You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માંજલપુરમાં ભાજપના સતીશ પટેલની જીત, 30 હજારથી વધુ લીડ સાથે ભાજપે બેઠક જાળવી રાખી
ભાજપનો ગઢ ગણાતી માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી ત્યાં પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક ફરી ભાજપે કબજે કરી છે.
અત્યાર સુધીના આંકડા અનુસાર, માંજલપુર બેઠક પર 30,499 લીડ સાથે ભાજપના ઉમેદવાર સતીશ પટેલની જીત થઈ છે.
ભાજપના ઉમેદવાદ સતીશ પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે "મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. પાર્ટી પર વિશ્વાસ રાખીને મતદારોએ મત આપ્યા છે. હું મારા કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું."
આ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની અપેક્ષા કરતાં ઓછું મતદાન થયું હતું.
ગઈ ચૂંટણીમાં જેટલી લીડ ભાજપના ઉમેદવારને મળી હતી, તેનાથી પણ ઓછું મતદાન થયું છે.
આ ચૂંટણીમાં મતદાન માત્ર 37.5 ટકા થયું છે, જ્યારે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલની જીતની લીડ 64.8 ટકા હતી.
આ પેટાચૂંટણી દરમિયાન ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
ચૂંટણી દરમિયાન લિટલ ફ્લાવર સ્કૂલ નજીક ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને થોડા સમય માટે પરિસ્થિતિ તંગ બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉમેદવારોની વાત કરીએ તો આ બેઠક પર ભાજપના સતીશ પટેલ અને કૉંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધો મુકાબલો હતો.
ભાજપ-કૉંગ્રેસ તરફથી કોણ છે મેદાને?
પેટાચૂંટણી અંગે જાહેર કરાયેલી માહિતી પ્રમાણે, આ પેટાચૂંટણીમાં બેઠકના 2.19 લાખ મતદારો નોંધાયેલા છે. 260 મતદાનમથકો ખાતે આ મતદાનપ્રક્રિયા હાથ ધરાઈ રહી હતી.
માંજલપુરની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે પોતાના જૂના ઓબીસી નેતા ભીખા રબારીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન સતીશ પટેલને ટિકિટ આપી છે.
ગુજરાત કૉંગ્રેસના ઉપાધ્યક્ષ ભીખા રબારી એક સમયે માધવસિંહ સોલંકીની સરકારમાં ઊર્જા અને ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે સતીષ પટેલ ભાજપમાં સંગઠનની કામગીરી સંભાળે છે અને સહકારી તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ છાણી કો-ઑપરેટિવ બૅન્ક અને અર્બન બૅન્ક ફેડરેશનના ચૅરમૅન પણ છે.
'માંજલપુર બેઠકનાં પરિણામો મહત્ત્વપૂર્ણ બની રહેશે'
માંજલપુર બેઠક પરની પેટાચૂંટણીને કેટલાક રાજકીય વિશ્લેષકો આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોના વલણનો અંદાજ મેળવવા માટે મહત્ત્વપૂર્ણ ગણાવી રહ્યા છે.
સાથે રાજકીય નિષ્ણાતોના મતે ઓછું મતદાન થવા પાછળ યુવા મતદાતાઓની ઉદાસીનતા, વરસાદ અને પેટાચૂંટણીમાં બે રાજકીય જૂથો વચ્ચે થયેલી મારામારી છે.
તેઓ માને છે કે આવી ચૂંટણીઓમાં ઍન્ટિ-ઇન્કમ્બન્સીનું પરિબળ કેટલું સક્રિય છે તેનો અંદાજ આવતો હોય છે. પેટાચૂંટણીના પરિણામ પરથી બંને પક્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડી શકે છે.
માંજલપુરની ચૂંટણીમાં ઓછું મતદાન કેમ થયું?
રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે જીતનું માર્જિન ઓછું થઈ શકે છે.
ભાજપે ચૂંટણી પહેલાં તમામ બૂથ કાર્યકર્તાઓ સાથે વધુ મતદાન થાય તે માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં એક બેઠક કરી હતી.
તો કૉંગ્રેસે તેમના નેતાઓને અમદાવાદ અને વડોદરાની આસપાસના વિસ્તારમાંથી ઉતાર્યા હતા. આમ છતાં, મતદાન માત્ર 37.5 ટકા થયું છે, જ્યારે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલની જીતની લીડ 64.8 ટકા હતી.
જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સામાન્ય રીતે પેટાચૂંટણીમાં ઓછું મતદાન થાય છે, પણ આ ચૂંટણીમાં મતદાન ઓછું થવાના ઘણાં પરિબળો છે."
"સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના મુદ્દાઓ હાવી હોય છે, પણ પેટાચૂંટણીમાં સ્થાનિક મુદ્દા હાવી થઈ જાય છે."
"અહીં યુવાનોએ મતદાન ઓછું કર્યું છે, જેની પાછળનું એક કારણ થોડા સમય પહેલાં યુવાનોના દિલ્હીના જંતર-મંતર પર થયેલા આંદોલનમાં પોલીસની ભૂમિકાએ તેમને નિરાશ કર્યા તે હોઈ શકે."
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "યુવા અને મહિલા મતદાતાઓની ઉદાસીનતા ઓછા મતદાન માટે જવાબદાર છે, કારણ કે 2022 પછી મે 2024માં યોજાયેલી 5 વિધાનસભાની પેટાચૂંટણીમાં હોય કે નવેમ્બર 2024 અને જૂન 2025માં યોજાયેલી કુલ 8 પેટાચૂંટણીઓમાં આટલું ઓછું મતદાન નથી થયું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન