'વિશ્વનો સૌથી મોંઘો મસાલો' એવા કેસરનું ઉત્પાદન જોખમમાં કેમ છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જમીનમાંથી તાજાં બહાર કાઢેલાં કેસરનાં કોર્મ બતાવતા એક ખેડૂત. આ કોર્મમાંથી જ કેસરના છોડ ઊગે છે
    • લેેખક, મીર સીનીન
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

કાશ્મીરની સદીઓ જૂની કેસરની પરંપરા સામે જળવાયુ પરિવર્તન, વિકાસ અને ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળનું જોખમ ઊભું થયું છે. શું આ કિંમતી મસાલો ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો છે?

શ્રીનગરમાં એક દુકાનદારે મને કેસર બતાવતાં પહેલાં થોડી આનાકાની કરી.

કાશ્મીરના જૂના શહેરના ખુલ્લા બજારમાં પ્રવાસીઓની અવરજવર ચાલુ હતી. અખરોટ, મસાલા અને સૂકાં ફળોથી છલકાતી છાજલીઓ પાછળ ઊભેલો દુકાનદાર મારી સામે જોઈ રહ્યો હતો. મેં કાશ્મીરી કેસર માગ્યું ત્યારે તેણે પ્રવેશદ્વાર તરફ નજર કરી અને પછી કાઉન્ટરની નીચેથી કપડામાં વીંટાળેલો એક નાનો સ્ટીલનો ડબ્બો કાઢ્યો.

તેમાં ઘેરા કિરમજી રંગના થોડા તાંતણા હતા.

તેણે ધીમા અવાજે કહ્યું, "પમ્પોરનું કેસર." એટલે કે નજીકના પમ્પોરના ઊંચાણવાળા વિસ્તારમાં ઉગાડવામાં આવેલું કેસર. ભારતમાં કેસરનું મુખ્ય ઉત્પાદન આ જ વિસ્તારમાં થાય છે. "આ વર્ષે બહુ ઓછું થયું છે."

પછી તેણે વધુ ચળકતા લાલ તાંતણાથી ભરેલી કાચની બીજી બરણી તરફ આંગળી ચીંધી.

તેણે કહ્યું, "ઈરાની કેસર. હવે ઘણી દુકાનોમાં આને કાશ્મીરી કેસર કહીને વેચવામાં આવે છે. મોટા ભાગના ગ્રાહકો બંને વચ્ચેનો તફાવત પારખી શકતા નથી."

ઑક્ટોબર 2025ની આ વાત છે. કેસરની ખ્યાતિએ મને તેના વિશે જાણવાની ઉત્સુકતા જગાડી હતી. કાશ્મીરની સંસ્કૃતિમાં અને સામૂહિક સ્મૃતિમાં કેસર ઊંડે સુધી વણાયેલું છે. લગ્નપ્રસંગોની વાનગીઓ અને નૂન ચા (મીઠી ગુલાબી ચા)માં તેનો સ્વાદ ઉમેરાય છે. પરંપરાગત દવાઓ અને અત્તરમાં પણ તેનો ઉપયોગ થાય છે. લાંબા સમયથી તે ખીણમાંથી નિકાસ થતી સૌથી મૂલ્યવાન ચીજોમાંની એક રહ્યું છે.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેસરનો ઘટતો પાક, સૂકું હવામાન અને સ્થાનિક બજારમાં આયાતી કેસરનો વધી રહેલો ભરાવો – આ બધાના અહેવાલો વધુ ને વધુ સાંભળવા મળે છે.

વિશ્વનો સૌથી મોંઘો મસાલો ગણાતા કેસરની આ સ્થિતિ પાછળનાં કારણો સમજવાની મારી ઉત્સુકતા મને પમ્પોર લઈ ગઈ. સદીઓથી કાશ્મીરમાં કેસરની ખેતી સાથે સૌથી વધુ સંકળાયેલું આ નગર છે.

ત્યાં મને જે જાણવા મળ્યું તે આ સૌથી કિંમતી મસાલા માટે અને તેની સાથે જીવન વિતાવતા કાશ્મીરી પરિવારો માટે ચિંતાજનક હતું.

લાલ સોનું

શ્રીનગરથી આગળ વધતાં રસ્તાની બંને બાજુની બહુમાળી ઇમારતો અને દુકાનો ધીમે ધીમે પાછળ છૂટતાં જાય છે અને કેરિવા નામના ઉચ્ચપ્રદેશનો વિસ્તાર શરૂ થાય છે. સૂકી માટી ધરાવતા આ ઊંચાણવાળા વિસ્તારમાં દર વર્ષે પાનખરમાં કેસરનાં ફૂલો ખીલે છે.

કેસરની લણણીની મોસમ – ઑક્ટોબરના મધ્યથી નવેમ્બરના મધ્ય સુધી – દરમિયાન આ સમગ્ર વિસ્તાર સામાન્ય રીતે જાંબલી રંગનાં ક્રોકસનાં ફૂલોથી આચ્છાદિત થઈ જાય છે. દરરોજ સવારે સૂર્યોદય પહેલાં પરિવારો ટોપલીઓ લઈને ખેતરોમાં પહોંચે છે અને ખૂબ કાળજીપૂર્વક કેસરનાં ફૂલો વીણે છે. ગામના રસ્તાઓની બાજુમાં વેપારીઓ સવારના પાકની રાહ જોતા ઊભા હોય છે.

પરંતુ ઑક્ટોબર 2025માં હું ત્યાં પહોંચ્યો ત્યારે ઘણાં ખેતરો સૂકાં ભાસતાં હતાં.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, દરેક જાંબલી ફૂલની અંદર ક્રોકસ સેટાઇવસ છોડના ત્રણ કિરમજી રંગનાં સ્ત્રીકેસર હોય છે. તેને હાથથી વીણીને સૂકવવામાં આવે છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દુસ્સુ ગામમાં કેસરના ખેડૂત મોહમ્મદ આસિફ પોતાની પેઢીઓથી ખેડાતી આવેલી જમીન પર ધીમે ધીમે ચાલી રહ્યા હતા. એ જમીન પર ચાલતાં મારા પગ નીચે તિરાડોથી ભરેલી ધરતી હતી. ઉચ્ચપ્રદેશમાં અહીં-તહીં જાંબલી ફૂલોનાં પાતળાં ઝૂમખાં દેખાતાં હતાં. ખેતરના કેટલાક ભાગોમાં તો કશું જ ઊગ્યું નહોતું.

આસિફે મને કહ્યું, "આ વર્ષે અમને માંડ 250 ગ્રામ કેસર મળ્યું. ગયા વર્ષે (2024માં) લગભગ દોઢ કિલો થયું હતું."

"કેસરની ખેતીમાં સમયનું બહુ મહત્ત્વ છે. પાકને ભેજની જરૂર હોય ત્યારે વરસાદ ન પડે તો ફૂલો આવવાની પ્રક્રિયા પર તરત જ અસર થાય છે" - મોહમ્મદ આસિફ

તેમણે નમ્રતાથી એક ફૂલ તોડ્યું અને આંગળીઓ વચ્ચે રાખ્યું. તેઓ કહે છે, "કેસરની ખેતીમાં સમયનું બહુ મહત્ત્વ છે. પાકને ભેજની જરૂર હોય ત્યારે વરસાદ ન પડે તો ફૂલો આવવાની પ્રક્રિયા પર તરત જ અસર થાય છે."

ક્રોકસ સેટાઇવસ નામના જાંબલી ફૂલો ધરાવતા છોડમાંથી કેસર મળે છે. તેના દરેક ફૂલની અંદર ત્રણ કિરમજી રંગનાં સ્ત્રીકેસર હોય છે. ગુણવત્તા જળવાઈ રહે તે માટે આ તાંતણાઓને સૂર્યોદય પહેલાં હાથથી વીણી લેવામાં આવે છે. ત્યાર પછી તેને ફૂલમાંથી કાળજીપૂર્વક છૂટાં પાડીને કેટલાક કલાકો સુધી સૂકવવામાં આવે છે. માત્ર એક ઔંસ (28 ગ્રામ) કેસર મેળવવા માટે લગભગ 4,000 ફૂલોની જરૂર પડે છે. આ છોડનાં ફૂલ પણ વર્ષમાં માત્ર બેથી ચાર અઠવાડિયાં સુધી જ ખીલે છે. આ જ કારણ છે કે કેસર સતત વિશ્વના સૌથી મોંઘા મસાલાઓમાં સ્થાન ધરાવે છે. તેને ઘણી વાર 'લાલ સોનું' પણ કહેવામાં આવે છે.

હવે જંગલી સ્વરૂપે ક્યાંય જોવા ન મળતા કેસરની ખેતીનો પ્રારંભ હજારો વર્ષ પહેલાંના આજના ઈરાન, ગ્રીસ અને મધ્ય એશિયાના વિસ્તારોમાં થયો હોવાનું મનાય છે. પર્શિયન પ્રભાવ અને વેપારી માર્ગો મારફતે સદીઓ પહેલાં તે કાશ્મીરમાં પહોંચ્યું હતું.

કાશ્મીરી કેસર તેના ઘેરા કિરમજી રંગ, જાડા તાંતણા અને તીવ્ર સુગંધ માટે જાણીતું બન્યું છે. કેસરના રાસાયણિક બંધારણનો અભ્યાસ કરતા વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે તેમાં ક્રોસિનનું પ્રમાણ ખાસ્સું ઊંચું હોય છે. આ કેરોટિનોઇડ સંયોજન જ કેસરને તેનો ઘેરો રંગ આપે છે. તેની કિંમત સામાન્ય રીતે ઈરાની કેસર કરતાં ઘણી વધારે હોય છે. એક ગ્રામ કેસરના ચાર ડૉલર (આશરે ત્રણ પાઉન્ડ) કે તેથી વધુ ભાવ હોઈ શકે છે. (પ્રતિ ઔંસ 110 ડૉલર અથવા 82 પાઉન્ડ.)

પમ્પોરમાં કેસરની ખેતી કરતી પેઢીઓએ આ પાકની આસપાસ જ પોતાનું જીવન ગોઠવ્યું છે. પરિવારો ઘરખર્ચ અને લગ્નપ્રસંગોનું આયોજન પણ પાકની મોસમને ધ્યાનમાં રાખીને કરતા. આખા ને આખા મહોલ્લાના લોકો મોડી સાંજ સુધી સાથે મળીને ફૂલોમાંથી કિરમજી તાંતણા છૂટા પાડતા અને બાજુમાં મીઠી ચાની કીટલીઓ ઊકળતી રહેતી. વડીલોને એ દિવસો યાદ છે, જ્યારે પાનખરની સવારે આખો ઉચ્ચપ્રદેશ જાંબલી રંગથી છવાઈ જતો હતો.

તીવ્ર ઘટાડો

છેલ્લા એક દાયકામાં કાશ્મીરી કેસરના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. ભારત સરકારના આંકડા અનુસાર, કાશ્મીર અને તેની નજીકના જમ્મુ વિસ્તારમાં કેસરનું ઉત્પાદન 2010-11માં આઠ ટન હતું, જે ઘટીને 2023-24માં માત્ર 2.6 ટન થઈ ગયું હતું.

સંશોધકોના મતે, હવામાનની બદલાતી સ્થિતિ સહિતનાં અનેક પરિબળો આ ઘટાડા માટે જવાબદાર છે. અભ્યાસોમાં જણાયું છે કે ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થતો વરસાદ કેસરનાં ફૂલ આવવાની પ્રક્રિયા અને તેના કોર્મ(ભૂગર્ભ પ્રકાંડ)ના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ મહિનાઓમાં વાતાવરણ સૂકું રહેવાથી ઉત્પાદન ઘટી શકે છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સરના ફૂલ વીણીને વાંસની ટોપલીમાં મૂકવા માટે ઝૂકેલા મોહમ્મદ આસિફ

કાશ્મીરમાં રહેતાં સ્વતંત્ર આબોહવા સંશોધક અને પર્યાવરણવિષયક કાર્યકર રાબિયા ખાન કહે છે કે કેસરની ખેતી માટે ઋતુઓ વચ્ચેનું નાજુક સંતુલન જરૂરી છે, જે હવે વધુ ને વધુ અસ્થિર બની રહ્યું છે.

તેઓ કહે છે, "પાનખર ઋતુમાં વરસાદ વિનાના સૂકા ગાળાનો સમયગાળો લાંબો થયો છે અને આવી સ્થિતિ વારંવાર સર્જાય છે. તાજેતરનાં વર્ષોમાં હિમવર્ષાની પેટર્ન પણ બદલાઈ છે. તેની અસર ભૂગર્ભજળના રિચાર્જ અને જમીનની ભેજ પર પડે છે."

પશ્ચિમ હિમાલયમાં હિમવર્ષાનું પ્રમાણ ઘટવું અને આબોહવા પરિવર્તનને કારણે સરેરાશ તાપમાન વધવું, આ બંને પરિબળો સમગ્ર વિસ્તારની જળપ્રણાલિને અસર કરી રહ્યાં છે.

બદલાતું પરિદૃશ્ય

પમ્પોરના ખેડૂતોને આ ફેરફારો સમજવા માટે વૈજ્ઞાનિક આંકડાઓની જરૂર નથી. તેઓ પોતાની નજરે આ પરિવર્તન જોઈ રહ્યા છે.

અનેક ખેડૂતોએ મને કહ્યું કે હવે શિયાળો પહેલાં જેટલો ઠંડો કે લાંબો રહ્યો નથી. અગાઉ બરફ પીગળવાથી જે નદીઓ અને ઝરણાંમાં પાણી આવતું હતું, તેમાં વર્ષ પૂરું થાય એ પહેલાં જ પાણી ઘટવા લાગે છે. ખેડૂત અબ્દુલ રશીદ વાની કહે છે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં વરસાદની પેટર્નમાં ઘણો ફેરફાર થયો છે. હવે અમારે પાણી માટે મોટા ભાગે પંપ પર આધાર રાખવો પડે છે."

2010માં કેસરની ખેતીમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રાષ્ટ્રીય કેસર મિશન શરૂ કર્યું હતું. તેનો હેતુ સિંચાઈની સુવિધાઓ સુધારવાનો, કેસરના કોર્મને નવજીવન આપવાનો અને ઉત્પાદન વધારવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પમ્પોરના કેસર ઉગાડતા વિસ્તારોમાં બોરવેલ, સ્પ્રિન્કલર સિસ્ટમ અને ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરાં પાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કેટલાક ખેડૂતોના મતે, અમુક ગામોમાં સિંચાઈની સુવિધા સુધરી છે. જોકે, બીજા કેટલાક ખેડૂતો ક્ષતિગ્રસ્ત પાઇપલાઇનો, અનિયમિત પાણીપુરવઠા અને કેસરનાં ફૂલ આવવાના નિર્ણાયક સમયગાળામાં સમારકામમાં થતા વિલંબની ફરિયાદ કરે છે. ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે આ ફરિયાદો અંગે ટિપ્પણી કરવાની વિનંતીનો જવાબ આપ્યો નહોતો.

આ સાથે કેસરનાં ખેતરોનું ક્ષેત્રફળ પણ સતત ઘટી રહ્યું છે. રસ્તાઓ પહોળા કરવા, રહેણાક વિસ્તારો વિકસાવવા અને વ્યાપારી બાંધકામોને કારણે એક સમયે ખેતી માટે વપરાતી જમીનના કેટલાક ભાગો હવે અન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. ખેડૂતો એવા વિસ્તારો તરફ આંગળી ચીંધે છે જ્યાં થોડાં વર્ષો પહેલાં સુધી કેસરનાં ફૂલો ખીલતાં હતાં.

કોનીબલ ગામના એક વૃદ્ધ રહેવાસી હબીબ ખાન મને કહે છે, "દરેક ઘર કેસરની ખેતી પર નભતું હતું. હવે ઘણા યુવાનોને તેમાં પોતાનું ભવિષ્ય દેખાતું નથી."

ખેડૂતોએ બીજી એક સમસ્યા વિશે પણ મને જણાવ્યું : એ હતી શાહુડીની. દુસ્સુ ગામમાં આસિફે મને પોતાના ખેતરના એવા ભાગો બતાવ્યા જ્યાં શાહુડીઓએ જમીનને ખોદીને કેસરના કોર્મને નુકસાન પહોંચાડ્યું હતું. "તેઓ રાત્રે આવે છે અને જમીનને ખોદીને કોર્મ બહાર કાઢી નાખે છે," એમ કહીને તેમણે જમીનમાં થયેલાં દર તરફ ઇશારો કર્યો. "ક્યારેક ફૂલો ગાયબ થયેલાં દેખાય, પણ ખરું નુકસાન તો જમીનની નીચે થયું હોય છે."

તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં શાહુડીઓના હુમલા વધ્યા છે. ખાસ કરીને વસાહતો અને ઝાડીવાળા વિસ્તારોની નજીક આવેલાં ખેતરોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. બીજા કેટલાક ખેડૂતોએ પાક બચાવવા માટે કામચલાઉ વાડ ઊભી કરી છે અને રાત્રે ખેતરોની ચોકીદારી પણ શરૂ કરી છે.

નવી દિલ્હીમાં પ્રકાશિત થતા સામયિક 'ડાઉન ટુ અર્થ'ના અહેવાલ મુજબ, નજીકના કચરાના ઢગલાઓને કારણે ખેતરોમાં આવતા ઉંદરો પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી કેસરના કોર્મને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે.

નકલી કાશ્મીરી કેસર

વિશ્વના કુલ કેસરના આશરે 90 ટકા ઉત્પાદન કરતા ઈરાનના ખેડૂતો પણ આબોહવા પરિવર્તન અને પાણીની વધતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમાં લાંબા સમય સુધી ચાલતો દુકાળ પણ સામેલ છે. ઈરાન સાથેનું અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ તાજેતરમાં વૈશ્વિક બજારમાં કાશ્મીરી અને ઈરાની કેસરના પુરવઠા તથા ભાવમાં પણ ભારે ઊથલપાથલનું કારણ બન્યું છે.

પરંતુ ઈરાની કેસર કાશ્મીરના ખેડૂતો માટે એક અલગ કારણસર પણ ચિંતાનો વિષય છે. જાન્યુઆરી 2026માં દિલ્હીના મસાલા બજારમાં મેં એક વેપારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આયાત કરાયેલું કેસર ઘણી વાર મોટા જથ્થામાં ભારતીય બજારમાં આવે છે અને પછી તેને કાશ્મીરી કેસરના નામે નવાં પૅકેટમાં ભરીને વેચવામાં આવે છે.

સામાન અને વજનકાંટાનાં સાધનોથી ભરેલા એક સાંકડા સ્ટોરરૂમમાં વેપારીએ ઈરાની કેસરનાં તાંતણાં ધરાવતાં પૅકેટ ખોલ્યાં અને તેની સરખામણી થોડા પ્રમાણમાં ઉપલબ્ધ કાશ્મીરી કેસર સાથે કરી.

તેમણે મને કહ્યું, "ગ્રાહકો કાશ્મીરી કેસર માગે છે, કારણ કે આ નામથી માલ વેચાય છે. એક વાર પૅકિંગ થઈ ગયા પછી મોટા ભાગના લોકો બંને વચ્ચેનો તફાવત ઓળખી શકતા નથી."

આ ઉપરાંત, કેસરના બદલે કુસુમનાં ફૂલ કે હળદરનો ઉપયોગ કરવો અને તેમાં હાનિકારક રંગો ઉમેરવા જેવી બીજી ભેળસેળની રીતો પણ અપનાવવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીરના ખાદ્ય અને ઔષધ વિભાગમાં મસાલાની અસલિયત ચકાસવા અંગે સંશોધન કરતાં ફૂડ સાયન્ટિસ્ટ શાઝિયા મલિક કહે છે કે આવી ભેળસેળથી ગ્રાહકો અને ખેડૂતો બંનેને નુકસાન થાય છે.

તેઓ કહે છે, "જ્યારે આયાત કરાયેલા કેસરને સ્થાનિક કેસર સાથે ભેળવવામાં આવે છે અથવા ખોટી રીતે કાશ્મીરી કેસર તરીકે વેચવામાં આવે છે, ત્યારે ગ્રાહકોનો વિશ્વાસ ઘટે છે અને ખેડૂતોની આવકને પણ અસર થાય છે."

પમ્પોરના કેટલાક ખેડૂતો માને છે કે આ સમસ્યાને કારણે સ્થાનિક કેસરના ઉત્પાદનમાં થયેલા વાસ્તવિક ઘટાડાનું પ્રમાણ પણ છુપાઈ જાય છે. બજારોમાં કહેવાતું 'કાશ્મીરી કેસર' તો ઉપલબ્ધ રહે છે, પણ વાસ્તવિક સ્થાનિક ઉત્પાદન સતત ઘટતું જાય છે.

આ સ્થિતિને સુધારવા માટે કેસરને પ્રમાણિત કરવાની અને તેની હેરફેર તથા વેચાણ પર નજર રાખવા ઇલેક્ટ્રોનિક ટ્રેસેબિલિટી સિસ્ટમ વિકસાવવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. એક સરકારી અધિકારીએ બીબીસીને જણાવ્યા મુજબ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ દિશામાં સુધારો થયો છે. જોકે, ખેડૂતોનું કહેવું છે કે આ નિયમોનો અમલ હજુ પણ દરેક જગ્યાએ સરખી રીતે થતો નથી.

જીવનશૈલીનો એક હિસ્સો

શ્રીનગર નજીક સરકારી બાગાયત વિભાગના વિજ્ઞાની નિયાઝ અહમદ દાર નિયંત્રિત વાતાવરણમાં કેસરની ખેતી અંગે અભ્યાસ કરે છે. આ માટે ખાસ તૈયાર કરાયેલા ઓરડાઓમાં ભેજ, તાપમાન અને પ્રકાશનું પ્રમાણ કાળજીપૂર્વક નિયંત્રિત કરવામાં આવે છે. તેઓ કેસરનાં ફૂલ આવવાની પ્રક્રિયાનો અભ્યાસ કરે છે.

નવેમ્બર 2025માં તેમની મુલાકાત વખતે તેમણે મને કહ્યું હતું, "નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરવાથી હવામાનને લગતાં જોખમો ઘટે છે. તંદુરસ્ત કોર્મનું જતન કરવું અને કેસરનાં ફૂલ આવવાની પ્રક્રિયાને વધુ નિયમિત બનાવવી એ અમારો હેતુ છે."

ઘરની અંદર નિયંત્રિત વાતાવરણમાં કેસરની ખેતી અંગેના પ્રાથમિક સંશોધનોમાં આશાસ્પદ પરિણામો જોવા મળ્યાં છે. તેમાં ફૂલ આવવાની પ્રક્રિયાની સ્થિરતા જળવાઈ રહેવા ઉપરાંત કેસરના રંગ અને ઔષધીય ગુણધર્મો માટે જવાબદાર ક્રોસિન નામના ઘટકનું પ્રમાણ પણ જળવાઈ રહેતું હોવાનું જણાયું છે.

કેસરની ખેતીને વધુ સક્ષમ અને ટકાઉ બનાવવા માટે કામ કરતા વિજ્ઞાનીઓ ભૂગર્ભજળના વ્યવસ્થાપન, કોર્મની વધુ સારી જાળવણી અને જમીનની ભેજ પર વધુ સારી નજર રાખવા જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન આપી રહ્યા છે. કેટલાક સંશોધકોનું માનવું છે કે કેસરની ખેતી માટે બચેલી જમીનનું રક્ષણ કરવું પણ એટલું જ મહત્ત્વનું બની શકે છે.

પમ્પોરના કેટલાક ખેડૂતોએ મને કહ્યું કે તેમને પાક નિષ્ફળ જવાની કામચલાઉ સમસ્યા કરતાં બાંધકામના વધતા જતા વ્યાપને કારણે કેસરનાં ખેતરો જ ધીમે ધીમે અદૃશ્ય થઈ જવાની વધુ ચિંતા છે. એક વાર જમીન પર બાંધકામ થઈ જાય પછી ત્યાં ફરી ખેતી શરૂ થવાની શક્યતા ભાગ્યે જ રહે છે, એમ તેમનું કહેવું છે.

ગયા નવેમ્બરમાં જ્યારે હું ફરી દુસ્સુ ગામ ગયો ત્યારે આસિફે લણણીના દિવસો દરમિયાન સૂર્યોદય પહેલાં પોતાના પરિવાર સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું. ધીમે ધીમે અજવાળું પથરાતાં આ વખતે કેસરનો પાક કેટલો ઓછો ઊતર્યો હતો તેનો ખ્યાલ આવવા લાગ્યો. આસિફને અગાઉનાં વર્ષોની સરખામણીએ આ વખતે પરિવારની ટોપલીઓ ઘણી ઓછી ભરાયેલી દેખાતી હતી.

પછી પરિવારના ઘરમાં આસિફનાં પત્ની ઝેબા હાથેથી કેસરના દરેક લાલ રંગના તાંતણાને અત્યંત કાળજીપૂર્વક અલગ કરી રહ્યાં હતાં. અમારી કપમાં ભરેલી નમકીન ચાની ઉપર વરાળ ઊઠી રહી હતી. આસિફે કેસરના તાંતણાને સૂકવવા માટે એક થાળીમાં કાળજીપૂર્વક પાથર્યા. ઓરડામાં તાજા કેસરની માટીની હળવી સુગંધ પ્રસરી હતી.

આસિફે મને કહ્યું, "સદીઓથી કેસરની ખેતી અહીંના પરિવારોની ઓળખનો એક ભાગ રહી છે. લોકોને આવકની ચિંતા તો છે જ, પણ આ જમીન સાથે ગાઢ રીતે જોડાયેલી પોતાની જીવનશૈલી ગુમાવવાની ચિંતા પણ છે."

(મીર સીનીન દક્ષિણ એશિયા અને અન્ય વિસ્તારોના સમાચારો આવરી લેતા કાશ્મીરસ્થિત સ્વતંત્ર પત્રકાર છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન