તહેવારો પહેલાં જ ખાંડના ભાવ કેમ આસમાને પહોંચ્યા, મોદી સરકાર ખાંડના ભાવ કેમ નથી અટકાવી શકતી?

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ભારત દુનિયામાં ખાંડનો સૌથી મોટો ઉપભોક્તા છે. ભારતમાં ખાંડના ભાવ છેલ્લા બે મહિનામાં 40 ટકા કરતાં વધુ વધીને રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે.

સોમવારે ઇન્ટ્રાડે કારોબારમાં ખાંડ કંપનીઓના શેરોમાં 12 ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. આ તેજી એ અપેક્ષાઓ વચ્ચે જોવા મળી કે શુગર સેક્ટરનો આઉટલુક સુધરશે.

બજાજ હિંદુસ્તાન શુગર, અવધ શુગર ઍન્ડ એનર્જી, દાલ્મિયા ભારત શુગર ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ધામપુર શુગર મિલ્સ, દ્વારિકેશ શુગર ઇન્ડસ્ટ્રીઝ, મગધ શુગર ઍન્ડ એનર્જી, મવાણા શુગર્સ, પોન્ની શુગર્સ (ઇરોડ), ઉગર શુગર વર્ક્સ અને ઉત્તમ શુગર મિલ્સના શેરો ઇન્ટ્રાડે કારોબારમાં પોતપોતાના 52 અઠવાડિયાંના સર્વોચ્ચ સ્તરે સ્પર્શ્યા.

ભારતે લગભગ એક દાયકામાં પ્રથમ વખત 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે; એટલે કે ભારત વિદેશોમાંથી ખાંડ આયાત શુલ્ક વિના મંગાવી રહ્યું છે જેથી ભાવ નિયંત્રણમાં રાખી શકાય.

મીડિયા અહેવાલો અનુસાર કેટલાંક રાજ્યોમાં ખાંડના ભાવમાં વધારો 50 ટકા સુધી પહોંચી ગયો છે.

ઉત્તરાખંડ, પંજાબ, મધ્ય પ્રદેશ અને ઓડિશા સહિત આઠ રાજ્યોમાં ખાંડનો ભાવ 65 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર પહોંચી ગયો છે.

23 ઑગસ્ટે ઓડિશામાં ખાંડનો સૌથી વધુ ભાવ 67.4 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો. એક અઠવાડિયા પહેલાં તે 55 રૂપિયા, એક મહિના પહેલાં 50.78 રૂપિયા અને 23 ઑગસ્ટ, 2025ના રોજ 46.89 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

ભારતમાં ખાંડ લાંબા સમયથી રાજકીય રીતે સંવેદનશીલ ઉત્પાદન રહી છે, કારણ કે તેની અસર ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યો પર પડે છે.

પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આગામી આઠ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી ખાંડ આયાત કરવાનો નિર્ણય પણ રાજકીય રંગ લઈ ચૂક્યો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના મુખ્ય વિપક્ષો ખાંડની આયાતને મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના આટલા લાંબા અંતરાલ પછીના નિર્ણય વિરુદ્ધ ખુલ્લેઆમ સામે આવ્યા છે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી વધુ આયાત કરવી અથવા ઇથેનૉલ માટે ખાંડના ડાયવર્ઝનને ઘટાડીને ખાંડના ભાવ નીચે લાવવા માટે સરકારની એક મર્યાદા છે; નહીં તો ઑક્ટોબરથી શરૂ થનારી 2026-27ની સીઝનમાં શેરડીનાં બાકી ચૂકવણાં વધવા લાગી શકે છે.

શુગર ઇન્ડસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારીએ બિઝનેસ સ્ટાન્ડર્ડને કહ્યું, "ઇન્ડસ્ટ્રીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો લગભગ 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ભાવ સકારાત્મક રહેશે."

"ખાંડનો ઉત્પાદન ખર્ચ લગભગ 42-43 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહેવાનો અંદાજ છે."

"છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા કિસ્સાઓમાં મિલોએ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા ભાવે ખાંડ વેચી છે, જેના કારણે તેમની નાણાકીય સ્થિતિ પર દબાણ પડ્યું છે."

"તેથી, જો મિલમાંથી નીકળતી ખાંડનો ભાવ સતત લગભગ 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહે, તો તે ખાંડ મિલોની નાણાકીય સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી મિલોને સતત આવી સ્થિતિ હાંસલ કરવામાં મુશ્કેલી પડી રહી છે."

સરકાર ખાંડના ભાવ કેમ નિયંત્રિત કરી શકતી નથી?

શુગર સેક્ટરમાં સંતુલનની વાત ઘણી વખત થાય છે: ઉપભોક્તા, ખેડૂત અને મિલ માલિક. ઉપભોક્તા ઇચ્છે છે કે તેને સસ્તી ખાંડ મળે, ખેડૂત ઇચ્છે છે કે તેને શેરડીનો ઊંચો ભાવ મળે અને મિલ માલિક ઇચ્છે છે કે તેમને વધુમાં વધુ નફો મળે.

અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણ કુમાર કહે છે કે સરકારની જવાબદારી છે કે તે આ ત્રણેય (ઉપભોક્તા, ખેડૂત અને મિલ માલિક) વચ્ચે સંતુલન જાળવી રાખે, પરંતુ આ વખતે એવું થતું દેખાતું નથી.

પ્રોફેસર અરુણ કુમાર કહે છે, "સરકારે જે પગલાં લીધાં છે તેની અસર હમણાં નહીં થાય, કારણ કે સ્થિતિ બેકાબૂ થઈ ગયા પછી પગલાં લેવામાં આવ્યા છે."

"સરકારે ખાંડની નિકાસ કેમ થવા દીધી? ઇથેનૉલ માટે ખાંડ શા માટે ડાયવર્ટ કરવામાં આવી? આ પ્રશ્નોના જવાબ સરકાર પાસે નથી."

કેન્દ્ર સરકારે એક ઑગસ્ટથી 30 નવેમ્બર સુધી દેશભરના ખાંડ ડીલરો માટે 400 ટનની સ્ટૉક મર્યાદા પણ લાગુ કરી છે.

સાથે જ એક સપ્ટેમ્બરથી જથ્થાબંધ ઉપભોક્તાઓને 15 દિવસના વપરાશ કરતાં વધુ ખાંડનો સ્ટૉક રાખવાની મંજૂરી નહીં હોય.

પરંતુ પ્રોફેસર અરુણ કુમાર માને છે કે, "તેની અસર તરત નહીં દેખાય. ભાવ સ્થિર થવામાં ઓછામાં ઓછા બે મહિના લાગી શકે છે."

ખાંડ મોંઘી કેમ થઈ રહી છે?

ઇન્ડિયન શુગર મિલ્સ ઍસોસિએશન (ISMA)ના અધ્યક્ષ નીરજ શિરગાંવકરે સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "ખાંડનો સ્ટૉક અને પુરવઠો પૂરતો છે અને તહેવારો દરમિયાન વધેલી માંગને પહોંચી વળવામાં કોઈ સમસ્યા નહીં આવે."

ભારતમાં ઑગસ્ટથી નવેમ્બર વચ્ચે ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મુખ્ય તહેવારો દરમિયાન ખાંડની માંગ સામાન્ય રીતે વધી જાય છે. આ સમય દરમિયાન પરંપરાગત મીઠાઈઓ અને કન્ફેક્શનરીનો વપરાશ વધે છે.

શિરગાંવકરે કહ્યું કે ખાંડની કોઈપણ અછત કૃત્રિમ છે અને સટ્ટાબાજીના કારણે ઊભી થઈ છે. સરકાર દ્વારા 10 લાખ ટન ખાંડની આયાતને મંજૂરી જેવાં પગલાં બજારમાં ચિંતાઓ ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે 30 સપ્ટેમ્બરે પૂર્ણ થનારા માર્કેટિંગ વર્ષમાં ભારતે 2.79 કરોડ ટન ખાંડનું ઉત્પાદન કર્યું. આ વાર્ષિક 2.8 કરોડથી 2.85 કરોડ ટનની ખપત કરતાં થોડું ઓછું છે, પરંતુ ગયા વર્ષના 2.61 કરોડ ટન ઉત્પાદનથી વધુ છે.

તેમણે કહ્યું કે ખાંડ મિલોએ લગભગ 30 લાખ ટન ખાંડ ઇથેનૉલ ઉત્પાદન માટે ડાયવર્ટ કરી છે અને આ વર્ષે લગભગ આઠ લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે. સરકારે કુલ 20 લાખ ટન નિકાસની મંજૂરી આપી હતી.

તેમણે જણાવ્યું કે ભારત નવા માર્કેટિંગ વર્ષની શરૂઆત લગભગ 35 લાખ ટનના પ્રારંભિક સ્ટૉક સાથે કરશે, જે એક વર્ષ પહેલાંના 50 લાખ ટનના મુકાબલે ઓછું છે.

વિપક્ષી પક્ષો આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી સરકારને ભાવ નિયંત્રિત કરવામાં સફળતા મળી નથી.

વિપક્ષ ઇથેનૉલ બનાવવા માટે ખાંડના ડાયવર્ઝનને ભાવમાં તેજીનું કારણ ગણાવી રહ્યો છે.

બીજી તરફ, ખેડૂત સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે તહેવારોની સીઝન પહેલાં મોટા વેપારીઓએ ખાંડના ભાવમાં કૃત્રિમ વધારો કર્યો છે.

સરકારે પોતાના જવાબમાં કહ્યું કે તે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

સરકાર મુજબ, ખાંડના ભાવ વધવા પાછળ ઘણાં કારણો છે, જેમાં અંદાજ કરતાં ઓછું ઘરેલું ઉત્પાદન, તહેવારો પહેલાં માંગમાં વધારો, હવામાનના કારણે શેરડીના પાકને નુકસાન, વૈશ્વિક સ્તરે ખાંડની ઓછી ઉપલબ્ધતા સાથે સટ્ટાબાજી અને જથ્થાખોરીનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે 31 ઑક્ટોબર, 2026 સુધી 10 લાખ ટન ખાંડની આયાતને મંજૂરી આપતી અધીસૂચના જારી કરી છે.

23 ઑગસ્ટ, 2025ના રોજ દેશભરમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ 46.30 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

પરંતુ 23 ઑગસ્ટ, 2026ના રોજ તે વધીને 62.47 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો, એટલે કે એક વર્ષમાં 34.92 ટકાનો વધારો.

આ વર્ષે 23 જુલાઈએ ખાંડનો ભાવ 48.62 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. એટલે કે માત્ર 30 દિવસમાં ભાવમાં 28.49 ટકાનો વધારો થયો. 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક વર્ષમાં ખાંડના ભાવ 40 થી 50 ટકા સુધી વધ્યા છે.

ખાંડના ભાવ અને ઇથેનૉલ વિપક્ષ માટે કેમ મોટો મુદ્દો છે?

વિપક્ષનો આરોપ છે કે ઇથેનૉલ બ્લૅન્ડિંગ કાર્યક્રમના કારણે ખાંડના ભાવ વધી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે શેરડીને ઇથેનૉલ ઉત્પાદન તરફ ડાયવર્ટ કરવાથી ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે માત્ર 17 દિવસમાં ખાંડનો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધી ગયો.

કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે E20 નીતિની તાત્કાલિક સમીક્ષા કરવાની અને ઉપભોક્તાઓ માટે ઇથેનૉલ વગરનું પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી.

તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના અહંકારપૂર્ણ નિર્ણયોની કિંમત લોકોને મોંઘા ખાદ્યપદાર્થો અને મોંઘી મુસાફરી—બંને સ્વરૂપે ચૂકવવી પડી રહી છે.

વિપક્ષના આરોપોના જવાબમાં કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે 20 ઑગસ્ટે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે તે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ઉપભોક્તાઓ માટે ખાંડની પૂરતી ઉપલબ્ધતા તેમજ ભાવમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.

મંત્રાલયે કહ્યું કે ખાંડના ભાવમાં તાજેતરના વધારા માટે ઇથેનૉલ ઉત્પાદન માટે ખાંડના ડાયવર્ઝનને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું, "એવું કહેવું ખોટું છે કે ખાંડના ભાવમાં તાજેતરનો વધારો ઇથેનૉલ ઉત્પાદન માટે ખાંડના ડાયવર્ઝનને કારણે થયો છે."

"વાસ્તવમાં, ઇથેનૉલ માટે ડાયવર્ટ થતી ખાંડનો હિસ્સો 2022-23માં લગભગ 12 ટકા હતો, જે ઘટીને 2025-26માં લગભગ નવ ટકા રહ્યો છે."

"ઉપરાંત, હવે દેશમાં ઉત્પન્ન થતા ઇથેનૉલનો લગભગ ત્રણ-ચતુર્થાંશ હિસ્સો અનાજ, ખાસ કરીને મકાઈમાંથી આવે છે."

શું હવામાન અને રોગચાળાનો ફટકો પણ શેરડી પર પડ્યો છે?

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR)ના લખનૌ સ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ શુગરકેન રિસર્ચ'ના નિયામક એસ. એન. સુશીલે બીબીસી હિન્દીને જણાવ્યું કે શેરડીનું ઉત્પાદન ઘટ્યું નથી, પરંતુ વધ્યું છે.

એસ. એન. સુશીલે કહ્યું, "ભારત સરકારના ત્રીજા અંદાજ મુજબ શેરડીનું 500.06 મિલિયન ટન ઉત્પાદન થયું છે. તેમાં 287.25 મિલિયન ટન શેરડીનું ક્રશિંગ થયું છે. શેરડીનું ઉત્પાદન જોવામાં આવે તો સારું છે."

"જો ગયા વર્ષનો અંદાજ જોઈએ તો તે 454.61 મિલિયન ટન હતો. આ વર્ષે 500 મિલિયન ટન છે. શેરડીનું ઉત્પાદન પૂરતું છે, અને આ સર્વકાલીન રેકૉર્ડ છે."

"જો તમે ISMA અને NC Cooperative Federationના પ્રકાશિત આંકડા જુઓ, તો તેના અનુસાર 287.24 મિલિયન ટન શેરડીનું ક્રશિંગ થયું છે. ક્રશિંગનો અર્થ એ છે કે શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવી."

એસ. એન. સુશીલ કહે છે, "ભારતમાં ખાંડની ખપત વધી રહી છે. ખાંડ અંગે થોડી જાગૃતિની કમી છે. મને લાગે છે કે આ કારણથી પણ ખપત વધી છે."

"આપણને વધુ ખાંડ ખાવાની આદત છે. ખાસ કરીને આ કારણે તહેવારો દરમિયાન માંગ વધી જાય છે."

"તહેવારોમાં દર વર્ષે ખાંડની માંગ વધે છે અને તેની અસર ભાવ પર પણ પડે છે. આ સીઝનમાં ખેડૂતો અને ખાંડ મિલોની ઉત્પાદન કિંમત વધી છે."

"પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ડીઝલ અને ખાતરના ભાવ વધતાં ઇનપુટ ખર્ચ પર તેની અસર પડી છે."

એસ. એન. સુશીલ કહે છે, "શેરડીમાં 'રેડ રોટ' (ગાંઠિયો કે લાલ સડો) રોગની વાત કરવામાં આવી રહી છે. પરંતુ રેડ રોટ એટલો મોટો મુદ્દો નથી."

"અમારી એક જાત 0238 હતી, જે 2015, 2016 અને 2017 પછી લગભગ 85 ટકા વિસ્તારમાં ઉગાડવામાં આવતી હતી."

"છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં તેમાં રેડ રોટ આવ્યો. રેડ રોટ આવ્યો તેમાં વિજ્ઞાનની નિષ્ફળતા નથી. પેથોજનનો એક નવો સ્ટ્રેન આવ્યો."

"તેનો નવો પેથોટાઇપ CF13 છે. CF13 આવવાના કારણે તે જાત રેડ રોટ માટે સંવેદનશીલ બની ગઈ. ત્યારબાદ તે જાતને બદલવાની વાત આવી."

"હવે તે જાતનું વાવેતર દરેક જગ્યાએ ઘટાડવામાં આવ્યું છે. તે હવે સીડ ચેઇનમાં પણ નથી."

"ઉત્તર પ્રદેશમાં તેનો વિસ્તાર 85 ટકાથી ઘટીને 29 ટકા રહ્યો છે. ખેડૂતોએ ધીમે ધીમે તે જાતનો ત્યાગ કર્યો છે."

"હવે બીજી નવી જાતો ઝડપથી આગળ વધી રહી છે. તેથી ઉત્પાદન સારું થઈ રહ્યું છે."

"બીજી વાત નબળા મૉન્સૂન અંગે કહેવામાં આવી રહી છે, પરંતુ તે પાક હજુ ખેતરમાં જ છે. તેથી તેની અસરનું મૂલ્યાંકન હમણાં કરી શકાય તેમ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન