You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કારની ડિક્કીમાં રાખેલો મૃતદેહ અને તેમાંથી આવતી દુર્ગંધ 'નૉન-વેજ'ની ગણાવી, મહિલાના પિતાની શું ભૂમિકા હતી?
- લેેખક, પ્રવીણ શુભમ
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
(આ લેખની કેટલીક વિગત તમને વિચલિત કરી શકે છે)
વારંગલ કમિશનરેટ પોલીસે જણાવ્યું કે કારની ડિક્કીમાં લપેટીને બાંધી રાખેલી મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં મૃતક મહિલાના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે 'મૃતકના પિતાએ આ હત્યાને અપ્રત્યક્ષ રીતે પ્રોત્સાહન આપ્યું હતું', તેઓ હાલમાં ફરાર છે.
કાઝીપેટના એસીપી પિંગલી પ્રશાંત રેડ્ડીએ બીબીસીને જણાવ્યું કે "બંને આરોપીઓએ મૃતક મહિલાની હેરાનગતિથી બચવા અને તેનાથી છુટકારો મેળવવા માટે આ નિર્ણય લીધો હતો."
એસીપીએ જણાવ્યું કે તપાસ દરમિયાન પ્રેમી પોતાની પ્રેમિકાની હત્યા કર્યા પછી તેના મૃતદેહનો નિકાલ કરવાની પ્રયાસ કરતો હતો અને પકડાઈ ગયો.
વારંગલ પોલીસ અને કેટલાક સ્થાનિકો દ્વારા બીબીસીને અપાયેલી વિગતો અનુસાર..
21 ઑગસ્ટના રોજ, હનમકોંડા જિલ્લાના એલ્કાથુર્થી બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી એક કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પંચાયત સચિવને જાણ કરી હતી.
પંચાયત સચિવ વજ્જેપલ્લી શ્રીનિવાસે જણાવ્યું કે, "પંચાયતના એક વૉર્ડના સભ્ય દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, અમે કાર પાસે ગયા અને તેની તપાસ કરી. અમને દુર્ગંધ આવતી હતી. આસપાસ કોઈ દેખાતું નહોતું. ત્યાર બાદ, મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર દિવસ સુધી કારમાં જ મૃતદેહ રહ્યો
પોલીસે સચિવની ફરિયાદ બાદ તપાસ કરી અને રજિસ્ટ્રેશન નંબરના આધારે કારના માલિકની ઓળખ ડામેરા ગામના સુરેન્દ્રની છે તેવું શોધી કાઢ્યું.
જોકે, થોડા સમય પહેલાં તપાસમાં એ જાણવા મળ્યું હતું કે સુરેન્દ્રે પોતાની કાર એલ્કાથુર્થીના નિવૃત્ત સિંગારેનીના એક કર્મચારી સમ્મી રેડ્ડીના પરિવારને બે લાખ રૂપિયાની લોન માટે ગીરવે મૂકી હતી અને હાલમાં આ કારનો ઉપયોગ તેમના બીજા પુત્ર યેદેલ્લી વિનોદકુમાર કરતા હતા, જે આ કેસમાં આરોપી છે.
એસીપી પ્રશાંત રેડ્ડીએ જણાવ્યું, "આરોપીનો ફોન બંધ આવતો હોવાથી કારમાલિક પાસેથી બીજી ચાવી મગાવી કાર ખોલી તો બેડશીટમાં લપેટેલો મહિલાનો મૃતદેહ મળ્યો. કારની આગળની સીટ પર મળેલા આધાર કાર્ડના આધારે મૃતકની ઓળખ પેડ્ડપલ્લી જિલ્લાના સેન્ટેનરી કૉલોનીની અંકતી મનસા (35 વર્ષ) તરીકે થઈ. બાદમાં પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ્યો."
એલ્કાથુર્થીના સરપંચ મુનિગડાપા લાવણ્યાએ બીબીસીને જણાવ્યું કે શરૂઆતમાં લાગ્યું કે કોઈ બહારની વ્યક્તિએ હત્યા કરીને મૃતદેહ અહીં છોડી દીધો હશે.
"આરોપી પોતાના ઘરથી માત્ર 10 મીટર દૂર કારમાં મૃતદેહ છુપાવવાની હિંમત કરશે તેવું વિચાર્યું નહોતું. કારમાંથી આવતી દુર્ગંધ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે બે દિવસ પહેલાં ડિક્કીમાં નૉન-વેજ રાખ્યું હતું તે બગડી ગયું હશે."
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા 18 ઑગસ્ટના રોજ કરીમનગરમાં થઈ હતી.
આરોપી અને મૃતક મહિલા બાળપણનાં મિત્રો હતાં
એસીપી પ્રશાંત રેડ્ડીએ જણાવ્યું હતું કે આરોપી અને મૃતક બાળપણથી એકબીજાને ઓળખતાં હતાં અને સહાધ્યાયી હતાં.
પ્રશાંત રેડ્ડીએ જણાવ્યું કે "બંનેના પિતા સિંગારેનીના કર્મચારી હતા. તેઓ ગોદાવરીખાની વિસ્તારમાં કોલસાની ખાણોમાં કામ કરતા અને નજીકના સેન્ટેનરી કૉલોનીમાં રહેતા હતા. આરોપી વિનોદના પિતા સમ્મી રેડ્ડી નિવૃત્તિ પછી તેમના વતન એલ્કાથુર્થીમાં સ્થાયી થયા હતા."
"મનસાનાં બે વાર લગ્ન થઈ ચૂક્યાં છે. હાલમાં તેના બીજા પતિ સાથે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલે છે. તે સેન્ટેનરી કૉલોનીમાં તેનાં માતાપિતા સાથે રહે છે."
બીજી તરફ, વિનોદ એન્જિનિયરિંગનો અભ્યાસ અધૂરો છોડી કરીમનગરમાં ભાડાના રૂમમાં રહેતા હતા.
તાજેતરમાં મનસા અને વિનોદ બંને વચ્ચે નિકટતા વધી હતી. તે ઘણી વાર સેન્ટેનરી કૉલોનીથી કરીમનગરમાં વિનોદના રૂમમાં આવતી-જતી રહેતી. અમારી તપાસમાં જાણવા મળ્યું કે તેનાં માતાપિતા મનસાના વૈવાહિક જીવન અને વ્યક્તિગત વર્તનથી (વાત ન માનવી અને તેનાં માતાપિતા પર શારીરિક હુમલો કરવો) પરેશાન હતાં.
બીજી તરફ, મનસા લગ્ન માટે દબાણ કરતી હોવાથી વિનોદે આ વાત મનસાના પિતા રાજેશમને કરી હતી.
બંનેએ મનસાને રસ્તામાંથી હઠાવવાનું નક્કી કર્યું. પિતાનું સમર્થન મળતાં વિનોદે 18 ઑગસ્ટની મધ્યરાત્રિએ કરીમનગરના પોતાના રૂમમાં મનસાની હત્યા કરી દીધી.
એસીપી પ્રશાંત રેડ્ડીએ સમજાવ્યું કે "ત્યાર બાદ મૃતદેહને કારની ડિક્કીમાં મૂકી 70 કિમી દૂર પોતાના ગામ એલ્કાતુરથી લાવી ઘર નજીક પાર્ક કરી દીધી."
પોલીસે જણાવ્યું, "હત્યા પછી વિનોદ મૂંઝવણમાં હતો કે મૃતદેહનું શું કરવું. અંતે તેણે તેના ઘરના ખેતરમાં તેને દફનાવવા માટે યોગ્ય સમય શોધ્યો. આ પ્રક્રિયામાં મનસાનો મૃતદેહ 18થી 21 ઑગસ્ટ સુધી લગભગ ચાર દિવસ સુધી કારની ડિક્કીમાં રહ્યો. આખરે તપાસ દરમિયાન તે પકડાઈ ગયો."
આ કેસ વિશે બીબીસી સાથે વાત કરતા વિનોદના પરિવારના એક સભ્યે કહ્યું, "અમારા પરિવારમાં આવું કંઈક બનશે તેવી અમને ક્યારેય અપેક્ષા નહોતી. અમે વધુ કંઈ કહી શકીએ એમ નથી."
એસીપી પ્રશાંત રેડ્ડીએ જણાવ્યું હતું કે મનસાના પિતા રાજેશમ (જે આ કેસની તપાસના ભાગ રૂપે એક વખત પૂછપરછ માટે આવ્યા હતા) હાલમાં ફરાર છે, કારણ કે તેમનું નામ પાછળથી બહાર આવશે તેવી શંકા છે. હત્યા કરીમનગરમાં થઈ હોવાથી કેસની વધુ તપાસ કરીમનગર વન ટાઉનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
બીબીસીએ આ કેસ વિશે મનસાના સંબંધીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાંથી કોઈ ઉપલબ્ધ નહોતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન