You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : આનંદનિકેતન સ્કૂલ વિવાદમાં 'કોમવાદ'નો રંગ કેમ લાગ્યો?
અમદાવાદની આનંદનિકેતન શાળામાં એક બાળકને સ્કૂલ કૅન્ટીનના ભોજનમાં કાચ જેવો પદાર્થ આવી જવાથી તેની તબિયત ખરાબ થઈ હતી, ત્યારબાદ શાળા પર બેજવાબદારીના આરોપો લાગ્યા હતા.
જોકે, આ આખી ઘટનાએ ટૂંક સમયમાં જ 'કોમવાદ'નું સ્વરૂપ લઈ લીધું હતું, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ અને બજરંગદળે સ્કૂલ સામે પ્રદર્શનો કર્યાં હતાં. વાલીઓએ પણ સ્કૂલ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારીને તેમના પર લાગેલા આક્ષેપોનો જવાબ રજૂ કરવાનું કહ્યું હતું, જેની સામે શાળાએ પણ પોતાનો પક્ષ મૂકી દીધો હતો.
બીબીસી ગુજરાતી સાથેની અગાઉ થયેલી વાતચીત દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમે આ ઘટનાની જાણ થયા બાદ નોટિસમાં શાળા પાસેથી સમગ્ર ઘટનાનો અહેવાલ માગ્યો હતો. તેમજ પ્રિન્સિપાલ, કૅટરિંગ કૉન્ટ્રેક્ટર, સુપરવાઇઝર અને આ ઘટના માટે જવાબદાર તમામ સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવ્યું હતું."
રોહિત ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે, "અમને 'ધાર્મિક પુસ્તકો' સંદર્ભે જે રજૂઆત મળી છે, તેના સંદર્ભમાં અમે શાળાને જણાવ્યું છે કે કોઈ પણ બાળકની ધાર્મિક લાગણી દુભાય તેવું કોઈ કાર્ય શાળાએ ન કરવું અને કર્યું હોય તો પરત ખેંચવું."
જે બાળકના ભોજનમાં કાચ જેવો પદાર્થ આવી ગયો હતો, તેના પિતા માલવભાઈ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હું જ્યારે મારા બાળકની રજૂઆત કરવા ગયો હતો, ત્યારે અમુક વાલીઓએ પાંચમા ધોરણનાં બાળકો માટે અમુક ચોક્કસ પ્રકારનાં સાહિત્યવાળાં પુસ્તકો અંગેની ફરિયાદ પણ કરી હતી, જે તેઓ ઇચ્છતા ન હતા કે તેમનાં બાળકને તે પુસ્તકો ભણાવવામાં આવે."
ભોજનમાં કાચ મળવાના મામલાનો વિવાદ કેમ વકર્યો?
આ ઘટના બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ના કાર્યકર્તાઓ સ્કૂલ બહાર પહોંચીને વિરોધપ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
એબીવીપીના અમદાવાદ શહેરના પ્રમુખ ધ્રુમીલ અખાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "તેમને ફરિયાદ મળી છે કે બાળકોને ફરજિયાતપણે 'I Am Malala' જેવાં પુસ્તકો ભણાવવામાં આવે છે. મારો આ શાળાને પ્રશ્ન એટલો જ છે કે, તમે કેમ સાવિત્રીબાઈ ફુલે, રાણી લક્ષ્મીબાઈ જેવી મહાન વીરાંગનાઓ વિશે નથી ભણાવતા? અને કેમ પાકિસ્તાનની એક છોકરી વિશે ભણાવો છો?"
શાળાએ આ આરોપો મામલે પોતાનો પક્ષ મૂક્યો હતો.
આનંદનિકેતન સ્કૂલે જારી કરેલી એક પ્રેસનોટમાં જણાવાયું હતું કે "દુનિયાભરનાં ખ્યાતનામ સાહિત્યમાં જેમનો સમાવેશ થાય છે, જેમ કે મલાલા યુસુફઝાઈ અને ઍન્ની ફ્રૅન્ક જેવાં લેખકોનાં પુસ્તકો. તેવાં પુસ્તકોને શાળાની બુક-ક્લબમાં સમાવેશ કરવામાં આવ્યાં છે. બાળકની ઉંમર પ્રમાણે તેને તે પુસ્તકો વાંચી એક વૈશ્વિક સમજ ઊભી કરી શકાય તેવા પ્રયત્નો શાળા કરે છે."
આમ એકંદરે જે ઘટના બાળકના ભોજનમાં કાચ આવવાથી શરૂ થઈ હતી, તે છેલ્લે હિંદુ અને મુસ્લિમ ધર્મના વિવાદમાં ફેરવાઈ ગઈ હતી.
આ પ્રથમ વખત નથી કે જ્યારે ગુજરાતમાં આવી રીતે શાળાની કોઈ ઘટના 'કોમવાદ'માં ફેરવાઈ ગઈ હોય. વર્ષ 2023માં ઘાટલોડિયાની એક શાળામાં એક સંગીત શિક્ષકને એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. શિક્ષક પર આરોપ હતા કે તેઓ હિંદુ બાળકોને નમાઝ પઢવાનું શિક્ષણ આપી રહ્યા છે.
જોકે, આ ઘટનાક્રમમાં છેલ્લે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા તેમજ શિક્ષકને ક્લીનચિટ આપી દીધી હતી.
આવી ઘટનાઓને 'કોમી સ્વરૂપ' કેમ મળી જાય છે?
આ પ્રકારની ઘટનાઓને 'કોમી સ્વરૂપ' કેમ મળી જાય છે, તે જાણવાનો પ્રયાસ બીબીસી ગુજરાતીએ કર્યો. બીબીસીએ જે લોકો સાથે વાત કરી, તેમણે ગુજરાતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે વધતા અંતર અને અલગાવની વાત કરી.
જોકે, ઘણા સંશોધકોના મતે ગુજરાતમાં આ વિભાજન નવું નથી.
સંશોધકોએ તારણ કાઢતાં જણાવ્યું કે છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન ગુજરાતમાં વારંવાર થયેલી કોમી હિંસા તેમજ હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે વધતા અંતરનું 'ઇન્સ્ટિટ્યૂશનલાઇઝેશન' થઈ ચૂક્યું છે.
અમદાવાદની કોમી તંગદિલી અંગે સંશોધકોએ કરેલા અમુક શૈક્ષણિક અભ્યાસોમાં એ પણ તપાસવામાં આવ્યું છે કે ધર્મ, જ્ઞાતિ અને ખાણીપીણીની પસંદગી જેવી બાબતો અથવા તો લોકો ક્યાં રહે છે, અને તેમના પડોશીઓ કોણ છે, વગેરે જેવી બાબતોને કારણે સમાજમાં કેવા-કેવા ફેરફારો આવ્યા છે?
અમૃતા બસુ નામનાં એક રીસર્ચરનાં Violent Conjunctures in Democratic India: Ethnic Violence નામના અભ્યાસના એક પ્રકરણ મુજબ, ગુજરાતમાં 1969, 1981, 1985, 1990, 1992-93 અને 2002માં થયેલી કોમી હિંસા સ્વતંત્ર ભારતનાં અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ લાંબી અને વિનાશક રહી છે.
અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, 1969ની હિંદુ-મુસ્લિમ હિંસામાં, 1990ના દાયકાના શરૂઆતનાં વર્ષોમાં અયોધ્યા સાથે જોડાયેલી ઘટનાઓ દરમિયાન થયેલી હિંસામાં, અને ફેબ્રુઆરી-માર્ચ 2002ની હિંસામાં અનેક લોકોનાં કોમી તોફાનોને કારણે મૃત્યુ થયાં હતાં.
આ અભ્યાસમાં કેટલાક સંશોધકોના મતને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે 2002ની હિંસા કોઈ એકલદોકલ ઘટના નહોતી, પરંતુ ગુજરાતમાં અગાઉથી ચાલતી આવતી કોમી હિંસાની એક લાંબી શ્રેણીની કડી હતી.
સંશોધક ઑર્નિટ શાની પોતાના Communalism, Caste and Hindu Nationalism નામના અભ્યાસમાં લખે છે કે ભારતનાં સૌથી સમૃદ્ધ રાજ્યોમાંના એક ગુજરાતે 'કોમવાદના વિકાસ'માં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
તેમના મતે, 1980ના દાયકાના મધ્યભાગથી ગુજરાત વારંવાર કોમી હિંસાનું સાક્ષી બન્યું. આ સમયગાળા દરમિયાન ગુજરાત હિંદુ રાષ્ટ્રવાદી આંદોલનનું એક મહત્ત્વનું કેન્દ્ર બન્યું અને રાજ્યને હિન્દુત્વની "પ્રયોગશાળા" તરીકે પણ જોવામાં આવ્યું.
આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં આજે ગુજરાતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચેના સામાજિક અંતર અને રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા 'અલગાવ'ને પણ સમજવામાં આવે છે.
શું આ ગુજરાતની હિંસાના ઇતિહાસની અસર છે?
આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ સ્થિત રાજકીય સંશોધક સાર્થક બાગચી સાથે વાત કરી.
તેઓ કહે છે કે તેમને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું છે કે ચર્ચા જે મુદ્દે થવી જોઈએ હતી, તેમાંથી વાત ફરી એકવાર હિંદુ-મુસ્લિમ તરફ વળી ગઈ છે.
તેઓ કહે છે, "આવી પ્રતિક્રિયાઓ પાછળ ઘણી વખત "બીજા" પ્રત્યેની અસ્વસ્થતા અને અસહજતા કામ કરતી હોય છે, જે જૂના વિભાજનને ભરાવા દેતી નથી. હિંદુ અને મુસ્લિમો વચ્ચે રહેલી ખીણ ક્યારેય સંપૂર્ણપણે દૂર થઈ નથી અને અલગાવની આ પ્રક્રિયા સતત જળવાઈ રહી છે."
ગુજરાતમાં કોમી રમખાણોનો ઇતિહાસ રહેલો છે. 1969, 1985, 1991 અને 2002નાં કોમી તોફાનોને કારણે હિંદુ અને મુસ્લિમો વચ્ચેનો ભેદભાવ અને અંતર ઘણું વધારી દીધું છે.
ઘણા લોકો તો એ પણ માને છે કે ગુજરાત જે પ્રકારના વારંવારનાં કોમી રમખાણોનો સાક્ષી રહ્યો છે, એવો અનુભવ કદાચ અન્ય કોઈ રાજ્યમાં આટલી લાંબી પેઢીઓ સુધી જોવા મળ્યો નથી. છેલ્લી ત્રણ પેઢીઓથી હિંદુ અને મુસ્લિમો વચ્ચેનું અંતર જાણે વધતું ગયું હોય તેવું ઘણા લોકોને લાગે છે.
ઘણા લોકો તો માને છે કે, ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં કોમી સૌહાર્દ વધારવા અને વિવિધ સમુદાયો સાથે રહેવાના પ્રયાસો પર પણ તેની અસર પડી છે.
બીબીસી સાથે વાત કરતાં ઘણા લોકોએ પ્રશ્ન કર્યો કે શું લોકોને નથી લાગતું કે કોમવાદના કારણે ગુજરાત આર્થિક રીતે ભલે સદ્દર થયું હોય પણ સામાજિક રીતે પાછળ રહી ગયું છે?
એક સમય એવો પણ હતો જ્યારે હિંદુ અને મુસ્લિમો એકબીજાના તહેવારોમાં ભાગ લેતા અને ઉજવણી કરતા હતા. પરંતુ આજે "મુસ્લિમોની દુકાનોમાંથી ખરીદી ન કરો" જેવી અપીલો અને અભિયાનો જોવાં મળે છે.
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું કે, "એક સમય હતો જ્યારે હિંદુ અને મુસ્લિમ બાળકો સાથે ભણતાં હતાં. પરંતુ છેલ્લાં લગભગ 30 વર્ષોમાં આ પરિસ્થિતિમાં ઘણો ફેરફાર આવ્યો છે. હવે ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓ કયા સમુદાયમાંથી આવે છે તેને લઈને પણ સભાનતા જોવા મળે છે. મિશ્ર સમુદાયના વિદ્યાર્થીઓ સાથે ભણતા હોય તેવી શાળાઓ હવે ઓછી જોવા મળે છે. મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બાળકો માટેની શાળાઓ અને હિંદુ વિસ્તારોમાં હિંદુ બાળકો માટેની શાળાઓ — આ પ્રકારનું વિભાજન વધતું ગયું છે."
તેમના મતે, આ 'ધ્રુવીકરણનું પરિણામ' છે.
એટલે કે ધ્રુવીકરણની પ્રક્રિયા જે ગુજરાતમાં વર્ષો પહેલાં શરૂ થઈ હતી, તેના પરિણામસ્વરૂપે હાલમાં આનંદનિકેતન જેવી શાળાઓની ઘટનાનું સ્વરૂપ લઈ રહી છે. આ પ્રક્રિયાને કારણે ગુજરાતમાં એકબીજાથી અલગ રહેવાની અને અંતર જાળવી રાખવું એ લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે.
"આ માત્ર નફરતનો પ્રશ્ન નથી. પરંતુ એકબીજા પ્રત્યે ઊંડે સુધી રહેલી અસ્વસ્થતા, બીજા ધર્મના લોકો જે અજાણ્યા છે, તેમના પ્રત્યેનો સંકોચ અને "બીજા" પ્રત્યેનો અસ્વીકાર પણ તેમાં સામેલ છે," બાગચી કહે છે.
આ પ્રક્રિયા છેલ્લાં અમુક વર્ષોથી જ ચાલી હોય તેવું ઘણા લોકો નથી માનતા. જેમ કે પત્રકાર પ્રશાંત દયાલ માને છે કે, "ગુજરાત સામાજિક વિભાજનનાં ઉદાહરણો તો વર્ષો પહેલાં પણ જોવાં મળતાં હતાં. જેમ કે, જ્યારે દલિત પરિવારને મહાત્મા ગાંધીના આશ્રમમાં લઈને આવ્યા હતા, તો તમામ આશ્રમવાસીઓએ તેમનો પણ વિરોધ કર્યો હતો."
ગાંધીનું નામ સામાજિક અને ધાર્મિક સમરસતા સાથે જોડાયેલું છે, પણ ઘણા લોકોનું માનવું છે કે તે ગુજરાતના સામાજિક તાણાવાણામાં હવે જોવા મળતું નથી. ગૌરાંગ જાની પ્રમાણે હિંદુત્વવાદી વિચારધારા સમાજમાં, ખાસ કરીને શાળાઓ અને પરિવારોના સ્તરથી, વધુ મજબૂત બનતી ગઈ છે.
જોકે, સરકારનું સમર્થન કરતાં સંગઠનો આ આરોપોને નકારે છે.
બીબીસી સાથે વાત કરતાં વિશ્વ હિંદુ પરિષદના વરિષ્ઠ નેતા અશ્વિન પટેલે જણાવ્યું કે "છેલ્લાં કેટલાંક દાયકાઓમાં ગુજરાતમાં સાંપ્રદાયિકતા વધી છે, એવું કહેવું યોગ્ય નથી. હકીકતમાં, છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં શાંતિ જળવાઈ રહી છે, કારણ કે બંને સમુદાયોના લોકો શાંતિપૂર્વક સાથે રહી રહ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન