નેપાળ પૂરથી તબાહી : 'મારી આંખ સામે આખો પરિવાર તણાઈ ગયો'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

નેપાળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 332થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. જોકે, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

રાહત અને બચાવ ટુકડીઓ આપત્તિગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, સેંકડો પ્રવાસીઓ હજુ પણ ગુમ છે. નેપાળના વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે ભારતના પણ આશરે 288 લોકો ગુમ છે.

આ ઉપરાંત, અમેરિકાના 54, ઑસ્ટ્રેલિયાના 34 અને બ્રિટનના 33 નાગરિકો પણ ગુમ હોવાનું જણાવાયું છે.

આ ભયાનક આપત્તિ બાદ અનેક દેશોએ નેપાળને મદદ માટે હાથ લંબાવ્યો છે. અમેરિકા, ચીન, યુરોપિયન સંઘ અને ભારતે સહાયની જાહેરાત કરી છે અથવા રાહત સામગ્રી મોકલી છે.

'મારી આંખો સામે પરિવાર પાણીમાં તણાઈ ગયો'

બીબીસીએ નેપાળના નુવાકોટ જિલ્લામાં બચી ગયેલા લોકો સાથે વાત કરી છે. આ વિસ્તાર પૂરની સૌથી વધુ પ્રભાવિત જગ્યાઓમાંનો એક છે.

નુવાકોટનાં કલ્પના મલ્લા કહે છે, "મારા પરિવારનાં સભ્યો મારી આંખો સામે પૂરનાં પાણીમાં તણાઈ ગયાં."

તેઓ કહે છે કે તેમનાં પિતા, માતા, બહેન અને બહેનનાં બાળકો, બધાં જ પૂરના પાણીમાં તણાઈ ગયાં છે.

તેઓ કહે છે, "તેમને બચી શકવાની કોઈ તક ન મળી. આ પૂરે અમારું બધું છીનવી લીધું. પરંતુ હું અને મારો પુત્ર એક ઘરની છત પર ચઢી ગયાં અને બચી ગયાં. અમે કેવી રીતે બચી ગયાં એ અમને સમજાતું નથી."

તેમના પુત્ર સુગમ મલ્લા કહે છે કે તેમણે પોતાની માતાનો હાથ ખેંચીને તેમને બચાવ્યા હતા.

તેઓ કહે છે, "તે પહેલાં મેં મારો ફોન મારી બહેનને આપી દીધો હતો, જેથી તે સુરક્ષિત રહે અને મદદ માટે સંપર્ક કરી શકે."

"પરંતુ હવે તેની સાથે કોઈ સંપર્ક થઈ શકતો નથી. તેનો મોબાઇલ બંધ આવે છે. મને ડર છે કે કદાચ તે પણ પૂરના પાણીમાં તણાઈ ગઈ હશે."

અન્ય એક મહિલા ગોમા પંડિત કહે છે કે તેમની ભેંસો અને અન્ય તમામ પશુધન પૂરમાં તણાઈ ગયું છે.

તેઓ કહે છે, "મારી ખેતીની જમીન પણ ધોવાઈ ગઈ. સરસવનાં બીજની 10 બોરી, અનેક ટન મકાઈ અને ડાંગર, બધું જ નષ્ટ થઈ ગયું. હવે કશું જ બચ્યું નથી."

'ઘર તૂટી ગયું છે, મારી બહેન ગુમ છે'

નેપાળના રસુવા જિલ્લાના રસુવા સ્યાફ્રુ બેસી ગામમાં રહેતા સોનમ દોરજી વિદેશી પ્રવાસીઓ માટે ટ્રેકિંગ ગાઇડ તરીકે કામ કરે છે. તેમણે બીબીસીને જણાવ્યું કે સ્થાનિક સમય મુજબ સવારે નવ વાગ્યે તેમના ગામમાં પૂર આવ્યું હતું.

સોનમ તેનાથી લગભગ એક કલાક પહેલાં જ નિર્ધારિત પ્રવાસ માટે કાઠમંડુ જવા નીકળ્યા હતા.

આ પૂરમાં તેમનાં બહેન ડેચેન તામાંગ, તેમના પતિ અને પરિવારના અન્ય ઘણા સભ્યો પણ ગુમ છે.

સોનમ કહે છે કે ગામમાંથી નીકળતી વખતે તેમને પૂરના અવાજો સંભળાયા હતા.

તેઓ કહે છે, "એવું લાગતું હતું કે જાણે ભૂકંપ આવ્યો હોય. મારું ઘર તૂટી ગયું છે... મેં તેની એક તસવીર જોઈ છે."

તેઓ આ પૂરની ઘટનાને "અચાનક આવેલી અને ભારે વિનાશ વેરનાર" ગણાવે છે.

"હવે ઘણા લોકો એવા છે જેમની પાસે રહેવા માટે ઘર જ નથી. તેમને તાત્કાલિક બચાવીને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની જરૂર છે. તેમને ખોરાક, કામચલાઉ આશ્રય અને તબીબી સહાયની પણ જરૂર છે."

સોનમ તેમની બહેન જીવિત મળી આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

તેઓ કહે છે, "માત્ર 10 ટકા આશા છે. છતાં અમે આશા રાખી રહ્યા છીએ."

'નેપાળમાંથી અમે નીકળ્યા એના 14 કલાક પછી પૂર આવ્યું'

ભુજના ટૂર ઑપરેટર શૈલેશ માહેશ્વરીના નેતૃત્વ હેઠળનો યાત્રાળુઓનો સમૂહ કૈલાસ માનસરોવર યાત્રાએ ગયો છે.

શૈલેશ માહેશ્વરીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે અમારી સાથે આ પ્રવાસમાં 43 ગુજરાતીઓ અને 25 એનઆરઆઈ લોકો છે, જે તમામ હાલમાં સુરક્ષિત છે.

તેમણે કહ્યું કે હાલમાં તેઓ ચીનના સાગા ગામમાં છે.

તેમણે જણાવ્યું કે તેમણે ગઈ કાલે મંગળવારે સાંજે નેપાળ-ચીન વચ્ચેનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો. તેના આઠેક કલાક બાદ રસુવા જિલ્લાના તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું હતું.

એ લોકોએ નેપાળમાંથી નીકળી ગયાના 14 કલાક પછી પૂર આવ્યું હતું.

શૈલેશભાઈ બીબીસીને સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે જે ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો એ આ પૂરમાં તણાઈ ગયો છે.

શૈલેશ માહેશ્વરીએ કહ્યું કે અમે સ્થાનિક લોકો પાસેથી જાણ્યું કે પૂરને કારણે મોટું નુકસાન થયું છે. લોકો રડી રહ્યા છે, કેમ કે તેમનાં ઘર, સંપત્તિ વધુ તબાહ થઈ ગયું છે. ગામોનાં ગામ તબાહ થઈ ગયાં છે.

સરકારો શું કરી રહી છે?

નેપાળના વડા પ્રધાન બાલેન શાહે કહ્યું કે "આખો દેશ સ્તબ્ધ અને બહુ પરેશાન" છે. તેમણે કહ્યું કે અધિકારીઓ રાહત અને બચાવ અભિયાનમાં ચીન સાથે તાલમેલ કરશે.

તો પડોશી દેશ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સરકાર "નેપાળને દરેક પ્રકારની માનવીય મદદ માટે તૈયાર છે."

ગુજરાત સરકારે નેપાળમાં આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

  • 079232-51900
  • 9978405304
  • હેલ્પલાઇન નં. 1070

તેમજ જરૂર પડ્યે જે તે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરનો હેલ્પલાઇન નં. 1077 પર સંપર્ક કરવા કહેવાયું છે.

નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર

  • +977 985 131 6807
  • +977 970 910 7500

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન