You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : એક જ પરિવારના ત્રણ લોકોએ એક સાથે આપઘાત કર્યો, શું છે સમગ્ર મામલો?
રાજકોટ શહેરના પૉશ એરિયા ગણાતા સાધુ વાસવાણી રોડ પર આવેલ અજંતા પાર્કમાં રહેતા એક જાહેર બાંધકામ વિભાગના નિવૃત ક્લાર્ક અને તેના પરિવારના બે સભ્યોએ સોમવારે સાંજે કથિત રીતે ઝેર ગટગટાવી લેતા ત્રણેયનાં મોત થયાં છે.
પોલીસ કહે છે કે પ્રાથમિક રીતે આ આત્મહત્યાનો કેસ છે પરંતુ પરિવારમાં હવે કોઈ બચ્યું ન હોય તેમ જ કોઈ સુઈસાઈડ નોટ મળી ન હોવાથી વૃદ્ધ માતા-પિતા અને તેમના દીકરાએ કયા કારણસર આ અંતિમ પગલું ભરી લીધું તે હજુ તપાસનો વિષય છે.
રાજકોટ સીટી પોલીસના વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિનશનર ઓફ પોલીસ રાકેશ દેસાઈએ બીબીસી સાથે કરતા જણાવ્યું કે દિલીપ ખખ્ખર નામના 72 વર્ષના વૃદ્ધ, તેમનાં પત્ની અસ્મિતાબહેન ( 65 વર્ષ ) અને આ દંપતીના 32 વર્ષના દીકરા નિશીથે તેમના ઘરે ઝેર પી લીધા બાદ કલાકોની અંદર ત્રણેયના મોત થયા હતા.
આપઘાતની જાણ થતાં લોકો ઊમટી પડ્યા
ડીસીપી દેસાઈએ જણાવ્યું કે "સોમવારે સાંજના ચારથી પાંચ વાગ્યા વચ્ચેના સમયમાં ઝેર પી લીધા બાદ નિશીથે તેના મિત્રને ફોન કર્યો ઝેર પીધાની વાત કરી. તેથી મિત્રો અને પરિવારને ખબર પડી અને ત્રણેયને રાજકોટની સિવિલ હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં. સારવાર દરમિયાન માતાનું મૃત્યુ નીપજ્યું. તેના થોડા કલાકો દ પિતા અને પુત્રનાં પણ મોત થયાં."
આ ઘટના બાદ દિલીપભાઈ ખખ્ખરના સમાજના લોકો સોમવારે સાંજે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં એકઠા થયા હતા અને મંગળવારે સવારે મૃતદેહો સ્વીકારી લીધા હતા.
આ ઘટના સંદર્ભે રાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતનો એક કેસ નોંધવામાં આવ્યો છે અને તેની તાપસ ચાલુ કરાઈ છે.
રાકેશ દેસાઈએ કહ્યું, "દંપતીના મોટા દીકરાનું 2018માં મોત થયું હતું. હવે પરિવારના બાકી વધેલ ત્રણેય સભ્યોનાં પણ એક સાથે મોત થતાં પરિવારમાં કોઈ બચ્યું નથી. તે જ રીતે પોલીસ તપાસ દરમિયાન આ ઘટના વિષે હજુ સુધી કોઈ સુઈસાઈડ નોટ પણ મળી નથી. આ ત્રણેયે ખરેખર કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તેના વિષે હજુ સુધી ચોક્કસ માહિતી મળી નથી."
અધિકારીએ ઉમેર્યું, "પોલીસે આ પરિવારના નજીકના લોકોના નિવેદનો નોંધ્યાં છે. તે પરથી એવા સંકેત મળે છે કે પરિવાર આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો હતો. તેથી, આર્થિક સંકટ સામુહિક આપઘાતનું કારણ હોઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિવાર આર્થિક કટોકટીમાં કેવી રીતે ફસાયો?
દિલીપ ખખ્ખરને પેંશન મળતું હતું જયારે તેમનાં પત્ની એક ગૃહિણી હતા. ડીસીપીએ કહ્યું કે "પ્રાથમિક તપાસમાં એવી હકીકત ધ્યાને આવી છે કે નિશીથ હાલ કોઈ કામ કરી રહ્યા ન હતા. ભૂતકાળમાં તેણે એક ખાનગી કંપનીમાં નોકરી કરી હતી. પરંતુ હાલ તે કોઈ આર્થિક ઉપાર્જન થાય તેવું કોઈ કામ કરતા હોવાની માહિતી નથી. તેમ છતાં આગળની તપાસ ચાલુ છે."
કેટલાંક સ્થાનિક અખબારોમાં છપાયેલ સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખખ્ખર પરિવાર દેવામાં ડૂબેલ હોવાનો અને નાણાં ધીરનારોઓ તેમનાં નાણાં પરત મેળવવા માટે પરિવાર પર દબાણ કરી રહ્યા હતા.
જો કે પોલીસે કહ્યું કે તેમની તપાસમાં હજુ સુધી આવી કોઈ હકીકતનો હજુ સુધી ખુલાસો થયો નથી. "
(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન