આંગળીના ટચાકા ફોડવાથી અવાજ કેમ આવે છે, તેનાથી આંગળીના સાંધાને નુકસાન થાય?

બીબીસી ગુજરાતી આંગળીના ટચાકા ફોડતા હાડકાં સ્વાસ્થ્ય હેલ્થ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર મહિલા પુરુષ અસ્થિ કાસ્થિ
ઇમેજ કૅપ્શન, લોકો ઘણી વાર નવરા બેઠા હોય ત્યારે પોતાની આંગળીના ટચાકા ફોડતા જોવા મળે છે, શું આવું કરવાથી સ્વાસ્થ્ય બગડી શકે?
    • લેેખક, સૅન્ડી ઓન્ગ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

નાનપણથી જ ડોનાલ્ડ અન્ગરને તેમની માતા, કાકીઓ અને પછી તેમની સાસુ વારંવાર ચેતવતાં કે આંગળીઓના સાંધાના ટચાકા ફોડવાની આદતથી આર્થરાઇટિસ થઈ શકે છે. પણ ડોનાલ્ડે તેમને ખોટા સાબિત કરવાનું નક્કી કર્યું. તેમણે 50 વર્ષ સુધી દરરોજ ઓછામાં ઓછી બે વખત- આમ કરતાં લગભગ 36,500 વખત—પોતાના ડાબા હાથની આંગળીઓના સાંધાના ટચાકા ફોડ્યા. જ્યારે પોતાના જમણા હાથને તેમણે ટચાકા ફોડ્યા વિના રાખ્યો.

પોતાના આ અનોખા અખતરાનું પરિણામ જોવા માટે 1998માં, 72 વર્ષની ઉંમરે, તેમણે પોતાના બંને હાથના ઍક્સ-રે કરાવ્યા. તેનું તારણ હતું: "બંને હાથમાં આર્થરાઇટિસ નહોતો અને બંને હાથ વચ્ચે કોઈ દેખીતો તફાવત પણ નહોતો."

અલબત્ત, આ પ્રયોગમાં માત્ર એક જ વ્યક્તિ હતી. બીજી તરફ, અભ્યાસો સૂચવે છે કે આશરે 20થી 50 ટકા લોકો આંગળીના ટચાકા ફોડે છે. તો શું આ આદત ખરેખર ચિંતાનું કારણ છે? શું આંગળીના સાંધાનો દરેક ટચાકો સમય જતાં કાયમી નુકસાન પહોંચાડી શકે છે?

આંગળીના ટચાકા ફોડો તો અવાજ કેમ આવે છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી આંગળીના ટચાકા ફોડતા હાડકાં સ્વાસ્થ્ય હેલ્થ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર મહિલા પુરુષ અસ્થિ કાસ્થિ
ઇમેજ કૅપ્શન, આંગળીના ટચાકા ફોડો ત્યારે એક અવાજ પણ સંભળાય છે, ઘણા લોકોને આ અવાજ સંતુષ્ટિ આપે છે

કેટલાક લોકો માટે આંગળીઓના સાંધાના ટચાકા ફોડવા એ અજાણતાં પડી ગયેલી એક આદત છે. કેટલાકને સાંધામાં ટચાકા ફોડવાથી મળતી હળવાશ કે એમ કરવું ગમે છે. અને સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહેલા કાઇરોપ્રેક્ટિક ઍડજસ્ટમેન્ટના વીડિયો જોતાં લાગે છે કે ઘણા લોકોને એ ટચાકાનો અવાજ સાંભળવો પણ ગમે છે.

આપણે સાંધામાં ટચાકો ફોડીએ ત્યારે અંદર જે થાય છે, એ હકીકતમાં ઘણું સરળ છે. સાંધો એટલે બે હાડકાં મળે છે તે સ્થાન.

આંગળીઓના સાંધા, ગરદન અને પીઠના સાંધાઓની આસપાસ સિનોવિયલ પ્રવાહી હોય છે. ઈંડાના સફેદ ભાગ જેવું આ પ્રવાહી સાંધાને સરળતાથી હલનચલનમાં મદદરૂપ થવા ઊંજણનું કામ કરે છે. ટચાકા ફોડવા માટે સાંધાને આપણે મરડીએ, ખેંચીએ, કે પાછળની તરફ વાળીએ, ત્યારે સાંધાની અંદરની જગ્યા એટલા સમય પૂરતી વધી જાય છે. તેને કારણે સિનોવિયલ પ્રવાહી પરનું દબાણ ઘટે છે અને તેમાં ઓગળેલા વાયુઓમાંથી અચાનક પરપોટા બનવા લાગે છે.

સાંધામાંથી સંભળાતો ટચાકો હકીકતમાં બનેલા ગૅસના પરપોટા તૂટી પડવાથી પેદા થતો અવાજ હોવાનું મનાય છે. તે આશ્ચર્યજનક રીતે મોટો-83 ડેસિબલ સુધીનો હોઈ શકે છે.

આ અવાજ આશરે 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમારી પાસેથી પસાર થતી ડીઝલ ટ્રકના અવાજ જેટલો મોટો છે. યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, ડેવિસના વિજ્ઞાનીઓએ અલ્ટ્રાસાઉન્ડની મદદથી સાંધામાં ટચાકો ફૂટતો જોયો હતો. સ્ક્રીન પર ટચાકો ફૂટવાની ક્ષણ તેમને જાણે કે ફટાકડો ફૂટ્યો હોય એવી દેખાઈ હતી.

મોટા ભાગે હાનિરહિત આદત

બીબીસી ગુજરાતી આંગળીના ટચાકા ફોડતા હાડકાં સ્વાસ્થ્ય હેલ્થ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર મહિલા પુરુષ અસ્થિ કાસ્થિ
ઇમેજ કૅપ્શન, આંગળીના ટચાકા ફોડવાના નુકસાન વિશે વાત કરતો વિગતવાર અભ્યાસ હજુ સુધી સામે નથી આવ્યો
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભલે ટચાકાનો અવાજ મોટો હોય, પણ સાંધામાં થતો ટચાકો 'એક સામાન્ય શારીરિક પ્રક્રિયા' જ છે, એમ યુકેની યુનિવર્સિટી ઑફ મૅન્ચેસ્ટરના રુમેટોલૉજિસ્ટ કિમી હાયરિક કહે છે.

પણ કોઈ વસ્તુ સામાન્ય હોય, એટલે તે નિર્દોષ પણ હોય એવું જરૂરી ખરું?

અમેરિકાના મિશિગનમાં પોતાની પ્રૅક્ટિસ ધરાવતા ન્યુરોસર્જન જય જગન્નાથન કહે છે, "સાંધામાં દુ:ખાવો કે સોજો હોય તો એ ચોક્કસપણે ચેતવણીના સંકેત છે."

તેમણે એવા દર્દીઓ જોયા છે, જેમણે ખૂબ જ જોરથી ગરદનના સાંધામાં ટચાકા ફોડતાં સ્નાયુઓમાં ખેંચ અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

જય જગન્નાથ કહે છે, "જ્યારે ડૉક્ટરોએ નિયમિતપણે આંગળીઓના સાંધાના ટચાકા ફોડનારા લોકોની શારીરિક તપાસ કરી, ત્યારે તેમને કોઈ પ્રકારનો સોજો કે હલનચલનમાં કશી તકલીફ જોવા મળી નહોતી."

જોકે, સામાન્યપણે કહીએ તો સાંધામાં ટચાકા ફોડવાની ઇચ્છા થાય અને તમે એમ કરો, તો એ મોટેભાગે હાનિરહિત માનવામાં આવે છે, એમ જગન્નાથન કહે છે.

છતાં, કેટલાકને ચિંતા હોય છે કે જોરથી આંગળીઓના ટચાકા ફોડવાથી આંગળીનું સાંધામાંથી ઊતરી જવું અથવા કંડરાને ઈજા થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે—ખાસ કરીને વધારે જોર વાપરવામાં આવે અથવા આંગળીને એવી રીતે ઝાટકો આપવામાં આવે કે તે સાંધામાંથી ખસી જાય. અને ખરેખર, આમ બન્યું હોવાના કેટલાક કિસ્સા નોંધાયા છે. જેમ કે, ફિલાડેલ્ફિયાના એક હૅન્ડ સર્જને 1999માં બે એવા દર્દીઓનું વર્ણન કર્યું હતું જેમણે મનગમતો ટચાકો સાંભળવાની અતિશય ઉતાવળમાં પોતાની આંગળીઓ મચકોડી કાઢી હતી.

બીબીસી ગુજરાતી આંગળીના ટચાકા ફોડતા હાડકાં સ્વાસ્થ્ય હેલ્થ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર મહિલા પુરુષ અસ્થિ કાસ્થિ
ઇમેજ કૅપ્શન, આંગળીના ટચાકા ફોડનારા લોકોને ડર લાગતો હોય છે કે ક્યાંક તેમને ઑસ્ટિયોઆર્થરાઇટિસ ન થઈ જાય

પણ ટચાકા ફોડતી વખતે વધારે જોર કરવામાં ન આવે, તો આવી ઘટનાઓ જૂજ બને છે.

જો કે, નિયમિતપણે સાંધાના ટચાકા ફોડનારા લોકોને સૌથી વધુ ચિંતા એ વાતની હોય છે કે ક્યાંક આગળ જતાં તેમને ઑસ્ટિયોઆર્થરાઇટિસ નહીં થાય? ઑસ્ટિયોઆર્થરાઇટિસ એ આર્થરાઇટિસનો સૌથી સામાન્ય પ્રકાર છે, જેમાં સાંધાનાં હાડકાંને એકબીજાં સાથે ઘસાતાં અટકાવતી રક્ષણાત્મક અસ્થિકૂર્ચા (કાર્ટિલેજ) ધીમે ધીમે ઘસાઈ જાય છે.

"મારા ક્લિનિકમાં અને ડિનરટેબલ પર પણ ઘણા લોકો મને આ જ પ્રશ્ન પૂછે છે," હાયરિક કહે છે. "એનો સરળ જવાબ એ છે કે ના, એવું થતું નથી."

અનેક અભ્યાસોએ આ જૂની માન્યતાને ખોટી સાબિત કરી છે. 1975માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં સંશોધકોએ નર્સિંગ હોમના 28 નિવાસીઓનો અભ્યાસ કર્યો હતો. તેમાં નિયમિતપણે આંગળીઓના સાંધાના ટચાકા ફોડનારા લોકોમાં સાંધાના ઘસારાને કારણે થતા આર્થરાઇટિસનું પ્રમાણ, ટચાકા ન ફોડનારા લોકો જેટલું જ જોવા મળ્યું હતું.

વધુ તાજેતરના એક અભ્યાસમાં ઑસ્ટિયોઆર્થરાઇટિસ ધરાવતા 215 લોકોની આંગળીઓના ટચાકા ફોડવાની જૂની આદત વિશે માહિતી એકત્ર કરવામાં આવી હતી અને તેની સરખામણી ઑસ્ટિયોઆર્થરાઇટિસ ન ધરાવતા લોકો સાથે કરવામાં આવી હતી. પરિણામ ફરી એ જ આવ્યું: આંગળીઓના સાંધામાં ટચાકા ફોડવાની ટેવ કેટલી વાર પડતી હતી કે કેટલાં વર્ષો સુધી રહી હતી—આ બંનેમાંથી કોઈ બાબતનો ઑસ્ટિયોઆર્થરાઇટિસ થવાના જોખમ સાથે કોઈ સંબંધ જોવા મળ્યો નહોતો.

ગરદનના સાંધા બાબતે સાવધાન

આંગળીઓના સાંધાના ટચાકા ફોડવાથી કોઈ સમસ્યા થવાની શક્યતા સામાન્ય રીતે ઓછી છે, પણ પીઠ અને ખાસ કરીને ગરદનના સાંધાના ટચાકા ફોડવાની વાત અલગ છે.

ગરદનમાં કરોડરજ્જુ સહિત અનેક મહત્ત્વપૂર્ણ ચેતાતંતુઓ હોય છે. "ઉપરાંત, ગરદનની પાછળથી મગજ તરફ જતી બે અત્યંત મહત્ત્વપૂર્ણ ધમનીઓ પણ હોય છે," જગન્નાથન ઉમેરે છે.

આ ભાગો અત્યંત નાજુક હોય છે—તેમની સાથે ખોટી રીતે કે અતિશય બળપૂર્વક ચેડાં કરવામાં આવે તો ગંભીર ઈજા થઈ શકે છે અને હાથપગમાં ઝણઝણાટી આવવી કે ચક્કર આવવા જેવી આડઅસરો પણ થઈ શકે છે.

"સાંધા સાથે આ રીતે વધારે પડતી છેડછાડ કરવી જોખમી બની શકે છે." જગન્નાથન કહે છે.

પોતાની ગરદનમાં જાતે ટચાકા ફોડવાની ભલામણ કરવામાં આવતી નથી. એટલું જ નહીં, નિષ્ણાતો દ્વારા કરવામાં આવતી ગરદનની આ પ્રકારની સારવાર પણ વિવાદાસ્પદ છે. 2012માં બ્રુનેલ યુનિવર્સિટીના સેન્ટર ફૉર રિસર્ચ ઍન્ડ રિહેબિલિટેશનના નીલ ઑ'કૉનેલ અને તેમના સાથીઓએ કાઇરોપ્રેક્ટિક રીતે કરવામાં આવતી ગરદનની હેરફેરને "બિનજરૂરી અને અનુચિત" ગણાવી હતી.

પકડ કેટલી મજબૂત?

 બીબીસી ગુજરાતી આંગળીના ટચાકા ફોડતા હાડકાં સ્વાસ્થ્ય હેલ્થ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર મહિલા પુરુષ અસ્થિ કાસ્થિ

આંગળીઓના સાંધાના ટચાકા ફોડવા વિશે એક બીજી માન્યતા એવી છે કે તે હાથની પકડની તાકાતને ઘટાડી શકે છે. હાથની પકડની તાકાતને સ્વાસ્થ્યનો એક મહત્ત્વનો માપદંડ માનવામાં આવે છે. તેનો સંબંધ હૃદયરોગ, યાદશક્તિ અને વિચારવાની ક્ષમતામાં ઘટાડો, ડિપ્રેશન તથા કેટલાંક પ્રકારનાં કૅન્સર સહિત અનેક સ્વાસ્થ્યસમસ્યાઓ સાથે જોવા મળ્યો છે.

1990માં થયેલા એક અભ્યાસમાં 74 એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ 18થી 60 વર્ષથી આંગળીઓના સાંધાના ટચાકા ફોડતા હતા. તેમાં જાણવા મળ્યું કે ટચાકા ન ફોડનારા લોકોની સરખામણીએ તેમના હાથની પકડ નબળી હતી અને હાથમાં સોજો પણ વધુ હતો.

જોકે, 2017માં થયેલા એક અલગ અભ્યાસે આ તારણને નકારી કાઢ્યું. તેમાં આંગળીઓના સાંધાના ટચાકા ફોડવાની આદત અને હાથની પકડ નબળી પડવા વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નહોતો.

આ સિવાય પણ કેટલીક ગેરમાન્યતાઓ પ્રચલિત છે—જેમ કે, વારંવાર ટચાકા ફોડવાથી આંગળીઓના સાંધા મોટા થઈ જાય અથવા કંડરા ઢીલા પડી જાય. પણ હાયરિક કહે છે કે આ વાતો પણ સાચી નથી. અગાઉના અલ્ટ્રાસાઉન્ડ અભ્યાસનાં તારણો પણ આ વાતને સમર્થન આપે છે: ડૉક્ટરોએ આંગળીઓના સાંધાના ટચાકા ફોડનારા લોકોની શારીરિક તપાસ કરી, ત્યારે તેમને કોઈ સોજો કે હલનચલનમાં કશી તકલીફ જોવા મળી નહોતી.

બીબીસી ગુજરાતી આંગળીના ટચાકા ફોડતા હાડકાં સ્વાસ્થ્ય હેલ્થ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર મહિલા પુરુષ અસ્થિ કાસ્થિ
ઇમેજ કૅપ્શન, આંગળીના ટચાકા ફોડવાનું મોટા ભાગે નુકસાનકારક નથી હોતું, તેથી તે ટાળવા માટે કોઈ ખાસ કારણ નથી

કેટલાક લોકોને ટચાકા ફોડવાથી હળવાશ અનુભવાય છે અને સાંધાના હલનચલનમાં થોડા સમય માટે વધારો પણ થઈ શકે છે.

કારણ કે, ટચાકો ફોડતી વખતે સાંધો ખેંચાય છે અને તે સામાન્ય કરતાં થોડી વધુ હદ સુધી હલનચલન કરે છે. એક ધારણા એવી પણ છે કે સાંધાની આસપાસનાં ચેતાતંતુઓને ઉત્તેજના મળવાથી આસપાસના સ્નાયુઓ ઢીલા પડી શકે, દુ:ખાવો ઓછો થઈ શકે અને શરીરમાં ઍન્ડોર્ફિન નામનાં કુદરતી રસાયણોનું સ્તર વધી શકે. જો કે, આ ધારણા હજી સુધી પુરવાર થઈ નથી.

આંગળીઓના સાંધામાં ટચાકા ફોડવા સામાન્ય રીતે હાનિરહિત છે, તેથી આ આદત છોડવાનું કોઈ ખાસ કારણ ન પણ હોય. તેમ છતાં, આ આદત છોડવા માંગતા હો, તો જગન્નાથન કહે છે કે કૉગ્નિટિવ થેરાપી જેવી રીતોની મદદથી પોતાની આદતને સમજવાનો અને ટચાકા ફોડવા પરથી ધ્યાન હટાવવાનો અભ્યાસ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, તમે કયા સંજોગોમાં આંગળીઓના સાંધામાં ટચાકા ફોડો છો તેની નોંધ રાખી શકો. શું તણાવમાં હો ત્યારે આમ થાય છે? કંટાળો આવે ત્યારે? કે પછી કશું વિચાર્યા વિના જ આ આદત આપમેળે પડી જાય છે? આ કારણો ઓળખી લીધાં પછી, ટચાકા ફોડવાની ટેવથી ધ્યાન હટાવવા માટે તમારા હાથને સ્ટ્રેસ બૉલ અથવા ફિજેટ ટૉય જેવી વસ્તુઓ વડે વ્યસ્ત રાખી શકો છો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન