You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળમાં વિનાશક કુદરતી આફત વારંવાર શા માટે આવે છે?
- લેેખક, પવનરાજ પૌડેલ
- પદ, બીબીસી નેપાળી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
નેપાળ ઘણી બધી વાર વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે સમાચારોમાં ચમકતું રહે છે, ખાસ કરીને નેપાળ-ચીન સરહદી વિસ્તારોમાં.
નિષ્ણાતો આમ થવા પાછળ નેપાળ-ચીન સરહદના હિમાલય વિસ્તારની ભૂપૃષ્ઠરચનાને પણ જવાબદાર ગણાવે છે. આ ઉપરાંત, ગ્લૅશિયલ સરોવરો(હિમતાલ)ની સ્થિતિમાં થતા ફેરફારોને કારણે આ વિસ્તારમાં વારંવાર આવી દુર્ઘટનાઓ બનતી રહે છે.
બુધવારે સવારે રસુવાની ભોટેકોશી/ત્રિશૂલી નદીમાં આવેલા ભીષણ પૂરને કારણે નેપાળના રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવન સહિત અનેક જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે.
હકીકતમાં, તિબેટના વિસ્તારમાં ઘણાં હિમનદીજન્ય સરોવરો (હિમતાલ) છે. નેપાળ તરફના ઢોળાવવાળા વિસ્તારમાં અનેક વસાહતો આવેલી છે. આથી આ સરોવરો ફાટવાથી અને હિમસ્ખલનને કારણે નુકસાન થવાની આશંકા રહે છે.
નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટીના ઍક્ઝિક્યુટિવ ચીફ ધર્મરાજ ઉપ્રેતીએ જણાવ્યું, "અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખીને સમગ્રપણ જોતાં ઉચ્ચ હિમાલય વિસ્તારના તાપમાનમાં વધારો અને તેને કારણે આ વિસ્તારમાં આવેલા ફેરફારો જ તેનું કારણ હશે, એમ અનુમાન કરી શકાય."
અધિકારીઓનું કહેવું છે કે ગયા વર્ષની જેમ આ વખતે પણ ત્રિશૂલીના પૂરનું મૂળ નેપાળના ભૂભાગમાં નહીં, પરંતુ તિબેટ તરફ હોવાનું જણાય છે. બુધવારે સવારે અચાનક આવેલા આ પૂરે નેપાળના વિસ્તારોને ઝપટમાં લઈ લીધા.
જો કે, વરિષ્ઠ હવામાનશાસ્ત્રી અને જળ તથા હવામાન વિજ્ઞાન વિભાગનાં પ્રવક્તા વિભૂતિ પોખરેલનું કહેવું છે કે ઘટનાના વાસ્તવિક કારણ બાબતે અત્યારે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું કે અત્યારે તેને સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ એવું ચોક્કસપણે કહી શકાય એમ નથી કે આમ જ બન્યું હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેપાળની ત્રિભુવન યુનિવર્સિટી હેઠળની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ, પુલચોક કૅમ્પસના ડિઝાસ્ટર સ્ટડીઝ સેન્ટરના ડિરેક્ટર બસંત અધિકારી અત્યારે ચીનના સિચુઆનમાં છે અને ત્યાંથી જ આ ઘટના પર દેખરેખ રાખી રહ્યા છે.
તેઓ જણાવે છે, "ઘટના જે રીતે બની છે, તેની પરથી સંકેત મળે છે કે એ હિમસ્ખલન હોઈ શકે છે અને અહીં પાણી સંપૂર્ણપણે બહાર નીકળી ન શકવાને કારણે જોખમ હજુ પણ યથાવત્ છે, એવી માહિતી મળી રહી છે. તેની પુષ્ટિ કરવા માટે સેટેલાઇટ વિશ્લેષણની રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી."
તેમનું કહેવું છે, " ભૂતકાળમાં પણ પૂરની આવી ઘટનાઓ પાછળ હિમનદીજન્ય સરોવરના ફાટવાને અને હિમસ્ખલનને કારણભૂત હોવાનું માનવામાં આવ્યું છે."
સરહદી વિસ્તારોમાં આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે?
નિષ્ણાતોનું કહેવું છે કે નેપાળ અને ચીન વચ્ચેની ઉત્તર સરહદ પર ઊચ્ચ હિમાલયનો ભૂભાગ વિસ્તરેલો છે. સરહદની પેલે પાર તિબેટનો ઉચ્ચપ્રદેશ છે, જ્યારે હિમાલય વિસ્તારમાં આવેલી હિમનદીઓ, તેમાંથી બનેલાં સરોવરો અને નેપાળ તરફનાં જળસંગ્રહ (પાણીના નિકાલના) વિસ્તારને કારણે આ કુદરતી જોખમો વધુ જટિલ બની જાય છે.
ખાસ કરીને ચોમાસા દરમિયાન ભારે વરસાદ, હિમનદીઓમાં થતા ફેરફારો અને હિમસ્ખલનને કારણે સાવ ટૂંકા સમયમાં જ ભારે માત્રામાં પાણી અને પથ્થર-માટી નીચાણવાળા તટીય વિસ્તારો સુધી પહોંચી જાય છે.
ગયા વર્ષે પણ રસુવા વિસ્તારમાં પૂર આવવાથી જાનમાલનું મોટું નુકસાન થયું હતું.
ત્રિભુવન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સુદીપ ઠુકરી કહે છે, "હિમનદીજન્ય સરોવરો ફાટવાં અને હિમસ્ખલન થવું એ નેપાળ-ચીન (ખાસ કરીને તિબેટ) સરહદી વિસ્તારોમાં મોસમી તથા ભૌગોલિક જોખમો છે."
"નેપાળ તરફના ઢોળાવવાળા ભૂભાગમાં વસાહતો, રસ્તાઓ, પુલો, જળવિદ્યુત પરિયોજનાઓ અને અન્ય માળખાં આવેલાં હોવાથી તિબેટમાં હિમસ્ખલન થાય અથવા હિમનદીજન્ય સરોવરો ફાટે ત્યારે નેપાળ તરફના નીચાણવાળા તટીય વિસ્તારોમાં સમયાંતરે નુકસાન થતું રહ્યું છે."
"આવી ઘટનાઓ અગાઉ પણ ઘણી વાર જોવા મળી છે."
જાણકારોના જણાવ્યા અનુસાર ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં હિમનદીઓનું તૂટવું-ફૂટવું અને હિમસ્ખલન થવું નિયમિત અને કુદરતી બાબતો છે.
ઠુકરી કહે છે, "ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં હિમનદીઓનાં પાણીથી અનેક સરોવરો બનેલાં છે. આ સરોવરોમાં પાણીનો પ્રવાહ સતત રહે છે. તેથી સરોવરની પાણી સમાવવાની ક્ષમતા કરતાં વધારે પાણી ભરાઈ જાય તો પણ સરોવર ફાટવાની સ્થિતિ સર્જાઈ શકે છે."
તેઓ કહે છે, "એ જ રીતે સરોવરમાં હિમસ્ખલન થાય ત્યારે પણ સરોવરનું પાણી છલકાઈને બહાર આવી શકે છે. તેને પણ હિમનદીજન્ય સરોવરનું ફાટવું કહી શકાય."
"ક્યારેક ભૂકંપના આંચકાથી પણ સરોવરની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે અને ક્યારેક સતત વરસાદ પડવાથી પણ સરોવર પર દબાણ વધે છે. આમાંના કોઈ પણ કારણસર સરોવર ફાટે તો પાણી અચાનક ધસમસતું બહાર નીકળે છે."
નેપાળની ત્રિભુવન યુનિવર્સિટી હેઠળની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ, પુલચોક કૅમ્પસના ડિઝાસ્ટર સ્ટડીઝ સેન્ટરના ડિરેક્ટર બસંત અધિકારી કહે છે, "બુધવારની ઘટના અંગે એમ માનવામાં આવે છે કે લેંદેખોલામાં હિમસ્ખલનને કારણે પાણીનો પ્રવાહ અવરોધાતાં આ ઘટના બની હતી. પરંતુ પૂર આવતાં પહેલાં ખોલામાં પાણીનો પ્રવાહ અવરોધાયો હોવાની કે પાણીનું સ્તર ઘટ્યું હોવાની કશી માહિતી મળી નથી."
હિમાલયન વિસ્તારની પહેલાંની ઘટનાઓ
હિમસરોવરોના ફાટવાની અને હિમસ્ખલનની નાની-મોટી મોસમી ઘટનાઓ હિમાલય વિસ્તારમાં બનતી રહે એને ત્રિભુવન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ઠુકરી અસામાન્ય માનતા નથી.
જો કે, તેમના મતે બુધવારે આવ્યું એવું પૂર સામાન્ય નથી.
તેઓ કહે છે, "અમે જોયેલા ઘટનાના તમામ વીડિયો પરથી ખ્યાલ આવે છે કે આ બહુ મોટી ઘટના છે. નદીનું જળસ્તર સામાન્ય કરતાં 15-20 મીટર ઊંચું દેખાય છે."
રસુવામાં ઉપસ્થિત બીબીસીના સંવાદદાતા શક્તિમાયા તમાંગે આ વિસ્તારમાં રહેતા કેટલાક વૃદ્ધ લોકો સાથે આવી ઘટનાઓ બાબતે વાત કરી હતી.
"આ દરમિયાન તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં તેમણે આટલું મોટું પૂર કદી જોયું નથી."
રસુવામાં ગયે વર્ષે પણ મોટું પૂર આવ્યું હતું અને તેમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. તે સમયે થયેલા અભ્યાસોમાં જણાયું હતું કે લેંદે ખોલાના ઉપરના જળગ્રહણ વિસ્તારમાં આવેલું હિમનદીજન્ય સરોવર ફાટ્યું હતું. સરકારી અહેવાલોમાં ઉલ્લેખ છે કે અચાનક આવેલું પૂર નીચેની તરફ આગળ ધસતાં આસપાસના પથ્થરો, માટી અને રેતીને પોતાની સાથે તાણી લાવ્યું હતું અને ભયાનક બની ગયું હતું.
આને કારણે ભોટેકોશી નદીના વિસ્તારમાં આવેલા રસ્તા, પુલ, પાવર પ્લાન્ટ અને વસાહતો ઉપરાંત માળખાગત સુવિધાઓને પણ ઘણું નુકસાન થયું હતું.
સોલુખુમ્બુ જિલ્લાના ખુમ્બુ પાસાંગલ્હામુ ગ્રામીણ નગરપાલિકાના થામે નામના સ્થળે વર્ષ 2024માં જ અચાનક પૂર આવ્યું હતું. તેમાં પણ ડઝનબંધ ઘરોને નુકસાન થયું હતું.
એ જ રીતે, 2016માં કોદારી વિસ્તારમાં આવેલા પૂરને પણ ઘણું મોટું માનવામાં આવે છે. તિબેટમાં હિમસરોવર ફાટ્યા પછી આવેલા પૂરને કારણે કોદારી તથા તાતોપાનીનાં મકાનો, અરનિકો હાઇવે અને ભોટેકોશીના ઉપરવાસની જળવિદ્યુત પરિયોજનાને ભારે નુકસાન થયું હતું.
શું આને રોકી શકાયું હોત?
ત્રિભુવન યુનિવર્સિટીના સહપ્રાધ્યાપક ઠકુરી જણાવે છે કે આવી મોસમી ઘટનાઓને રોકી શકાતી નથી, પરંતુ સાવચેતી રાખીને જાનમાલનું નુકસાન ઘટાડી શકાય છે.
તેઓ કહે છે, "હવે 'અર્લી વૉર્નિંગ સિસ્ટમ' (પૂર્વસૂચના પ્રણાલી)નો ઉપયોગ શરૂ થઈ ગયો છે. હિમનદીજન્ય સરોવર અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવતી આવી પ્રણાલીઓ સરોવરના જળસ્તર અને બંધની સ્થિતિ વિશે 'રિયલ ટાઇમ' (તાત્કાલિક) માહિતી આપે છે."
તેમણે કહ્યું, "આવી ઘટનાઓની માહિતી અગાઉથી મળી શકે તો જાનહાનિ ઘટાડી શકાય."
એ જ રીતે, પુલચોક કૅમ્પસના અધિકારી જણાવે છે કે 'અર્લી વૉર્નિંગ સિસ્ટમ' ઉપયોગી થઈ શકે છે, પરંતુ સરહદપાર બનતી ઘટનાઓ બાબતે ચીન સાથે સરકારી સ્તરે સંકલન વધારવું જરૂરી છે.
"પૂર નેપાળથી જ શરૂ થયું હોત તો અમે અહીંથી તેની પર દેખરેખ રાખી શકત, પરંતુ હાલની ઘટનાના કિસ્સામાં સરહદપારની માહિતી પ્રણાલીને મજબૂત બનાવવી પડશે. અત્યારે એવું થતું જણાતું નથી."
"આવી ઘટનાઓ બને છે, ત્યાં માનવ વસાહતો નથી. લોકો દ્વારા માહિતીની આપ-લે કરવી મુશ્કેલ હોવાથી સેટેલાઇટ સ્ટેશન સ્થાપીને તેના માધ્યમથી દેખરેખ રાખવી જોઈએ."
તેઓ જણાવે છે, "નહીં તો અમારી વસાહતો સરહદની નીચે આવેલી હોવાથી અમે સૌથી વધુ અસરગ્રસ્ત થઈએ છીએ."
નેપાળના કેટલાક નદી વિસ્તારોનાં જળસંગ્રહ ક્ષેત્રોમાં આવી પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી રહી છે, પરંતુ જાણકારોનું કહેવું છે કે હિમાલયના વિસ્તારોમાં તેનો ઉપયોગ હજુ પ્રારંભિક તબક્કામાં જ છે.
ત્રિભુવન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ઠકુરીએ કહ્યું, "આ ઉપરાંત, જોખમવાળા વિસ્તારોની ઓળખ કરીને નદીકાંઠાની વસાહતોને પણ ખસેડી શકાય છે. જાનમાલનું નુકસાન રોકવા માટે જોખમવાળા વિસ્તારોમાં વસાહતો ઊભી ન કરવી જોઈએ. એ જ સૌથી અસરકારક ઉપાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન