ફ્લાયદુબઈ વિમાન દુર્ઘટના : કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનારા કો-પાઇલટની ઓળખ અને ઇરાદા વિશે વિદેશી મીડિયામાં કેવી છે ચર્ચા?

ઇમેજ સ્રોત, UGC
દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય કૅપ્ટન પર હુમલો કરી વિમાનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો આરોપ જે કો-પાઇલટ પર મુકાઈ રહ્યો છે, તેના વિશે હવે ઘણી બાબતો સામે આવી રહી છે.
આરોપ છે કે તે કો-પાયલટ વિમાનને ક્રૅશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે કો-પાઇલટ ઓમાની નાગરિક છે.
જોકે, ફ્લાયદુબઈએ હજુ સુધી કો-પાઇલટની રાષ્ટ્રીયતા વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં કો-પાઇલટને લઈને ઘણી વાતો સામે આવી રહી છે. એબીસી ન્યૂઝે પોતાના અહેવાલમાં લખ્યું છે, 'કો-પાઇલટ ઓમાનનો નાગરિક છે. તેને ઓમાન ઍર દ્વારા સુરક્ષા જોખમ તરીકે ચિન્હિત કરવામાં આવ્યો હતો અને ફ્લાઇટ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.'
એબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું કે, 2024માં ઓમાન ઍરમાં કો-પાઇલટ ટ્રેની તરીકે કામ કરતી વખતે હમામ અલ હમામી પાસેથી ઉગ્રવાદથી જોડાયેલી સામગ્રી મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમ છતાં તેને ઍરલાઇનમાં વહીવટી ભૂમિકામાં કામ કરવાનું ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
એબીસી ન્યૂઝે લખ્યું, "સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓ હજુ પણ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શંકાસ્પદ હુમલાખોરે ફ્લાયદુબઈ માટે ઉડાન ભરવાની પરવાનગી કેવી રીતે મેળવી અને તે ફર્સ્ટ ઑફિસર તરીકે ઇઝરાયલ જનારા વિમાનના કૉકપીટમાં કેવી રીતે પહોંચ્યો."
સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ હમામીને ગુરુવારે સાઉદી અરેબિયાથી સંયુક્ત આરબ અમીરાત લાવવામાં આવ્યો હતો.
તપાસથી પરિચિત સૂત્રોએ જણાવ્યું હતું કે તે ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને "સહયોગ" કરી રહ્યો છે અને તેણે સંકેત આપ્યો હતો કે તે ઇઝરાયલમાં વિમાન ક્રૅશ કરવાનો ઇરાદો ધરાવતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્લાયદુબઈ, ઓમાન ઍર અને ઓમાન દૂતાવાસના પ્રતિનિધિઓએ એબીસી ન્યૂઝની ટિપ્પણી માટેની વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.
હુમલો કરનાર કો-પાઇલટ પહેલાં ક્યાં કામ કરતો હતો?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફ્લાયદુબઈએ શુક્રવારે તેના મુખ્ય કાર્યકારી અધિકારીને ટાંકીને એક નિવેદન બહાર પાડ્યું હતું.
તેમાં જણાવવામાં આવ્યું કે, અધિકારીઓના અનુરોધ પર ફ્લાયદુબઈએ આગામી સૂચના સુધી તેલ અવીવ માટેની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.
નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું, "સંબંધિત અધિકારીઓના નેતૃત્વમાં અને ફ્લાયદુબઈના સંપૂર્ણ સહયોગથી સત્તાવાર તપાસ ચાલી રહી છે."
"આ એક મોટી દુર્ઘટના ટળી છે, જ્યારે વિમાનના કૅપ્ટન સ્મિત મચ્છરે હુમલાખોરનો સામનો કર્યો અને ઘણા મુસાફરોએ તેને કાબૂમાં કરી લીધો. હુમલાખોરે આ દરમિયાન વિમાનને ઝડપથી નીચે તરફ લઈ જવાનું શરૂ કરી દીધું હતું."
