નાના પાટેકરે કહ્યું હતું, 'જો હું આ લોકોને ન મળ્યો હોત તો કદાચ અંડરવર્લ્ડમાં હોત'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિનાયક હોગાડે
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
"એક દિવસ કોઈએ મને પૂછ્યું, તું ખેતરમાં શું વાવે છે? મેં કહ્યું, લાકડું. હું મારાં લાકડાં ઉગાડી રહ્યો છું. હા, નહીં તો આ બધા દોસ્તો ભીનાં લાકડે બાળવાના."
"એનો ધુમાડો તેમની આંખોમાં જાય ત્યારે તેમની આંખોમાં પાણી આવી જાય અને હું બળતો હોઉં ત્યારે મને એમ લાગે કે તેઓ મારા માટે રડી રહ્યા છે. તેઓ નકામા છે."
"એટલે હું મારા માટે સૂકાં લાકડાં લાવીશ. ધુમાડો ઓછો."
"એટલે હું જ્યારે બળીશ ત્યારે મને ખબર પડશે કે ખરો કોણ છે અને ખોટો કોણ. શું કહું. કદાચ ત્યાં હું ઊભો થઈને તમને ગોળી મારીશ."
પોતાના મૃત્યુ વિશે સીધી રીતે વ્યક્ત કરાયેલાં આ વાક્યો નાના પાટેકરના સ્પષ્ટવક્તા સ્વભાવનું પ્રતિબિંબ છે.
વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગળેના 'ગ્રેટ ભેટ' ઇન્ટરવ્યૂનો અંત આ શબ્દો સાથે થાય છે.
આજે સવારે 5:20 વાગ્યે નાના પાટેકરનું ગોવામાં નિધન થયું. સુંદર દરિયાકિનારા ધરાવતા ડોના પૌલા ખાતે આવેલા તેમના ઘરે.
તેમને દરિયા પ્રત્યે ઘણું આકર્ષણ હતું. સાતમા ધોરણમાં ભણતા નાનાનું ભણતર સુધરે એ માટે તેમનાં માતાએ તેમને માસીના ઘરે મુરુડ-જંજીરા મોકલ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આઠમા ધોરણમાં તેમનાં બાળકો બગડી જશે એવી બીકને કારણે માસીએ તેમને પાછા મોકલી દીધા.
મુરુડમાં હંમેશાં તેમની સામે દરિયો રહેતો. આ યાદો વિશે નાના પાટેકરે કહ્યું છે, "એના કારણે, દરેક વસ્તુને ભવ્ય રીતે જોવાની મને ટેવ પડી ગઈ છે."
"નાની વસ્તુઓ જોવાની મને ટેવ જ પડી નથી. હું વિચારતો કે મારે કંઈ બનવું હોય તો દરિયા જેટલા મોટા બનવું પડશે."
'આ લોકોને હું ન મળ્યો હોત તો કદાચ અંડરવર્લ્ડમાં હોત'

ઇમેજ સ્રોત, Fb/Nana Patekar
નાના પાટેકરે માત્ર મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં જ નહીં, હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પણ પોતાની અમીટ છાપ છોડી.
નાયક, સહનાયક, ખલનાયક અને ચરિત્ર અભિનેતા સહિતની વિવિધ ભૂમિકાઓ ભજવીને તેઓ મરાઠીની બહાર પણ જઈ શક્યા.
તેઓ અત્યંત ગરીબીમાંથી ઉપર આવ્યા. અભિનય દ્વારા જ એક સામાન્ય પરિવારના તોફાની છોકરાએ અભિનયના ક્ષેત્રમાં દરિયા જેવી મહાનતા પ્રાપ્ત કરી શકી.
પોતે અલગ હોવા પાછળનું કારણ દરિયો અને જીવનમાં બનેલી ઘટનાઓ છે, એમ જણાવતાં તેમણે આગળ કહ્યું, "એ દરિયા કરતાં પણ મોટા સમુદ્રો છે ભૂખ અને તિરસ્કાર."
બાળપણમાં તેઓ ખૂબ જ તોફાની અને ચંચળ હતા. આ સઘળી ઊર્જાને અભિનય તરફ વાળવામાં તેઓ સફળ રહ્યા.
'ગ્રેટ વીઝિટ'ની મુલાકાતમાં તેઓ કહે છે, "હું મૂળથી જ ગરીબ હતો. હું ફૂટપાથ પર સૂતો હતો. મારો પગાર મહિને 35 રૂપિયા હતો અને દિવસમાં એક જ વાર ભોજન મળતું."
"તેર વર્ષનો હતો ત્યારે મેં કામ શરૂ કર્યું. હું હંમેશાં કહું છું કે એ સમયે મારા કોઈ સગાં નહોતાં."
"પછી જ્યારે થોડું નામ અને પૈસા મળ્યા, ત્યારે ઘણાં સગાં થઈ ગયાં."

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમના પિતા ગજાનન પાટેકર મુંબઈમાં કાપડના વ્યવસાયમાં હતા.
કોઈકે તેમના પિતાને છેતર્યા અને તેમણે બધું ગુમાવી દીધું. તેથી, ગરીબીમાં પરિવારને ટેકો આપવા માટે તેમણે પેઇન્ટરની નોકરી કરી.
તેઓ ફિલ્મોનાં પોસ્ટર પણ બનાવતા. એ સમયે તેઓ દાદરના સમર્થ વિદ્યાલયમાં હતા. તેઓ બપોરે ઘરે આવતા, જે મળે તે ખાતા, બપોરના તડકામાં આઠ કિલોમીટર ચાલીને જતા અને પછી રાત્રે ફરી આઠ કિલોમીટર ચાલીને આવતા. દરરોજ 16 કિલોમીટર ચાલવું તેમની દિનચર્યા હતી.
આવી મુશ્કેલ પરિસ્થિતિમાં તેમણે બાળપણ વિતાવ્યું. બાળપણમાં તેમનું સ્વપ્ન સેનામાં જોડાવાનું હતું, પરંતુ તેમનાં માતા-પિતાએ તેમને જવા દીધા નહીં. એમ લાગે છે કે સેના પ્રત્યેનું પોતાનું આ આકર્ષણ તેમણે આગળ જઈને 'પ્રહાર' ફિલ્મ દ્વારા વ્યક્ત કર્યું.
દિગ્દર્શક તરીકે એ તેમની પહેલી ફિલ્મ હતી. પરંતુ નાટકમાં તેમનો પ્રવેશ લગભગ અકસ્માતે થયો હતો.
તેઓ વરિષ્ઠ નાટ્યકાર અને દિગ્દર્શિકા વિજયા મહેતાને પોતાના ગુરુ માનતા. તેઓ કહેતા કે અરવિંદ દેશપાંડે અને સુલભા દેશપાંડે જેવા લોકોનો પણ તેમના ઘડતરમાં ફાળો હતો.
આ વાત તેમના આ વાક્ય પરથી સમજી શકાય છે: 'જો હું આ લોકોને મળ્યો ન હોત તો કદાચ અંડરવર્લ્ડમાં હોત.'
નાના માટે અશોક સરાફ જાણીજોઈને આઠ-દસ રૂપિયા હારી જતા

ઇમેજ સ્રોત, Getty Images
નાના નોકરીમાંથી નાટકમાં કેવી રીતે આવ્યા, એ કથા પણ ઘણી રસપ્રદ છે.
એ વખતે તેઓ 'ચાંગુણા' નાટકનું રિહર્સલ જોવા ગયા હતા. રિહર્સલ જોતી વખતે તેઓ પોતાની રીતે મૂર્ખામીભરી હરકતો કરતા રહેતા હતા. સ્ટેટ કૉમ્પિટિશન માટે તેઓ બીજા નાટકનું રિહર્સલ કરવાના હતા ત્યારે સુલભાતાઈએ અરવિંદ દેશપાંડેને કહ્યું, 'પેલો છોકરો છે ને, એ આ રોલ કરશે.' ત્યારે નાના પાટેકર નોકરી કરતા હતા. એટલે તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા કે નોકરી કરવી કે શું કરવું? પરંતુ સુલભાતાઈએ તેમના પર વિશ્વાસ મૂકીને આ રોલ આપ્યો અને તેના કારણે નાનાને મોટો મંચ મળી શક્યો.
તેઓ જણાવે છે કે 'પુરુષ' નાટકમાંથી વધુ પૈસા મળતા હોવાથી તેઓ કેટલાંક વર્ષો સુધી આ નાટક કરતા રહ્યા.
એ વખતે નાના પાટેકરને પ્રત્યેક પ્રયોગના 50 રૂપિયા મળતા, જ્યારે અશોક સરાફને 200 રૂપિયા એટલે કે ચાર ગણા મળતા. એ વખતે અશોક સરાફ તેમની સાથે પત્તાં રમતા, ત્યારે તેઓ જાણીજોઈને આઠ-દસ રૂપિયા હારી જતા.
નાના પાટેકર કહે છે, "મને ખબર પડતી કે તે જાણીજોઈને હારી રહ્યો છે, છતાં હું પૈસા લઈ લેતો. કારણ કે મારે તેની જરૂર હતી."

ઇમેજ સ્રોત, Getty Images
નાના પાટેકરે નીખિલ વાગળે સાથેની એક મુલાકાતમાં અશોક સરાફ સાથેના પોતાના આત્મીય સંબંધ વિશે વધુ વિગતવાર જણાવ્યું હતું.
નાના પાટેકર કહે છે, "અશોકે મને ઘણી મદદ કરી. ઘણી બધી. તેઓ ગણપતિ માટે પણ પૈસા આપતા હતા."
"હું એ પૈસા પાછા આપવા જતો ત્યારે તેઓ કહેતા, 'શું વાત છે, પાટેકર હવે પૈસાદાર થઈ ગયો?' મેં તેમને કહ્યું, 'બાબા, હું તો ફક્ત પૈસા પાછા આપી શકું છું, સમય પાછો લાવી શકતો નથી.' પરંતુ આ લોકોએ મારી ખૂબ કાળજી લીધી હતી."
"હું અશોકના પગ દબાવતો અને તેમના માથાની થોડી માલિશ કરતો, તો તેઓ મને 3 રૂપિયા આપતા. આજે પણ જ્યારે ક્યાંક અશોક મળે અને હું તેમના પગ દબાવવા જાઉં, તો તેઓ ના પાડતાં કહે છે, 'અરે, હવે શું?'"
"હું તેમને કહું છું, 'તમે આવું કેમ કરી શકો? આ તમારી કમાણી છે. તમે બે મિનિટ માથાની માલિશ કરાવો તો 5 રૂપિયા, 10 રૂપિયા આપો છો અને કહો છો, 'લો, મોંઘવારી વધી ગઈ છે, મજા કરો!'"
જ્યારે નાનાએ અશોક સરાફ માટે રિક્ષા ચલાવી હતી
બીજી બાજુ, અશોક સરાફે તેમના પુસ્તક 'બહુરૂપી'માં નાના પાટેકર વિશે આવી જ એક વાત નોંધી છે.
'હમીદાબાઈચી કોઠી'માં એક પ્રયોગ દરમિયાન, ફક્ત અશોક સરાફને જ નહીં, પરંતુ 'હમીદાબાઈ'ની આખી ટીમને ખૂબ જ કઠોર અનુભવ થયો.
એક અંતરિયાળ ગામમાં નાટકનો પ્રયોગ હતો. રૂઢ અર્થમાં એને થિયેટર પણ કહી શકાય એમ નહોતું. કલાકારોએ સ્ટેજ પર બોલવાનું શરૂ કર્યું. પરંતુ પ્રેક્ષકો કંઈ જોઈ શક્યા નહીં, કંઈ સાંભળી શક્યા નહીં. પાંચ મિનિટમાં પડદો પાડી દેવાયો.
