નીરજા ભનોટ : જ્યારે વિમાન હાઇજૅક થયા પછી 300 લોકોના જીવ બચાવ્યા અને ખુદ ગોળી ખાઈને જીવ આપ્યો

કૅપ્ટન સ્મિત મચ્છરની જેમ જ ભારતના વિમાનકર્મીઓની બહાદુરીનો એક કિસ્સો પહેલાં પણ ઇતિહાસમાં દર્જ થઈ ચૂક્યો છે, બીબીસી સ્મિત મચ્છર ગુજરાત ગુજરાતી ન્યૂઝ નીરજા  ભનોટ
ઇમેજ કૅપ્શન, કૅપ્ટન સ્મિત મચ્છરની જેમ જ ભારતના વિમાનકર્મીઓની બહાદુરીનો એક કિસ્સો પહેલાં પણ ઇતિહાસમાં નોંધાઈ ચૂક્યો છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 10 મિનિટ

ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ 1073માં ઘાયલ થયેલા ભારતીય નાગરિક કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની ચર્ચા થઈ રહી છે.

ઇઝરાયલી મુસાફર યાનિવ હાયુને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને જણાવ્યું હતું કે કૅપ્ટન મચ્છરે કથિતપણે બેહોશ થતાં પહેલાં પોતાની સૂઝબૂઝથી કૉકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો. તેનાથી અન્ય લોકો કૉકપિટમાં પ્રવેશી શક્યા હતા અને વિમાનને બચાવવામાં મદદ મળી હતી.

નેતન્યાહૂએ બાદમાં ઍક્સ પર વિમાનમાં કૅપ્ટન મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, જો કૉકપિટનો દરવાજો બંધ રહ્યો હોત, તો કોઈ પણ અંદર જઈને વિમાનને બચાવવામાં મદદ કરી શક્યું ન હોત.

તેમણે કહ્યું કે મચ્છરના નિર્ણયે વિમાનમાં સવાર દરેક વ્યક્તિના જીવ બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભારતીય વિમાનકર્મીઓની બહાદુરીની આવી જ એક કહાણી ઇતિહાસમાં નોંધાઈ ચૂકી છે.

આ કહાણી છે નીરજા ભનોટની. તેઓ 1986માં હાઇજૅક થયેલા પૅન એમ વિમાનમાં સિનિયર ફ્લાઇટ પર્સર હતાં.

નીરજાએ પોતાની સૂઝબૂઝ અને સાહસથી 300 થી વધુ લોકોના જીવ બચાવ્યા, પરંતુ તેઓ પોતે પણ હાઇજૅકર્સની ગોળીઓનો ભોગ બન્યાં હતાં.

જ્યારે કરાચીમાં હાઇજૅક થયું પૅન એમનું વિમાન

સૌથી જમણે નીરજા ભનોટ (ફાઇલ તસવીર) કૅપ્ટન સ્મિત મચ્છરની જેમ જ ભારતના વિમાનકર્મીઓની બહાદુરીનો એક કિસ્સો પહેલાં પણ ઇતિહાસમાં દર્જ થઈ ચૂક્યો છે, બીબીસી સ્મિત મચ્છર ગુજરાત ગુજરાતી ન્યૂઝ નીરજા  ભનોટ
ઇમેજ કૅપ્શન, સૌથી જમણે નીરજા ભનોટ (ફાઇલ તસવીર)

5 સપ્ટેમ્બર, 1986ના રોજ 'પૅન અમેરિકન વર્લ્ડ ઍરવૅઝ ફ્લાઇટ 73' એ મુંબઈથી કરાચી અને ફ્રૅન્કફર્ટ થઈને ન્યૂ યૉર્ક જઈ રહી હતી. કરાચીમાં વિમાનનું હાઇજૅક કરવામાં આવ્યું હતું.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિમાનમાં 360 મુસાફરો અને 19 ક્રૂ મૅમ્બર્સ હતા. ચારેય હાઇજૅકરોએ પોતાને અને વિમાનને ઉડાવી દેવાની યોજના બનાવી હતી.

નીરજાએ સૌથી પહેલાં પાઇલટ્સને હાઇજૅકની જાણ કરી હતી. ત્યારબાદ, પાઇલટ, કો-પાઇલટ અને ફ્લાઇટ ઍન્જિનિયર ઇમરજન્સી ઍક્ઝિટ દ્વારા વિમાનમાંથી બહાર નીકળી ગયા.

અપહરણકર્તાઓ સાથે 16 કલાકના સંઘર્ષ પછી, અંધારું થતાં નીરજાએ વિમાનનો ઇમર્જન્સી દરવાજો ખોલ્યો. ત્યારબાદ મુસાફરો બહાર નીકળવા લાગ્યા.

લગભગ બધા મુસાફરો બહાર નીકળી ગયા હતા, પરંતુ ત્રણ નાનાં બાળકો હજુ પણ વિમાનમાં ફસાયેલાં હતાં.

જ્યારે નીરજા બાળકોને બહાર લઈ જઈ રહ્યાં હતાં ત્યારે હાઇજૅકર્સે તેમને જોઈ લીધાં. બાળકો બચી ગયાં, પરંતુ નીરજા હાઇજૅકર્સની ગોળીઓથી બચી શક્યાં નહીં.

આ ઘટનામાં 22 લોકો માર્યા ગયા અને 150 લોકો ઘાયલ થયા હતા.

અહેવાલો અનુસાર, હાઇજૅકર્સ પેલેસ્ટિનિયન લડવૈયાઓ હતા, જેમાં મુખ્ય હાઇજૅકર ઝાયેદ હસન અબ્દુલ-લતીફ મસૂદ અલ-સફરિની હતો.

પાકિસ્તાને તેમને 2001માં યુએસ ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનને સોંપ્યા હતા. તેમને અમેરિકામાં પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 160 વર્ષની જેલની સજા ફટકારી હતી.

30 વર્ષ પછી ક્રૂ મેમ્બર્સે શું કહ્યું હતું?

ક્રૂ મેમ્બર્સે આ ઘટના વિશેના પોતાના અનુભવો વિગતવાર વર્ણવ્યા હતા.

2016 માં, પેન એમ 73 ના છ ક્રૂ સભ્યોએ હાઇજૅક થયાનાં 30 વર્ષ પછી પહેલી વાર મીડિયા સાથે વાત કરી હતી.

ફ્લાઇટ ઍટેન્ડન્ટ નુપુર અબ્રોલે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે, "મેં શરૂઆતમાં વિંગની ઍક્ઝિટ ખોલીને કેટલાક મુસાફરો સાથે વિમાનમાંથી કૂદી જવાનું વિચાર્યું. પરંતુ પછી મને લાગ્યું કે આનાથી અન્ય મુસાફરોના જીવ જોખમમાં મુકાશે."

તેમણે કહ્યું હતું કે, "મારા અને મારા સાથીદારો માટે હાઇજૅક હજુ પણ સમાપ્ત થયું નથી. કેટલાક ક્રૂ સભ્યો અને મુસાફરો હજુ પણ આ દુઃસ્વપ્નમાંથી બહાર આવવાની અને ઘટનાના રહસ્યો સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. "

હથિયારધારી માણસો વિમાનમાં કેવી રીતે ઘૂસ્યા?

નીરજા ભનોટ 1986માં જ પૅન એમ ઍરલાઇન્સમાં ઍરહોસ્ટેસ સ્વરૂપે ભરતી થયાં હતાં કૅપ્ટન સ્મિત મચ્છરની જેમ જ ભારતના વિમાનકર્મીઓની બહાદુરીનો એક કિસ્સો પહેલાં પણ ઇતિહાસમાં દર્જ થઈ ચૂક્યો છે, બીબીસી સ્મિત મચ્છર ગુજરાત ગુજરાતી ન્યૂઝ નીરજા  ભનોટ
ઇમેજ કૅપ્શન, નીરજા ભનોટ 1986માં જ પૅન એમ ઍરલાઇન્સમાં ઍરહોસ્ટેસ સ્વરૂપે ભરતી થયાં હતાં.

મુંબઈથી ઉડાણ ભર્યા પછી વિમાન સવારે છ વાગ્યાની આસપાસ કરાચી ઍરપૉર્ટ પર પહોંચ્યું. ચાર સશસ્ત્ર માણસો ઍરપૉર્ટની સુરક્ષા તોડીને વિમાનમાં ઘૂસી ગયા હતા અને ગોળીઓ ચલાવી.

નુપુરે જોયું હતું કે તેના એક સાથીદારના પગ પાસે ગોળી વાગી હતી. તેણે તેમને વિમાનનો દરવાજો બંધ કરવા માટે બૂમ પાડી.

સશસ્ત્ર માણસોએ ફ્લાઇટ ઍટેન્ડન્ટ શિરીન પવનને જોયાં ન હતાં. ગોળીબારનો અવાજ સાંભળીને તેઓ ઇન્ટરકૉમ પર પહોંચ્યાં અને કૉકપિટ ઇમરજન્સી નંબર ડાયલ કર્યો.

બીજા પ્રયાસમાં, પાઇલટે ફોન ઉપાડ્યો અને શિરીને હાઇજૅકિંગ વિશે માહિતી આપવા માટે કોડ બોલ્યો.

અન્ય એક ફ્લાઇટ ઍટેન્ડન્ટ સનશાઇન વેસુવાલાએ જોયું કે હાઇજૅકર્સને નીરજા ભનોટને પકડી લીધાં હતાં અને તેમનાં માથા પર બંદૂક તાકેલી હતી.

AK-47 અને ગ્રેનેડથી સજ્જ એક આતંકવાદીએ સનશાઇનને કૅપ્ટન પાસે લઈ જવા કહ્યું.

પરંતુ કૉકપિટ સંપૂર્ણપણે ખાલી હતી. સનશાઇને જોયું કે કૉકપિટમાં ઇજેક્શન સાધનો ખુલ્લા પડેલાં હતાં. કૉકપિટની છતમાં ઍક્ઝિટ હેચ પણ ખુલ્લો હતો.

પણ તેમણે એવું વર્તન કર્યું કે જાણે તેમણે આ બધું જોયું જ ન હોય.

તેમના મતે, એવું લાગી રહ્યું હતું કે હાઇજૅકર્સ વિમાનથી અજાણ હતા. તેથી તેમણે ઍક્ઝિટ માટેનાં રસ્તાઓ અને સાધનોની અવગણના કરી.

શું પાઇલટ્સના જવાથી ઘણા લોકોના જીવ બચી ગયા?

પાછળથી ઘણા લોકોએ પાઇલટ્સ દ્વારા વિમાનમાંથી બહાર નીકળવા અને મુસાફરોને એકલા છોડી દેવા બદલ ટીકા કરી હતી.

જોકે, ક્રૂના અન્ય સભ્ય દિલીપ બીડી ચંદાનીનું માનવું હતું કે પાઇલટ્સ વિમાનમાંથી બહાર નીકળી ગયા હોવાથી ઘણા લોકોના જીવ બચી ગયા.

તેમણે કહ્યું હતું કે, "પાઇલટ્સ વિમાન છોડીને જતા રહ્યા તેનો અર્થ એ થયો કે આપણે સંપૂર્ણપણે ઉગ્રવાદીઓની દયા પર નિર્ભર નહોતા. જો પાઇલટ્સ ત્યાં હોત, તો ઉગ્રવાદીઓ તેમને વિમાનને ઇમારત સાથે અથડાવાનું અથવા હવામાં જ ઉડાવી દેવાનું કહી શક્યા હોત."

ઉગ્રવાદીઓએ પાઇલટને સાયપ્રસ અને ઇઝરાયલ ઉપરથી વિમાન ઉડાડવા દબાણ કરવાની યોજના બનાવી હતી.

તેમના સંગઠનના કેટલાક અન્ય સભ્યોને સાયપ્રસ અને ઇઝરાયલમાં કેદ કરવામાં આવ્યા હતા. પાન અમેરિકન સર્વિસના કરાચી ડિરેક્ટર વિરાફ દરોગાએ મેગાફોન દ્વારા આતંકવાદીઓ સાથે વાટાઘાટો શરૂ કરી.

તેમણે ચાર હથિયારધારી માણસોને કહ્યું કે, તેઓ જ્યાં જવા માંગે ત્યાં એક પાઇલટ તેમને લઈ જશે. તેમણે કહ્યું કે ઍરપૉર્ટ અધિકારીઓ વિમાનમાં પાઇલટ મોકલવાનું વિચારી રહ્યા છે.

આ દરમિયાન, ઉગ્રવાદીઓએ 29 વર્ષીય અમેરિકન નાગરિક રાજેશકુમારને વિમાનમાં તેની સીટ પરથી ખેંચીને બહાર કાઢ્યા.

તેમને વિમાનના દરવાજા સુધી લઈ જવામાં આવ્યા, ઘૂંટણિયે પડવા માટે દબાણ કરવામાં આવ્યું, અને તેમના પર બંદૂક તાકવામાં આવી. જ્યારે એક કલાક સુધી કોઈ પાઇલટ ન પહોંચ્યો, ત્યારે ઉગ્રવાદીઓએ રાજેશકુમારને ગોળી મારીને વિમાનમાંથી બહાર ફેંકી દીધા.

સનશાઇને જણાવ્યું હતું કે, "આ ઘટનાએ વિમાનની અંદરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલી નાખ્યું. તે સ્પષ્ટ થઈ ગયું કે તેઓ નિર્દય હત્યારા હતા."

અમેરિકન મુસાફરોને બચાવવાના પ્રયાસો

વિમાનમાં છેલ્લે બાળકોને બચાવવાં ગયેલાં નીરજાને હાઇજૅકર્સે ગોળી મારી દીધી હતી કૅપ્ટન સ્મિત મચ્છરની જેમ જ ભારતના વિમાનકર્મીઓની બહાદુરીનો એક કિસ્સો પહેલાં પણ ઇતિહાસમાં દર્જ થઈ ચૂક્યો છે, બીબીસી સ્મિત મચ્છર ગુજરાત ગુજરાતી ન્યૂઝ નીરજા  ભનોટ
ઇમેજ કૅપ્શન, વિમાનમાં છેલ્લે બાળકોને બચાવવાં ગયેલાં નીરજાને હાઇજૅકર્સે ગોળી મારી દીધી હતી

હાઇજૅકિંગના લગભગ ચાર કલાક પછી, ઉગ્રવાદીઓએ અમેરિકન નાગરિકોની શોધ શરૂ કરી. તેમનું સંગઠન અબુ નિદાલ ઑર્ગેનાઇઝેશન એ મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઇઝરાયલની નીતિઓનો વિરોધ કરે છે.

સનશાઇન, માધવી બહુગુણા અને અન્ય ફ્લાઇટ ઍટેન્ડન્ટ્સે મુસાફરોના પાસપૉર્ટ એકઠા કરવાનું શરૂ કર્યું. પરંતુ તેમણે શાંતિથી એક રણનીતિ બનાવી. તેઓ અમેરિકન નાગરિકોના પાસપૉર્ટ એકઠા નહોતા કરતા જેથી કરીને હાઇજૅકર્સ તેમને ઓળખી ન શકે.

ક્રૂ મેમ્બર્સ શિરીન અને સનશાઇન તેમનો મોટાભાગનો સમય મુખ્ય હાઇજૅકર ઝાયેદ હસન અબ્દુલ-લતીફ સફારીની સાથે વિતાવતા હતા.

સફારીનીએ વિમાનની બહારનું નિરીક્ષણ કરવા માટે બંદૂકની અણીએ આ બંનેનો ઉપયોગ પોતાની સામે ઢાલ તરીકે કર્યો.

શિરીને કહ્યું હતું કે, "આવી સ્થિતિમાં તે મારા વાળ પકડીને બારી સાથે મારો ચહેરો દબાવી દેતો અને પૂછતો કે હું બહાર શું જોઈ શકું છું. તે કહેતો કે તેને અમેરિકન ફાઇટર પ્લેનનો ઇંતેજાર છે. "

ઍરક્રાફ્ટ મિકેનિક તરીકે કામ કરતા 28 વર્ષીય મેહરજી ખારસને ચરમપંથીઓએ રેડિયો દ્વારા અધિકારીઓનો સંપર્ક કરવા દબાણ કર્યું.

તેને હજુ પણ આશા હતી કે તેને વિમાન ઉડાડવા માટે કોઈ પાઇલટ મળશે.

સનશાઇને કહ્યું હતું કે સફારીનીએ તેની સાથે ઘણી વખત ફ્લર્ટ કર્યું હતું અને તેને તેની સાથે સાયપ્રસ જવાની ઑફર કરી હતી.

લાંબી રાહ જોયા પછી, ઉગ્રવાદીઓએ જાહેરાત કરી કે જો પાઇલટ નહીં આવે, તો તેઓ દર 15 મિનિટે એક મુસાફરને ગોળી મારી દેશે.

શિરીને જોયું કે મેહરજીની હત્યા થઈ ગઈ છે.

ભાગદોડ દરમિયાન, નુપુર અને માધવી વિમાનની પાંખ પરથી કૂદી પડ્યાં. લગભગ 20 ફૂટની ઊંચાઈથી પડી જવાથી તેમના હાડકાં તૂટી ગયાં હતાં.

સનશાઇન અને દિલીપ પણ પાંખ સુધી પહોંચ્યા, પરંતુ અંધારાને કારણે, તેઓ નક્કી કરી શક્યા નહીં કે તેઓ ક્યાં કૂદકો મારે. ત્યારબાદ ક્રૂએ ઇમર્જન્સી સ્લાઇડ દ્વારા મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું.

જ્યારે બધા મુસાફરો વિંગ પરથી બહાર નીકળી ગયા, ત્યારે ક્રૂ ફરીથી વિમાનમાં પ્રવેશ્યા. ત્યાં સુધીમાં ગોળીબાર બંધ થઈ ગયો હતો, અને તેમને ખબર નહોતી કે ઉગ્રવાદીઓ ક્યાં છે.

નીરજા કઈ હાલતમાં મળી આવ્યાં?

નીરજા ભનોટ કૅપ્ટન સ્મિત મચ્છરની જેમ જ ભારતના વિમાનકર્મીઓની બહાદુરીનો એક કિસ્સો પહેલાં પણ ઇતિહાસમાં દર્જ થઈ ચૂક્યો છે, બીબીસી સ્મિત મચ્છર ગુજરાત ગુજરાતી ન્યૂઝ નીરજા  ભનોટ
ઇમેજ કૅપ્શન, નીરજા ભનોટ

સનશાઇનને નીરજા વિમાનની અંદર મળ્યાં. તેમને કમરમાં ગોળી વાગી હતી અને તેમાંથી ખૂબ લોહી વહેતું હતું, પણ તેઓ ભાનમાં બતાં. સનશાઇને દિલીપને મદદ માટે બોલાવ્યા. બંને નીરજાને ઇમર્જન્સી સ્લાઇડ સુધી લઈ ગયા.

તેમણે પહેલાં નીરજાને સ્લાઇડ પરથી નીચે ઉતાર્યાં અને પછી તેની પાછળ પાછળ ગયાં. શિરીન અને તેમનાં સાથી રાની વાસવાણી વિમાનમાંથી બહાર નીકળનારા છેલ્લા બે બંધકો હતાં.

ત્રણેય અપહરણકર્તાઓ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ઍરપૉર્ટનાં સુરક્ષાદળોએ તેમને પકડી લીધાં હતાં.

જ્યારે પાકિસ્તાની સુરક્ષાદળો વિમાનની અંદર પહોંચ્યા ત્યારે સફારીની હજુ પણ વિમાનમાં જ હતો. નીરજાના સહકાર્યકરોએ કહ્યું હતું કે આપ્યો કે જ્યારે તેઓ કરાચીની જિન્નાહ હૉસ્પિટલમાં પહોંચ્યાં ત્યારે તેઓ હજુ પણ જીવિત હતાં.

સનશાઇને કહ્યું હતું કે, "જો નીરજાને ક્યાંક દૂર લઈ જવામાં આવ્યાં હોત અને યોગ્ય સારવાર આપવામાં આવી હોત, તો તેઓ આજે પણ જીવિત હોત."

દિલીપે કહ્યું હતું કે, "મેં ઍરપૉર્ટ પર ખૂબ જ ઓછી તબીબી સુવિધાઓ જોઈ. હૉસ્પિટલ ઍરપૉર્ટથી ઘણા કિલોમીટર દૂર હતી. નીરજાને સ્ટ્રેચર વિના ઍમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યાં હતાં. "

નીરજા પોતાના અંગત જીવનમાં પણ બહાદુર હતાં

નીરજા ભનોટ સાથે જોડાયેલી ઘણી વાતો તેમના ભાઈ અખિલ ભનોટે શૅર કરી હતી.

નીરજાનો જન્મ 7 સપ્ટેમ્બર,1963ના રોજ એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર, જેને પ્રેમથી "લાડો" કહીને બોલાવતો હતો. આ પરિવાર ચંદીગઢનો હતો. તેમના પરિવારમાં પિતા હરીશ ભનોટ, માતા રમા ભનોટ અને બે મોટા ભાઈઓ અનિશ અને અખિલ ભનોટ હતાં.

હરીશ ભનોટ 'હિંદુસ્તાન ટાઇમ્સ'માં પત્રકાર હતા.

જ્યારે નીરજા છઠ્ઠા ધોરણમાં હતી, ત્યારે તેમના પિતાની મુંબઈ બદલી થઈ ગઈ. તેમણે મુંબઈની બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને પછી ઝેવિયર્સ કૉલેજમાંથી સ્નાતક થયાં.

અખિલના મતે નીરજા એ નિર્ભય અને પોતાના વિચારો પ્રત્યે અડગ હતાં. તેમના પિતાની જેમ તેઓ પણ નિર્ભય હતાં અને તેમનાથી પ્રેરિત હતાં.

એકવાર, નીરજા અખિલ સાથે સ્કૂટર પર કૉલેજ જઈ રહ્યાં હતાં. રસ્તામાં, તેમણે એક માણસને તેની પત્નીને મારતા જોયો.

નીરજાએ સ્કૂટર રોક્યું અને જઈને તેમણે એ માણસનો હાથ પકડ્યો.

મહિલાએ નીરજાને પાછળ હઠી જવાનું કહ્યું અને કહ્યું કે આ તેમનો અંગત મામલો છે. આમ છતાં, નીરજાએ ત્યાંથી જવાની ના પાડી. અખિલે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને તેને ઘરે લઈ આવ્યા.

અખિલના મતે, નીરજાએ તે સમયે કહ્યું હતું કે, "આ જીવન કોઈને ખ્યાલ પણ નહીં આવે કે પસાર થઈ જશે. હું મારા સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન નહીં કરું. ત્યાં જે થઈ રહ્યું હતું તે હું સહન કરી શકતી નહોતી."

નીરજાએ મૉડેલિંગની દુનિયામાં કેવી રીતે પ્રવેશ કર્યો?

એક જાહેરાતમાં નીરજા ભનોટ કૅપ્ટન સ્મિત મચ્છરની જેમ જ ભારતના વિમાનકર્મીઓની બહાદુરીનો એક કિસ્સો પહેલાં પણ ઇતિહાસમાં દર્જ થઈ ચૂક્યો છે, બીબીસી સ્મિત મચ્છર ગુજરાત ગુજરાતી ન્યૂઝ નીરજા  ભનોટ
ઇમેજ કૅપ્શન, એક જાહેરાતમાં નીરજા ભનોટ

નીરજાએ અભ્યાસની સાથે સાથે મૉડેલિંગ પણ શરૂ કર્યું. અખિલ કહે છે કે જ્યારે તેમણે મૉડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ માત્ર 19 વર્ષનાં હતાં.

એક વાર, નીરજા તેમના મિત્રો સાથે કૉલેજની બહાર ઊભાં હતાં. તે સમયે બૉમ્બે નામનું એક મૅગેઝિન 'ગર્લ્સ નેક્સ્ટ ડોર' નામનો લેખ તૈયાર કરી રહ્યું હતું.

નીરજાએ મૅગેઝિન માટે ફોટો પડાવ્યો હતો. જ્યારે ફોટો પ્રકાશિત થયો, ત્યારે તેમને ઘણી જાણીતી કંપનીઓ તરફથી જાહેરાતોની ઑફર મળવા લાગી.

તેમણે 1980ના દાયકામાં વિવિધ કંપનીઓ માટે લગભગ 70થી 80 જાહેરાતો કરી.

અખિલ કહે છે કે નીરજા ખૂબ જ ઉત્સાહી હતી. તેમને સંગીત ખૂબ ગમતું હતું અને તે હંમેશાં લોકોને હસાવતાં હતાં.

એકવાર તેઓ હસવાં લાગ્યાં, તો તેમનાથી રોકી ન શકાયું. તેમની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં તોપણ તેઓ હસતાં હતાં.

જો પરિવારમાં કોઈ રડતું કે દુઃખી થતું, તો નીરજા કહેતાં, "પુષ્પા, આઇ હેટ ટીયર્સ"

તેઓ રાજેશ ખન્નાનાં ખૂબ મોટાં પ્રશંસક હતાં અને ઘણી વાર તેમની પંક્તિને ટાંકતાં હતાં, "બાબુમોશાય, જિંદગી બડી હોની ચાહિયે, લંબી નહીં..."

અખિલના મતે, નીરજા તેમના પિતાનો ખૂબ આદર કરતાં હતાં અને ક્યારેય તેમની દરખાસ્તનો ઇન્કાર કરતાં નહોતાં. 1985માં તેમના પિતાએ નીરજા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.

નીરજા લગ્ન કરવા માગતાં ન હતાં. આમ છતાં, તેણે તેના પિતાને ખુશ કરવા માટે તેમણે આ વાત સ્વીકારી. લગ્ન પછી, તેમના પતિ તેમને શારજાહ લઈ ગયા.

અખિલના જણાવ્યા મુજબ, નીરજા ત્યાં ફક્ત બે મહિના રહ્યાં અને તેમના પતિએ દહેજ માટે તેને ત્રાસ આપ્યો. ખૂબ જ દુઃખી થઈને, નીરજા કોઈ બહાનું બનાવીને મુંબઈ પાછા ફર્યાં. મુંબઈ પાછા ફર્યા પછી, તેમણે ફરીથી મૉડેલિંગ શરૂ કર્યું.

ઍર હૉસ્ટેસ બનવાની તક

નીરજા તેમના પિતાની વાત બહુ માનતા હતા અને ટાળતાં નહોતાં કૅપ્ટન સ્મિત મચ્છરની જેમ જ ભારતના વિમાનકર્મીઓની બહાદુરીનો એક કિસ્સો પહેલાં પણ ઇતિહાસમાં દર્જ થઈ ચૂક્યો છે, બીબીસી સ્મિત મચ્છર ગુજરાત ગુજરાતી ન્યૂઝ નીરજા  ભનોટ
ઇમેજ કૅપ્શન, નીરજા તેમના પિતાની વાત બહુ માનતા હતા અને ટાળતાં નહોતાં

નીરજાની એક મિત્રએ પેન એમમાં ઍર હૉસ્ટેસ તરીકે નોકરી માટે અરજી કરી હતી. તેણે વિનંતી કરી કે નીરજા ઇન્ટરવ્યૂમાં તેની સાથે આવે અને તેના મૅકઅપમાં મદદ કરે.

ત્યાં જ ઍરલાઇનના કોઈએ નીરજાને જોયાં અને તેમને પેન એમમાં નોકરી માટે અરજી કરવાની સલાહ આપી.

નીરજાની પસંદગી થઈ અને તેમને તાલીમ માટે મિયામી મોકલવામાં આવ્યાં. મિયામીમાં તાલીમ દરમિયાન, તેમને પર્સરના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું.

નીરજા 1986માં પેન એમમાં જોડાયાં હતાં. જે દિવસે વિમાનનું અપહરણ થયું એ દિવસે તેમની સાતમી ફ્લાઇટ હતી. નીરજાને એક દિવસની રજા હતી. ફરજ પરના અન્ય ક્રૂ મૅમ્બર બીમાર પડી ગયા હતા.

ત્યારબાદ નીરજાને ફરજ પર હાજર થવા વિનંતી કરવામાં આવી, અને તેઓ સહમત થઈ ગયાં. હાઇજૅકના લગભગ એક અઠવાડિયા પહેલાં જ નીરજા આવી પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી તેની તાલીમ લઈને લંડનથી પાછાં ફર્યાં હતાં.

જન્મદિવસે મૃતદેહ ઘરે પહોંચ્યો

નીરજા ભનોટનાં માતા રમા ભનોટ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ પાસેથી સન્માન સ્વીકારી રહ્યાં છે કૅપ્ટન સ્મિત મચ્છરની જેમ જ ભારતના વિમાનકર્મીઓની બહાદુરીનો એક કિસ્સો પહેલાં પણ ઇતિહાસમાં દર્જ થઈ ચૂક્યો છે, બીબીસી સ્મિત મચ્છર ગુજરાત ગુજરાતી ન્યૂઝ નીરજા  ભનોટ
ઇમેજ કૅપ્શન, નીરજા ભનોટનાં માતા રમા ભનોટ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ પાસેથી સન્માન સ્વીકારી રહ્યાં છે

હાઇજૅક થયેલી ફ્લાઇટમાં ચઢતા પહેલાં, નીરજાએ એક જાહેરાત શૂટ કરી હતી. તેઓ રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યાં હતાં અને તેમના પરિવાર સાથે શૂટની વિગતો શૅર કરી.

આ સમય દરમિયાન તેના જન્મદિવસ વિશે ચર્ચાઓ શરૂ થઈ. નીરજાએ કહ્યું હતું કે આ વખતે તેઓ તેમનો જન્મદિવસ મિત્રો સાથે નહીં પરંતુ ફક્ત પરિવાર સાથે ઉજવશે.

અખિલે બીબીસીને કહ્યું હતું કે, "પરંતુ તેમનો મૃતદેહ તેમના જન્મદિવસે ઘરે આવ્યો."

નીરજાની બહાદુરી માટે, ભારત સરકારે તેમને 1987માં અશોક ચક્ર એનાયત કર્યો હતો. પાકિસ્તાન સરકારે તેમને તમગા-એ-પાકિસ્તાન અને અમેરિકાની સરકારે તેમને વીરતા પુરસ્કાર એનાયત કર્યો હતો.

2016માં સોનમ કપૂર અભિનીત 'નીરજા' નામની તેમના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી હતી. ફિલ્મની રજૂઆત પહેલાં, સોનમ કપૂરે એક મુલાકાતમાં નીરજાની માતા પાસેથી સાંભળેલી એક વાત શૅર કરી હતી.

જ્યારે નીરજાનાં માતા રમા ભનોટ અશોક ચક્ર સ્વીકારવા ગયાં ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે તેમને પૂછ્યું કે તેઓ કેમ રડી રહ્યાં છે. તેમણે કહ્યું કે તેમને આવા સંતાન હોવાનો ગર્વ હોવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન