ગુજરાત : તાલાળામાં જ કેમ આવે છે વારંવાર ભૂકંપના આંચકા, શું ગિરનાર ફૉલ્ટ લાઇન બની રહી છે આ ધ્રુજારીનું કારણ?

ઇમેજ સ્રોત, Institute of Seismological Research, Gandhinagar
ગીર સોમનાથના તાલાળા તાલુકામાં ગયા મહિને પાંચ દિવસમાં ત્રણ વાર ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
21, 24 અને 25 ઑક્ટોબરના રોજ આ ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપનાં કેન્દ્રબિંદુઓ તાલાળા શહેરથી 10થી 14 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશાએ આવેલાં ભોજદે, ચિત્રોડ અને ભાલછેલ ગામોમાં હતાં. આ માહિતી ગુજરાત સરકાર સંચાલિત 'સિસ્મોલૉજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (ISR)ના રેકૉર્ડમાં દર્શાવવામાં આવી છે.
આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર અનુક્રમે 2.8, 2.9 અને 2.9 નોંધાઈ હતી. આથી જાનમાલનું કોઈ નુકસાન થયું નહોતું.
જોકે, ISRના વૈજ્ઞાનિકો જણાવે છે કે તાલાળામાં થોડા-થોડા દિવસોના અંતરે ભૂકંપ આવવાનો આ પહેલો બનાવ નથી. ત્યાં છેલ્લાં ઘણાં વર્ષોથી આવી ઘટનાઓ લગભગ નિયમિત રીતે નોંધાતી રહી છે.
ભૂકંપશાસ્ત્રીઓના મતે, આ માટે તે વિસ્તારની ભૂરચના અને વાતાવરણીય પરિબળો જવાબદાર છે. તેમણે ચેતવણી આપી છે કે, ભવિષ્યમાં પણ ત્યાં આવા ભૂકંપ થતાં રહેવાની શક્યતા છે.
જોકે, આ વિસ્તારમાં કોઈ મોટો ભૂકંપ આવે તેવી શક્યતા બહુ ઓછી હોવાની હૈયાધારણ પણ તેમણે આપી છે.
તાલાળામાં કેમ અવારનવાર ભૂકંપ આવે છે?
'સિસ્મોલૉજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (ISR) ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિભાગ હેઠળ કામ કરે છે. આ સંસ્થાના ઇન્ન્ચાર્જ ડાયરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજાએ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, તાલાળામાં થઈ રહેલી ભૂગર્ભીય હલચલથી લોકોએ ડરવાની જરૂર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું હતું કે, "તાલાળામાં ભૂકંપના આંચકા વધુ આવે છે, પરંતુ તેની તીવ્રતા ઓછી હોય છે. સામાન્ય રીતે એવું મનાય છે કે નાના-નાના ભૂકંપ આવનારા મોટા ભૂકંપનો સંકેત હોઈ શકે છે. પરંતુ તાલાળાના કિસ્સામાં આ વાત લાગુ પડતી નથી, તેવું અમારાં સંશોધનોથી સાબિત થયું છે."
ISRના વૈજ્ઞાનિક ડૉ. સિદ્ધાર્થ પ્રિઝમવાળાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "સૌરાષ્ટ્રમાં જમીન નીચે 'ડેક્કન ટ્રૅપ' એટલે કે લાવાના ખડકો આવેલા છે. તેમાં ઘણીબધી તિરાડો છે અને તેનું ખૂબ ખવાણ થયેલું છે. આથી જો જમીનમાં પાણી ઊતરે, તો તે ખડકોના નીચલા ભાગમાં દબાણ વધારે છે. તેના કારણે ખડકોનો નીચલો ભાગ તૂટવા લાગે છે અને ભૂકંપ આવે છે."
ડૉ. પ્રિઝમવાળાએ વધુમાં જણાવ્યું હતું કે, "તાલાળા વિસ્તારમાં ચોમાસા પછી પાણી જમીનમાં ઊતરતાં ભૂગર્ભજળના સ્તરમાં વધારો થાય છે. જમીનમાં ઊતરેલાં આ પાણીનું વજન ખડકો પર દબાણ વધારે છે."
તેમણે ઉમેર્યું હતું કે, "આ વિસ્તારના ખડકોના નીચલા ભાગ પર પડતા દબાણમાં સહેજ વધારો થાય તો નીચલા ખડકો તૂટવા લાગે છે. અહીં ગિરનાર ફૉલ્ટ નામની એક મોટી તિરાડ પણ છે, જેમાં આવી હલચલ ચાલુ રહે છે. ખાસ કરીને ચોમાસા પછી આ હલચલ જોવા મળે છે. આથી તેને 'ચોમાસા-પ્રેરિત ભૂગર્ભીય હલચલ' કહેવામાં આવે છે. તાલાળામાં નોંધાયેલા મોટા ભાગના ભૂકંપ ચોમાસા પછીના મહિનાઓમાં જ આવ્યા છે."
વૈજ્ઞાનિકોએ તાલાલાના ભૂકંપ પર કર્યું સંશોધન

ઇમેજ સ્રોત, Indian Academy of Sciences
ISRના અન્ય એક વૈજ્ઞાનિક ડૉ. દિલીપસિંહ કુશ્વાહા અને તેમની ટીમે તાલાળા વિસ્તારની ભૂરચના વિશે સંશોધન કર્યું છે. આ વિશે તેમણે 2021માં એક સંશોધનપત્ર પ્રકાશિત કર્યું હતું.
આ સંશોધન માટે તેમણે કેશોદ નજીકના સેંદરડા ગામથી શરૂ કરીને તાલાળા નજીકના હડમતિયા ગીર ગામ સુધીનો 62 કિલોમીટર લાંબો પટ્ટો પસંદ કર્યો હતો. આ પટ્ટામાં તેમણે 16 જેટલાં 'મેગ્નેટોટેલ્યુરિક સ્ટેશનો' સ્થાપ્યાં હતાં.
આ સ્ટેશનો દ્વારા પૃથ્વીના ચુંબકીય અને વીજક્ષેત્રોમાં થતા ફેરફારો નોંધવામાં આવ્યા હતા. તેના આધારે જમીન નીચે રહેલા પથ્થરો, પ્રવાહી અને તિરાડો વગેરેનો અંદાજ મેળવવામાં આવ્યો હતો.
સંશોધન બાદ ડૉ. કુશ્વાહા અને તેમની ટીમ એ તારણ પર આવ્યા કે, તાલાળા નજીકના હિરણવેલ ગામ નીચે 'ડેક્કન ટ્રૅપ' એટલે કે બેસાલ્ટ રૉક (ખડક) આવેલો છે. સ્થાનિક લોકો આ પથ્થરને 'કાળમીંઢ પથ્થર' પણ કહે છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની નીચે આ પ્રકારના જ પથ્થરો આવેલા છે.
પરંતુ સંશોધકોએ નોંધ્યું કે. હિરણવેલમાં ડેક્કન ટ્રૅપની નીચે આવેલા ગ્રેનાઇટ પથ્થરના સ્તરમાં એક મોટું ભંગાણ (તિરાડ) છે. તે જ રીતે જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકના અજાબ ગામ પાસે પણ આવું જ બીજું એક ભંગાણ આવેલું છે.
ડૉ. કુશ્વાહાના જણાવ્યા અનુસાર, જમીન નીચે રહેલા આ ભંગાણને કારણે જ તાલાળામાં અવારનવાર ભૂકંપ આવે છે.
ગિરનાર ફૉલ્ટ લાઇન કેવી રીતે ભૂકંપનું કારણ બને છે?

ઇમેજ સ્રોત, Institute of Seismological Research, Gandhinagar
ખડકોમાં આવેલા ભંગાણને અંગ્રેજીમાં 'ફૉલ્ટ' કહે છે, જ્યારે તિરાડને 'ફ્રૅક્ચર' કહેવાય છે. ડૉ. કુશ્વાહા અને તેમની ટીમે તાલાળા નજીકના ભંગાણને 'ગિરનાર ફૉલ્ટ' નામ આપ્યું છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડૉ. કુશ્વાહાએ કહ્યું હતું કે, "તાલાળામાં ગિરનાર ફૉલ્ટ ઉપરાંત અન્ય ફ્રૅક્ચર્સ (તિરાડો) પણ છે. તેના વાટે ચોમાસાનું પાણી જમીનમાં પાંચેક કિલોમીટર સુધી ઊંડે ઊતરે છે. તેના કારણે જમીન નીચે રહેલા પથ્થરો તૂટવા લાગે છે અને ભૂકંપ આવે છે."
અન્ય કેટલાક વૈજ્ઞાનિકોએ તાલાળાથી થોડે દૂર આવેલા તુલસીશ્યામના ગરમ પાણીના ઝરાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નોંધ્યું છે કે આ વિસ્તારમાં પૃથ્વીના પેટાળની ગરમીનો પ્રવાહ વધુ હોઈ શકે છે. પરિણામે ખડકો નીચે દબાણમાં સહેજ વધારો થાય તો ભૂકંપ આવે છે.
ડૉ. કુશ્વાહાએ સમજાવ્યું હતું કે, "કચ્છ ફૉલ્ટમાં પણ આ પ્રકારે દબાણમાં ફેરફારો થતા રહે છે. પરંતુ ત્યાં જમીન નીચે રેતીના પથ્થરો આવેલા છે, જે નાની-નાની ધ્રુજારીને શોષી લે છે."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "બીજી તરફ ડેક્કન ટ્રૅપ સખત ખડક હોવાથી નાનું કંપન પણ જમીનની સપાટી સુધી પહોંચી જાય છે અને તાલાળા વિસ્તારમાં અનુભવાય છે. વળી, કંપનથી ઉત્પન્ન થયેલી ઊર્જા સખત ખડકોમાં શોષાતી નથી. આથી તે પૃથ્વીની સપાટી સુધી પહોંચીને હવામાં ધડાકાભેર ફેલાય છે. આ જ કારણે તાલાળામાં ભૂકંપ વખતે લોકોને ધડાકા પણ સંભળાય છે."
નાના ભૌગોલિક વિસ્તારમાં ટૂંકા સમયગાળામાં ઓછી તીવ્રતાના અનેક ભૂકંપ આવે, તો તેને 'સ્વૉર્મ ઍક્ટિવિટી' કહેવામાં આવે છે.
ડૉ. કુશ્વાહાએ ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં તાલાળા જેવી ભૂકંપની સ્વૉર્મ ઍક્ટિવિટી ભાવનગર તેમજ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પણ નોંધાઈ હતી.
તાલાળામાં શક્તિશાળી ભૂકંપ આવી શકે?
ડૉ. કુશ્વાહાના જણાવ્યા અનુસાર, તાલાળામાં નવેમ્બર 2007માં 4.8 અને 5ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. ત્યારબાદ જૂન 2011માં 5.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન તેનાથી ઓછી તીવ્રતાના સેંકડો આંચકા પણ અનુભવાયા હતા.
ડૉ. કુશ્વાહા જણાવે છે કે, વર્ષ 2001માં આવેલા કચ્છના વિનાશક ભૂકંપના કેન્દ્રબિંદુથી તાલાળા આશરે 200 કિલોમીટર દૂર આવેલું છે. જોકે, તાલાળા એક 'ઍક્ટિવ સિસ્મિક રિજન' એટલે કે સક્રિય ભૂકંપ વિસ્તાર ગણાય છે.
તેઓ કહે છે, "તાલાળાને મોટો ફાયદો એ છે કે તે 'સૌરાષ્ટ્ર હૉર્સ્ટ'નો એક ભાગ છે. હૉર્સ્ટ એટલે કાચબાની ઢાલ જેવા આકારનું સખત પથ્થરનું આવરણ. આવા વિસ્તારમાં મોટા ભૂકંપ આવવાની શક્યતા બહુ ઓછી હોય છે. અહીં નાના-નાના ભૂકંપ આવવાથી પૃથ્વીના પેટાળમાંથી દબાણ સતત બહાર નીકળતું રહે છે. આથી મોટા ભૂકંપ માટે જરૂરી ઊર્જા એકઠી થઈ શકતી નથી."
તેમણે ઉમેર્યું હતું કે, તાલાળામાં આવતા ભૂકંપ સામાન્ય રીતે જમીનની સપાટીથી 3થી 5 કિલોમીટરની ઊંડાઈએ જ સર્જાય છે. આ કારણે તેની તીવ્રતા અને ઊર્જા ઓછી રહે છે. જો ભૂકંપ પૃથ્વીના પેટાળમાં વધુ ઊંડાઈએ સર્જાય, તો તે વધુ શક્તિશાળી સાબિત થઈ શકે છે.
ડૉ. પ્રિઝમવાળા પણ આવો જ મત વ્યક્ત કરતાં કહે છે, "સૌરાષ્ટ્રના ખડકોમાં રહેલી તિરાડો પ્રેશર કૂકરના વાલ્વ જેવું કામ કરે છે. જો કૂકરમાં વાલ્વ ન હોય અને વરાળ સતત વધતી રહે, તો તે ઢાંકણું તોડીને બહાર ફેંકાય છે."
તેમણે દાખલો આપતાં સમજાવ્યું હતું કે, "પરંતુ જો વાલ્વ હોય, તો દબાણ વધતાં જ વરાળ બહાર નીકળી જાય છે. તેનાથી કૂકર અને ઢાંકણું બંને સુરક્ષિત રહે છે. તાલાળાના ભૂગર્ભમાં પણ આવી જ કુદરતી વ્યવસ્થા કામ કરી રહી છે."
દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. બીબીસી ગુજરાતી સાથે વધુ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "ગયા મહિને તાલાળામાં ભૂકંપના આંચકા નોંધાયા બાદ લોકોમાં ડર ન ફેલાય તે માટે અમારા વૈજ્ઞાનિકોએ લોકજાગૃતિના કાર્યક્રમો કર્યા છે."
તેમણે ઉમેર્યું હતું કે, "અમે લોકોને સાચી પરિસ્થિતિની માહિતી આપી છે. તાલાળામાં મોટો ભૂકંપ આવવાની કોઈ પણ શક્યતા નથી તે બાબત પણ લોકોને સ્પષ્ટપણે સમજાવવામાં આવી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