નાટક રદ કરવાનો વારો આવી ગયો હતો અને લોકો બહાર ઊભા રહીને બૂમો પાડી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
અશોક સરાફ એક જાણીતો અને લોકપ્રિય ચહેરો હોવાથી, મ્હામાદ્યના (પાત્રનું નામ) નામે બહાર ભારે હોબાળો મચી રહ્યો હતો.
સમગ્ર પરિસ્થિતિને સમજીને, આ નાટકમાં ભૂમિકા ભજવી રહેલા નાના પાટેકરે અશોક સરાફનો હાથ પકડીને પાછળથી તેમને ખેંચી લીધા. આ તરફ થિયેટરમાં મારામારી શરૂ થઈ ગઈ હતી.
અશોક સરાફે લખ્યું કે, "અમે બંને રસ્તા પર પહોંચ્યા. ત્યાં ચકલુંય ફરકતું નહોતું. નાનાએ એક સાયકલ રિક્ષાને રોકી. વૃદ્ધ રિક્ષાચાલકથી ઢાળવાળો રસ્તો ચઢી શકાતો નહોતો. નાનાએ તેને ઉતારી દીધો અને પોતે રિક્ષા ખેંચવા લાગ્યો."
"નાના ન હોત, તો તે લોકો મને મારી નાખત. નાટક ન કરવા બદલ તેઓએ પોતાનો બધો ગુસ્સો મારા પર કાઢ્યો હોત. આજે પણ, હું તે યાદ કરું છું, ત્યારે મને ડર લાગે છે."
'નામ' ફાઉન્ડેશન પર જાતીય સતામણીના આરોપો
નાના પાટેકરે માત્ર મરાઠીમાં જ નહીં, પરંતુ હિન્દી સિનેમામાં પણ પોતાનું નામ બનાવ્યું.
તેમણે 1978માં ફિલ્મ 'ગમન' દ્વારા ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ કર્યો. આ ભૂમિકા એટલી નાની હતી કે તે દર્શકોના ધ્યાન પર પણ ન આવી.
'પરિંદા', 'ક્રાંતિવીર', 'પ્રહાર', 'ખામોશી', 'અગ્નિસાક્ષી', 'નટસમ્રાટ', 'વેલકમ' જેવી અનેક ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી તેમણે અમીટ છાપ છોડી હતી.
2014માં આવેલી ફિલ્મ 'પ્રકાશ બાબા આમટે'થી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. 'નટસમ્રાટ'માં તેમણે ભજવેલી ભૂમિકા પણ અલગ હતી. ફિલ્મ 'દેઉલ'માં તેમનું પાત્ર આજે પણ મીમ્સનો વિષય છે.
તેમને હિન્દી ફિલ્મો 'પરિંદા', 'અંગાર', 'ક્રાંતિવીર' અને 'અપહરણ' માટે ફિલ્મફેર ઍવૉર્ડ્સ પણ મળ્યા હતા.
ખાસ કરીને, તેમણે પોતાની આગવી શૈલીમાં અન્યાય પર ગુસ્સે રહેતા એક મજબૂત 'ક્રોધિત યુવાન'નું પાત્ર સર્જ્યું.
કદાચ એટલા માટે જ રાજ ઠાકરેએ પોતાની શ્રદ્ધાંજલિમાં લખ્યું હતું કે, "નાનાનો અભિનય જોઈને એવું લાગતું કે સામાન્ય લોકોના જીવનમાં લાગણીઓનું પ્રેશર કૂકર જોઈ રહ્યા છીએ."
પરંતુ નાના પાટેકરનું જીવન પણ ઉતાર-ચઢાવથી ભરેલું હતું. તેમના જીવનની જે વિવાદાસ્પદ ઘટના લોકોમાં ચર્ચાસ્પદ બની તે તેમના પર લાગેલા જાતીય સતામણીના આરોપો હતા.

ઇમેજ સ્રોત, Getty Images
અભિનેત્રી તનુશ્રી દત્તાએ 2008માં એક ફિલ્મના સેટ પર નાના પાટેકર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. તે બંને આ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા.
નાનાએ હંમેશાં આ આરોપોને નકારી કાઢ્યા છે. 2018માં જ્યારે ભારતમાં #MeToo ચળવળ શરૂ થઈ ત્યારે તે ફરી બહાર આવ્યું.
ત્યાર પછી, તનુશ્રી દત્તાએ કેસ કર્યો અને નાના નકારાત્મક અર્થમાં સમાચારમાં રહ્યા. જોકે, પૂરતા પુરાવાના અભાવે જૂન 2019માં પોલીસે તેમને આરોપોમાંથી મુક્ત કર્યા.
"જાતીય સતામણી એટલે શું ? અમે સેટ પર હતા અને અમારી સામે 200 લોકો બેઠા હતા," તેમણે ન્યૂઝ ચેનલ 'મિરર નાઉ' સાથેના ઇન્ટરવ્યૂમાં તેમના પરના તમામ આરોપોને નકારી કાઢ્યા.
2015 માં, દુષ્કાળના પગલે, નાના પાટેકરે મકરંદ અનાસપુરે સાથે મળીને 'નામ ફાઉન્ડેશન' શરૂ કર્યું.
તેનો ઉદ્દેશ્ય મહારાષ્ટ્રમાં દુષ્કાળની ભયંકર પરિસ્થિતિ અને ખેડૂતોની દુર્દશા પ્રત્યેની ઉદાસીનતા સામે સક્રિય રીતે લડવાનો છે.
આજે, મહારાષ્ટ્રમાં દુષ્કાળની પરિસ્થિતિ સાથે, નાના પાટેકરની વિદાય ચોક્કસપણે આપણી આંખની કોરને ભીંજવી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
'આ પણ સારું અને તે પણ સારું' એવા વલણને કારણે કોઈ એક ભૂમિકા પર અડગ ન રહેવા બદલ નાના પાટેકરની સતત ટીકા થતી હતી.
તેઓ બધા પક્ષોના રાજકારણીઓની નજીક હતા.
'બાબા આમટે પણ નજીક અને બાળાસાહેબ ઠાકરે પણ નજીક, એવું કેવી રીતે?' એવો સવાલ નીખિલ વાગળેએ તેમને 'ગ્રેટ ભેટ'માં પૂછ્યો હતો.
આ સવાલના તેમણે આપેલા જવાબમાંથી કદાચ નાના પાટેકરના આ 'બન્ને તરફ ઝૂકવાના' સ્વભાવને સમજવામાં મદદરૂપ થઈ શકે.
નાના કહે છે, "મને જે ગમે છે એ ગમે છે. હું પક્ષી છું. મારે કઈ ડાળી પર બેસવું એ મારે નક્કી કરવાનું. મારે કયું ફળ ખાવું અને ક્યાં ચરકવું, એ મારા પર નિર્ભર છે."
આગળ એક જગ્યાએ તેઓ આ જ સંદર્ભમાં કહે છે, "બધા જ સારા હોય છે."
"મને કુરાનની આયતો બોલતાં આવડે છે. મારા ગળામાં તાવીજ પણ છે. કૃષ્ણ પણ છે. આ બધું હું પોતાની મેળે પહેરતો નથી. કોઈએ આપ્યું છે એટલે પહેરું છું."
"હું મંદિરમાં જતો નથી. શિરડી વગેરે પણ જતો નથી. મારે સાઈબાબાનાં દર્શન કરવાં હોય તો હું અહીં જ હાથ જોડી શકું અને તેઓ ભગવાન છે તો તેઓ અહીં પણ આવી શકે. એટલું સરળ લૉજિક છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























