'હું બ્લૅક પેદા થઈ હતી એવું મારા પરિવારે કેમ નહોતું કહ્યું?'- પોતાની જ ઓળખથી અજાણ રહી દીકરી

ઇમેજ સ્રોત, Lacey Tezino
- લેેખક, ગ્લોબલ જર્નાલિઝમ
- પદ, લાઇવ્સ લૅસ ઑર્ડિનરી પર આધારિત
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
"તને ખબર છે ને કે તું બ્લૅક છે?"
જે છોકરીએ આ પ્રશ્ન પૂછ્યો, તેને લાગ્યું કે આ એક મજાક છે. સ્વાભાવિક છે કે લૅસીને ખબર જ હશે કે તે બ્લૅક છે. આ વાત તો તેને જોનાર કોઈપણ વ્યક્તિ સમજી જાય તેમ હતી. "તારા હોઠ જો, તારા વાળ જો. તું બ્લૅક છે. તારાં માતાપિતામાંથી કોઈ એક બ્લૅક છે. કોણ છે એ?" તે છોકરીએ આગ્રહપૂર્વક પૂછ્યું.
પરંતુ લૅસી તેઝિનો માટે આ વાત પોતાના માથે આભ તૂટી પડવા જેવી હતી.
તેને ખબર જ નહોતી કે તે બ્લૅક છે. તેનો ઉછેર ટૅક્સાસના વિડોર નામના શહેરમાં થયો હતો, જે તેના રંગભેદના ભૂતકાળ માટે કુખ્યાત હતું.
ભવિષ્ય તરફ નજર રાખીને, ભૂતકાળ વિશે વિચાર્યા વિના યુનિવર્સિટીમાં પ્રવેશેલી એક ભોળી કિશોરી માટે આ એવી ક્ષણ હતી, જેના કારણે તેનું આખું જીવન બદલાઈ જવાનું હતું.
એક સવાલે જિંદગી બદલી નાખી

ઇમેજ સ્રોત, Lacey Tezino
લૅસીએ કોઈ દિવસ પોતાનાં માતાને જોયાં નહોતાં. પરિવાર તરફથી તેને જાણવા મળ્યું હતું કે તેનાં માતા નશીલા પદાર્થોનું સેવન કરતાં હતાં અને લૅસી નાની હતી ત્યારે ઍઇડ્સ જેવી કોઈ બીમારીને કારણે તેનું મૃત્યુ થયું હતું. પરિવારે એમ પણ કહ્યું હતું કે તેનાં માતા હવાઈનાં હતાં. એનાથી જ સમજાઈ જતું હતું કે લૅસી તેનાં પિતરાઈ ભાઈ-બહેનો કરતાં અલગ કેમ દેખાતી હતી.
"જ્યારે પણ હું મારી માતાનું ચિત્ર દોરતી, ત્યારે તેના વાળમાં એક ફૂલ જરૂર દોરતી કારણ કે હવાઈ વિશે મારા મનમાં એવી જ કલ્પના હતી."
લૅસીના પિતા રૉનીને કૅન્સર હોવાનું નિદાન થયા પછી તેઓ નાની ઉંમરે જ તેને હ્યુસ્ટનથી વિડોર લઈ આવ્યા હતા, જેથી તે તેમનાં માતાપિતા સાથે રહી શકે. લૅસી છ વર્ષનાં હતાં ત્યારે રૉનીનું અવસાન થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માતાપિતા બંનેને ગુમાવવા છતાં અને "નફરત માટે કુખ્યાત" શહેરમાં ઉછરવા છતાં, લૅસીને હંમેશાં લાગતું હતું કે તેના શ્વેત પરિવારે તેને સ્વીકારી છે. તેને તેનાં પિતરાઈ ભાઈ-બહેનો સાથે રમવાનું ખૂબ ગમતું હતું.
"હું એક ઘરમાંથી બીજા ઘરમાં જતી રહેતી... દરેક જણ મારી સાથે રમવા માગતું હતું... મને ભેટો મળતી અને બધા મને ખૂબ લાડ લડાવતા."
જોકે, ક્યાંક ને ક્યાંક એક પ્રકારની અસ્વસ્થતા હંમેશાં રહેતી હતી. લૅસી 17 વર્ષનાં હતાં ત્યારે 'એક ઊંચો, કદાવર, ટાલવાળો અશ્વેત માણસ' તેમના ઘરના દરવાજે આવ્યો હતો અને તેણે દાવો કર્યો હતો કે લેસીનાં માતા હજુ જીવિત છે.
લેસીનાં દાદા-દાદીએ તેને કહ્યું કે, તે જૂઠું બોલે છે. આ ઘટનાથી લૅસી દુઃખી અને 'અત્યંત મૂંઝવણમાં' મુકાઈ ગઈ. આમ છતાં, તેણે આ વાત મનમાંથી કાઢી નાખી.
પણ જ્યારે તે પોતાના 'ગામઠી લહેજા' સાથે હ્યુસ્ટનની યુનિવર્સિટીમાં પહોંચી, ત્યારે તેની પોતાની ઓળખ વિશેની સમજ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. તેની સાથે રૂમમાં રહેતી ત્રણ આફ્રિકન અમેરિકન યુવતીઓ તેની એ વાત માનવા તૈયાર જ નહોતી કે તેના પિતા શ્વેત હતા અને માતા હવાઈનાં હતાં.
લૅસી કહે છે, "મેં એમ માની લીધું એ જાણીને ત્રણેય યુવતીઓ ગુસ્સે તો થઈ જ, સાથે-સાથે દુઃખી પણ થઈ. ખરેખર ચાલી શું રહ્યું છે તે શોધવામાં મને મદદ કરવી એ જ જાણે કે તેમના જીવનનું ધ્યેય બની ગયું."

ઇમેજ સ્રોત, Lacey Tezino
લૅસી રજાઓમાં ઘરે આવી, ત્યારે તેને 'કંઈક બદલાઈ ગયું હોય' એવું લાગ્યું. એ વખતથી જ તેને પોતાની આસપાસ રહેલો વંશવાદ દેખાવા લાગ્યો.
તેણે પરિવારને પૂછ્યું કે એમણે તેને પોતાના સાચા વંશીય મૂળ વિશે કેમ કદી જણાવ્યું નહીં, ત્યારે તેમણે કહ્યું: "અરે, તું તો અમારા પરિવારની જ છે... અમે કદી તને અલગ ગણી જ નથી."
તેને એમ પણ જાણવા મળ્યું કે કેટલીક વાર તો તેનાં પિતરાઈ ભાઈ-બહેનોએ તેની વિરુદ્ધ વંશવાદી અપશબ્દો બોલનારા લોકો સાથે ઝઘડા પણ કર્યા હતા.
હવે લૅસીને એવું લાગે છે કે તેનાં દાદા-દાદીએ તેને સુરક્ષિત રાખવાના ઇરાદાથી જ સત્ય છુપાવ્યું હતું.
એક દિવસ વાતચીત દરમિયાન દાદીએ લૅસીને કહ્યું કે જો તે કોઈ બ્લૅક યુવકને પોતાના પ્રેમી તરીકે ઘરે લાવવા માગતી હોય, તો તેનું સ્વાગત છે. લૅસીના કહેવા મુજબ "દાદી ખરેખર ખૂબ પ્રેમાળ બનવાનો અને પોતાનું ખુલ્લું મન દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં."
પરંતુ જ્યારે તેના દાદાએ અખબાર વાંચતી વખતે વંશવાદી અપશબ્દનો ઉપયોગ કર્યો, ત્યારે લૅસીને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે દાદાને કહ્યું, "મારી હાજરીમાં તમે આ રીતે વાત નહીં કરો."
આટલું કહીને લેસી રડતાં-રડતાં ઓરડામાંથી બહાર નીકળી ગયાં, ત્યારે દાદા તેની પાછળ આવ્યા અને માફી માગી.
"આ એ જ દાદા હતા જેમણે મને ઉછેરી હતી અને આખી જિંદગી મારી સંભાળ રાખી હતી. તેમણે કહ્યું, 'મને ખરેખર માફ કરી દે. આવું ફરી ક્યારેય નહીં થાય.' અને ત્યાર પછી ખરેખર એવું ક્યારેય બન્યું નહીં."
દાદા-દાદી દ્વારા ઉછેર

ઇમેજ સ્રોત, Lacey Tezino
તેને કહેવામાં આવ્યું હતું કે તેનાં માતાનું મૃત્યુ થઈ ગયું છે, તેમ છતાં તે પોતાનાં માતા વિશે વધુ જાણવા માગતાં હતાં.
કૉલેજના બીજા વર્ષમાં, મધર્સ ડેના દિવસે, તેણે ટેલિફોન ડિરેક્ટરી સેવાને ફોન કર્યો અને પૂછ્યું કે તેની માતાના નામે કોઈ વ્યક્તિનો ફોન નંબર નોંધાયેલો છે કે નહીં.
કોઈ આગોતરી જાણ વિના તેનો ફોન એક મહિલા સાથે જોડી દેવામાં આવ્યો. લૅસીએ મહિલાને પૂછ્યું કે શું તેને લાગે છે કે તે તેની પુત્રી હોઈ શકે, ત્યારે મહિલાનો જવાબ જ તેની શંકાની પુષ્ટિ કરવા માટે પૂરતો હતો: "લૅસી?"
તે મહિલા માત્ર એક કલાકથી થોડા વધુ અંતરે રહેતાં હતાં.
તે જ દિવસે જ્યારે લૅસી તેમને મળવા પહોંચ્યાં, ત્યારે તેમણે જોયું કે તેમની સાથે એ જ માણસ હતો, જે થોડાં વર્ષો પહેલાં તેના ઘરે આવ્યો હતો. એ તેની માતાનો પ્રેમી હતો.

ઇમેજ સ્રોત, Lacey Tezino
પરંતુ લૅસીની નજર તો માત્ર તેની માતા એલિઝાબેથ પર જ હતી.
"મેં મારા આખા જીવનમાં એના જેટલી સુંદર વ્યક્તિ નહોતી જોઈ... અમે એકબીજાને 'હેલો' પણ ન કહ્યું, કંઈ બોલ્યાં પણ નહીં. બસ એકબીજાંને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડતાં રહ્યાં."
ત્યાર પછી થયેલી વાતચીત દરમિયાન લૅસીને જાણવા મળ્યું કે રૉની વાસ્તવમાં તેના દત્તક પિતા હતા, જૈવિક પિતા નહીં.
રૉની હ્યુસ્ટનમાં એક ગૅ બાર ચલાવતા હતા. એલિઝાબેથ ત્યાં દારૂ પીવા આવતી હતી અને એ રીતે તેમની મિત્રતા થઈ હતી. એલિઝાબેથે રૉનીને જણાવ્યું કે પોતે એક આફ્રિકન-અમેરિકન ટ્રક ડ્રાઇવરથી ગર્ભવતી થઈ હતી અને ગર્ભપાત કરાવવાની હતી, ત્યારે રૉનીએ તેને કહ્યું કે તેને પહેલેથી જ એક બાળક જોઈતું હતું.
આથી બંને વચ્ચે એક સમજૂતી થઈ કે રૉની એલિઝાબેથને નશીલા પદાર્થોની લત છોડાવવામાં અને દારૂથી દૂર રહેવામાં મદદ કરશે તથા તેની સંભાળ રાખશે. ત્યાર પછી તેઓ તેના બાળકને દત્તક લેશે.
લૅસીને તો એ પણ ખબર નહોતી કે તેને દત્તક લેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Lacey Tezino
ત્યાર પછીનાં વર્ષોમાં લૅસીએ ધીમે-ધીમે તેની માતા સાથેનો સંબંધ ફરીથી મજબૂત બનાવ્યો. એલિઝાબેથ બીમાર પડ્યાં અને નવ વર્ષ પછી કૅન્સરને કારણે તેમનું મૃત્યુ થયું, ત્યારે લૅસીએ કહ્યું કે તે "અંતિમ ક્ષણ સુધી તેની સાથે રહી હતી."
ત્યાં સુધીમાં તેણે પોતાના પરિવારને માફ કરી દીધો હતો. એ કહે છે, "તમારે તમારાં માતા-પિતા પ્રત્યે અસાધારણ ઉદારતા અને ક્ષમાભાવ રાખવો જોઈએ, કારણકે તેઓ પણ આપણી જેમ જ યુવા હતાં, જેઓ જીવનને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં."
હવે લૅસી વ્યવસાયિક તેમજ વ્યક્તિગત રીતે લોકોને માતા-પુત્રીના સંબંધોમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરવા તથા લોકો વચ્ચેના અવરોધો દૂર કરવાનું કામ કરી રહી છે.
અલગ-અલગ પૃષ્ઠભૂમિવાળો પરિવાર

ઇમેજ સ્રોત, Lacey Tezino
જે દાદીએ એક સમયે લૅસીને માત્ર ગોરા લોકોની વસ્તી ધરાવતા વિસ્તારમાં ઉછેરી હતી, તે જ દાદીનું ઘર વાવાઝોડાને કારણે નુકસાન પામ્યું એ પછી તેઓ હ્યુસ્ટનમાં લૅસીના બ્લૅક પરિવાર સાથે રહેવા આવ્યાં.
લૅસી કહે છે કે શરૂઆતમાં તેમની વચ્ચે દલીલો થતી હતી, કારણકે તે સમયે અમેરિકામાં વંશીય મુદ્દાઓને લઈને સમાચારોમાં "ઘણું બધું ચાલી રહ્યું હતું."
દાદીની ઉંમરને ધ્યાનમાં રાખીને લેસી તેમના વિચારો પ્રત્યે થોડી છૂટછાટ રાખતી હતી, પરંતુ તે પોતાનાં બાળકોને એ પણ બતાવવા માગતી હતી કે "આપણને આપણા પર ગર્વ છે અને આપણે આપણા માટે અવાજ ઉઠાવીએ છીએ."
પરંતુ કેટલીક 'રચનાત્મક અને સુંદર વાતચીતો' પછી, 86 વર્ષની ઉંમર સુધીમાં દાદી તેના પરિવારનો એક અભિન્ન ભાગ બની ગયાં હતાં.
"મારી દીકરી છ વર્ષની છે અને તેની સૌથી સારી મિત્ર મારી દાદી છે... તેઓ સોફા પર સાથે બેસે છે. આઇસક્રીમ ખાય છે. ઘરની પાછળ ઊગેલાં છોડને પાણી પાય છે."
"આ ખૂબ સુંદર બાબત છે."
આ લેખ બીબીસી વર્લ્ડ સર્વિસના લાઇવ્સ લેસ ઑર્ડિનરી પોડકાસ્ટના 'તેમણે મને કેમ ન જણાવ્યું કે હું અશ્વેત છું?' નામના કાર્યક્રમ પર આધારિત છે. આ કાર્યક્રમ રેકૉર્ડ થયા પછી, 2026માં લૅસીની દાદીનું અવસાન થયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