વૉલ સ્ટ્રીટ જર્નલે પણ આ અહેવાલ આપ્યો હતો. ડબ્લ્યુએસજેએ લખ્યું છે કે, "પ્રતિબંધ હોવા છતાં પાઇલટને ફ્લાયદુબઈએ નોકરી પર રાખ્યો હોવાનું કહેવાય છે. તેને યુએઈ અને ઇઝરાયલ વચ્ચેના આ સંવેદનશીલ રૂટ પર ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. તપાસથી વાકેફ અન્ય લોકોએ જણાવ્યું કે કથિત હુમલાખોર ઓમાનનો નાગરિક છે અને તેનું નામ હમામ અલ-હમામી છે. ઓમાને પાઇલટના કથિત કટ્ટરપંથ તરફ આગળ વધવા અંગેની ચિંતાઓ અન્ય દેશો કે ઍરલાઇન્સ સાથે શૅર કરી હતી કે કેમ તે જાણી શકાયું નથી. તેના કથિત કટ્ટરપંથની પ્રકૃતિ સ્વરૂપ વિશે પણ હજુ જાણકારી મળી શકી નથી."
વૉલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, આ ઘટનાની તપાસ યુએઈ દ્વારા કરવામાં આવી રહી છે. યુએઈના પ્રવક્તાએ ઓમાનમાં હુમલાખોરના ભૂતકાળના રેકૉર્ડ પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરતા કહ્યું કે આવું કરવાથી તપાસના પરિણામ વિશે પૂર્વગ્રહ રાખવાથી કે પ્રક્રિયામાં દખલ કરવાથી બચી શકાય છે.
શુક્રવારે, યુએઈના રાષ્ટ્રપતિના વરિષ્ઠ રાજદ્વારી સલાહકાર અનવર મોહમ્મદ ગર્ગાશે પહેલી વાર ફ્લાયદુબઈ વિમાનને કથિત રીતે હાઇજૅક કરવાનો પ્રયાસ કરનાર કૃત્યને 'આતંકવાદી કૃત્ય' ગણાવ્યું
ગર્ગાશે ઍક્સ પર લખ્યું "પાઇલટ સ્મિત મચ્છર પ્રશંસાને પાત્ર છે. તેમણે ગંભીર આતંકવાદી ખતરા અને સંભવિત આપત્તિનો સામનો કરીને સાચી હિંમત અને જવાબદારી દર્શાવી છે"
ગર્ગાશે કહ્યું, "ઘટનાઓની સરળ વ્યાખ્યાઓ કે કાવતરાંના સિદ્ધાંતોથી પ્રસારથી ઉપર, ઉગ્રવાદ અને આતંકવાદનાં જોખમો સામે લડવામાં સતર્કતા અને સાવધાની રાખવી અત્યંત જરૂરી છે."
જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું, "હુમલાખોરનો ઇસ્લામિક કટ્ટરવાદ તરફ ઝુકાવ હતો. તે વિમાનમાં સવાર મુસાફરો સાથે વિમાનને દુર્ઘટનાગ્રસ્ત કરવાના ઇરાદાથી આવ્યો હતો."

ઉડ્ડયન સુરક્ષા વિશ્લેષકોએ કહ્યું છે કે, આ ઘટના સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી દર્શાવે છે.
તેમણે કહ્યું કે તપાસમાં થયેલી કોઈ ભૂલના કારણે હથિયાર વિમાન સુધી પહોંચી શકે છે, પરંતુ કોઈ હુમલાના ઇરાદાથી આવેલા વ્યક્તિની ઓળખ ઍરપૉર્ટ પહોંચતા પહેલાં જ થઈ જવી જોઈતી હતી અને તેને રોકવામાં આવવો જોઈતો હતો.
નેતન્યાહૂએ કહ્યું કે ફ્લાઇટ દરમિયાન શું બન્યું તેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ રહ્યું છે.
વડા પ્રધાને કહ્યું કે, હુમલાખોર ઓમાનનો નાગરિક હતો, પરંતુ તેની ઓળખ સાથે જોડાયેલી અન્ય માહિતીઓ હજુ સ્પષ્ટ નથી.
વડા પ્રધાને કહ્યું કે, ઇઝરાયલ એ તપાસ કરી રહ્યું છે કે પાઇલટે આ બધું એકલા કર્યું હતું કે તે કોઈ અન્ય સાથે મળીને કામ કરી રહ્યો હતો.
શુક્રવારે, કૅપ્ટન સ્મિત મચ્છરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું કે, જ્યારે બીજો પાઇલટ સતત તેમના પર હુમલો કરી રહ્યો હતો, ત્યારે તેમણે ફ્લૉર પર સૂઈને કૉકપીટનો દરવાજો ખોલી દીધો હતો.
સ્મિત મચ્છરે કહ્યું "તે સમયે હું મારી જાન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. હું એટલો ખરાબ રીતે ઘાયલ થઈ ગયો હતો કે નીચે પડી ગયો હતો અને મને યાદ છે કે, હું વિચારી રહ્યો હતો કે જો હું ઊભો ન થઈ શક્યો તો શું થશે. મને તે સમયે ખબર હતી કે મારે ફક્ત ધક્કો મારવાનો છે, દરવાજો બરાબર ત્યાં જ હતો. પછી મેં તેને ખોલી દીધો અને બધા લોકો અંદર આવી ગયા."
ગુરુવારે વિમાનના કૅપ્ટન અને કો-પાઇલટને સાઉદી અરેબિયાથી યુએઈ લાવવામાં આવ્યા હતા.
વિમાનનું સાઉદી અરેબિયામાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઇઝરાયલને આશા છે કે તે હુમલાખોરની પૂછપરછ કરી શકશે.

ઇમેજ સ્રોત, Getty Images
સીએનએનના રિપોર્ટમાં અનેક નવી માહિતી
અમેરિકન પ્રસારક સીએનએને પોતાના રિપોર્ટમાં લખ્યું છે, "ફ્લાયદુબઈ ફ્લાઇટમાં કૅપ્ટન પર હુમલો કરવાના શંકાસ્પદ પાઇલટને ઓમાનની રાષ્ટ્રીય ઍરલાઇનમાં તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ બાબતથી પરિચિત બે સૂત્રોએ સીએનએનને જણાવ્યું હતું કે તેના ઉગ્રવાદી વિચારો અંગે ચિંતા વ્યક્ત થયા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું."
સીએનએનએ લખ્યું, "એક સૂત્ર મુજબ, પાઇલટ ઓમાનનો નાગરિક છે અને તેનું નામ હમામ અલ-હમામી છે. સૂત્રએ જણાવ્યું કે, તેનો જન્મ યુનાઇટેડ આરબ અમીરાતમાં થયો હતો. તેના પિતા ઓમાની અને માતા સીરિયન છે. તેણે પોતાના જીવનનાં ઘણાં વર્ષો યુએઈમાં વિતાવ્યાં છે. એક ઇઝરાયલી અધિકારીએ પણ અલ-હમામીની ઓળખની પુષ્ટિ કરી છે. સાઉદી અરેબિયાના સરકારી મીડિયાએ પણ તેની ઓળખની પુષ્ટિ કરી છે."
સીએનએનએ લખ્યું, "હમામ અલ-હમામીના નામથી હાજર એક લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેણે ઓમાન ઍરમાં સાત વર્ષ સુધી કામ કર્યું અને ફેબ્રુઆરી 2025માં ત્યાંથી નોકરી છોડી. ત્યારબાદ તેણે જૂન 2025માં રૉયલ ઍર મૅરોકમાં કામ શરૂ કર્યું અને જાન્યુઆરી 2026માં ત્યાંથી નીકળી ગયો. પ્રોફાઇલમાં ફ્લાયદુબઈનો કોઈ ઉલ્લેખ નહોતો."
એક સૂત્રએ પુષ્ટિ આપી કે, આ પ્રોફાઇલ બુધવારની ઘટનામાં સામેલ ફ્લાયદુબઈના પાઇલટની જ છે. ત્યારબાદ આ પ્રોફાઇલ હટાવી લેવામાં આવી અને સીએનએને ટિપ્પણી માટે લિંક્ડઇનનો સંપર્ક કર્યો છે.
સીએનએને લખ્યું છે, "આ દરમિયાન, મામલાથી પરિચિત એક સ્થાનિક રાજદ્વારી સૂત્રએ સીએનએનને જણાવ્યું કે શંકાસ્પદને તેના કટ્ટરપંથી વિચારોને લઈને ઊઠેલી ચિંતાઓના કારણે ઉડાન પ્રશિક્ષણથી હટાવી દેવામાં આવ્યો હતો અને ઓમાનની રાષ્ટ્રીય ઍરલાઇનમાં તેને બીજી ભૂમિકા આપવામાં આવી હતી.''
