અંડર 19 એશિયા કપ : વિજય પછી ભારતીય ખેલાડીઓની ઉજવણી અંગે પાકિસ્તાનમાં શું ચર્ચા થઈ રહી છે?

અંડર 19 એશિયા કપ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હરિફાઈ, ભારતીય ક્રિકેટ ટીમ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ, ભારતના વિજય બાદ વિવાદ કેમ, અર્જુન રાજપૂત, સમન્વય દ્રવીડ, આર્યવીર સહેવાગ, લક્ષ્ય રાયચંદાણી, ઉસ્માન,
ઇમેજ કૅપ્શન, ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ઉજવણી કરી રહેલા ભારતીય ખેલાડીઓ
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

યુએઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઇનલમાં જીત બાદ ભારતીય ટીમે જે રીતે ઉજવણી કરી હતી, તેના વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે.

કેટલાક લોકો ભારતીય ટીમના ખેલાડીઓને સમર્થન આપી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, રમતના મેદાનમાં આ પ્રકારની ઉજવણીથી બચવું જોઈએ.

ખાસ કરીને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો, પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો ભારતીય ટીમની ઉજવણી કરવાની રીત પર સવાલો ઉઠાવી રહ્યા છે.

હકીકતમાં, ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ જીત બાદ ખૂબ આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી.

કેટલાક ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ સામે જઈને ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન ભારતીય ટીમનો સપોર્ટ સ્ટાફ ખેલાડીઓને શાંત કરાવતો અને તેમને મેદાનની બહાર તરફ લઈ જતો જોવા મળ્યો હતો.

કેટલાક ખેલાડીઓ પાકિસ્તાનની ટીમ તરફ ઇશારા કરતા પણ નજરે પડ્યા હતા.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પણ આ મામલે નિવેદન જાહેર કર્યું છે.

બીસીસીઆઈએ શું કહ્યું?

બીસીસીઆઈના સંયુક્ત સચિવ દેવજિત સૈકિયાએ ભારતીય ટીમનું સમર્થન કર્યું છે. તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું, "આ ભારતીય ટીમની ભાવના અને તેમના લડાયક મિજાજને દર્શાવે છે."

સૈકિયાએ કહ્યું, "કઠિન મુકાબલો થયો, આ મૅચ ભારતના હાથમાં નહોતી. જો તમે જોશો તો લગભગ 280 રન સુધી 8 વિકેટ પડી ગઈ હતી અને બૉલ પણ ખૂબ ઓછા બાકી હતા. એ સ્થિતિમાંથી ભારતની ટીમ જીતી છે, તેનાથી લાગે છે કે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે."

તેમણે કહ્યું, "આવી મુશ્કેલ મૅચમાં જ્યારે તેઓ જીતે છે, તો ત્યારબાદ થોડી ઉજવણી કરવી સ્વાભાવિક છે અને તેના માટે બધાએ મંજૂરી આપવી જોઈએ. તેઓ જે રીતે જીત્યા છે, તે જોતાં મને લાગે છે કે તેમની ઉજવણી વાજબી છે."

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરની ભારતીય ખેલાડીઓને સલાહ

અંડર 19 એશિયા કપ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હરિફાઈ, ભારતીય ક્રિકેટ ટીમ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ, ભારતના વિજય બાદ વિવાદ કેમ, અર્જુન રાજપૂત, સમન્વય દ્રવીડ, આર્યવીર સહેવાગ, લક્ષ્ય રાયચંદાણી, ઉસ્માન,
ઇમેજ કૅપ્શન, કેટલાકનું માનવું છે કે ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ વધુ પડતી આક્રમક ઉજવણી કરી હતી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રવિવારે અંડર-19 એશિયા કપના ફાઇનલ મુકાબલામાં મૅચનો નિર્ણય છેલ્લા બૉલે થયો હતો. ભારતે આ મૅચ 1 વિકેટે જીતી હતી.

જોકે મૅચમાં એક સમયે એવું લાગતું હતું કે, ટીમ ઇન્ડિયાના હાથમાંથી મૅચ નીકળી ગઈ છે.

પરંતુ ટીમના લોઅર ઑર્ડરના બૅટર્સે આશા જાળવી રાખી અને અંતે ટીમ ઇન્ડિયા ચૅમ્પિયન બની.

ભારતીય ટીમની આવી ઉજવણી પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ ટીકા કરી છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અહમદ શેહઝાદે 'X' (ટ્વિટર) પર લખ્યું, "ટુર્નામેન્ટ જીતવા બદલ ભારતને અભિનંદન અને સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન સાથે ઉત્તમ ક્રિકેટ રમવા બદલ પાકિસ્તાન અંડર-19 ટીમને પણ શ્રેય જાય છે."

"જોકે, જીતની ઉજવણી ખુશી સાથે થવી જોઈએ, આક્રમકતા દર્શાવીને અથવા બિનજરૂરી દુશ્મનાવટ વધારીને નહીં. આ યુવા ખેલાડીઓ છે અને તેમને એ શીખવવું જરૂરી છે કે, રમતની ભાવના જીત અને હારથી ઘણી ઉપર હોય છે."

તેમણે આગળ લખ્યું, "દુર્ભાગ્યવશ, સિનિયર ખેલાડીઓએ કેટલીક એવી પરંપરાઓ આગળ ધપાવી છે, જેને બદલવાની જરૂર છે."

"હવે સમય આવી ગયો છે કે આપણે પોતાને બદલીએ, વિરોધી ટીમનું સન્માન કરીએ અને રમતભાવનાને અપનાવીએ. ગર્વ સાથે જીતો, પૂરા જોશ સાથે મુકાબલો કરો, પરંતુ હંમેશાં રમતનું સન્માન કરો."

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બૉલર શોઐબ અખ્તરે એક કાર્યક્રમમાં કહ્યું, "ભારતને અભિનંદન. તેમણે ખૂબ સારું ક્રિકેટ રમ્યું, પરંતુ એક વાત કહું કે આપણે માત્ર ક્રિકેટ જ નથી રમવાનું, આપણે મૂલ્યો સાથે પણ આગળ વધવું છે. આજે પણ હું સચિન વિશે સારું બોલું છું. આજે પણ હું તેમને દુનિયાના નંબર એક બૅટ્સમૅન માનું છું."

"સેહવાગ, સૌરવ અને અમે બધા એકબીજા સાથે રમ્યા છીએ. અમે બધા સારા મિત્રો છીએ. અમે ક્યારેય એકબીજા વિરુદ્ધ આવી પ્રતિક્રિયા આપી નથી."

અખ્તરે સલાહ આપતાં કહ્યું, "હું માનું છું કે તેઓ યુવાન છે, પરંતુ આપણે આપણાં બાળકોને મૂલ્યો પણ શીખવવાનાં છે. અગાઉની મૅચમાં ભારતીય ટીમના કૅપ્ટને કહ્યું હતું કે, તેઓ અમારાથી સારું રમ્યા, તેઓ અમારાથી સારી ટીમ છે. આ મૂલ્યો સાંભળીને કેટલું સારું લાગ્યું!"

"ભારતીય ખેલાડીઓને મારો આ જ સંદેશ છે: આક્રમકતા ચોક્કસ બતાવો, આ જોઈને ખૂબ સારું લાગ્યું. પરંતુ તેની સાથે હું કહેવા માગું છું કે, પાકિસ્તાન વધુ સારી ટીમ હતી, સમગ્ર ટુર્નામેન્ટમાં તેઓ સારું રમ્યા."

વીડિયો જુઓ
વીડિયો કૅપ્શન, એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસુફે 'X' (ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું, "અંડર-19 એશિયા કપનું સમાપન થઈ ગયું છે અને હંમેશાંની જેમ દબાણના સમયે ભારતે પાકિસ્તાનને હરાવ્યું. આ બંને ટીમો અને ભવિષ્યના સ્ટાર્સ બનવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ માટે શીખવાનો એક શાનદાર મંચ હતો."

"હું એક વાત કહેવા માગું છું કે, જ્યારે તમે રમત રમો છો અથવા કોઈ પણ સ્તરે સ્પર્ધા કરો છો, ત્યારે તમે માત્ર તમારા દેશનું પ્રતિનિધિત્વ નથી કરતા. હકીકતમાં, તમે તમારા ઉછેર, તમારાં મૂલ્યો અને તમારાં માતા-પિતાએ બાળપણમાં તમને શીખવેલા સંસ્કારોનું પણ પ્રતિનિધિત્વ કરતા હો છો."

"તેથી જીત હોય કે હાર, હંમેશાં સન્માનજનક વર્તન કરો અને સંયમ જાળવો. સાચી રમતભાવના એ વાતથી ઝળકે છે કે, પરિણામ ગમે તે હોય, મેદાન પર અને મેદાનની બહાર તમે કેવું વર્તન કરો છો."

'X' પર ફખ્ર નામના એક યુઝરે લખ્યું, "ફરી એક વાર દુનિયાના સૌથી પક્ષપાતી અને શરમજનક દેશે ક્રિકેટ જેવી જેન્ટલમૅન રમતની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ભારતે રોમાંચક મુકાબલામાં અંડર-19 એશિયા કપની ફાઇનલ માત્ર 1 વિકેટે જીતી. હા, જીત ખૂબ મહત્ત્વ ધરાવે છે, પરંતુ ભારતીય ખેલાડીઓની રીત સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."

ભારતમાં લોકો શું કહી રહ્યા છે?

અંડર 19 એશિયા કપ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હરિફાઈ, ભારતીય ક્રિકેટ ટીમ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ, ભારતના વિજય બાદ વિવાદ કેમ, અર્જુન રાજપૂત, સમન્વય દ્રવીડ, આર્યવીર સહેવાગ, લક્ષ્ય રાયચંદાણી, ઉસ્માન,
ઇમેજ કૅપ્શન, ભારતીય ખેલાડીઓની ઉજવણીની રીત ઉપર કેટલાક ભારતીયોએ પણ સવાલ ઉઠાવ્યા

ભારતની અંડર-19 ટીમના ખેલાડી મોહિત ઉલ્વાને આ મામલે કહ્યું કે, જે પણ પ્રતિક્રિયા આવી તે સ્વાભાવિક હતી; તેમણે કોઈને દેખાડવા અથવા સંદેશ આપવા માટે એવું કર્યું નહોતું.

મોહિતે કહ્યું, "આવું થવું સ્વાભાવિક છે, કારણ કે ભારત-પાકિસ્તાનની મૅચ હતી, ફાઇનલ હતી. તેમણે અગાઉ અમને એક મૅચમાં હરાવ્યા હતા અને તેમણે જે કર્યું હતું, તેને અમે અમારા પર લીધું નહોતું. તેમણે ત્યારે પોતાની જીતની ઉજવણી કરી હતી, તેઓ શું કરી રહ્યા હતા તેનાથી અમને કોઈ મતલબ નહોતો. અમે પણ એવું જ કર્યું અને પોતાની જીતની ઉજવણી કરી રહ્યા હતા, તેમાં આક્રમકતા અને લાગણીઓ બંને સામેલ હોય છે. અમે તેમને દેખાડવા અથવા સંદેશ આપવા માટે આવું કર્યું નહોતું."

ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે 'X' પર લખ્યું, "જો ભારતીય ક્રિકેટ ટીમ મેદાન પર પોતાનો 'આક્રમક અભિગમ' બતાવવા માગતી હોય, તો હવે તેણે પોતાની બરાબરીની ટીમોના ખેલાડીઓને પસંદ કરવા જોઈએ. પાકિસ્તાન હવે નબળું અને સરળ નિશાન બની ગયું છે. મારું સૂચન છે કે ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ..."

અંડર 19 એશિયા કપ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હરિફાઈ, ભારતીય ક્રિકેટ ટીમ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ, ભારતના વિજય બાદ વિવાદ કેમ, અર્જુન રાજપૂત, સમન્વય દ્રવીડ, આર્યવીર સહેવાગ, લક્ષ્ય રાયચંદાણી, ઉસ્માન,

ભારતીય ટીમની આવી પ્રતિક્રિયા પર કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલાં શ્વેતા સોની નામની એક યુઝરે લખ્યું, "ભારત અને પાકિસ્તાન ભલે એકબીજાના પ્રતિસ્પર્ધી હોય અને ક્રિકેટમાં મુકાબલો અત્યંત કઠિન હોય, પરંતુ આ પ્રકારના અભદ્ર, નીચસ્તરીય અને અત્યંત ઘૃણાસ્પદ વર્તન માટે તે કોઈ બહાનું બની શકે નહીં. ત્યાં જે વર્તન જોવા મળ્યું, તે એ નેતૃત્વની સંસ્કૃતિ દર્શાવે છે, જેને આ દેશે સામાન્ય બનાવી દીધી છે."

"આ ક્રિકેટ મૅચ છે, યુદ્ધ નહીં. થોડું ગૌરવ રાખો. થોડું શિષ્ટ વર્તન કરો. ભારતનું પ્રતિનિધિત્વ ગર્વ સાથે કરો, શરમ સાથે નહીં. કોઈ દેશની રમતસંસ્કૃતિ માત્ર એ વાતથી જ નથી ઝળકતી કે તેના ખેલાડીઓ કેવી રીતે જીતે છે, પરંતુ એ વાતથી પણ ઝળકે છે કે તેઓ હારનારા સાથે કેવું વર્તન કરે છે."

જોકે ઘણા લોકોએ ટીમ ઇન્ડિયાની ઉજવણી કરવાની રીતનું સમર્થન પણ કર્યું છે.

પત્રકાર અભિજિત મજૂમદારે 'X' પર લખ્યું, "ભારતની અંડર-19 ટીમે જીત બાદ પાકિસ્તાનને તેની જ શૈલીમાં જવાબ આપ્યો. યુદ્ધનું મેદાન હોય કે ક્રિકેટનું મેદાન, ભારત 10 ગણી વધુ શક્તિથી જવાબ આપશે. પોતાના યુવા ખેલાડીઓના આ ખુલ્લા આક્રમક વલણ પર ગર્વ છે."

મુક્કુ નામના એક યુઝરે લખ્યું, "પાકિસ્તાને લીગ મૅચમાં ભારતને હરાવ્યા બાદ ભારતીય ડ્રેસિંગ રૂમની સામે બિનજરૂરી આક્રમકતા દેખાડી હતી. હવે ભારતીય ટીમે ફાઇનલ મુકાબલો જીત્યા બાદ એ જ કર્યું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન