ભારત-પાકિસ્તાનની હાઇ વૉલ્ટેજ મૅચમાં હર્ષિત રાણાની પાકિસ્તાની બૅટ્સમૅનો સાથે માથાકુટ કેમ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મૅચ હોય અને મેદાન પર વિવાદ ન જોવા મળે તેવું ભાગ્યે જ બને છે. એસીસી મૅન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સના મુકાબલામાં પણ ખેલાડીઓ વચ્ચે માથાકુટ જોવા મળી હતી.
એસીસી ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2026માં પાકિસ્તાન-Aની ટીમે ભારતની A ટીમને 48 રનથી હરાવી દીધી.
રવિવારે દોહામાં રમાયેલી આ મૅચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 313 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 265 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
આખી મૅચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓએ પરસ્પર હાથ નહોતો મળાવ્યો, ઉપરાંત મૅચ દરમિયાન ઘણીવાર બંને ટીમના ખેલાડીઓ આમને-સામને આવી ગયા હતા અને તેને કારણે તણાવ પેદા થયો હતો.
શરૂઆત ટૉસ દરમિયાન થઈ.
ભારત-પાકિસ્તાન મૅચ દરમિયાન ભારતના કૅપ્ટન તિલક વર્માએ ટૉસનો સિક્કો ઉછાળ્યો.
પાકિસ્તાનના કૅપ્ટન અબ્દુલ સમદે હેડ કૉલ આપ્યો હતો, જેવો સિક્કો નીચે પડ્યો કે ઇન્ટરવ્યૂ લેનારી વ્યક્તિએ તેને ટેલ કહ્યું. પછી તિલક અને સમદ બંને સિક્કાને જોવા લાગ્યા.
સમદે અહીં ભૂલ પકડી લીધી અને તેમણે માઇકમાં કહ્યું કે તે હેડ છે, પછી ઇન્ટરવ્યૂ લેનારી વ્યક્તિએ ભૂલ સુધારી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હર્ષિત રાણાએ શમીલને આપ્યું સેન્ડ ઑફ

ઇમેજ સ્રોત, ACC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાન-Aની બેટિંગ દરમિયાન હર્ષિત રાણાની શમીલ હુસૈન સાથે ગરમાગરમી વધી ગઈ હતી. તેમણે શમીલને આઉટ કરીને 'સેન્ડ ઑફ' પણ આપ્યું હતું. હર્ષિતની શમીલ હુસૈન ઉપરાંત માજ સદાકત સાથે પણ બબાલ થઈ હતી. હર્ષિત સતત પાકિસ્તાની બૅટ્સમૅનો સાથે ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યા.
લાંબા સમયથી ઈજાને કારણે બહાર રહેલા હર્ષિત ઇન્ડિયા-Aની ટીમમાં પરત ફર્યા છે. પાકિસ્તાની ઇનિંગની શરૂઆતમાં ઘણા રન ખર્ચ કર્યા છતાં તેમણે પોતાની લાઇન અને લેન્થ પર બૉલિંગ યથાવત્ રાખી હતી. તેમણે રોહેલ નઝીરને વગર ખાતા ખોલ્યે આઉટ કર્યા ત્યાર પછી તેમણે નવા બૅટ્સમૅન હસન નવાઝ સાથે પણ માથાકુટ કરી હતી. હર્ષિત બૉલિંગ દરમિયાન પાકિસ્તાની બૅટ્સમૅનો પર દબાણ ઊભું કરવાની કોશિશ કરી રહ્યા હતા.
હવે જ્યારે હર્ષિત રાણા બૅટિંગ કરવા આવ્યા ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ પણ તેમને જવાબ આપ્યો.
45મી ઓવરમાં મોહમ્મદ ઇમરાન રંધાવાના બૉલ પર વગર કોઈ રન બનાવ્યે હર્ષિત આઉટ થયા ત્યારે સુફિયાન મુકીમે તેમને ખરીખોટી સંભળાવી હતી.
સુફિયાન મુકીમનો અંદાજ એટલો આક્રમક હતો કે તેમના સાથીએઓ તેમની વચ્ચે આવીને તેમને ઠંડા પાડવા પડ્યા હતા. હર્ષિત રાણા જ્યારે પેવેલિયન પરત ફરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન સ્પિનર સુફિયાન મુકીમ સાથે નોકઝોક કરતા જોવા મળ્યા. બંને વચ્ચે પહેલાથી જ મુકાબલા દરમિયાન માથાકુટ ચાલી રહી હતી. આ દરમિયાન કૅપ્ટન તિલક વર્મા પણ ગુસ્સે થયા હતા અને તેમની પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે ઉગ્ર ચર્ચા થઈ.
પાકિસ્તાની કૅપ્ટન અબ્દુલ સમદ અમ્પાયર સાથે બાખડ્યા

ઇમેજ સ્રોત, ACC
'ઇન્ડિયન સ્પૉર્ટ્સ નેટવર્ક' નામના એક હેન્ડલે ઍક્સ પર લખ્યું હતું, "43મી ઓવરમાં જ્યારે પાકિસ્તાની બૉલર અલી રઝા બૉલિંગ કરવા આવ્યા, ત્યારે તેમણે અમ્પાયરને જાણ કર્યા વિના તે બાજુથી બૉલ ફેંક્યો, જ્યાં તિલક વર્મા ક્રીઝ પર ઊભા હતા. અમ્પાયરે તરત જ તે બૉલને ડેડ બૉલ જાહેર કરી દીધો."
આ પોસ્ટમાં વધુમાં જણાવાયું હતું, "અલી રઝા અને પાકિસ્તાનના કૅપ્ટન સમદે આ નિર્ણયને લઈને અમ્પાયર સાથે દલીલ શરૂ કરી દીધી હતી."
"જોકે, અમ્પાયરે સ્પષ્ટ કરી દીધું હતું કે આ બૉલને ડેડ બૉલ જ ગણવામાં આવશે. અલી રઝા સતત દલીલ કરતા રહ્યા અને તેને ડોટ બૉલ ગણવાની માંગ કરતા રહ્યા. થોડો સમય ચર્ચા ચાલતી રહી, પરંતુ અંતે પાકિસ્તાન પાસે અમ્પાયરના નિર્ણયને સ્વીકારીને રમત ફરી શરૂ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો."
મૅચ દરમિયાન દર્શકોના ઘોંઘાટ અને ઉત્સાહની કોઈ કમી નહીં

ઇમેજ સ્રોત, ACC
'ખેલ શેલ' નામના અન્ય એક હેન્ડલે એક વીડિયો શૅર કરતાં લખ્યું હતું, "ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચમાં દર્શકોના ઉત્સાહ અને ઘોંઘાટની કોઈ સરખામણી નથી. સ્ટેડિયમમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા ગુંજી રહ્યા છે."
'પીસીટી જિયો ન્યૂઝ' નામના એક હેન્ડલે ઍક્સ પર પાકિસ્તાનની આ જીત બદલ ટીમને અભિનંદન આપ્યાં હતાં.
તેણે લખ્યું હતું, "અંડર-19 વર્લ્ડકપમાં ભારતે જે વર્તન કર્યું હતું, તેના જવાબમાં તમે જે રીતે ઉજવણી કરી છે, તે માટે પાકિસ્તાનની ટીમને શાબાશ. છોકરાઓએ સારું રમત પ્રદર્શન કર્યું."
જોકે, પીએસજેડી નામના એક યુઝરે વિપરીત અભિપ્રાય વ્યક્ત કરતાં લખ્યું હતું, "પાકિસ્તાનના ખેલાડીઓએ ભારતીય ટીમની જેમ ડ્રેસિંગ રૂમ તરફ ઇશારો કર્યો નહોતો. તેમણે ખૂબ જ યોગ્ય રીતે જીતની ઉજવણી કરી."
આ જ મહિને ઓમાનમાં રમાયેલા અંડર-19 એશિયા કપની ફાઇનલમાં જીત બાદ ભારતીય ટીમે જે રીતે ઉજવણી કરી હતી, તેના પર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ હતી.
કેટલાક લોકો ભારતીય ટીમના ખેલાડીઓના સમર્થનમાં હતા, જ્યારે કેટલાકનું માનવું હતું કે રમતના મેદાનમાં આ પ્રકારની ઉજવણીથી બચવું જોઈએ.
ખાસ કરીને પાકિસ્તાની ક્રિકેટ ચાહકો, પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો ભારતીય ટીમની ઉજવણીની પદ્ધતિ પર પ્રશ્નો ઉઠાવતા જોવા મળ્યા હતા.
વાસ્તવમાં, ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ જીત બાદ ખૂબ આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી. કેટલાક ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓની સામે જઈને ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન ભારતીય ટીમનો સપોર્ટ સ્ટાફ ખેલાડીઓને શાંત કરાવતો અને તેમને મેદાનની બહાર લઈ જતો જોવા મળ્યો હતો. કેટલાક ખેલાડીઓ પાકિસ્તાનની ટીમ તરફ ઇશારાબાજી કરતા પણ નજરે પડ્યા હતા.
વૈભવ કોઈ કમાલ ન દેખાડી શક્યા

ઇમેજ સ્રોત, Getty Images
આ મૅચમાં જ્યારે ભારતની ટીમ બેટિંગ કરવા ઊતરી, ત્યારે ચાહકોની ખાસ આશા વિસ્ફોટક બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી પર ટકી હતી. પરંતુ મૅચમાં વૈભવ કોઈ ખાસ કમાલ દેખાડી શક્યા નહોતા. તેઓ માત્ર 11 રન બનાવીને પેવિલિયન પરત ફર્યા હતા. તેમણે 13 બૉલની પોતાની ઇનિંગ્સમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા.
મુક્કુ નામના એક યુઝરે વૈભવ સૂર્યવંશીના નબળા પ્રદર્શન પર ટિપ્પણી કરી હતી.
તેમણે લખ્યું, "એવું લાગે છે કે સૂર્યવંશી પોતાની વિકેટ ગુમાવીને જ્યારે પૅવિલિયન પરત ફર્યા હશે, ત્યારે તેમની આંખોમાં આંસુ હશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશાં મોટો હોય છે અને જ્યારે ભારત 300થી વધુ રનના લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું, ત્યારે તેમને મોટી ઇનિંગ્સ રમવી જોઈએ હતી."
તેમણે આગળ લખ્યું, "આ પ્રથમ વખત નથી. મોટા મુકાબલાઓ અને દબાણભરી પરિસ્થિતિઓમાં તેઓ વારંવાર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે."
પાકિસ્તાનની જીત બાદ ભારતમાં પણ ઘણા લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
તેજસ નામના એક યુઝરે લખ્યું, "બંને ટીમોના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા નથી અને પાકિસ્તાનના ખેલાડીઓ સામાન્ય જીત પર એવી ઉજવણી કરી રહ્યા છે જાણે તેમણે વર્લ્ડકપ જીતી લીધો હોય."
તિલકની ધીમી રમત સામે સવાલો

ઇમેજ સ્રોત, Sanka VIDANAGAMA / AFP via Getty Images
મૅચમાં તિલક વર્માની બેટિંગ અંગે પણ લોકો ટિપ્પણીઓ કરી રહ્યા છે.
અભિષેક યાદવ નામના એક યુઝરે ઍક્સ પર લખ્યું કે, "ગમે તે કરો, પરંતુ પાકિસ્તાન સામે હારશો નહીં."
અભિષેક યાદવે નારાજગી વ્યક્ત કરતાં લખ્યું, "આ હારમાં તિલક વર્માએ ટીમને સંભાળવાનું કામ કર્યું, જેના કારણે તેમણે રન કરતાં વધુ બૉલ રમ્યા. બધા બૅટ્સમૅનો આઉટ થઈ રહ્યા હતા, ત્યારે કોઈને પિચ પર ટકી રહેવું જરૂરી હતું. હર્ષિત રાણા પણ અલગ જ ગુસ્સામાં દેખાઈ રહ્યા હતા અને પોતાના જ ખેલાડીઓ પર નારાજ થઈ રહ્યા હતા. તેમણે પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું."
'વરાહ વૉરિયર' નામના એક યુઝરે લખ્યું, "ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયું. ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મૅચ હારી ગઈ. ભારતની જીતની આશા રાખનારા લાખો ભારતીય ક્રિકેટ ચાહકોને તેનાથી નિરાશા થઈ છે."
'ફખ્ર' નામના એક યુઝરે લખ્યું, "પાકિસ્તાન વિરુદ્ધ ભારત, ક્રિકેટનો સૌથી મોટો ડ્રામા. કોઈ દ્વિપક્ષીય શ્રેણી નથી. કોઈ હાથ મિલાવવું નથી. કોઈ મિત્રતા નથી. ભારત કહે છે કે 'રાજકીય મુદ્દાઓને કારણે અમે પાકિસ્તાન સાથે નહીં રમીએ.'"
તેમણે આગળ લખ્યું, "સાંભળવામાં આ એક મોટો સિદ્ધાંત લાગે છે, નહીં? પરંતુ વાસ્તવિકતા જુઓ. માત્ર 15 દિવસની અંદર ભારતે એસીસી, આઈસીસી અને ઇમર્જિંગ કપમાં પાકિસ્તાન સામે પોતાની ત્રીજી મૅચ રમી છે. અહીં પૈસા છે, દર્શકો છે અને પ્રાયોજકો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