સીએનએનના રિપોર્ટ મુજબ, "લિંક્ડઇન પ્રોફાઇલ પર માત્ર બે પોસ્ટ કરવામાં આવી હતી અને બંને બુધવારે ઘટનાના લગભગ નૌ કલાક પછી થોડા અંતરાલમાં પ્રકાશિત થઈ. તે સ્પષ્ટ નથી કે આ પોસ્ટ કોણે પ્રકાશિત કરી કે શું તેમને પહેલાથી શેડ્યૂલ કરવામાં આવી હતી. પહેલી પોસ્ટમાં બૉઇંગ 737 મૅક્સ વિમાનના કૉકપીટમાં બનાવવામાં આવેલી ઘણી વીડિયો ક્લિપ સામેલ હતી. બુધવારની ઘટનામાં સાઉદી અરેબિયા તરફ વાળવામાં આવેલા વિમાનમાં ફ્લાયદુબઈનું 737 મૅક્સ 8 વિમાન હતું."
એક ક્લિપમાં, જેને સીએનએને દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટની ગણાવી છે, વીડિયો બનાવનાર વ્યક્તિ એક એવા વિમાન પર ઝૂમ કરે છે જે ઇઝરાયલી ઍરલાઇન એલ અલનું છે.
સીએનએને લખ્યું છે, "વીડિયોમાં કૉકપિટ સ્ક્રીન પર ફ્લાઇટ નંબર OMA624 અને તારીખ 11 ઑક્ટોબર 2023 દેખાઈ રહી હતી. આ ફ્લાઇટ નંબર સામાન્ય રીતે દુબઈથી મસ્કત જતી ફ્લાઇટનો હોય છે. આ તારીખ તે સમયગાળા સાથે મૅચ થાય છે, જ્યારે તે ઓમાન ઍરમાં કામ કરી રહ્યો હતો. વીડિયોની અન્ય ક્લિપમાં એલ અલનાં કેટલાંક વધુ વિમાનોની સાથે-સાથે અન્ય ઇઝરાયલી ઍરલાઇન અર્કિયાનું વિમાન પણ દેખાય છે."

ઇમેજ સ્રોત, Getty Images
ઓમાની નાગરિકને મંજૂરી કેવી રીતે મળી?
આ વાતને લઈને પ્રશ્નો ઊઠી રહ્યા છે કે, ઓમાનના એક નાગરિકને, જે ઇઝરાયલને માન્યતા નથી આપતો, તેને તેલ અવીવ જતી ફ્લાઇટમાં પાઇલટ તરીકે કામ કરવાની મંજૂરી કેવી રીતે મળી.
યુએઈની સરકારી સમાચાર એજન્સી ડબલ્યુએએમ અનુસાર, ઘટનાની તપાસનો અધિકાર યુએઈ પાસે છે, કારણ કે વિમાન યુએઈમાં રજિસ્ટર્ડ છે. યુએઈના કાનૂન હેઠળ તેનાં વિમાનોમાં થનારા અપરાધો પર, ભલે તે દેશની બહાર થયા હોય યુએઈનો કાનૂન લાગુ પડે છે.
નેતન્યાહૂએ બુધવારે મોડી રાત્રે સીએનએનના જિમ સ્કિયુટોને કહ્યું કે, હુમલાખોરની સાઉદી અરેબિયામાં પૂછપરછ કરવામાં આવી હતી, જ્યાં વિમાનને કટોકટીની સ્થિતિમાં વાળવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ઇઝરાયલ પણ તપાસમાં સામેલ હતું. તેમણે કહ્યું, "મેં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે વાત કરી અને તેમણે સહમતિ દર્શાવી કે ઇઝરાયલ પૂછપરછમાં સામેલ થશે."
જ્યારે નેતન્યાહૂને પૂછવામાં આવ્યું કે શંકાસ્પદ ઓમાની પાઇલટ વિમાનમાં કેવી રીતે સવાર થયો ત્યારે તેમણે કહ્યું કે, જે દેશોના ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી, ત્યાંના પાઇલટ્સને સામાન્ય રીતે ઇઝરાયલમાં ઉડાન ભરવાની મંજૂરી હોતી નથી.
તેમણે કહ્યું, "સ્પષ્ટ છે, અહીં એક નિયમમાં કમી રહી ગઈ હતી અને અમે બીજી બાબતો સાથે આને પણ ઠીક કરી રહ્યા છીએ. આમાં અમીરાતી સરકારનો પૂરો સહયોગ મળી રહ્યો છે. આપણે બંને આ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આવું ફરીથી ન થાય."
ઓમાને યુએઈથી વિપરીત ઇઝરાયલ સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

































