અર્જુન રાજપૂતની કહાણી: છોલે-કુલચેની લારીથી માંડીને ટીમ ઇન્ડિયા અંડર -19માં રમવા સુધીની સફર

ઇમેજ સ્રોત, ACC
જલંધરમાં ડી.એ.વી. કૉલેજની બહાર હોતી રામની છોલે-કુલચેની લારી ઊભી રહેતી હતી, તેમને ક્રિકેટ પ્રત્યે ખૂબ લગાવ હતો.
સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગની જોડી તેમને ખૂબ જ ગમતી હતી, પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોવું પણ તેમના માટે શક્ય નહોતું.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આખો દિવસ લારી પર કામ કર્યા પછી જો થોડો સમય મળતો, તો તેઓ ગલીઓમાં ક્રિકેટ રમતા. તેમના માટે રમત રમવા કરતાં પહેલાં પોતાના પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવી વધુ મોટી ચિંતા હતી.
અનેક વર્ષો પછી, એ જ હોતી રામનો દીકરો અર્જુન રાજપૂત હવે ભારતની અંડર-19 ક્રિકેટ ટીમનો સભ્ય છે.
અર્જુને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમને આ સ્થાન સુધી પહોંચાડવામાં તેમના પિતાએ પણ કપરી મહેનત કરી છે.
રસપ્રદ વાત એ છે કે, એ જ ટીમમાં વીરેન્દ્ર સેહવાગનો દીકરો આર્યવીર પણ રમી રહ્યો છે, પરંતુ અર્જુનની કહાની માત્ર અહીં સુધી પહોંચવા પૂરતી મર્યાદિત નથી.
રવિવારે (14 નવેમ્બરના રોજ) ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપની ફાઇનલ મૅચમાં ટક્કર થઈ રહી છે અને અર્જુન આ ટીમમાં સામેલ છે. આ ફાઇનલ મૅચના માત્ર 6 દિવસ પહેલાં પણ અર્જુન પાકિસ્તાન સામે રમ્યો હતો.
તે સમયે ભારતે માત્ર 22 રનના સ્કૉર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અર્જુન બેટિંગ કરવા મેદાન પર આવ્યો અને 85 બૉલમાં 107 રનની શાનદાર ઇનિંગ્સ રમી. અર્જુનની આ ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત તે મૅચ 3 વિકેટે હારી ગયું, પરંતુ અર્જુનની આક્રમક અને દબાણ છતાં ફટકારેલી સદીના કારણે ટીમ એવો સ્કૉર ઊભો કરી શકી હતી કે જ્યાંથી તેના બૉલરો હરીફ ટીમને ટક્કર આપી શકે.
અર્જુને જ્યારે ઍકેડેમીમાં જવાનું બંધ કરી દીધું

ઇમેજ સ્રોત, Arjun Rajput/Instagram
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અર્જુન જલંધરની ક્રિકેટ ઍકેડમીમાં પ્રૅક્ટિસ કરતો, પરંતુ એક દિવસ અચાનક જ તેણે આવવાનું બંધ કરી દીધું.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, વર્ષ 2015માં હોતી રામ પોતાના 8 વર્ષના દીકરા અર્જુનને ક્રિકેટની તાલીમ અપાવવા માટે જલંધરના હરભજન સિંહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિકેટમાં લઈને ગયા હતા. અહીં અર્જુને કોચ વિક્રમ સિદ્ધૂના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ શીખવાનું શરૂ કર્યું.
અર્જુનના મોટા ભાઈ કરણ પહેલેથી જ ક્રિકેટ રમતા હતા. તેઓ જલંધરની ટીમ માટે ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ એજ-ગ્રૂપ ટુર્નામેન્ટમાં સામેલ હતા, તેમને જોઈને અર્જુનનો પણ ક્રિકેટમાં રસ વધ્યો.
ઍકેડમીના વિક્રમ સિદ્ધૂએ ખૂબ જ ટૂંક સમયમાં અર્જુનની એક ખાસિયત પારખી લીધી હતી.
સિદ્ધૂના જણાવ્યા મુજબ, નાના બાળકોને ક્રિકેટની મૂળભૂત બાબતો સમજાવતી વખતે એક જ વાત વારંવાર સમજાવવી પડતી હોય છે, પરંતુ અર્જુનને જે વાત એક વખત સમજાવવામાં આવતી, તેને તે તરત જ સમજી જતો.
અર્જુન ક્યારેય કોઈ ટ્રેનિંગ સેશન મિસ ન કરતો, પરંતુ એક દિવસ તેણે અચાનક જ ઍકેડમીમાં આવવાનું બંધ કરી દીધું.
ઍકેડમીના અન્ય એક કોચને લાગ્યું કે, કદાચ અર્જુનનો પરિવાર ફી ચૂકવી શકે એમ નથી. જ્યારે વિક્રમ સિદ્ધૂને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે નક્કી કર્યું કે, અર્જુન પાસેથી હવે ટ્રેનિંગ ફી લેવી નહીં.
મુશ્કેલી માત્ર ક્રિકેટની તાલીમ ફી પૂરતી મર્યાદિત નહોતી, પરિવાર માટે અર્જુનની સ્કૂલ ફી ભરવી પણ કપરી હતી.
સિદ્ધૂની ઍકેડમીનો એક શાળા સાથે કરાર હતો. તેમણે શાળાના પ્રિન્સિપાલ સાથે વાત કરી અને અર્જુનની સંપૂર્ણ ફી માફ કરવાની વિનંતી કરી.
સિદ્ધૂએ પ્રિન્સિપાલને કહ્યું હતું કે, તેઓ તેમને એવો ખેલાડી આપી રહ્યા છે, જે એક દિવસ ભારત માટે રમશે. તેના બદલામાં શાળાએ તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો જોઈએ.
એ પછી જ્યારે ઍકેડમી બંધ થઈ ગઈ, ત્યારે પણ સિદ્ધૂ અર્જુનની પડખે ઊભા રહ્યા. તેમણે અર્જુનને શાળામાં પ્રવેશ મેળવવામાં મદદ કરી, જેથી તેના શિક્ષણ અને ક્રિકેટ બંનેની સફર સતત ચાલુ રહે.
પરિવારે મુશ્કેલીઓનો અહેસાસ ન થવા દીધો

ઇમેજ સ્રોત, ACC
હોતી રામ માટે ઘરનો ખર્ચ ચલાવવા સાથે બાળકોના શિક્ષણ અને રમતગમતનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો.
તેમણે ધ ટ્રિબ્યૂનને જણાવ્યું હતું કે બાળકોના અભ્યાસ અને શાળાની ફી ભરવા માટે તેમણે દેવું કરવું પડ્યું હતું. તે સમય દરમિયાન પણ તેમણે ઘરના બીજા ખર્ચા પણ જોવાના હતા. .
અખબાર લખે છે કે, તેમની સાથે વાત કરતી વખતે હોતી રામ કુલચાની ડિલિવરી કરવા માટે જઈ રહ્યા હતા.
હવે તેમણે લારીની જગ્યાએ કુલચા બનાવતી બૅકરી ખોલી છે. કેટલાક લોકો તેમની સાથે કામ કરે છે, પરંતુ કુલચા બનાવવાનું અને ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ યથાવત્ રાખ્યું છે.
ઘરમાં માત્ર અર્જુન જ ખેલાડી નહોતો. તેમના મોટા ભાઈ કરણ ક્રિકેટ રમતા અને મોટાં બહેન કિરણ ટેનિસ રમતાં હતાં. હોતી રામે ક્યારેય પોતાનાં બાળકોને રમતગમતથી દૂર રાખ્યાં નહોતાં.
તેમનું કહેવું છે, "હું પોતે રમી શક્યો નહીં, તો ભલે મારાં બાળકો રમે." પરંતુ સમય જતાં પરિવારની જવાબદારીઓ વધતી ગઈ.
મોટા ભાઈએ સંભાળી પિતાની જવાબદારી
4 વર્ષ પહેલાં કરણે ક્રિકેટ છોડી દીધું અને પોતાના બીમાર પિતાને કામમાં મદદ કરવાનું ચાલુ કર્યું. તે સમયે અર્જુન પંજાબ વતી અંડર-16 ટીમમાં ક્રિકેટ રમી રહ્યો હતો. કરણના જણાવ્યા અનુસાર, કોચ સતત કહેતા કે, અર્જુનમાં અસાધારણ પ્રતિભા છે, તે આગળ વધી શકે છે. જ્યારે અર્જુને સતત 5 સદી ફટકારી, ત્યારે કરણને પણ વિશ્વાસ થઈ ગયો કે, તેનો નાનો ભાઈ એક દિવસ દેશ માટે રમી શકશે.
એક ભાઈએ પિતાનું કામ સંભાળ્યું, જેથી બીજો ક્રિકેટ રમવાનું સપનું સાકાર કરી શકે.
અર્જુને પણ 'ધ ટ્રિબ્યૂન'ને જણાવ્યું હતું કે, તેના પરિવારે ક્યારેય તેને મુશ્કેલીઓનો અહેસાસ થવા દીધો નહોતો. તેમ છતાં, તે સમજી શકતો હતો કે, તેની તાલીમ અને ક્રિકેટની કારકિર્દી ચાલુ રાખવા માટે પરિવાર કેવી રીતે ભોગ આપી રહ્યો છે.
પરિવારની અર્જુન પાસેથી માત્ર એટલી જ અપેક્ષા હતી કે, તે ક્રિકેટ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરે અને પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા પરિવારના વિશ્વાસને સાર્થક કરે.
વિઝાની અરજીમાં ભૂલ અને વિદેશપ્રવાસ ચૂકી ગયા
અર્જુનની ક્રિકેટ સફરના શરૂઆતના દિવસોમાં એક વખત એવું બન્યું કે, તેણે ટીમ સાથે દુબઈના પ્રવાસે જવાનું હતું.
કોચ વિક્રમ સિદ્ધૂનું કહેવું છે કે, અર્જુન આ પ્રવાસ અંગે ખૂબ જ ઉત્સાહિત હતો અને તેણે તમામ તૈયારીઓ પણ કરી લીધી હતી, પરંતુ વિઝામાં તેના નામના સ્પેલિંગમાં ભૂલને કારણે તે ટીમ સાથે પ્રવાસે જઈ શક્યો નહોતો.
આ ઘટનાથી અર્જુન ખૂબ નિરાશ થયો.
ત્યારબાદ સિદ્ધૂએ અર્જુનને સમજાવ્યું કે, ભવિષ્યમાં આવી ઘણી વધુ તકો મળશે. થોડા મહિના પછી ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ.
સિદ્ધૂના જણાવ્યા અનુસાર, ત્યાંની પડકારજનક પિચો પર અન્ય બૅટ્સમેનોએ રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો, પરંતુ અર્જુને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને મૅચો જીતાડી અને તે 'પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ' તરીકે પસંદ થયો હતો.
પંજાબને અંડર-16 ચૅમ્પિયન બનાવવામાં ભૂમિકા

ઇમેજ સ્રોત, Arjun Rajput/Instagram
અર્જુનની સ્થાનિક ક્રિકેટ કારકિર્દીનો એક મહત્ત્વપૂર્ણ પડાવ જાન્યુઆરી, 2023માં આવ્યો. અર્જુન પંજાબ અંડર-16 ટીમનો કૅપ્ટન હતો અને વિજય મર્ચન્ટ ટ્રૉફીની ફાઇનલ મૅચમાં પંજાબે હરીફ મધ્યપ્રદેશને 10 વિકેટે હરાવ્યું હતું. અર્જુને પહેલી ઇનિંગ્સમાં 52 રન બનાવ્યા. તે પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન કરનાર બૅટ્સમૅન બન્યો હતો. ત્યારબાદ આ સફર ભારતની અંડર-19 ટીમ સુધી આગળ વધી હતી.
બીસીસીઆઈએ 11 જૂને શ્રીલંકા પ્રવાસ માટે ભારત અંડર-19ની વન-ડે ટીમની જાહેરાત કરી હતી, જેમાં અર્જુનનું નામ પણ સામેલ હતું.
જુલાઈમાં શ્રીલંકા સામે રમાયેલી બીજી યૂથ વન-ડે મૅચમાં ભારતે માત્ર 81 રનના સ્કૉરે 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી અર્જુને અન્વય દ્રવિડ સાથે 5મી વિકેટ માટે 145 રનની ભાગીદારી નોંધાવી હતી.
અર્જુને 81 બૉલમાં 76 રન બનાવ્યા હતા, જેમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. બીજી તરફ અન્વયે 87 રનની ઇનિંગ્સ રમી હતી. મૅચની શરૂઆતમાં ઝડપભેર વિકેટો પડી ગઈ હોય, એ પછી ઇનિંગ્સને ફરીથી મજબૂત રીતે ઊભી કરવાનો અનુભવ આગળ જતાં પાકિસ્તાન સામેની મૅચમાં પણ અર્જુન માટે ઉપયોગી સાબિત થયો.
ઑગસ્ટ મહિનામાં ઑસ્ટ્રેલિયા ખાતે અંડર-19 ટીમના ભારત પ્રવાસ માટે જ્યારે વન-ડે ટીમની પસંદગી કરવામાં આવી, ત્યારે અર્જુનને તેમાં પણ સ્થાન મળ્યું હતું.
695 રન અને 11 વિકેટ

ઇમેજ સ્રોત, Pradeep Sharma
અંડર-19 એશિયા કપ પહેલાં જ અર્જુને સ્થાનિક ક્રિકેટમાં બૅટ અને બૉલ દ્વારા પોતાની સર્વાંગી ક્ષમતાને સાબિત કરી હતી.
ઑક્ટોબર મહિનામાં પંજાબે વિનુ માંકડ ટ્રૉફી જીતી; ફાઇનલમાં તેમણે મુંબઈને 7 વિકેટે હરાવ્યું હતું.
અર્જુનને સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 'પ્લેયર ઑફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો. બીસીસીઆઈના રેકોર્ડ મુજબ, અર્જુને ટુર્નામેન્ટમાં 695 રન બનાવ્યા અને 11 વિકેટ પણ ઝડપી હતી.
આઈસીસીની પ્રોફાઇલમાં અર્જુનને ઑલરાઉન્ડર તરીકે વર્ણવવામાં આવ્યો છે. તે લૅફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અને ઑફ-બ્રેક બૉલર છે. આમ ટીમમાં અર્જુનની ભૂમિકા માત્ર મિડલ ઑર્ડરમાં આવીને રન બનાવવાની જ નથી, પરંતુ તે બૅટિંગ અને બૉલિંગ એમ બંને ક્ષેત્રે ટીમ માટે મહત્ત્વપૂર્ણ ફાળો આપી શકે છે.
રવિવારે ભારતીય ક્રિકેટરોની નજર જલંધરના લૅફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન પર હશે, જેના ક્રિકેટના સપનાને જીવંત રાખવા માટે એક સમયે તેના પિતાએ છોલે-કુલચે વેચીને ખર્ચો કાઢ્યો હતો.
મોટા ભાઈ કરણે પોતાનું ક્રિકેટનું સપનું છોડીને પિતાના વ્યવસાયની જવાબદારી સંભાળી હતી અને તેના કોચે તાલીમ તેમજ શાળાની ફી માફ કરાવવાનો રસ્તો કાઢ્યો હતો.
અર્જુનના પિતાનું સપનું પોતાના દીકરાને ભારત અંડર-19 ટીમની જર્સીમાં રમતો જોવા પૂરતું મર્યાદિત નથી રહ્યું. હોતી રામે 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનું સાચું સ્વપ્ન ત્યારે સાકાર થશે, જ્યારે અર્જુન ભારતની સિનિયર નૅશનલ ટીમમાં રમશે અને દેશ માટે વર્લ્ડ કપ જીતીને ઘરે લાવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























