામે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 193 રન બનાવ્યા.
કોલકાતાના શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે 10 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 88 રનનો સ્કોર ઊભો કર્યો.
શાર્દૂલ ઠાકુરે એક ઓવર નાખી હતી અને 11 રન આપ્યા હતા, છતાં ધોની તેમને 11મી ઓવર આપી. શાર્દૂલ ઠાકુરે એ ઓવરમાં વેંકટેશ અય્યર અને નીતિશ રાણાની વિકેટ લીધી.
વેંકટેશ અય્યરની વિકેટ બાદના 35 બૉલમાં ચેન્નાઈની ટીમના બૉલરો 34 રન આપીને આઠ વિકેટ લીધી.
કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 165 રન બનાવી શકી અને ચેન્નાઈ સુપર કિંગ્સનો 27 રને વિજય થયો.
ધોનીએ જ્યારે CSKને IPLમાંથી બહાર થતાં બચાવ્યું અને CSK બન્યું ચૅમ્પિયન

ઇમેજ સ્રોત, Getty Images
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 2010માં પહેલીવાર IPLમાં ચૅમ્પિયન બની ત્યારે તેમનું સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ હતું. ચેન્નાઈ સુપર કિંગ્સને સેમિફાઇનલમાં પહોંચવા કિંગ્સ ઇલેવન પંજાબ સામે મૅચ જીતવી જરૂરી હતી.
ધર્મશાલામાં કિંગ્સ ઇલેવન પંજાબે ત્રણ વિકેટે 192 રન બનાવ્યા. જવાબમાં ચેન્નાઈએ 9.4 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 89 રન કર્યા હતા. સુરેશ રૈના 27 બૉલમાં 46 રન બનાવી આઉટ થયા બાદ ધોની મેદાનમાં આવ્યા.
ધોનીએ 29 બૉલમાં અણનમ 54 અને એસ બદ્રીનાથે 36 બૉલમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને જીત માટે છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા.
મહેન્દ્રસિંહ ધોનીએ ઇરફાન પઠાણની ઓવરમાં બે બૉલ બાકી રહ્યા હતા અને 18 રન ફટકારીને ટીમને રોમાંચક વિજય અપાવ્યો અને 'પ્લેયર ઑફ ધ મૅચ' બન્યા.
આ અગાઉ 10 મૅચમાં 181 રન બનાવનાર ધોની માટે આ પ્રદર્શન ખૂબ મહત્ત્વનું હતું, જે મૅચ બાદના તેમના અગ્રેશન પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
મહેન્દ્રસિંહ ધોનીએ આ મૅચ પછી કહ્યું, 'જો ફ્રેન્ચાઇઝી ખેલાડી અને ટીમ પર આટલો બધો ખર્ચો કરતી હોય, તો તમારે માત્ર સેમિફાઇનલ સુધી પહોંચવું જોઈએ.'
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતાં રવિચંદ્રન અશ્વિને આ સિઝન વિશે ક્રિકઇન્ફો પર કહ્યું, '2010ની સિઝન કૅપ્ટન તરીકે તેમના માટે અને અમારા માટે સારી રહી ન હતી. અમને લાગી રહ્યું હતું કે અમે બહાર થઈ જઈશું. તેમણે જે ઇનિંગ રમી એ મારી સૌથી પસંદગીની પળ હતી. તેમની ઇનિંગથી અમે સેમિફાઇનલમાં પહોંચ્યા અને મૅચ જીત્યા હતા.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























