વિરજીભાઈ ઠુમ્મરનું નિધન : રાજકારણનો અનોખો મિજાજ ધરાવતો કૉંગ્રેસનો લડાયક ચહેરો - બ્લૉગ

ઇમેજ સ્રોત, @HitenPithadiya
- લેેખક, કૌશિક મહેતા
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરનું નિધન 7 ઑક્ટોબર, 2026ના રોજ થયું હતું.
પ્રજાએ ચૂંટેલો પ્રતિનિધિ પ્રજાના પ્રશ્નની રજૂઆત કરવામાં ઊણો ઊતરતો હોય તેવા સમયે અને રાજકીય પક્ષોને વફાદાર હોય એવા કાર્યકર્તા અને નેતાની ખોટ વર્તાતી હોય એવા માહોલમાં, વિરજીભાઈ કેશવભાઈ ઠુમ્મરની 67 વર્ષની વયે વિદાય વધુ વસમી લાગે એ સ્વાભાવિક છે.
રાજકારણથી માંડી કૅન્સર જેવી બીમારીમાં સામી છાતીએ લડનારા વિરજીભાઈ કૉંગ્રેસ માટે જ નહીં પણ પ્રજા માટે પણ એક 'મહામૂલી મૂડી' હતા.
જીવનના ચાર દાયકાથી વધુ જાહેરજીવનને આપ્યા હોય અને કોઈ મોટા દાગ ના લાગ્યા હોય તો એમનું માનપાન પ્રજા, પક્ષ અને વિપક્ષમાં એકસરખું હોય છે. તેનો દાખલો એટલે વિરજીભાઈ.
31 મે, 1959ના રોજ અમરેલી શહેરના માણેકપરામાં મોસાળમાં જન્મેલા વિરજીભાઈ ઠુમ્મર વાવડી ગામના ખેડૂત કેશવભાઈના પુત્ર હતા.
તેમણે બૅચલર ઑફ કૉમર્સ સુધીનો અભ્યાસ કર્યો અને 1980ના દાયકામાં નાની ઉંમરે જ રાજકારણમાં સક્રિય રસ લેવા લાગ્યા.
તેઓ સૌપ્રથમ અમરેલી જિલ્લા પંચાયતમાં ચૂંટાયા. 1990માં બાબરા-કુંકાવાવ વિધાનસભા બેઠક પરથી જનતા દળના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતીને તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. બાદમાં જનતા દળનો કૉંગ્રેસમાં વિલય થયો અને વિરજીભાઈ 1995માં આ જ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ફરી ધારાસભ્ય બન્યા.
જ્યારે અમરેલીના ભાજપના ગઢમાં વિરજીભાઈએ ગાબડું પાડ્યું

ઇમેજ સ્રોત, @virjibhaithummar/Facebook
1995 પછી વિરજીભાઈ લાઠી સીટ પરથી 1998માં પણ ધારાસભ્ય ચૂંટાયા હતા, પણ 2002માં તેઓ તે બેઠક પરથી બાવકુ ઉંધાડ સામે ચૂંટણી હારી ગયા હતા. જોકે, એમની રાજકીય કારકિર્દીનો મહત્ત્વનો પડાવ 2004 ગણી શકાય જ્યારે કૉંગ્રેસે તેમને અમરેલી લોકસભા સીટ પર ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1972થી કૉંગ્રેસ આ બેઠક પર સતત હારતી આવી હતી. આ બેઠક ભાજપનો ગઢ બની ચૂકી હતી. ભાજપના દિલીપ સંઘાણી અહીં 1991, 1995 અને 1998 એમ સતત ત્રણ વાર ચૂંટણી જીતી ચૂક્યા હતા. રાષ્ટ્રીય કક્ષાએ દિલીપ સંઘાણીનું વર્ચસ્વ ઘણું હતું. તેથી આ ચૂંટણી વિરજીભાઈ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલો. પણ વિરજીભાઈએ કમાલ કરી દેખાડી.
એ વેળા તેમને ધારાસભાની અમરેલી સીટથી 2002માં ચૂંટાઈ આવેલા પરેશ ધાનાણીનો સાથ મળ્યો. દિલીપ સંઘાણી હારે એવી કોઈએ કલ્પના નહોતી કરી. માત્ર 2030 મતની સરસાઈથી વિરજીભાઈ જીત્યા અને દિલીપભાઈ હાર્યા.
આ વિજયે સમગ્ર ગુજરાતના રાજકારણમાં મોટો ધડાકો કર્યો હતો, કારણ કે ભાજપના ગઢ સમાન અને મજબૂત પકડ ધરાવતી અમરેલી બેઠક પર કૉંગ્રેસે ગાબડું પાડ્યું હતું. આ જીતના કારણે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ અને ગ્રામીણ વિસ્તારોમાં વિરજીભાઈ ઠુમ્મરનું રાજકીય કદ વધ્યું અને તેઓ કૉંગ્રેસના શક્તિશાળી નેતા તરીકે સ્થાપિત થયા. તેઓ દિલ્હી પહોંચ્યા અને સંસદમાં પણ લોકપ્રશ્નો અભ્યાસપૂર્ણ રીતે રજૂ કરતા થયા. એઆઈસીસીમાં સ્થાન મળ્યું. સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની ગુડબુકમાં આવી ગયા.
પરિવારવાદનો આરોપ

ઇમેજ સ્રોત, Milap Ruparel
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમના પર વંશવાદ ચલાવવાનો પણ આરોપ લાગતો. તેમણે પત્ની અને પુત્રીને ચૂંટણી લડાવી. કેટલાક કૉંગ્રેસના નેતાઓ આ મામલે તેમનાથી નારાજ પણ હતા.
2009ની લોકસભા ચૂંટણીમાં વિરજીભાઈએ તેમનાં પત્ની નીલાબહેનને લડાવ્યાં. પરંતુ વ્યવસાયે વકીલ નીલાબહેન ભાજપના નારણભાઇ કાછડીયા સામે ચૂંટણી હાર્યાં.
2014માં વિરજીભાઈ પોતે અમરેલી લોકસભા સીટ પરથી બીજી વાર ચૂંટણી લડ્યા. પણ આ વખતે નારણભાઈ સામે તેમની પણ હાર થઇ. બાદમાં 2017માં લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી વિરજીભાઈ વિજયી થયા. પરંતુ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ લાઠી-બાબરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા.
ત્યાર બાદ 2024ની લોકસભા ચૂંટણીમાં અમરેલી સીટ પરથી તેમનાં દીકરી જેની ઠુમ્મરની ભાજપના ભરત સુતરિયા સામે હાર થઈ. વિરજીભાઈએ એકથી વધુવાર હારનું મોં જોયું હતું. એમના પરિવારનાં સભ્યો પણ ચૂંટણી હાર્યાં છે. પરંતુ વિરજીભાઈ કહેતા, રાજકારણમાં હારજીત થતી રહી છે પણ લડવાનું ના છોડાય.
એમનો અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી વચ્ચે અનોખો નાતો હતો. વિરજીભાઈ એમને "પરેશકુમાર" કહી બોલાવે અને પરેશભાઈ એમને "નેતા" કહીને.
પરેશભાઈ કહે છે, "એકવાર એમણે મને કહેલું કે, મારી ઠાઠડી જતી હોય અને પક્ષનો મૅન્ડેટ લડવા માટે મળે તો હું ઠેકી જાઉં અને ચૂંટણી જરૂર લડું."
વિરજીભાઈએ કૉંગ્રેસને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું

ઇમેજ સ્રોત, @virjibhaithummar/Facebook
અમરેલી જિલ્લાએ ગુજરાત રાજ્ય અને ભારત દેશને ઘણા નેતા આપ્યા છે. ડૉ. જીવરાજ મહેતા કે જે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી હતા એમનું યોગદાન જાણીતું છે. એ પછી મનુભાઈ કોટડીયા રાજકારણમાં મોટા ગજાના નેતા હતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા. અમરેલી જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રે તેમનો ભારે દબદબો હતો. કૉંગ્રેસના દ્વારકાદાસ પટેલથી માંડી નવીનચંદ્ર રવાણી જેવા નેતાઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય સંસ્કૃતિ અને લોકસેવાનાં ઉદાહરણો સ્થાપિત કર્યાં હતાં. આ જ હરોળમાં વિરજીભાઈને મૂકવા પડે. એમની સાથે ભાજપમાંથી દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાનાં નામ જોડવા પડે.
રાજકારણની સાથે સહકારી ક્ષેત્રમાં પણ વિરજીભાઈ ઠુમ્મરનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. તેઓ કુંકાવાવ નાગરિક સહકારી બૅન્કના સ્થાપક પ્રમુખ હતા. આ ઉપરાંત વાવડી રોડ સેવા સહકારી મંડળીના ચૅરમૅન તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી હતી. ઇફકો તથા કૃભકો જેવી રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા હતા. ખેતી-વાડી અને ખેડૂતો સાથે જોડાઇને તેમણે તેમનો સમર્થક વર્ગ કેળવ્યો હતો.
એમના રાજકારણની વિશેષતા એમની લડાયકતા હતી. વિરજીભાઈ હંમેશાં જમીન સાથે જોડાયેલા નેતા રહ્યા હતા. ખેડૂતોને પાક વીમો ન મળતી વેળાએ, સિંચાઈનું પાણી કે વીજળીના પ્રશ્નો હોય ત્યારે તેઓ ગાંધીચિંધ્યા માર્ગે તેમજ ઉગ્ર વિરોધપ્રદર્શનો દ્વારા રસ્તા પર ઊતરી આવતા હતા. એ જ રીતે વિધાનસભા ગૃહની અંદર જનતાના પ્રશ્નો પર મંત્રીઓ અને સરકારને ઘેરવામાં તેઓ હંમેશાં અગ્રસર રહેતા. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પરેશ ધાનાણી કહે છે એમનું હોમવર્ક 'જોરદાર' હોય. અને ડ્રાફટીંગમાં પણ 'માસ્ટર'.
એ કોઈની સાડાબારી રાખતા નહીં. તેમની બેધડક અને આખાબોલી શૈલી માટે જાણીતા હતા. રાજકીય મંચો પરથી કે વિરોધીઓ સામે બોલતી વખતે તેઓ ક્યારેય શબ્દો ચોરતા ન હતા. ડિસેમ્બર 2023માં એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના તેમના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે તેમની સામે પોલીસ ફરિયાદ (એનસી) પણ નોંધાઈ હતી.
ભાજપના કાર્યકર્તાઓએ તેમનાં પૂતળાં પણ બાળ્યાં હતાં. જવાબમાં વિરજીભાઈ ઠુમ્મરે પણ તે કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ વિવાદ જે તે સમયે રાજ્યભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
જ્યારે વિરજીભાઈ પુત્રી પર ગુસ્સે થઈ ગયા...

ઇમેજ સ્રોત, @thummarjenny/Facebook
વિરજીભાઈએ તેમના એક માત્ર સંતાન, દીકરી જેની ઠુમ્મરને રાજકીય વારસદાર બનાવ્યા હતા. શિક્ષિત જેની ઠુમ્મર 2015માં અમરેલી જિલ્લા પંચાયતમાં ચૂંટાયાં હતાં અને સાથે જ તે જિલ્લાના પહેલાં મહિલા પ્રમુખ બન્યાં. પછી લોકસભા લડ્યાં પણ હાર્યાં. એ ખોડલધામમાં પણ જોડાયાં. આનંદીબહેન પટેલની પુત્રી અનાર પટેલ પણ ખોડલધામનાં ટ્રસ્ટી છે.
પરેશ ધાનાણી એક પ્રસંગની વાત કરતાં કહે છે, "જેનીબહેને વિરજીભાઈને દેશી ભાષામાં સળી કરી અને કહ્યું કે, અનારબહેન કહે છે કે, ભાજપમાં આવી જાવ. વિરજીભાઈ ઉકળી ઊઠ્યા અને કહ્યું કે, તું રાજકીય રીતે પરિપક્વ છો પણ જો તારે ભાજપમાં જવું હોય તો 'જેનીબહેન વિરજીભાઈ ઠુમ્મર' નામ ના રાખતી. તારા પતિનું નામ જ રાખજે."
આજના રાજકારણમાં સત્તાની નજીક જવા કેવા પેંતરા થાય છે એ આપણે જાણીએ છીએ. પણ વીરજીભાઈને એ પવન અડ્યો નહોતો.
'ધારાસભ્ય ખોવાયા છે'- જ્યારે પરેશ ધાનાણી વિરુદ્ધમાં પોસ્ટરો લાગ્યાં

ઇમેજ સ્રોત, @thummarjenny/Facebook
એમની લડાયકતા અને આક્રમકતાનો એક કિસ્સો જણાવતા પરેશ ધાનાણી કહે છે કે, તેઓ 2012માં ધારાસભ્ય હતા ત્યારે કૉંગ્રેસે તેમને બિહારમાં પક્ષ પ્રભારીની જવાબદારી પણ સોંપી હતી.
ધાનાણી કહે છે કે, બિહારની જવાબદારીના કારણે તેઓ અમરેલીમાં ઓછો સમય આપી શકતા. ભાજપે આ મુદ્દે અમરેલીમાં પોસ્ટર લગાવ્યાં કે, 'ધારાસભ્ય ખોવાયા' છે. ભાજપના કાર્યકર્તા પ્રતીકરૂપે ફાનસ લઈ અમરેલીના રાજકમલ ચોક્માં એકત્ર થયા.
પરેશ ધાનાણી કહે છે, "ત્યારે હું અમરેલીમાં જ હતો. મેં વિરજીભાઈને ફોન કરી વાત કહી. વિરજીભાઈ કહે, પરેશકુમાર આવી જાવ ખેતી બૅન્કે. હું સ્કૂટર પર ગયો અને વિરજીભાઈ કહે સ્કૂટર લઈ લો. એ પાછળ બેઠા અને કહે કે, હવે મારી મૂકો રાજકમલ ચોકે. અમે ત્યાં પહોંચ્યા અને ભાજપનો મંચ હતો ત્યાં જઈ બેઠા. તેમણે કહ્યું કે, બોલો શું પ્રશ્નો છે? અને પછી ભાજપના કાર્યકર્તાઓ જે રીતે નાઠા એ દૃશ્યો આજેય મને યાદ છે. પણ વિરજીભાઈએ હિંમત અપાવી ના હોત તો કદાચ હું ત્યાં ગયો ન હોત."
એવો જ બીજો એક પ્રસંગ છે. કોરોનાકાળમાં અમરેલીમાં જિલ્લા પોલીસ અધિકારી તરીકે નિર્લિપ્ત રાય હતા. એ બહુ કડક અધિકારીની છાપ ધરાવતા હતા. તે સમયે પરેશ ધાનાણી અને કાર્યકર્તાઓએ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરતા અને સાથે સાથે મુંગા પશુઓ માટે ચારાની પણ વ્યવસ્થા કરતા. બે કાર્યકર્તા રોજ ઘાસચારો લઇ નીકળે અને રસ્તા પરના ઢોરને એ ખવડાવે. તે સમયે લૉકડાઉન હતું અને બહાર નીકળવા પર પ્રતિબંધ હતો, તેથી બંને કાર્યકર્તાને પકડી લેવાયા.
પરેશ ધાનાણી કહે છે, "મને એ ખબર પડી એટલે હું સીધો પોલીસ સ્ટેશને પહોચ્યો. પછી નેતા વિરજીભાઈને જાણ કરી. એ પણ આવ્યા. અને અમે બંને પોલીસ સ્ટેશનમાં પલાંઠી વાળી બેસી ગયા. મક્કમપણે રજૂઆત કરી કે, આ તો જીવદયાનું કામ છે. એ માટે છૂટ મળવી જોઈએ. અને આખરે બંને કાર્યકર્તાને છોડવા પડ્યા."
કૅન્સર સામેની લડત અને રાજનીતિ

ઇમેજ સ્રોત, @pareshdhananiofficial/Facebook
રાજકારણ અને જાહેર જીવન જ નહીં પરંતુ અંગત જીવનમાં પણ વિરજીભાઈ લડાયક હતા.
એમને 2021માં કૅન્સર હોવાનું નિદાન થયું અને એમની સર્જરી પણ થઇ. શરૂઆતમાં કોઈને એમણે બીમારીની જાણ પણ થવા ના દીધી. સ્વસ્થ થઇ સામાન્ય જીવન જીવવા લાગ્યા. કૅન્સરને એમણે હરાવ્યું. પણ બીમારીએ ઊથલો માર્યો અને એ પણ વિરજીભાઈની જેમ આક્રમક બનવા લાગી. મોત સામે વિરજીભાઈ લડતા રહ્યા.
પરેશભાઈને આ વાતની ખબર પડી. તેઓ યુકે જવાના હતા પણ આગલા દિવસે અમદાવાદ ગયા અને વિરજીભાઈને મળ્યા. ચાર કલાક સુવાણ કરી. ફરી તાજામાજા. પણ આખરે બીમારીએ ઉપાડો એવો લીધો કે, વિરજીભાઈએ ખાનપાન છોડ્યા. એમને અમરેલી જવું હતું. છેલ્લા દિવસો વતનમાં ગાળવા હતા. દીકરી જેનીબહેન એમને અમરેલી લાવ્યાં અને બીજા દિવસે સવારે પરેશભાઈ ત્યાં પહોચ્યા. પરેશભાઈએ પૂછ્યું, નેતા કેમ છો? એ પડખું ફર્યા. પરેશભાઈએ એમને ખભો દઈ બેઠા કર્યા. બધાને એમણે રામરામ કર્યા. ડૉક્ટરે તો કહ્યું હતું કે, દસ-બાર કલાક માંડ જીવશે. પણ બે દિવસ મૌન રહેલા વિરજીભાઈ જય શ્રીકૃષ્ણ બોલવા લાગ્યા.
પરેશભાઈ કહે છે, "નેતાને માઇક અને સમર્થકો આપી દો તો એમની તબિયત બરાબર થઈ જાય. અમે બીજી ઑક્ટોબરે ગાંધી જયંતીએ એમના ઘરે જ ગાંધીજીનાં સંભારણાં એવો કાર્યક્રમ ગોઠવ્યો. આગલા દિવસે હું એમને ત્યાં ગયો અને કાર્યક્રમની વાત કરી. મેં કહ્યું કે, બેઠા થાવું પડશે. થોડાં ડગલાં ચાલવું પડશે. તમે માનશો નહીં, એ બેઠા થયા અને થોડાં ડગલાં ચાલ્યા. ફરી બેઠા થયા અને ચાલ્યા. પછી મેં કહ્યું કે, નેતા હવે રહેવા દો, કાલે રાખજો. કાર્યક્રમ થયો. પક્ષના ઘણા બધા લોકો આવ્યા. બધાને એમણે રામરામ કર્યા અને ડૉક્ટરની વાતને ખોટી પાડી. દસ-બાર કલાક નહીં દસ-બાર દિવસ ખેંચી કાઢ્યા."
રાષ્ટ્ર કે રાજ્યના મોટા નેતા કેમ ન બની શક્યા?

ઇમેજ સ્રોત, @virjibhaithummar/Facebook
વિરજીભાઈ જમીન સાથે જોડાયેલા, નીડર અને લોકપ્રિય 'બળુકા' નેતા હોવા છતાં તેઓ રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ પદ કે મોખરાનું સ્થાન કેમ ન મેળવી શક્યા? આ પ્રકારનો પ્રશ્ન વ્યાજબી છે. તેના પાછળ ગુજરાત અને રાષ્ટ્રીય 'રાજકારણની કેટલીક વાસ્તવિકતાઓ અને તેમની પોતાની રાજકીય શૈલી' જવાબદાર હતી.
મુખ્ય મંત્રી કે રાષ્ટ્રીય સ્તરના મોટા નેતા બનવા માટે માત્ર લોકપ્રિયતા પૂરતી નથી હોતી. રાજકીય ધીરજ, નમ્રતા અને રાજદ્વારી કૂનેહ પણ જરૂરી છે. વિરજીભાઈનો સ્વભાવ અત્યંત આક્રમક હતો અને તેઓ પક્ષના હાઇકમાન્ડ કે વિરોધીઓ સામે પણ 'એક ઘા ને બે કટકા' કરતા. તેમનાં તીખાં અને વિવાદાસ્પદ નિવેદનો ઘણીવાર પક્ષ માટે પણ મુશ્કેલી ઊભી કરતાં, જેના કારણે પક્ષીય મોરચે તેમને મોટું કદ આપવાનું ક્યારેક ટાળવામાં આવ્યું હોય એવું બની શકે.
એમણે પક્ષની વફાદારી ક્યારેય ના છોડી. કૉંગ્રેસના ઘણા મોટા નેતાઓએ પક્ષપલટો કરીને કે સત્તાધારી પક્ષ સાથે બેસીને રાષ્ટ્રીય કક્ષાએ મંત્રી કે પદો મેળવી લીધાં. પરંતુ વિરજીભાઈ જીવનભર કૉંગ્રેસની વિચારધારા અને તેના વિપક્ષી સંઘર્ષ સાથે વફાદાર રહ્યા, જેના કારણે સત્તાનાં સમીકરણોમાં તેમને પૂરતું સ્થાન ન મળ્યું. આવા વિરજીભાઈ ઠુમ્મર એક 'જનતાના સેવક અને વિરોધ પક્ષના ફાઇટર' જ બની રહ્યા. ગુજરાતમાં કૉંગ્રેસ બહુ 'નબળી' સ્થિતિમાં છે ત્યારે વિરજીભાઈ જેવા વફાદાર અને લડાયક નેતાની વિદાય પક્ષ માટે ખાલીપો સર્જશે. આમેય લોકો માટે સામી છાતીએ લડે એવા લડાયક નેતાઓ રહ્યા છે જ કેટલા?
(કૌશિક મહેતા એક વરિષ્ઠ પત્રકાર છે અને લેખમાં વ્યક્ત થયેલા વિચારો તેમના અંગત છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























