ઇલેક્ટ્રિક કારમાં બેસતાં જ કેટલાક લોકોની તબિયત કેમ બગડવા લાગે છે?

ઇલેક્ટ્રિક કારમાં બેસતાં જ કેટલાક લોકોની તબિયત કેમ બગડવા લાગે છે?
    • લેેખક, ગ્રેસ ડીન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

લોલા બેયર્ડે પોતાના બૉયફ્રેન્ડને કાર રસ્તાની બાજુએ ઊભી રાખવા કહ્યું. સફર શરૂ થયાને આશરે 40 મિનિટ જ થઈ હતી અને તેને એટલા બધા ઊબકા આવતા હતા કે તેઓ ઊલટી રોકી શક્યાં નહીં.

ઉત્તર લંડનમાં રહેતાં 24 વર્ષની લોલાને આ પહેલાં ક્યારેય મોશન સિકનેસ એટલે કે મુસાફરી દરમિયાન ઊબકા આવવાની સમસ્યા થઈ નહોતી. પરંતુ લગભગ બે વર્ષ પહેલાં તેમના બૉયફ્રેન્ડે ઇલેક્ટ્રિક વાહન (ઈવી) ખરીદ્યું.

ત્યારથી જ્યારે પણ તેઓ લોલાને કારની લાંબી મુસાફરીએ લઈ જાય છે, ત્યારે તેમને "ખૂબ જ ઊબકા" આવે છે.

સમસ્યા એટલી વધી ગઈ કે તેમણે પોતાના બૉયફ્રેન્ડને કાર બદલવા માટે પણ કહી દીધું.

લોલા એકલાં નથી. બીબીસી ન્યૂઝ સાથે વાત કરનારા કેટલાક અન્ય લોકોએ પણ જણાવ્યું કે ઇલેક્ટ્રિક કારમાં મુસાફર તરીકે બેસવાથી તેમને અથવા તેમનાં બાળકોને કારમાં મુસાફરી દરમિયાન વધારે ઊબકા આવે છે. જોકે, બીજી તરફ કેટલાક ઈવી ડ્રાઇવરોનું કહેવું છે કે તેમને આવી કોઈ સમસ્યા થતી નથી.

તો મોશન સિકનેસની આ ફરિયાદો પાછળનું કારણ શું હોઈ શકે?

કિંગ્સ કૉલેજ, લંડનમાં એનાટૉમી અને બાયોમેકેનિક્સનાં સિનિયર લેક્ચરર ડૉ. આઇરીન ડી ગિઉલિયો મોશન સિકનેસ પર પણ સંશોધન કરે છે.

તેમનું કહેવું છે કે અત્યાર સુધી થયેલા સંશોધન પરથી સંકેત મળે છે કે કેટલાક લોકોને પેટ્રોલ કે ડીઝલવાળી કારની સરખામણીએ ઇલેક્ટ્રિક વાહનોમાં વધારે મોશન સિકનેસ થઈ શકે છે.

શિકાગોની નૉર્થવેસ્ટર્ન મેડિસિનના ન્યુરોલૉજિસ્ટ ડૉ. નિકોલસ હેકે પણ પોતાના કેટલાક દર્દીઓ પાસેથી આવી ફરિયાદો સાંભળી છે.

તેઓ ચક્કર અને વર્ટિગો સાથે જોડાયેલી સમસ્યાઓના નિષ્ણાત છે.

તેમનું કહેવું છે, "તેમને લાગે છે કે ઇલેક્ટ્રિક વાહનોમાં તેમને મોશન સિકનેસ થવાની શક્યતા વધારે છે અથવા તેઓ તેના પ્રત્યે વધારે સંવેદનશીલ છે."

તેઓ આગળ કહે છે, "મેં આ વિશે ઘણી, ઘણી વાર સાંભળ્યું છે."

તેમના જણાવ્યા મુજબ, દર મહિને લગભગ બે દર્દીઓ ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનમાં મુસાફરી દરમિયાન મોશન સિકનેસ થતી હોવાની વાત કરે છે.

લોલા બેયર્ડે જોયું કે ઇલેક્ટ્રિક વાહનવાળી ટેક્સીમાં પણ તેમને તેમને બોયફ્રેન્ડની કારમાં મુસાફરી કરતી વખતે થતું હતું એ રીતે જ ઊબકા આવતા હતા. તેઓ કહે છે, "ત્યારે મને બંને બાબતો વચ્ચેનો સંબંધ સમજાવા લાગ્યો."
ઇમેજ કૅપ્શન, લોલા બેયર્ડે જોયું કે ઇલેક્ટ્રિક વાહનવાળી ટેક્સીમાં પણ તેમને તેમને બૉયફ્રેન્ડની કારમાં મુસાફરી કરતી વખતે થતું હતું એ રીતે જ ઊબકા આવતા હતા. તેઓ કહે છે, "ત્યારે મને બંને બાબતો વચ્ચેનો સંબંધ સમજાવા લાગ્યો."

જોકે, ઇલેક્ટ્રિક વાહનો અને મોશન સિકનેસ વચ્ચેના સંભવિત સંબંધ અંગેનું સંશોધન હજુ શરૂઆતના તબક્કામાં છે.

કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં એવો કોઈ મજબૂત પુરાવો નથી, જેના આધારે ચોક્કસપણે કંઈ કહી શકાય.

પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં મોશન સિકનેસ પર સંશોધન કરી ચૂકેલા ડૉ. બિલ યેટ્સ કહે છે કે આ વિષય પર અત્યાર સુધી થયેલું સંશોધન "હજુ ઘણું મર્યાદિત અને અસ્પષ્ટ" છે.

તેઓ કહે છે, "કેટલાક લોકોના અનુભવો પર આધારિત માહિતી જરૂર છે, પરંતુ અત્યાર સુધી આ અંગે પૂરતી સંખ્યામાં ગંભીર અને વ્યાપક અભ્યાસ થયા નથી."

'ડ્રાઇવિંગની મજા આવે છે, પરંતુ મારી દીકરીની તબિયત બગડી જાય છે'

ગયા વર્ષે માર્ક ક્વિગ નવી કાર ખરીદવાના વિકલ્પો શોધી રહ્યા હતા ત્યારે કાર ચલાવવાનો ખર્ચ ઓછો હોવાથી ઇલેક્ટ્રિક વાહન તેમને સૌથી સારો વિકલ્પ લાગ્યો.

લિંકનશાયરમાં રહેતા 45 વર્ષના માર્ક કહે છે કે તેમની નવી ઇલેક્ટ્રિક કાર ચલાવવામાં "ખૂબ શાનદાર" છે. પરંતુ તેમને ટૂંક સમયમાં જ સમજાયું કે તેમાં મુસાફરી કરવાથી તેમની નવ વર્ષની દીકરીને મોશન સિકનેસની સમસ્યા ઘણી વધી ગઈ છે.

પહેલાં તેમની દીકરીને ફક્ત શાળાની રજાઓ દરમિયાન ફ્રાન્સની લગભગ 600 માઇલ લાંબી મુસાફરી વખતે જ મોશન સિકનેસ થતી હતી. પરંતુ હવે માર્કના જણાવ્યા મુજબ, નજીકના શહેર સુધીની માત્ર 30 મિનિટની મુસાફરીમાં પણ તેમની દીકરીની તબિયત બગડી જાય છે.

તાજેતરની એક મુસાફરી દરમિયાન તેમની દીકરીએ ઊલટી પણ કરી હતી.

માર્ક કહે છે કે આવું પહેલાં ક્યારેય થયું નહોતું.

માર્ક ક્વિગ કહે છે કે ઇલેક્ટ્રિક કારમાં ડ્રાઇવિંગનો અનુભવ તેમના માટે "ખૂબ શાનદાર" છે, કારણ કે આ કાર ઘણી શાંત હોય છે.
ઇમેજ કૅપ્શન, માર્ક ક્વિગ કહે છે કે ઇલેક્ટ્રિક કારમાં ડ્રાઇવિંગનો અનુભવ તેમના માટે "ખૂબ શાનદાર" છે, કારણ કે આ કાર ઘણી શાંત હોય છે.

મોશન સિકનેસ એટલે કે મુસાફરી દરમિયાન ઊબકા આવવાની સમસ્યા ઈવીમાં મુસાફરી કરનારા દરેકને થતી નથી.

ઇલેક્ટ્રિક કારના કેટલાક માલિકોએ બીબીસી ન્યૂઝનો સંપર્ક કરીને જણાવ્યું કે તેમને અથવા તેમના પરિવારના સભ્યોને ઇલેક્ટ્રિક વાહનમાં મુસાફરી કરતી વખતે આવી કોઈ સમસ્યા થતી નથી. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે પરંપરાગત પેટ્રોલ-ડીઝલવાળી કારની સરખામણીએ ઈવીમાં તેમને મોશન સિકનેસ ઓછી થાય છે.

ઇલેક્ટ્રિક વાહનચાલકોના સંગઠન ઈવીએ, ઇંગ્લૅન્ડનાં સીઈઓ વિકી ઍડમન્ડ્સ કહે છે કે તેમના સભ્યોમાં મોશન સિકનેસ ચિંતાનો વિષય નથી.

તેઓ કહે છે, "આ મુદ્દો ક્યારેય ઉપસ્થિત થયો જ નથી."

જોકે, બ્રિટનમાં ઘણા શોરૂમ ધરાવતી, ચીનની ઇલેક્ટ્રિક વાહન કંપની એક્સપેંગ આ સમસ્યા વિશે અગાઉ જાહેરમાં વાત કરી ચૂકી છે. ઇલેક્ટ્રિક વાહનો અને મોશન સિકનેસ વચ્ચે સંબંધ અનુભવતા લોકોને કંપનીએ કહ્યું છે કે "આ એક વાજબી સવાલ છે અને આ ફક્ત તમારો વહેમ નથી."

કંપનીના જણાવ્યા મુજબ, "ઇલેક્ટ્રિક કાર જે રીતે ડિઝાઇન અને એન્જિનિયર કરવામાં આવે છે, તેની કેટલીક આડઅસરો"ને કારણે આ સમસ્યા થઈ શકે છે.

તેનું કારણ શું હોઈ શકે?

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હેકના જણાવ્યા મુજબ, મોશન સિકનેસનું કારણ છે "આપણી ઇન્દ્રિયો પાસેથી મળતા સંકેતો વચ્ચે તાલમેલ ન હોવો".

તેઓ જણાવે છે કે આપણે હલનચલન કરી રહ્યા છીએ કે નહીં એ સમજવા માટે આપણું શરીર ત્રણ મુખ્ય સેન્સરનો ઉપયોગ કરે છે. તેમાં આપણી આંખોથી મળતી માહિતી, અંદરના કાનની સંતુલન પ્રણાલી અને શરીરની અંદર રહેલાં એવા તંતુઓનો સમાવેશ થાય છે, જે શરીરના હલનચલનનો અનુભવ કરે છે.

આમાંથી કોઈ એક તરફથી મળતો સંકેત બીજા સંકેતો સાથે મેળ ન ખાય, ત્યારે મોશન સિકનેસ થઈ શકે છે.

ઉદાહરણ તરીકે, તમે કારમાં બેઠાં-બેઠાં ફોન જોઈ રહ્યા હો અને બારીની બહારની હિલચાલ દેખાતી ન હોય, તો શરીરને મળતા સંકેતો વચ્ચેનો તાલમેલ બગડી શકે છે અને ઊબકા આવવાની સમસ્યા થઈ શકે છે.

સંશોધનમાં કેટલાંક એવાં કારણોની પણ ઓળખ થઈ છે, જેના કારણે ઇલેક્ટ્રિક વાહનોમાં આ સમસ્યા વધારે ગંભીર બની શકે છે.

નિષ્ણાતો જણાવે છે કે માણસો વાહનોના અવાજને તેમની ઝડપ સાથે સાંકળવા માટે ટેવાઈ ગયા છે.

ડૉ. ડી ગિઉલિયોના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રિક વાહનોમાં એન્જિનનો એવો અવાજ અને કંપન હોતાં નથી, જેનાથી સામાન્ય રીતે આપણને ખબર પડે છે કે કાર ક્યારે ઝડપ પકડી રહી છે. તેના કારણે મોશન સિકનેસ થઈ શકે છે.

બીજું કારણ રિજનરેટિવ બ્રેકિંગ હોઈ શકે છે. તેમાં ડ્રાઇવર એક્સેલરેટર પરથી પગ હટાવે કે તરત મોટર જનરેટરની જેમ કામ કરવા લાગે છે. તેનાથી પ્રતિકાર પેદા થાય છે, કારની ઝડપ ઘટે છે અને સાથે વીજળી પણ પેદા થાય છે, જેને બેટરીમાં સંગ્રહિત કરી શકાય છે. એક્સેલરેટર પરથી પગ ધીમે-ધીમે હટાવવો જરૂરી હોય છે, નહીં તો કાર અચાનક ઝડપથી ધીમી થઈ શકે છે.

હેક કહે છે, "આનાથી વ્યક્તિને થોડી ક્ષણો માટે એવું લાગી શકે છે કે કારની ઝડપ અચાનક બદલાતાં તેનું શરીર આગળ-પાછળ હલી રહ્યું છે."

કૅલિફોર્નિયાનાં 24 વર્ષનાં કેરોલિન લેને પણ આવો જ અનુભવ થયો છે.

તેઓ જણાવે છે કે વ્યસ્ત શહેરોમાં તેમનો મિત્ર ઇલેક્ટ્રિક કાર ચલાવે છે, ત્યારે તેમને "ખૂબ વધારે" મોશન સિકનેસ થાય છે.

તેમના જણાવ્યા મુજબ, રિજનરેટિવ બ્રેકિંગને કારણે "એવું સતત લાગે છે કે કાર વારંવાર અટકી રહી છે."

કેલિફોર્નિયાની કેરોલિન લે કહે છે, "આ ખરેખર ખૂબ ખરાબ અનુભવ છે." તેઓ પોતાની મોશન સિકનેસ માટે રિજનરેટિવ બ્રેકિંગને જવાબદાર માને છે.
ઇમેજ કૅપ્શન, કૅલિફોર્નિયાનાં કેરોલિન લે કહે છે, "આ ખરેખર ખૂબ ખરાબ અનુભવ છે." તેઓ પોતાની મોશન સિકનેસ માટે રિજનરેટિવ બ્રેકિંગને જવાબદાર માને છે.

ઇલેક્ટ્રિક વાહનો પરંપરાગત પેટ્રોલ-ડીઝલવાળી કારની સરખામણીએ વધુ ઝડપથી એક્સેલરેટ અને ડીસેલરેટ કરી શકે છે. ડૉ. ડી ગિઉલિયોના જણાવ્યા મુજબ, તેના કારણે મોશન સિકનેસ થઈ શકે છે.

જોકે, ઈવીએ, ઇંગ્લૅન્ડનાં વિકી ઍડમન્ડ્સનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વાહનોની ડિઝાઇનમાં થયેલા ફેરફારોને કારણે હવે તેમની ઝડપ વધવાની પ્રક્રિયાને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય છે, જેથી કાર અચાનક એટલી ઝડપથી ગતિ નથી પકડી લેતી.

તેઓ આગળ કહે છે કે સંગઠનનું માનવું છે કે ઈવીમાં મોશન સિકનેસનું કારણ કાર પોતે નહીં, પરંતુ ડ્રાઇવરની ડ્રાઇવિંગ શૈલી જેવાં "અન્ય કારણો" હોઈ શકે છે.

સોસાયટી ઑફ મોટર મૅન્યુફેક્ચરર્સના વડા માઇક હૉસના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રિક કારનાં કેટલાંક ફીચર્સ શરૂઆતમાં ડ્રાઇવરોને અલગ અથવા થોડા અજાણ્યા લાગી શકે છે.

તેઓ કહે છે કે ઈવી એક અલગ પ્રકારનો ડ્રાઇવિંગ અનુભવ આપે છે.

"જોકે, ડ્રાઇવરો સામાન્ય રીતે આ સુવિધાઓ સાથે ઝડપથી તાલમેલ બેસાડી લે છે અને ઘણા મોડેલોમાં રિજનરેટિવ બ્રેકિંગને પોતાની પસંદગી મુજબ ઍડજસ્ટ કરવાનો વિકલ્પ પણ હોય છે."

કેટલાક લોકોને આમ પણ મોશન સિકનેસ થવાની શક્યતા વધારે હોય છે.

હેકના જણાવ્યા મુજબ, તેમાં જિનેટિક્સની સૌથી મોટી અસર હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે મહિલાઓ અને બાળકો મોશન સિકનેસ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.

વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી, રૉયલ નેવી અને રૉયલ ઍર ફોર્સમાં આ વિષય પર સંશોધન કરી ચૂકેલા પ્રોફેસર જૉન ગોલ્ડિંગના જણાવ્યા મુજબ, મોશન સિકનેસ સામાન્ય રીતે 8થી 10 વર્ષની ઉંમર વચ્ચે સૌથી વધારે હોય છે. ત્યાર પછી સતત મુસાફરી કરવાની અને તેની આદત પડવાની સાથે આ સમસ્યા ઓછી થતી જાય છે.

માથું સ્થિર રાખો અને બારી ખોલી દો

ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા

ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા વધતાં તેમનાથી બચવું મુશ્કેલ બની રહ્યું છે.

બ્રિટનના ડિપાર્ટમેન્ટ ફૉર ટ્રાન્સપોર્ટના તાજા આંકડા મુજબ, એપ્રિલથી જૂન 2026 વચ્ચે નોંધાયેલી નવી ઝીરો-એમિશન કારની સંખ્યા 2025ના આ જ સમયગાળાની સરખામણીએ 40.5 ટકા વધી.

આંકડા મુજબ, જૂન 2026ના અંત સુધી બ્રિટનની સડકો પર દોડતી કુલ લાઇસન્સ ધરાવતી કારોમાં 5.8 ટકા ઝીરો-એમિશન વાહનો હતાં. 2030થી નવી પેટ્રોલ અથવા ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ મૂકાવાનો છે.

લંડનનાં 24 વર્ષનાં લુસિન્ડા હેરિસન જણાવે છે કે તેઓ ઘણી વાર ટેક્સી બુક કરે છે, પરંતુ ઘણી વખત ખબર પડે છે કે તે ઇલેક્ટ્રિક વાહન છે. એવા સમયે તેમને આખી મુસાફરી દરમિયાન ઊબકા, પરસેવો અને બેચેની અનુભવાય છે.

તેઓ કહે છે કે ઈવીમાં મુસાફરી કરવાનો વિચાર જ તેમને બીવડાવવા લાગે છે. તાજેતરમાં એક સહકર્મી પાસેથી માત્ર 5 મિનિટની લિફ્ટ લઈને ટ્યુબ સ્ટેશન સુધી જવું પણ તેમના માટે એટલું મુશ્કેલ રહ્યું કે તેમને "ખૂબ ખરાબ" લાગ્યું.

શૈક્ષણિક નિષ્ણાતોનું કહેવું છે કે મુસાફરો મોશન સિકનેસની સમસ્યા ઘટાડવા માટે કેટલાક ઉપાયો કરી શકે છે.

  • આગળની બારીમાંથી બહાર જુઓ અને ફોન જોવાનું કે પુસ્તક વાંચવાનું ટાળો.
  • શક્ય હોય તો પાછળ બેસવાને બદલે આગળની પેસેન્જર સીટ પર બેસો. પાછળ બેસવું જરૂરી હોય તો વચ્ચેની સીટ પસંદ કરો, જેથી આગળની બારીમાંથી બહાર જોઈ શકાય.
  • માથું હેડરેસ્ટ પર ટેકવીને સ્થિર રાખો.
  • તમારી સીટને થોડી પાછળની તરફ નમાવો.
  • શ્વાસ લેવાની ગતિ સામાન્ય અને નિયંત્રિત રાખો.
  • તાજી હવા માટે બારી ખોલો.
  • જરૂર પડે તો ટ્રાવેલ સિકનેસની દવા લઈ શકાય છે, જોકે, તેનાથી ઊંઘ આવી શકે છે.
  • લાંબી મુસાફરી પહેલાં પૂરતું પાણી પીઓ, સારી ઊંઘ લો અને ખૂબ તળેલું કે ચરબીવાળું ખાવાનું ટાળો.

નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે લાંબા સમય સુધી વારંવાર મુસાફરી કરવાથી શરીર મોશન સિકનેસથી ટેવાઈ શકે છે.

પ્રોફેસર ગોલ્ડિંગના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રિક વાહનોમાં જેટલી વધારે મુસાફરી કરશો, એટલું જ શરીર તેમની મુસાફરીની રીત સાથે વધુ અનુકૂળ થઈ શકે છે અને મોશન સિકનેસ થવાની શક્યતા ઘટી શકે છે.

બારીમાંથી બહાર જોવાથી મોશન સિકનેસની સમસ્યા ઘટી શકે છે. મુસાફર તરીકે મુસાફરી કરતી વખતે બાળકો અને મહિલાઓને મોશન સિકનેસ થવાની શક્યતા વધારે હોઈ શકે છે.
ઇમેજ કૅપ્શન, બારીમાંથી બહાર જોવાથી મોશન સિકનેસની સમસ્યા ઘટી શકે છે. મુસાફર તરીકે મુસાફરી કરતી વખતે બાળકો અને મહિલાઓને મોશન સિકનેસ થવાની શક્યતા વધારે હોઈ શકે છે.

રૉયલ કૉલેજ ઑફ આર્ટમાં મોબિલિટી ડિઝાઇનના પ્રોફેસર સિરિલ ડીલ્સનું કહેવું છે કે કાર કંપનીઓ પણ ઇલેક્ટ્રિક વાહનોમાં મોશન સિકનેસની સમસ્યા ઘટાડવા માટે કેટલાંક પગલાં લઈ શકે છે.

તેમાં અચાનક થતું ઝડપી એક્સેલરેશન ઓછું કરતું સૉફ્ટવેર, મુસાફરોને કારની ઝડપનો અહેસાસ કરાવવા માટે સાઉન્ડ સિસ્ટમ અને સીટમાં હળવા કંપન જેવી સુવિધાઓનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત, એવી ઍડેપ્ટિવ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ પણ આપી શકાય છે, જે કારની ઝડપને અચાનક ઘટતી અટકાવે.

કેટલાંક ઈવીમાં રિજનરેટિવ બ્રેકિંગ બંધ કરવાનો વિકલ્પ પણ હોય છે.

બ્રિટનમાં ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ પૉઇન્ટ બનાવતી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા બીઈએએમએના મૅટ ઍડમ્સ કહે છે કે તેમને વિશ્વાસ છે કે "ભવિષ્યમાં થયેલા સંશોધનથી કાર સિકનેસનું કારણ જાણવા મળે, તો વાહન ઉત્પાદકો તે મુજબ ફેરફાર કરીને તેને બહેતર બનાવી શકે છે."

પરંતુ લોલા માટે અત્યારે સૌથી મહત્ત્વની વાત એ જ છે કે તેમનો બૉયફ્રેન્ડ પોતાની કારને બદલી નાખે. તેઓ કહે છે કે એ દિવસ જેટલો વહેલો આવે, એટલું સારું.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન