નેપાળ : અડધોઅડધ પુલ વહી ગયો, અચાનક આવેલા પૂરે મચાવેલી ભયાનક તબાહીની ડ્રોન તસવીરો

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

નેપાળની ભોટેકોશી નદીમાં બુધવારે અચાનક આવેલા પૂરે ત્રણ જિલ્લામાં ભારે તબાહી મચાવી છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કમસે કમ 157 લોકોનાં મોત થયાં છે, જ્યારે સુરક્ષા દળોના જવાનો અને વિદેશી પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગુમ છે.

આ આપત્તિના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. તાજેતરનાં વર્ષોમાં નેપાળમાં આવેલી આ સૌથી ભયાનક આપત્તિઓમાંની એક માનવામાં આવે છે.

પૂર ત્યારે આવ્યું હિમસ્ખલનના કારણે ભોટેકોશીની ઉપનદી લ્હેન્દેનો પ્રવાહ અવરોધાઈ ગયો હતો.

ત્યાર બાદ પૂરનું પાણી સૌથી પહેલા ચીનની સરહદ નજીક આવેલા રસુવાગઢી પાસેના તિમુરે વિસ્તારમાં પહોંચ્યું.

સેંકડો લોકો વસવાટ કરતા આ વિસ્તારનો મોટો ભાગ પાણીમાં તણાઈ ગયો અને બાદમાં પૂરનું પાણી ઝડપથી નીચે તરફ વહી ગયું.

આ વિસ્તારમાં વરસાદની કોઈ માહિતી નહોતી, તેથી પૂર આવ્યું ત્યારે લોકો પોતાનાં રોજિંદાં કામકાજમાં વ્યસ્ત હતા.

વડા પ્રધાન કાર્યાલયે જાહેર કરેલા નિવેદન મુજબ, "391 વિદેશી નાગરિકો અને 44 સુરક્ષા કર્મચારીઓ સહિત સેંકડો લોકો ગુમ છે."

નેપાળ પ્રવાસન બોર્ડે ટૂર ઑપરેટરોને ટાંકીને જણાવ્યું છે કે ગુમ થયેલા ભારતીયોમાંથી મોટા ભાગના કૈલાસ માનસરોવર યાત્રા પર જઈ રહેલા યાત્રીઓ હતા.

નેપાળના ગૃહ મંત્રાલયે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે રસૂવાગઢી, તિમુરે, સ્યાફ્રૂબેસી અને મૈલુંગના અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનાના તેમજ ખાનગી હેલિકૉપ્ટરોથી બચાવ કામગીરી ચાલુ છે.

મંત્રાલયે જણાવ્યું કે સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓને આગામી ત્રણ મહિના માટે 'આપત્તિ સંભાવિત વિસ્તાર' જાહેર કરવાનો નિર્ણય પણ લીધો છે.

વિદેશમંત્રી ખનાલે જણાવ્યું કે રસૂવા જિલ્લામાં આવેલા પૂરના કારણે "રાષ્ટ્રીય આપત્તિ જેવી સ્થિતિ" ઊભી થઈ છે.

વર્ષ 2015ના વિનાશક ભૂકંપ બાદ નેપાળમાં આવેલી આ સૌથી ભયાનક આપત્તિ ગણાય છે. તે ભૂકંપમાં અંદાજે 9,000 લોકોના જીવ ગયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન