નોટબંધીનાં દસ વર્ષ પૂર્ણ : કૉંગ્રેસ નેતા જયરામ રમેશે હેતુઓ સામે સવાલ ઉઠાવ્યા - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે નોટબંધીનાં દસ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે કેન્દ્ર સરકાર પર તેનાં હેતુઓ અને પરિણામોને લઈને સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના અર્થતંત્ર અને વ્યાપાર વિભાગના સંપાદકની એક પોસ્ટ શૅર કરી હતી.
જયરામ રમેશે લખ્યું હતું કે, "આ 8 નવેમ્બર, 2016ની રાત્રે વડા પ્રધાન દ્વારા ટેલિવિઝન પર ખૂબ જ ધામધૂમથી જાહેર કરવામાં આવેલા એક અત્યંત તઘલકી નિર્ણયનું તથ્યો અને આંકડા પર આધારિત ઉત્તમ વિશ્લેષણ છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "આ નિર્ણય તેના કોઈ પણ મુખ્ય હેતુઓને હાંસલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો. તેના બદલે, તેણે કરોડો લોકોની રોજીરોટી પર ગંભીર અસર કરી અને તેને બરબાદ કરી દીધી. અમલમાં આવતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ એવો નિર્ણય સાબિત થશે જેની વિનાશકારી અસરનો અંદાજ પહેલેથી જ લગાવી શકાય તેમ હતો."
'ધ હિંદુ'ના અર્થતંત્ર અને બિઝનેસ વિભાગના સંપાદક શરદ રાઘવને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "બધાને દિવાળીની હાર્દિક શુભેચ્છા. સંયોગથી આજે નોટબંધીનાં દસ વર્ષ પણ પૂર્ણ થયાં છે. 2016 પછી પણ રોકડ નાણાંની લોકપ્રિયતા લગભગ યથાવત્ રહી છે."
શરદ રાઘવને વધુમાં જણાવ્યું હતું કે કુલ મળીને ઝડપાયેલી નકલી નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ નોટબંધી પછી બહાર પાડવામાં આવેલી (₹500 અને ₹2000ની) નોટોમાં નકલી નોટોની સંખ્યા વધેલી જોવા મળી છે.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીને વડા પ્રધાન મોદીએ 99મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીને તેમના 99મા જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આજે 8 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. આદરણીય લાલકૃષ્ણ આડવાણી તેમના જીવનનાં 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ખાસ અવસરે તેમને મારી હાર્દિક શુભેચ્છાઓ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં લખ્યું હતું કે, "આ પ્રસંગ મારા માટે વ્યક્તિગત રીતે ખૂબ જ ભાવુક ક્ષણ છે. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મને હંમેશાં આડવાણીજીનો સ્નેહ, સાથ અને માર્ગદર્શન મળતાં રહ્યાં છે. આજે તેમની સાથે વિતાવેલી અસંખ્ય ક્ષણો અને તેમની સાથે જોડાયેલી અનેક યાદો મનમાં તાજી થઈ રહી છે."
વડા પ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, "જાહેર જીવનમાં કાર્ય કરતા મને ઘણા દાયકાઓ પહેલાં આડવાણીજીના સંપર્કમાં આવવાની તક મળી હતી. સમય જતાં અમારો સંબંધ એટલો આત્મીય બન્યો કે તેઓ મારા માટે વડીલ અને અભિભાવક સમાન બની ગયા."
નેતન્યાહૂએ આરબ પાર્ટીના સમર્થનથી સરકાર બનાવવાના વિરોધમાં આ ચેતવણી આપી

ઇમેજ સ્રોત, ABIR SULTAN / POOL / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે રાજકીય પક્ષોના નેતાઓ સાથે પરામર્શ કર્યા બાદ નેતન્યાહૂના કટ્ટર વિરોધી ગાદી આઇઝનકોટને નવી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું.
હર્ઝોગના નિર્ણયની જાહેરાત થવાના એક કલાક પહેલાં કાર્યકારી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી હતી કે, "વિપક્ષી પક્ષો અને આરબ પક્ષો વચ્ચેનું સંભવિત ગઠબંધન દેશના પતનનું કારણ બની શકે છે."
બીબીસી પર્શિયનના અહેવાલ મુજબ, નેતન્યાહૂએ એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, "ઇસ્લામવાદીઓ સાથે જોડાયેલી આવી સરકાર ઇઝરાયલ રાજ્યને અંદરથી જ નબળું બનાવી દેશે, જેમ યુરોપના કેટલાક દેશોમાં જોવા મળે છે, અને તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિ સર્જી શકે છે."
કોણ છે ગાદી આઇઝનકોટ?
ગાદી આઇઝનકોટ ઇઝરાયલની સેનાના પૂર્વ કમાન્ડર છે. તેમણે વર્ષ 2022માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલા બાદ તેઓ નેતન્યાહૂના યુદ્ધ મંત્રીમંડળ (વૉર કૅબિનેટ) માં પણ જોડાયા હતા, પરંતુ બાદમાં તેઓ નેતન્યાહૂના કટ્ટર ટીકાકાર બની ગયા હતા.
તાજેતરનાં વર્ષોમાં તેમણે ગાઝા યુદ્ધને લઈને નેતન્યાહૂના વલણની ટીકા કરી હતી અને પેલેસ્ટેનિયન લોકો સામે ઇઝરાયેલી વસાહતીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની પણ નિંદા કરી હતી.
ગાઝા યુદ્ધ દરમિયાન પોતાના પુત્ર અને બે ભત્રીજાઓને ગુમાવનારા આઇઝનકોટે ચૂંટણી અભિયાન દરમિયાન પોતાના સૈનિક અને સુરક્ષા સંબંધિત અનુભવોને ખાસ મહત્ત્વ આપ્યું હતું.
પોલૅન્ડ : ગોળીબારમાં મૃત્યુઆંક છ થયો, હુમલાખોરના ઘરમાંથી વધુ ત્રણ મૃતદેહ મળ્યા

ઇમેજ સ્રોત, Reuters
પોલૅન્ડના ક્રાકો શહેરના મુખ્ય 'માર્કેટ સ્ક્વેર' વિસ્તારમાં થયેલા ગોળીબારની ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મૃતકોમાં ચાર મહિલાઓ અને બે પુરુષો સામેલ છે. મૃત્યુ પામેલા લોકોમાં એક બ્રિટીશ નાગરિક પણ છે. અન્ય ત્રણ મૃતકો પોલૅન્ડના નાગરિકો છે, જ્યારે બાકીના બે લોકોની ઓળખ હજી સુધી થઈ શકી નથી.
કુલ 16 લોકોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પાંચ વિદેશી નાગરિકો, બે પોલીસ અધિકારીઓ અને શંકાસ્પદ હુમલાખોરનો પણ સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે ઘાયલોમાં ઑસ્ટ્રિયા, બ્રિટન, જર્મની, પોર્ટુગલ અને રશિયાના નાગરિકો પણ સામેલ છે.
ઘટનાસ્થળ શહેરનો અત્યંત વ્યસ્ત કેન્દ્રીય વિસ્તાર છે અને પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે.
આ હુમલો કરનાર બંદૂકધારીના કથિત રીતે જમણેરી ઉગ્રવાદી સંગઠનો સાથે તાર જોડાયેલા હોવાની શંકા છે. ઘટના બાદ પોલીસે હુમલાખોરના ઘરની તપાસ કરી ત્યારે ત્યાંથી વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ શનિવારે બપોરે આશરે 3 વાગ્યે એક વ્યક્તિ પોતાની કારમાં મુખ્ય ચોકમાં પહોંચ્યો હતો અને ત્યાં હાજર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
ઘટનાસ્થળનાં વિડિયો અને ફૂટેજમાં લોકો જીવ બચાવવા માટે ભાગદોડ કરતા જોવા મળે છે.
ઘટનાની જાણ થતાં જ સશસ્ત્ર પોલીસ ટુકડી ઝડપથી સ્થળ પર પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ વ્યક્તિ સાથે સામસામે ગોળીબાર શરૂ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલો શરૂ થયાની માત્ર ત્રણ જ મિનિટની અંદર પોલીસની ગોળી વાગવાથી શંકાસ્પદ હુમલાખોર માર્યો ગયો હતો.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે દિવાળીની શુભેચ્છા પાઠવી - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @PakPMO
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે દિવાળીના પાવન પર્વ પર હિંદુ સમુદાયને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર શહબાઝ શરીફનો આ સંદેશ પોસ્ટ કર્યો હતો.
વડા પ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું હતું કે, "આ આનંદમય અને શુભ અવસર પર હું સમગ્ર વિશ્વના હિંદુ સમુદાયને, ખાસ કરીને પાકિસ્તાનમાં વસતા હિંદુ ભાઈ-બહેનોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. દિવાળી દ્વેષ, અસહિષ્ણુતા અને નિરાશાના અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. પ્રકાશનું આ પર્વ માનવીય સંબંધો અને સામાજિક જીવનમાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહિત કરવાનો ગહન સંદેશ આપે છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "પાકિસ્તાનનો હિંદુ સમુદાય આપણા રાષ્ટ્રના સામાજિક માળખાનો એક મહત્ત્વપૂર્ણ અને અભિન્ન ભાગ છે. દેશના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં તેમનું અમૂલ્ય યોગદાન પ્રશંસનીય છે. આપણા સમાજમાં રહેલી વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ આપણા સામૂહિક વારસાની અમૂલ્ય ધરોહર છે. પાકિસ્તાનને પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા પર ગર્વ છે."
શહબાઝ શરીફે આગળ જણાવ્યું હતું કે, "પાકિસ્તાનનું બંધારણ લઘુમતીઓના ધાર્મિક અને નાગરિક અધિકારોના રક્ષણની ખાતરી આપે છે. સરકાર ધર્મ, આસ્થા, રંગ અથવા વંશીય ઓળખના ભેદભાવ વિના તમામ નાગરિકોના અધિકારો, ગૌરવ અને ધાર્મિક સ્વતંત્રતાના સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ધાર્મિક સૌહાર્દ, પરસ્પર એકતા અને સન્માનને પ્રોત્સાહન આપવું આપણી સૌની સંયુક્ત જવાબદારી છે."
તેમણે અંતમાં ઉમેર્યું હતું કે, "મને આશા છે કે દિવાળીની ઉજવણી કરતા તમામ પાકિસ્તાની હિંદુઓ આ આનંદના અવસર સાથે જોડાયેલી રંગબેરંગી અને ઉત્સવમય પરંપરાઓનો ભરપૂર આનંદ માણશે અને સમાજમાં શાંતિ, સદ્ભાવના, સુખ, સમૃદ્ધિ તથા આશાનો સંદેશ વહેંચશે. દિવાળીના આ પાવન અને આનંદમય અવસર પર હિંદુ સમુદાયને મારી હાર્દિક શુભકામનાઓ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























