AMCનો ડ્રેસ, સરકારી કામનું બોર્ડ અને ક્રૅનની મદદથી BSNLના વાયરની 'ચોરી', પોલીસે આરોપીઓને કેવી રીતે પકડી પાડ્યા?

ક્રૅન લઈને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓના વેશમાં ચોરી કરવા નીકળતી ગૅંગ કેવી રીતે પકડાઈ ? અમદાવાદ કૉપર વાયર ચોરી બીએસએનએલ એએમસી ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર
ઇમેજ કૅપ્શન, આ તસવીર અમદાવાદના વાસણાની એ જગ્યાની છે જ્યાં પહેલાથી જ અમદાવાદ મહાનગરપાલિકાનું કામ ચાલી રહ્યું હતું.
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમદાવાદના વાસણા વિસ્તારમાં ચાર લોકો એક ક્રૅન લઈને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કર્મચારીઓનો ડ્રેસ પહેરી ખોદકામ કરતા હતા. એટલું જ નહીં તેઓ બૅટન લાઇટથી ટ્રાફિક પણ ડાઇવર્ટ કરતા હતા. જેથી રાત્રે નીકળેલા લોકોને લાગે કે ચોમાસા પછી રસ્તાના રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે.

પરંતુ પોલીસનું કહેવું છે કે તેઓ હકીકતમાં રસ્તા રિપેરિંગના નામે લાખો રૂપિયાના તાંબાના વાયર ચોરતા હતા. આ ગૅંગ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરતમાં પણ આ પ્રકારે ચોરી કરતી હોવાનો અમદાવાદ પોલીસ દાવો કરી રહી છે.

પોલીસનું એ પણ જણાવવું છે કે રવિવારે આ લોકો પોલીસને જોઈને ત્યાંથી ભાગવાની કોશિશ કરતા હતા, પોલીસને શક ગયો અને તેમને ચોરીના આરોપમાં પકડી લીધા.

પોલીસે તેમની પાસે અંદાજે સાત લાખની કિંમતના કૉપરના વાયર કબજે કર્યા છે.

પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગૅંગના લોકોએ કયાં કયાં શહેરમાં આ પ્રકારે કોપરના વાયરને ચોરી કરવાનું કામ કર્યું છે.

AMCના આ 'નકલી' અધિકારીઓ પર પોલીસને કેવી રીતે શક ગયો?

ક્રૅન લઈને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓના વેશમાં ચોરી કરવા નીકળતી ગૅંગ કેવી રીતે પકડાઈ ? ક્રૅન લઈને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓના વેશમાં ચોરી કરવા નીકળતી ગૅંગ કેવી રીતે પકડાઈ ? અમદાવાદ કૉપર વાયર ચોરી બીએસએનએલ એએમસી ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર
ઇમેજ કૅપ્શન, પોલીસે તેમની પાસે અંદાજે સાત લાખની કિંમતના કૉપરના વાયર કબજે કર્યા છે.

અમદાવાદ પોલીસનું કહેવું છે કે નારોલ વિસ્તારમાં આ ચાર આરોપીઓ અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીનો ડ્રેસ પહેરીને ભાડે લીધેલી ક્રૅન લઈને રસ્તા પર નીકળ્યા હતા.

ક્રૅન વાસણા પાસે આવેલી બીએસએનએલની ઑફિસની નજીક પહોંચી હતી. અહીં આવેલી એક ગાંઠીયાની દુકાન પાસે પહેલાથી જ અમદાવાદ મહાનગરપાલિકાનું કામ ચાલી રહ્યું હતું. તેની પાછળ બીએસએનએલની કચેરી હતી.

અહીં પહોંચીને અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીનો ડ્રેસ પહેરીને આવેલા ચાર લોકોએ જગ્યા કૉર્ડન કરીને તેના પર રસ્તાનું કામ ચાલું હોય તેવા લાલ રંગના પ્લાસ્ટિકના બેરિકેડ મૂકીને ક્રૅનથી બીએસએનએલની ડક ખોદવાનું શરૂ કરી દીધું.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીએસએનએલની વાસણા કચેરીના સિક્યૉરિટી ગાર્ડ કમલેશ મનાતે બીબીસી ગુજરાતીને જણાવે છે કે "તે વખતે કોઈ રસ્તો ખરાબ નહોતો. મેં તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો તો પોતે અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારી છે એવું કહીને મને ચૂપ રહેવા કહ્યું. તેઓ ક્રૅન લઈને ટ્રાફિક ડાઇવર્ટ કરવા લાગ્યા. તેઓ સરકારી કર્મચારીઓ રાત્રે કામ કરે તે જ પ્રકારે બૅટન લાઇટથી ટ્રાફિક ડાઇવર્ટ કરતા હતા. તેમણે માથા પર હેલ્મેટ અને રેડિયમ જૅકેટ પહેર્યાં હતાં."

તેઓ જણાવે છે કે પહેલા તો તેને લાગ્યું કે તેઓ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કર્મચારીઓ છે. પરંતુ તેમને યાદ આવ્યું કે તે દિવસે 15મી ઑગસ્ટની રજા હતી અને બીજા દિવસે રવિવાર હતો. તેથી તેમને શક પડ્યો કે રજાના દિવસે આ લોકો કામ શા માટે કરી રહ્યા છે?

કમલેશ મનાતે જણાવે છે, "શંકા જતા મેં ક્રૅનની પાછળના ભાગમાં જોયું તો તે લોકો વાયર કાપીને તેમાંથી કૉપર કાઢી રહ્યા હતા. એટલે મારો શક પાકો થઈ ગયો અને મેં મારા ઉપરી અધિકારીને ફોન કર્યો."

બીએસએનએલના અમદાવાદ ડિવિઝનના એન્જિનિયર રમેશ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે "અમારા સિક્યૉરિટી ગાર્ડનો ફોન આવ્યો એટલે હું જગ્યા પર પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો તેઓ વાયરની ચોરી કરી રહ્યા હતા. મેં તરત પોલીસને જાણ કરી. પોલીસ આવી એટલે તેઓ નાસવાનો પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ પકડાઈ ગયા."

પોલીસે આરોપીઓ પાસેથી સાત લાખ રૂપિયાની કિંમતના કૉપરના વાયર જપ્ત કર્યા છે.

પોલીસનું શું કહેવું છે?

ક્રૅન લઈને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓના વેશમાં ચોરી કરવા નીકળતી ગૅંગ કેવી રીતે પકડાઈ ? ક્રૅન લઈને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓના વેશમાં ચોરી કરવા નીકળતી ગૅંગ કેવી રીતે પકડાઈ ? અમદાવાદ કૉપર વાયર ચોરી બીએસએનએલ એએમસી ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર
ઇમેજ કૅપ્શન, ચોરીના આ આરોપીઓ ક્રૅન ભાડેથી લાવતા હતા.

આ કેસના તપાસ અધિકારી અને વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું કે "તે દિવસે અમે 15મી ઑગસ્ટને લઈને બંદોબસ્તમાં હતા. તે સમયે બીએસએનએલમાંથી ફોન આવ્યો. અમે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા."

રાહુલ પટેલ જણાવે છે કે અમે તેમની પાસે અમદાવાદ મહાનગરપાલિકાનું ઓળખકાર્ડ માંગ્યું. "તેઓ ભાગવા લાગ્યા અને અમે પકડી પાડ્યા." તેઓ જણાવે છે.

પોલીસે તમામની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું હતું કે આ આરોપીઓ ક્રૅન ભાડેથી લાવ્યા હતા.

રાહુલ પટેલનો દાવો છે, "આ લોકોએ કબૂલાત કરી છે કે તેમણે સુરતના મહિધરપુરામાં પણ આ જ પ્રકારે બીએસએનએલના કૉપરના વાયરની ચોરી કરી હતી."

પોલીસ હવે તેમણે કયાં કયાં શહેરોમાં આ પ્રકારે ચોરી કરી છે તેની તપાસ કરી રહ્યા છે. પોલીસ એ પણ તપાસ કરે છે કે આ આરોપીઓ મહાનગરપાલિકાના કર્મચારીનો ડ્રેસ ક્યાંથી લાવ્યા હતા. આ ગૅંગમાં બીજા કેટલા લોકો સામેલ છે, તેઓ આ કૉપરના તાર કોને અને કેવી રીતે વેચતા હતા, તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.

નારોલમાં અલગ-અલગ બિલ્ડર માટે કન્સ્ટ્રક્શન સાઇટ પર કૉન્ટ્રૅક્ટરનું કામ કરતા મહેન્દ્ર પ્રજાપતિએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે આ ચાર પૈકીના એક આરોપી પાસેથી ક્રૅન, ટ્રક અને ટૅમ્પો ભાડે લેતાં હતાં. તે અમદાવાદ જ નહીં પરંતુ આસપાસના એના પરિચિતો પાસેથી વાહનો ભાડે લઈને આપતો હતો."

"વરસાદને કારણે છેલ્લા કેટલાક સમયથી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ હતું. તે સમયે જ્યારે હું એક આરોપીને મળ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે મને અમદાવાદ મહાનગરપાલિકાનું કામ મળ્યું છે. તે વખતે મને ખબર નહોતી કે તે આ પ્રકારે વાયર ચોરીનું કામ કરતો હશે."

બીબીસીએ આ વિસ્તારમાં આવેલા પોલીસ મિત્ર અને ઉત્તર ભારતીય કામદારોના સંગઠનનું કામ કરતા સત્યેન્દ્ર ઠાકુર પાસેથી અન્ય આરોપી વિશે પણ વિગતો મેળવવાની કોશિશ કરી.

તેમણે કહ્યું, "આ પૈકી બે આરોપીઓ આ વિસ્તારમાં એક રૂમ રાખીને ભાડે રહેતા હતા. એક આરોપી એકલો રહેતો હતો. એ લોકો મથુરા અને આગ્રાના હોવાનું મારી જાણમાં છે. તેઓ અમારી સાથે હળતા-મળતા નહોતા તેથી અમને તેમના વિશે ઝાઝી ખબર નથી."

અમે આ આરોપીના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ કેટલાક આરોપના સંબંધીનો સંપર્ક થઈ શક્યો નથી અને જેનો સંપર્ક થયો હતો તેમણે કોઈ પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન