'હું નીચે પડી ગયો હતો પરંતુ મને ખબર હતી કે મારે શું કરવાનું છે', કૅપ્ટન સ્મિત મચ્છર સાથે પીએમ મોદીએ કરી વાતચીત, જુઓ વીડિયોમાં શું કહ્યું?

કૅપ્ટન સ્મિત મચ્છર અને પીએમ મોદી બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ સમાચાર ગુજરાત ફ્લાઇટ દુબઈ વિમાન
ઇમેજ કૅપ્શન, કૅપ્ટન સ્મિત મચ્છર અને પીએમ મોદીએ આજે વાતચીત કરી હતી
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વડા પ્રધાન મોદીએ આજે ફ્લાયદુબઈના વિમાનના કૅપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કૉલથી વાતચીત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, "આજે આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તમારી હિંમત, ધીરજ અને સૂઝબૂઝે આટલી સેકન્ડોમાં નિર્ણય કરીને લોકોને જીવ બચાવ્યો છે. આજે સમગ્ર દેશ કહી શકે છે કે અમે ભારતીયો કોઈનો જીવ લેનારા નથી, પણ જીવ આપી દેનારા છીએ."

તેમણે સ્મિત મચ્છરને કહ્યું હતું કે, "તમે 140 કરોડ દેશવાસીઓનું માન વધાર્યું છે. હું હ્રદયથી ગર્વ અનુભવું છું."

વીડિયો જુઓ
વીડિયો કૅપ્શન, PM મોદી અને સ્મિત મચ્છરે ગુજરાતીમાં શું વાત કરી? ઉપર ક્લિક કરીને વીડિયો જુઓ

એ સમયે સ્મિત મચ્છરે ભાવુક થઈને કહ્યું હતું કે, "એ સમયે મને એવું લાગ્યું કે હવે જો મેં કંઈ ન કર્યું તો લોકોનું શું થશે. હું નીચે પડ્યો હતો. મને ઘાવ લાગી ચૂક્યા હતા. દરવાજો મારી નજીક હતો. મને થયું કે હું નહીં ઉઠું તો શું થશે? હું આટલા લોકોને મરવા ન દઈ શકું."

સ્મિત મચ્છરે કહ્યું હતું કે વડા પ્રધાનનો ફોન આવવાથી મને ખૂબ ગર્વ થાય છે.

ત્યારબાદ પીએમ મોદી અને કૅપ્ટન સ્મિતે તેમના પરિવારજનો વિશે પણ વાતચીત કરી હતી.

પીએમ મોદીએ કૅપ્ટન સ્મિતને કહ્યું હતું કે ગુજરાતના સાવરકુંડલા અને વઢવાણમાં પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ યુએઈ અને સાઉદી સરકારનો પણ આભાર માન્યો હતો.

ત્યારબાદ બંનેએ ગુજરાતીમાં વાત કરી હતી અને ખબરઅંતર પૂછ્યા હતા.

ઘટના શું હતી?

દુબઈથી તેલ અવિવ જઈ રહેલું ફ્લાયદુબઈનું બૉઇંગ 737 મૅક્સ 8 વિમાન, જેમાં 174 લોકો સવાર હતા, કૉકપિટમાં કથિત રીતે થયેલી હિંસક અથડામણ બાદ સાઉદી અરેબિયાના તબુક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

માહિતી મુજબ, આ દરમિયાન કો-પાઇલટે કૅપ્ટન પર હુમલો કર્યો હતો. મુસાફરો અને ક્રૂ સભ્યોએ કથિત હુમલાખોરને કાબૂમાં લીધો, જ્યારે વિમાનમાં હાજર ફ્લાયદુબઈના બે પોઝિશનિંગ પાઇલટોએ વિમાનનું નિયંત્રણ સંભાળ્યું અને તેને સુરક્ષિત રીતે ઉતાર્યું.

સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ, "ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરો અને ક્રૂના સભ્યો કૉકપિટમાં પ્રવેશ્યા, કો-પાઇલટને કાબૂમાં લીધો અને ફ્લાયદુબઈના અન્ય બે પાઇલટો, જે તે જ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમણે વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરી."

આ વિમાનના પાઇલટ તરીકે ગુજરાતી મૂળના સ્મિત મચ્છર હતા અને તેઓ ઘાયલ થયા હોવાથી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન