જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં પ્રદર્શન, 42 પૂર્વ જજે કહ્યું, ચૂંટણીપંચને બદનામ કરવાનો પ્રયાસ – ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ અંગે વિપક્ષ સાંસદોનું પ્રદર્શન ત્રીજા દિવસે 8 ઑક્ટોબરે પણ ચાલુ રહ્યું.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષ ઇન્ડિયા બ્લૉકના સાંસદ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

આ પહેલાં વિપક્ષના સાંસદ બપોરે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આયોજિત લંચમાં સામેલ થયા.

લંચ બાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષના સાંસદો ત્રણ બસોમાં સવાર થઈને ગાંધી સ્મારક રાજઘાટ માટે રવાના થયાં. વિપક્ષે ત્યાં શાંતિપૂર્ણ ધરણાં કરવાની વાત કરી છે. સમાજવાદી પાર્ટી, શિવસેના-યુબીટી અને એનસીપી-એસપીના સાંસદ પણ આજની બેઠકમાં સામેલ થયા.

રાહુલ ગાંધીએ રાજઘાટ માટે રવાના થતાં પહેલાં કહ્યું, "રાજ્યસભા અને લોકસભાના 300 સાંસદ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માગે છે. બે દિવસથી અમને પ્રદર્શન નથી કરવા દઈ રહ્યા. પહેલા દિવસે અમને ચૂંટણીપંચની ઑફિસ સામે રોક્યા. એ બાદ અમે કહ્યું કે અમે જંતર-મંતર જઈ રહ્યા છીએ. ત્યાં જવાથી પણ રોક્યા. અમારા લોકોને માર્યા."

તેમણે આરોપ કર્યો કે, "નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત અને જ્ઞાનેશકુમારે ગુનાહિત કાવતરું કરીને ભારતને હાઇજેક કર્યું છે. બંધારણને નષ્ટ કર્યું છે. મતચોરી કરી છે. આ અમારી ગૅરંટી છે કે આ ચારેયને અમે ન્યાયના કઠેડામાં લાવીશું."

આ દરમિયાન સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, 42 જજોએ ખુલ્લો પત્ર લખીને 'ચૂંટણીપંચને નબળું પાડવાના પ્રયાસો' વિરુદ્ધ ચેતવણી ઉચ્ચારી છે.

આ પત્રમાં પૂર્વ જજોએ ચૂંટણીપંચ, ન્યાયતંત્ર અને અન્ય બંધારણીય સંસ્થાઓને કથિતપણે કમજોર કરવાના પ્રયાસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, પત્ર પર સહી કરનારા પૂર્વ જજોએ 'કોઈ પણ નક્કર પુરાવા વગર કરાઈ રહેલા 'મતચોરી'ના આરોપ સામે સવાલ ઉઠાવ્યા છે.'

પત્રમાં લખાયું છે કે, "સંસ્થાઓની ટીકા કરવી એ લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ તેને બદનામ કરવું નહીં."

ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધના પ્રદર્શન અંગે કેમ કહ્યું '..શરત એટલી કે ચૂંટણી નિષ્પક્ષ હોય'

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ પત્રકારોના સવાલના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે ચાલી રહેલા વિરોધપ્રદર્શન અને અનેક મુદ્દાઓ પર વિદ્યાર્થીઓની માંગણીઓ અંગે પ્રતિક્રિયા આપી છે.

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિપક્ષનાં પ્રદર્શનોથી સંબંધિત સવાલ પર મુરલી મનોહર જોશીએ કહ્યું, "હું ન તો પક્ષમાં છું અને ન તો વિપક્ષમાં. અબ્રાહમ લિંકને 200 વર્ષ પહેલાં કહ્યું હતું કે 'જનતા માટે, જનતા દ્વારા અને જનતાની સરકાર ક્યારેય ધરતી પરથી સમાપ્ત નહીં થાય.'"

"હું કહું છું કે જનતા માટે, જનતા દ્વારા અને જનતાની સરકાર ક્યારેય સમાપ્ત નહીં થાય, શરત એટલી કે ચૂંટણી નિષ્પક્ષ હોય, સરકાર જવાબદાર હોય અને નોકરશાહી પારદર્શક હોય."

તેમણે કહ્યું, "વિપક્ષે જવાબદાર હોવું જોઈએ અને બધું બંધારણ અનુસાર થવું જોઈએ. જો બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે તેના પર ધ્યાન આપવું જોઈએ. આ જ તે સિદ્ધાંત છે જેના આધારે લોકશાહીએ કાર્ય કરવું જોઈએ."

મુરલી મનોહર જોશીએ વિદ્યાર્થીઓની માંગણીઓ અંગે કહ્યું, "વિદ્યાર્થીઓની જે વાજબી માંગણીઓ હોય, તે હંમેશાં સાંભળવી જોઈએ અને ખૂબ જ સદભાવના સાથે સાંભળવી જોઈએ."

"લાઠીચાર્જ અથવા ડંડો મારવાનો રસ્તો યોગ્ય નથી. આ રીતે તમે ક્યારેય ઉકેલ મેળવી શકતા નથી."

"જો કોઈ સમસ્યાઓ હોય તો તેને સાંભળો, તેઓ આપણાં બાળકો છે."

મોરબીમાં મેગા ડિમોલિશન, પોલીસનો કાફલો તહેનાત

મોરબીમાં મેગા ડિમોલિશન, પોલીસનો કાફલો તહેનાત – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ સમાચાર ગુજરાત
ઇમેજ કૅપ્શન, મોરબીમાં આજે મેગા ડિમોલિશન શરૂ થયું હતું.

મોરબીના પંચાસર રોડ પર આજે મેગા ડીમોલીશન કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ 187 જેટલાં ગેરકાયદે બાંધકામોને નોટીસ આપવામાં આવી હતી અને આજે મેગા ડીમોલિશન માટે કલેકટર અને મનપા ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

પંચાસર રોડ પર મેગા ડીમોલિશન કામગીરી અંગે માહિતી આપતાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનક બ્રિજેશ કાલરીયાએ બીબીસીના સહયોગી રાજેશ આંબલિયાને જણાવ્યું હતું કે "ડીમોલિશન માટે 4 હિટાચી મશીન, 10 જેસીબી અન 12 ટ્રૅક્ટર સહિતનાં સાધનો વડે કામગીરી કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાના 140 કર્મચારીઓ, પીજીવીસીએલના 40 કર્મીઓ અને 200 પોલીસ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અગાઉ નોટીસ આપ્યા છતાં દબાણો નહીં હટતાં આજે ડીમોલિશન કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદે દબાણો હટાવી અંદાજે 80 કરોડ રૂપિયાની બજાર કિમતની 25 હજાર સ્ક્વૅર ફીટ જગ્યા ખુલ્લી કરવામાં આવશે."

મોરબીના ડીવાયએસપી જે. એમ. આલે બીબીસી સહયોગી રાજેશ આંબલિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે "મેગા ડીમોલિશન કામગીરી માટે પોલીસનો બંદોબસ્ત આપવામાં આવ્યો છે. જેમાં 4 ડીવાયએસપી, 7 પોલીસ ઇન્સ્પેકટર અને 17 પોલીસ સબ-ઇન્સ્પેકટર તેમજ 250 પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં ડીમોલિશન પૂર્ણ થાય તે માટે પોલીસ ટીમો સજ્જ છે."

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પટનામાં આરજેડીની માર્ચ, તેજસ્વી યાદવે શું કહ્યું?

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પટનામાં આરજેડીની માર્ચ, તેજસ્વી યાદવે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવે ગુરુવારે પટનામાં એસઆઈઆર પ્રક્રિયામાં કથિત ગડબડી માટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને જવાબદાર ઠેરવતા એક રેલી કાઢી હતી.

રાષ્ટ્રીય જનતા દળ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. પાર્ટીએ પટનામાં પોતાની માર્ચ વિધાનસભા સામે આવેલા શહીદ સ્મારકથી શરૂ કરી. પાર્ટીના કાર્યકરો લોક ભવન તરફ આગળ વધવા લાગ્યા, પરંતુ પોલીસે તેમને મુખ્ય ચૂંટણી પંચના કાર્યાલયની નજીક રોકી દીધા.

આ દરમિયાન તેજસ્વી યાદવ પોલીસના બૅરિકેડ પર ચઢતા જોવા મળ્યા.

એક વરિષ્ઠ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, "જ્યારે તેમણે સુરક્ષા માટે લગાવવામાં આવેલાં બૅરિકેડ્સને પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમને વાહનમાં બેસાડીને લોક ભવન લઈ ગઈ."

તેજસ્વી યાદવે કહ્યું, "બનાવટી ચૂંટણી કરાવીને જ્ઞાનેશકુમારે ભાજપને સત્તામાં આવવાનો માર્ગ સાફ કર્યો છે. જ્યારે સત્ય સામે આવ્યું, ત્યારે અમે બધા લોકશાહી બચાવવા માટે એકજૂટ થવા માંગીએ છીએ, જેથી આગળથી નિષ્પક્ષ ચૂંટણી થાય અને તમામ રાજકીય પક્ષો માટે સમાન તકનું સ્તર જળવાઈ રહે."

ભારતમાં સ્ટારલિંકના પ્રવેશને રોકવાના ઇલોન મસ્કના આરોપો પર સરકારે શું કહ્યું?

ભારતમાં સ્ટારલિંકના પ્રવેશને રોકવાના ઇલોન મસ્કના આરોપો પર સરકારે શું કહ્યું?- ન્યૂઝ અપડેટ

ભારતમાં સ્ટારલિંકના પ્રવેશને રોકવાના ઇલોન મસ્કના આરોપો પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે.

આ મામલે પીઆઈબીની એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે, "સોશિયલ મીડિયા પર સેટેલાઇટ કમ્યુનિકેશન સર્વિસ માટે ભારતના નિયમનકારી માળખાની નિષ્પક્ષતા અંગે એક પોસ્ટ પ્રસારિત કરવામાં આવી રહી છે. તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને અમલમાં મૂકવામાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે."

"સરકારે કહ્યું છે કે સેટેલાઇટ કમ્યુનિકેશન સર્વિસ માટે એક નિષ્પક્ષ અને બિન-ભેદભાવપૂર્ણ અધિકૃતતા માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. તેના હેઠળ, ભારતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન સર્વિસ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા અંતર્ગત બિન-ભૂસ્થિર કક્ષા આધારિત સેટેલાઇટ કમ્યુનિકેશન સર્વિસિસ માટે ત્રણ ગ્લોબલ મોબાઇલ પર્સનલ કમ્યુનિકેશન બાય સેટેલાઇટ સેવાઓને ટેલિકૉમ લાઇસન્સ આપવામાં આવ્યાં છે."

પીઆઈબીની અખબારી યાદીમાં લખવામાં આવ્યું છે, "સરકારના જણાવ્યા મુજબ, લાઇસન્સની શરતો હેઠળ દરેક લાઇસન્સધારક માટે સુરક્ષા સંબંધિત શરતોના પાલનનું પ્રદર્શન કરવું જરૂરી છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પૂરી પાડવામાં આવતી સેવાઓ વપરાશકર્તાઓ અને તેમના ડેટાની સુરક્ષા સાથે જોડાયેલી જરૂરિયાતોને પૂર્ણ કરે."

વાસ્તવમાં ઇલોન મસ્કે ઍક્સ પર એક પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે, કેટલાક ખાસ ઉદ્યોગપતિઓ ભારતમાં તેમની કંપની સ્ટારલિંકની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાના પ્રવેશને "રોકી" રહ્યા છે.

મસ્કે એક્સ પર એક પોસ્ટના જવાબમાં લખ્યું, "કમનસીબે, કેટલાક ખાસ ઉદ્યોગપતિઓ અમને રોકી રહ્યા છે, જેથી ભારતીય લોકો પર તેમની 'એકાધિકારવાદી' પકડ જળવાઈ રહે. તમે અંદાજ લગાવી શકો છો કે તેઓ કોણ છે... આ ભારતના લોકો વિરુદ્ધ ગુનો છે!"

આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં સ્ટારલિંકની જરૂર છે, કારણ કે હજુ પણ મોટી સંખ્યામાં ગામો બ્રૉડબેન્ડ સાથે જોડાયેલાં નથી.

ઇલોન મસ્કનો આરોપ, ભારતમાં સ્ટારલિંકના પ્રવેશને કેટલાક ઉદ્યોગપતિઓ રોકી રહ્યા છે

ઇલોન મસ્કનો આરોપ, ભારતમાં સ્ટારલિંકના પ્રવેશને કેટલાક ઉદ્યોગપતિઓ રોકી રહ્યા છે – ન્યૂઝ અપડેટ

ઇલોન મસ્કે આરોપ લગાવ્યો કે કેટલાક ખાસ ઉદ્યોગપતિઓ ભારતમાં સ્ટારલિંકના પ્રવેશને "રોકી" રહ્યા છે.

મસ્કે ઍક્સ પરની એક પોસ્ટના જવાબમાં લખ્યું, "કમનસીબે, કેટલાક ખાસ ઉદ્યોગપતિઓ અમને રોકી રહ્યા છે, જેથી ભારતીય લોકો પર તેમની 'એકાધિકારવાદી' પકડ જળવાઈ રહે. તમે અંદાજ લગાવી શકો છો કે તેઓ કોણ છે... આ ભારતના લોકો વિરુદ્ધ ગુનો છે!"

આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં સ્ટારલિંકની જરૂર છે, કારણ કે હજુ પણ મોટી સંખ્યામાં ગામો બ્રૉડબેન્ડ સાથે જોડાયેલા નથી.

મસ્કે બુધવારે મોડી રાત્રે ઍક્સ પર આગળ લખ્યું, "ભારતમાં સ્ટારલિંક તે લોકોને ઝડપી અને સસ્તી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી શકશે, જેઓ હાલની કિંમતોના કારણે તેનો ઉપયોગ કરી શકતા નથી અથવા જેમની પાસે બિલકુલ ઇન્ટરનેટ કનેક્શન નથી."

આ પહેલાં બુધવારે દિલ્હીમાં ચાલી રહેલા ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસમાં સ્ટારલિંકના બિઝનેસ ઑપરેશન્સનાં ઉપાધ્યક્ષ લૉરેન ડ્રેયરે જણાવ્યું હતું કે, સ્ટારલિંક ભારતમાં 20 ગેટ-વે સાઇટ પહેલેથી જ સ્થાપિત કરી ચૂક્યું છે અને ભારતીય વપરાશકર્તાઓના ડેટાને દેશની અંદર જ રાખવા માટે ભારતને અનુરૂપ સુરક્ષા નિયંત્રણો પણ વિકસાવ્યાં છે.

ડ્રેયરે કહ્યું કે સ્ટારલિંકને આશા છે કે તમામ મંજૂરીઓ મળતાં જ તે ભારતમાં સેટેલાઇટ બ્રૉડબેન્ડ સેવાઓ "શક્ય તેટલી વહેલી તકે" શરૂ કરી દેશે.

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કૉંગ્રેસનું દેશભરમાં પ્રદર્શનનું ઍલાન, કહ્યું- કાળો દિવસ મનાવીશું

7 ઑક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીને હિરાસતમાં લેતી પોલીસ
ઇમેજ કૅપ્શન, 7 ઑક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીને હિરાસતમાં લેતી પોલીસ.

કૉંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની નિંદા કરી છે અને 8 ઑક્ટોબરે દેશભરમાં પ્રદર્શનનું ઍલાન કર્યું છે.

કૉંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું છે કે આ અવસરે પાર્ટી દેશભરમાં ભારતીય લોકશાહી માટે 'કાળો દિવસ' મનાવશે.

આ પહેલાં બુધવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અનેક વિપક્ષી નેતાઓને જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન હિરાસતમાં લેવામાં આવ્યા હતા.

જોકે, બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને વિપક્ષી પક્ષોના નેતાઓ રાજધાની દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને છેલ્લા બે દિવસથી પ્રદર્શન કરી રહ્યા હતા.

10 ઑક્ટોબરે કૉક્રોચ જનતા પાર્ટીએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શનનું ઍલાન કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- 'મને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ, મેં આઠ યુદ્ધો બંધ કરાવ્યાં'

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- 'મને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ, મેં આઠ યુદ્ધો બંધ કરાવ્યાં' – ન્યૂઝ અપડેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે, તેમને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.

તેમણે પત્રકારોને કહ્યું, "કોઈપણ રાષ્ટ્રપતિએ ક્યારેય કોઈ યુદ્ધ સમાપ્ત કરાવ્યું નથી. મેં આઠ યુદ્ધો સમાપ્ત કરાવ્યાં છે અને કદાચ દુનિયાના સંપૂર્ણ વિનાશને પણ રોક્યો છે. તેથી મને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ."

2026ના નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત નૉર્વેજિયન નોબલ સમિતિ શુક્રવારે કરશે.

પુરસ્કાર વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું, "મને ખબર નથી કે તેમનો નિર્ણય શું હશે. તેમની એવી છબિ રહી છે કે, કદાચ તેઓ મારા જેવા લોકોને આ પુરસ્કાર આપતા નથી."

સત્તામાં ફરી આવ્યા બાદથી ટ્રમ્પ વારંવાર કહેતા રહ્યા છે કે, તેઓ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક એવા નોબલ શાંતિ પુરસ્કારના હકદાર છે.

ઑવલ ઑફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, "હવે કદાચ તે સમય આવી ગયો છે. ગયા વખતે પુરસ્કાર મેળવનારી વ્યક્તિએ કહ્યું હતું કે, ઇતિહાસમાં કોઈ અન્ય કરતાં વધુ આ પુરસ્કારના હકદાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ છે. તેમના મારફતે પરોક્ષ રીતે આ સન્માન મેળવીને હું પહેલેથી જ ખૂબ સન્માનિત અનુભવી ચૂક્યો છું."

વેનેઝુએલાનાં વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોએ જાન્યુઆરીમાં પોતાનો 2025નો નોબલ શાંતિ પુરસ્કારનો ચંદ્રક ટ્રમ્પને આપી દીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન