પૂર્વ પતિને ન છોડ્યો, નવા જીવનસાથીએ પણ અપનાવ્યો, બીજાં લગ્ન છતાં પહેલો પતિ પરિવારનો ભાગ છે

ક્રિસ, બ્રાન્ડન અને જેમ્સ
ઇમેજ કૅપ્શન, ક્રિસ, બ્રાન્ડન અને જેમ્સ
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ક્રિસ આર્મસ્ટ્રૉંગ વીસેક વર્ષનાં હતાં અને તેમનાં લગ્નને માંડ બે વર્ષ થયાં હતાં ત્યારે તેના ફોનની રિંગ વાગી. એક પોલીસ અધિકારીએ તેને જણાવ્યું કે તેના પતિને ભયાનક કાર અકસ્માત થયો છે.

"મને એમ લાગ્યું કે જાણે હું મારી જાતથી અલગ થઈ ગઈ હોઉં. ફિલ્મોમાં કોઈને એવો ફોન આવે છે, જેને કારણે તેનું આખું જીવન બદલાઈ જાય છે, ત્યારે જે અનુભવ થાય છે, એવો જ આ અનુભવ હતો."

ક્રિસે માત્ર 21 વર્ષની ઉંમરે બ્રાન્ડન સાથે લગ્ન કર્યાં હતાં. તે ઊર્જાથી છલકાતો અને રમતગમતમાં રસ ધરાવતો હતો. તે બ્રેકડાન્સર અને સ્નોબોર્ડર હતો. પ્રેમ વ્યક્ત કરવામાં તે કોઈ કસર છોડતો નહીં અને ભવ્ય રોમેન્ટિક સરપ્રાઇઝ આપતો.

પરંતુ સાથે મળીને ભવિષ્ય માટે જોયેલાં તેમનાં તમામ સપનાં એક ફોનકૉલ સાથે જ વેરવિખેર થઈ ગયાં.

હૉસ્પિટલ જતી વખતે ક્રિસે પોતાનાં માતાને પૂછ્યું કે જો બ્રાન્ડનનું મૃત્યુ થયું હશે તો પોતે શું કરશે.

તેમને ખબર નહોતી કે તેઓ બ્રાન્ડનના મૃતદેહની ઓળખ કરવા માટે શબઘરમાં જઈ રહ્યાં હતાં કે પછી તેને જીવતો જોવા હૉસ્પિટલના બીજા કોઈ માળે જઈ રહ્યાં હતાં.

ક્રિસ કહે છે કે બ્રાન્ડન તેમના માટે સિન્ડ્રેલાનો રાજકુમાર હતો.

'આશા બેધારી તલવાર બની ગઈ'

ક્રિસ કહે છે કે બ્રાન્ડન તેના માટે સિન્ડ્રેલાનો રાજકુમાર હતો
ઇમેજ કૅપ્શન, ક્રિસ કહે છે કે બ્રાન્ડન તેમના માટે સિન્ડ્રેલાનો રાજકુમાર હતો

બ્રાન્ડનને મગજમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તે કોમામાં સરી પડ્યો હતો.

અકસ્માતના બે અઠવાડિયાં પછી જ્યારે તેણે પહેલી વાર આંખો ખોલી, ત્યારે તેની નજરમાં કોઈ ઓળખ કે સમજણનો ભાવ નહોતો.

ક્રિસ સમજાવે છે, "તે તમારી સામે જોતો પણ નહોતો. બસ, આંખો ખોલતો અને પછી રાત્રે બંધ કરી દેતો. ફરી આંખો ખોલતો અને બંધ કરી દેતો. પરંતુ બીજી કોઈ હિલચાલ કરતો નહોતો."

ધીમે ધીમે તેની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. એક વાર તેણે તેમનાં લગ્નના ફોટામાં ક્રિસ તરફ આંગળી ચીંધી. બીજી વાર તેણે તેને કહ્યું, 'હું તને પ્રેમ કરું છું.'

"મેં મારા જીવનમાં સાંભળેલી આ સૌથી સુંદર વાત હતી."

ક્યારેક ક્યારેક તેના જૂના રમૂજી સ્વભાવની ઝલક પણ જોવા મળતી.

કિશોરાવસ્થામાં ક્રિસ અને બ્રાન્ડનની મુલાકાત ચર્ચમાં થઈ હતી.

લગ્નના દિવસે ક્રિસ અને બ્રાન્ડન ચર્ચની આગળ સાથે ઊભાં રહીને તસવીર પડાવે છે. ક્રિસે લગ્નનો સફેદ પોશાક પહેર્યો છે અને હાથમાં ફૂલોનો ગુલદસ્તો પકડ્યો છે, જ્યારે બ્રાન્ડને ઘેરા રંગનો સૂટ પહેર્યો છે
ઇમેજ કૅપ્શન, લગ્નના દિવસે ક્રિસ અને બ્રાન્ડન ચર્ચની આગળ સાથે ઊભાં રહીને તસવીર પડાવે છે. ક્રિસે લગ્નનો સફેદ પોશાક પહેર્યો છે અને હાથમાં ફૂલોનો ગુલદસ્તો પકડ્યો છે, જ્યારે બ્રાન્ડને ઘેરા રંગનો સૂટ પહેર્યો છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ બ્રાન્ડનની વિચારવાની અને સમજવાની ક્ષમતાને ગંભીર અસર પહોંચી હતી અને થોડી જ મિનિટો પહેલાં બનેલી ઘટનાઓ પણ તેને યાદ રહેતી નહોતી. તે પોતે જમવા કે કપડાં પહેરવા સક્ષમ નહોતો અને ચાલી પણ શકતો નહોતો.

"અઠવાડિયાનો કયો દિવસ છે, કયો મહિનો છે અને ક્યારેક તો આપણે ક્યાં છીએ એ પણ તેને ખબર પડતી નહોતી. એટલે મારે એકની એક જ વાત વારંવાર કહેવી પડતી."

શરૂઆતમાં થોડી આશા જાગી હતી, પરંતુ ધીમે ધીમે બ્રાન્ડને પોતાની વ્હીલચેર જાતે ચલાવવાની, બોલવાની અને સામાન્ય વાતચીત સમજવાની ક્ષમતા પણ ગુમાવી દીધી.

બ્રાન્ડનની જરૂરિયાતો પૂરી કરવાનો સંઘર્ષ કરતી ક્રિસને ધીમે ધીમે સમજાયું કે પત્ની તરીકેની તેની ભૂમિકા હવે બદલાઈને પૂરા સમયની સંભાળ રાખનાર વ્યક્તિની થઈ ગઈ હતી.

"તે મારી સામે એવી રીતે જોતો, જેવી રીતે નાનું બાળક પોતાનાં માતા-પિતા સામે જુએ. તે ડરી જતો અથવા તેને કોઈ વસ્તુની જરૂર પડતી. અને અચાનક મને લાગવા માંડ્યું કે હું તેની મા બની ગઈ છું."

એક ડૉક્ટરે સહી કરેલો પત્ર મળ્યો, જેમાં જણાવાયું હતું કે બ્રાન્ડન હવે ક્યારેય કામ કરી શકશે નહીં. આ પત્રથી આવી પરિસ્થિતિ કાયમી બની ગઈ હોવાનો અહેસાસ થયો.

પરંતુ ક્રિસને ખાતરી હતી કે તે બધું સંભાળી લેશે. તેઓ બ્રાન્ડનને ઘરે લઈ આવ્યાં.

હેલ્મેટ પહેરેલો બ્રાન્ડન લીલાછમ ઘાસવાળા મેદાનની ઉપર ઝિપલાઇન પર લટકી રહ્યો છે અને હેલ્મેટ પહેરીને નીચે ઊભેલી ક્રિસ તરફ હાથ લંબાવી રહ્યો છે
ઇમેજ કૅપ્શન, હેલ્મેટ પહેરેલો બ્રાન્ડન લીલાછમ ઘાસવાળા મેદાનની ઉપર ઝિપલાઇન પર લટકી રહ્યો છે અને હેલ્મેટ પહેરીને નીચે ઊભેલાં ક્રિસ તરફ હાથ લંબાવી રહ્યો છે

બ્રાન્ડનની પૂરા સમયની સંભાળ રાખવી અત્યંત થકવી નાખે તેવું હતું. ઘણી વાર ઘરની બહાર નીકળતાં પહેલાં જ તેમણે બ્રાન્ડનનાં કપડાં અનેક વાર બદલવાં પડતાં. પરિવારજનો અને મિત્રો આ બધું જોઈને ચિંતિત રહેતાં. આખરે એક રાત્રે ક્રિસની સહનશક્તિની હદ આવી ગઈ.

"એક તબક્કે હું સાવ ભાંગી પડી. મેં ખૂબ દારૂ પીધો અને નશામાં ધૂત થઈ ગઈ. ઊલટી થવા લાગી અને મારે ડોલમાં ઊલટી કરવી પડી. મારા ચર્ચના મિત્રો મારી સાથે હતા."

"મેં તેમને પૂછ્યું, 'જો હું આ બધું સરખી રીતે ન કરી શકું તો પણ શું તમે મને પ્રેમ કરતા રહેશો?'"

આખરે તેમણે બ્રાન્ડનને નર્સિંગ હોમમાં રાખવાની સંમતિ આપી.

ત્યાંના પહેલા જ દિવસે કર્મચારીઓએ તેનું ભોજન અનેક નાનાં નાનાં ડબ્બાઓમાં પીરસ્યું. "તેને આ જોઈને ખૂબ મજા આવી. જાણે વિમાનમાં બેઠો હોય એવું તેને લાગ્યું. તે બોલ્યો, 'આટલા બધાં નાનાં ડબ્બા જુઓ, કેટલા સરસ છે!'"

"અને તે એકદમ ઠીક હતો."

છૂટાછેડા, જેનાથી 'કંઈ જ બદલાયું નહીં'

ક્રિસ અને બ્રાન્ડન એક ઇન્ડોર કાર્યક્રમમાં સાથે તસવીર પડાવી રહ્યાં છે. ક્રિસ વ્હીલચેર પર બેઠી છે અને પાછળના ભાગમાં કાળા, સફેદ અને રૂપેરી રંગના ફુગ્ગા દેખાય છે
ઇમેજ કૅપ્શન, ક્રિસ અને બ્રાન્ડન એક ઇન્ડોર કાર્યક્રમમાં સાથે તસવીર પડાવી રહ્યાં છે. ક્રિસ વ્હીલચેર પર બેઠાં છે અને પાછળના ભાગમાં કાળા, સફેદ અને રૂપેરી રંગના ફુગ્ગા દેખાય છે

આખરે ક્રિસે બ્રાન્ડનથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. પરંતુ કાનૂની વાલી તરીકેની પોતાની જવાબદારી ચાલુ રાખવાનો અધિકાર મેળવવા માટે પણ તેમણે લડત આપી.

ક્રિસ કહે છે, "મેં માત્ર એટલું સુનિશ્ચિત કર્યું કે તેને ખબર હોય કે હું હંમેશાં તેની સાથે રહીશ. કંઈ જ બદલાયું નહોતું. હું તેને મળવા અગાઉની જેમ જ નિયમિત જતી હતી. તેની સાથે પહેલાં જેટલો જ સમય વિતાવતી. અને તેને પહેલાં જેટલો જ પ્રેમ કરતી."

આ કામ સહેલું નહોતું. છૂટાછેડા માગતી કોઈ સ્ત્રી પોતાના ભૂતપૂર્વ પતિની કાનૂની જવાબદારી પણ શા માટે રાખવા માગે છે, એ વાત ઘણા વકીલોને સમજાતી નહોતી.

પરંતુ ક્રિસ મક્કમ રહી. લગભગ એક વર્ષ સુધી તેણે બ્રાન્ડનની સંભાળમાં પોતાની સતત ભાગીદારીના દસ્તાવેજો તૈયાર કર્યા.

તે તેની તબીબી મુલાકાતોમાં હાજર રહેતી અને દરરોજ તેને મળવા જતી. આ બધું દર્શાવતું હતું કે છૂટાછેડાથી બ્રાન્ડન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં કોઈ ફેર પડવાનો નહોતો.

આખરે જ્યારે વાલીપણા અંગેની સુનવણી આવી, ત્યારે બ્રાન્ડનના અન્ય કોઈ સગાંએ તેની અરજીનો વિરોધ કર્યો નહીં.

તે કહે છે, "મને યાદ છે કે ત્યારે મને કેટલી મોટી રાહત થઈ હતી."

'મને લાગે છે કે એ સુંદર વાત છે'

બ્રાન્ડન પુનર્વસન માટેનાં એક ઉપકરણમાં ટેકાથી ઊભો છે. બે વ્યક્તિ તેના શરીર અને પગને સ્થિર રાખવામાં મદદ કરી રહી છે. તસવીરના અગ્રભાગમાં એક હાથમાં વિવિધ રંગોની થેરપી રિંગ્સ પકડેલી દેખાય છે, જ્યારે પાછળના ભાગમાં કસરત માટેનાં તબીબી ઉપકરણો અને વસ્તુઓ રાખવાની છાજલીઓ દેખાય છે
ઇમેજ કૅપ્શન, બ્રાન્ડન પુનર્વસન માટેનાં એક ઉપકરણમાં ટેકાથી ઊભો છે. બે વ્યક્તિ તેના શરીર અને પગને સ્થિર રાખવામાં મદદ કરી રહી છે

જેમ્સ ફિઝિકલ થેરપીના એક સત્ર દરમિયાન બ્રાન્ડનને સહારો આપી રહ્યો છે.

ઘણાં વર્ષો પછી પહેલી વાર ક્રિસે ભવિષ્યની કલ્પના કરવાની હિંમત કરી. તેમને હંમેશાં પોતાનો પરિવાર અને બાળકો જોઈતાં હતાં અને તેઓ એકલતા અનુભવતાં હતાં.

તેમણે એક ઑનલાઇન ડેટિંગ ઍપ પર પોતાની પ્રોફાઇલ મૂકી. શરૂઆતથી જ બ્રાન્ડન વિશે સંપૂર્ણ સચ્ચાઈ જણાવવાનો તેમણે નિશ્ચય કર્યો હતો.

ક્રિસ અને જેમ્સ તેમના લગ્નના સ્વાગત સમારંભમાં સાથે નૃત્ય કરી રહ્યાં છે
ઇમેજ કૅપ્શન, ક્રિસ અને જેમ્સ તેમનાં લગ્નના સ્વાગત સમારંભમાં સાથે નૃત્ય કરી રહ્યાં છે

જ્યારે તેમની મુલાકાત જેમ્સ સાથે થઈ, ત્યારે તેમણે તેમને બધી વાત જણાવી: તેમના પહેલા પતિ બ્રાન્ડન હજી જીવિત છે, તેને મગજમાં ગંભીર ઈજા થઈ છે અને તેઓ હજી પણ તેમનાં કાનૂની વાલી છે.

આ વાતથી ડરી જવાને બદલે જેમ્સને ખૂબ સ્પર્શી ગઈ.

ક્રિસ યાદ કરતાં કહે છે, "તેણે કહ્યું, 'મને લાગે છે કે આ બહુ સુંદર વાત છે.'"

તેમની મુલાકાતો શરૂ થયાના થોડા જ સમય પછી, ક્રિસ બ્રાન્ડનને ચર્ચમાં લઈ ગઈ ત્યારે જેમ્સ પણ તેમની સાથે ગયો. ક્રિસ થોડી વાર માટે ત્યાંથી દૂર ગયાં અને પાછાં આવ્યાં ત્યારે તેમણે જોયું કે જેમ્સ બ્રાન્ડનની બાજુમાં બેઠા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. બ્રાન્ડન બેઠો હતો અને હસતો હતો.

ક્રિસ હસતાં કહે છે, "મેં મનમાં કહ્યું, 'સારું, હવે તો આ સંબંધ નક્કી જ થઈ ગયો લાગે છે.'"

જેમ્સ, ક્રિસ અને બ્રાન્ડન એક સંભાળ કેન્દ્રની પરસાળમાં સાથે ઊભા રહીને તસવીર પડાવે છે. બ્રાન્ડન પોતાની વ્હીલચેરમાં બેઠો છે અને તેમની પાછળ જન્મદિવસનો એક વાદળી રંગનો ફુગ્ગો દેખાય છે
ઇમેજ કૅપ્શન, જેમ્સ, ક્રિસ અને બ્રાન્ડન એક સંભાળ કેન્દ્રની પરસાળમાં સાથે ઊભા રહીને તસવીર પડાવે છે

સમય જતાં જેમ્સે પણ બ્રાન્ડન સાથે પોતાનો આગવો સંબંધ કેળવ્યો. તેઓ પોતાની મેળે બ્રાન્ડનને મળવા જતા અને તેના માટે તેને ભાવતી સ્ટારબક્સની કૉફી લઈ જતા.

ક્રિસ અને જેમ્સે સાથે મળીને નવું જીવન વસાવ્યું. સમય જતાં તેમને બે દીકરીઓ પણ થઈ. છતાં બ્રાન્ડન પરિવારનો જ એક ભાગ રહ્યો. ક્રિસ હવે લગભગ 18 વર્ષથી તેમની સંભાળ રાખી રહ્યાં છે.

"અમારા પરિવારમાં અમારી દીકરીઓ, મારો સાવકો દીકરો અને બ્રાન્ડન છે... અમે અમારા પરિવારની વાત કરીએ ત્યારે બ્રાન્ડન પણ તેમાં સામેલ હોય છે."

બાળકો બરાબર જાણે છે કે બ્રાન્ડન કોણ છે અને તેની સાથે શું બન્યું હતું.

તેઓ તેને 'અંકલ બ્રાન્ડન' કહીને બોલાવે છે, નિયમિત તેને મળવા જાય છે અને પરિવારના દરેક પ્રસંગમાં તેને સામેલ કરે છે.

થોડાં વર્ષો પહેલાં પડાવાયેલા એક ફોટોશૂટમાં તે પરિવારનો કેટલો સહજ હિસ્સો બની ગયો છે તે સ્પષ્ટ દેખાતું હતું.

જ્યારે ક્રિસે જેમ્સને પૂછ્યું કે શું તે બ્રાન્ડન વિના પરિવારનાં કેટલાંક વ્યાવસાયિક તસવીરો પડાવવા માગે છે, ત્યારે જેમ્સે તરત જ જવાબ આપ્યો.

"તેણે કહ્યું, 'ના. બ્રાન્ડન આપણો પરિવાર છે. દરેક તસવીરમાં તે હશે.'"

બીબીસી વર્લ્ડ સર્વિસ માટે એમિલી નેલરે તૈયાર કરેલા 'લાઇવ્ઝ લેસ ઑર્ડિનરી: લવ સ્ટોરીઝ'ના 'માય ટુ હસબન્ડ્સ' એપિસોડ પર આધારિત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન