માતાપિતાએ સાથે ઇચ્છામૃત્યુ પસંદ કર્યું, મોતનું ઇન્જેક્શન અપાયું ત્યારે દીકરાએ કેવું અનુભવ્યું?

ઇમેજ સ્રોત, BAS
- લેેખક, લિન્ડા પ્રેસ્લી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
(આ લેખના કેટલાક અંશો તમને વિચલિત કરી શકે છે.)
2024ના જૂન મહિનાની એક વહેલી સવારે, બૉસ નામનો એક યુવક ઉત્તર નેધરલૅન્ડ્સના એક બંદર પર પોતાનાં માતા-પિતાની કૅમ્પર વૅનની બાજુમાં પોતાની કાર પાર્ક કરે છે.
તેના પિતા જાન અને માતા એલ્સે પોતાનાં લગ્નજીવનનો મોટા ભાગનો સમય હાઉસબોટમાં વિતાવ્યો હતો. હવે બંને પોતાની વયના સિત્તેરના દાયકામાં છે.
હાઉસબોટની સંભાળ રાખવાનું તેમના માટે મુશ્કેલ બન્યું હતું. તેથી હોડીની નજીક પાર્ક કરેલી કૅમ્પર વૅન તેમનું નવું ઘર બની હતી.
જાન અને એલ્સ બંને દીકરાની કારમાં બેઠાં. બૉસે કારનું એન્જિન ચાલુ કર્યું. આ સાવ છેલ્લી વાર તે પોતાનાં માતા-પિતાને કારમાં બેસાડીને ક્યાંક લઈ જવાનો હતો.
સ્થાનિક હૉસ્પિસ (જીવનના અંતિમ તબક્કામાં પહોંચેલા દર્દીઓની સંભાળ રાખતું કેન્દ્ર) સુધીની આ સફર જાન અને એલ્સના જીવનની છેલ્લી સફર હતી.
એ દિવસે સવારે 10:30 વાગ્યે ડૉક્ટરોએ તેમને જીવલેણ દવાઓ આપી અને તેમનું જીવન સમાપ્ત કર્યું.
નેધરલૅન્ડ્સમાં આ પદ્ધતિને 'ડ્યૂઓ-યુથનેશિયા' (બંનેનું સંયુક્ત ઇચ્છામૃત્યુ) કહેવામાં આવે છે. ત્યાં તે કાયદેસર છે, પરંતુ ભાગ્યે જ અપનાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, BAS
પરંતુ આ રીતે જીવનનો અંત લાવવા ઇચ્છતા નેધરલૅન્ડ્સના લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. હૉસ્પિસમાં મૃત્યુના ત્રણ દિવસ પહેલાં જાન અને એલ્સ નામનાં આ દંપતીએ પોતાની કૅમ્પર વૅનમાં બીબીસીને એક મુલાકાત આપી હતી.
જાનને જળમાર્ગો પર વર્ષો સુધી માલસામાનની હેરફેર કરવાને કારણે કમરનો અસહ્ય અને કાયમી દુખાવો રહેતો હતો. એલ્સ ડિમેન્શિયા(સ્મૃતિભ્રંશ)થી પીડાતાં હતાં.
તેમની વાતની ચર્ચા દુનિયાભરમાં થઈ હતી. આ ઘટના બની તેના બે વર્ષથી વધુ સમય બાદ હવે આ દંપતીના એક માત્ર દીકરા બૉસે પોતાની વાત રજૂ કરી છે.
તેણે જણાવ્યું છે કે માતા-પિતાને પોતાનું મૃત્યુ થોડા સમય માટે મુલતવી રાખવા સમજાવવાનો પોતે કેવો પ્રયાસ કર્યો હતો અને સાથે જ તેમના જીવનનો અંત લાવવાના નિર્ણયમાં તેમને કેવી રીતે સાથ આપ્યો હતો.
માતા-પિતાના આ નિર્ણયને કારણે તેના પર જે ભાવનાત્મક બોજ આવ્યો અને તેમના મૃત્યુ પછી તેણે જે એકલતા અનુભવી, તે વિશે પણ તેણે વાત કરી છે.

ઇમેજ સ્રોત, BAS
એ દંપતીની છેલ્લી સફર...
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૉસ્પિટલ સુધી પહોંચવા માટે તેમણે એક સુંદર રસ્તો પસંદ કર્યો હતો. આ રસ્તો લીલાંછમ ખેતરો અને નહેરોમાંથી પસાર થતો હતો. તેઓ કહે છે, "મને એ આખી સફર આજે પણ યાદ છે." તેમની માતા પાછળની બેઠક પર બેઠાં હતાં, જ્યારે પિતા તેમની બાજુમાં બેઠા હતા.
શરૂઆતમાં તેઓ વાતો કરતા રહ્યા. એલ્સ ઇચ્છામૃત્યુના નિર્ણય અંગે મક્કમ હતાં. બૉસ કહે છે, "મારી માતા ખૂબ આત્મવિશ્વાસુ અને નિર્ણયમાં દૃઢ હતાં. પણ મારા પિતા થોડા લાગણીશીલ હતા."
જાને દીકરાને પૂછ્યું કે તેઓ જે કરી રહ્યા છે એ યોગ્ય છે ખરું? પિતાએ આવો સવાલ પૂછતાં બૉસને આશ્ચર્ય થયું હતું, કારણ કે તેને લાગતું હતું કે તેમની માતાને કદાચ પોતાના નિર્ણય વિશે થોડી શંકા હશે.
બૉસ કહે છે, "મારી માતા હંમેશાં ખુશીથી જીવન જીવતાં હતાં. મને યાદ છે કે એક વાર તેમણે મને કહ્યું હતું કે તેઓ 80 કે 90 વર્ષ સુધી જીવવા માગે છે."
જોકે, અસહ્ય પીડાને કારણે જાન છેલ્લાં દસ વર્ષથી ઇચ્છામૃત્યુ વિશે વાત કરતા હતા.
કારમાં બૉસે પિતાને આશ્વાસન આપ્યું અને શાંત પાડ્યા. ત્યાર પછી ત્રણેય જણ કંઈ બોલ્યા વિના સંગીત સાંભળતાં અને બારીમાંથી બહારનાં દૃશ્યો જોતાં આગળ વધ્યાં.
આ સફરના થોડા મહિના પહેલાં બૉસે પોતાનાં માતા-પિતાને મૃત્યુનો નિર્ણય થોડો સમય મુલતવી રાખવા કાકલૂદી કરી હતી.
બૉસ કહે છે, "મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે થોડો વધુ સમય અહીં રોકાઈ જાઓ. શિયાળા સુધી કે આવતા વર્ષ સુધી રાહ કેમ ન જુઓ?"
બૉસના મનમાં એક મોટો સંઘર્ષ ચાલતો હતો.
માતા-પિતાએ ઇચ્છામૃત્યુનો નિર્ણય લીધો તે યોગ્ય છે એવું તેને લાગતું હતું, છતાં તે તેમને ગુમાવવા માગતો નહોતો.
બૉસ કહે છે, "મારા પિતા 10થી 15 વર્ષથી અસહ્ય પીડા સહન કરી રહ્યા હતા. એટલે કદાચ તેઓ થોડાં વર્ષ વધુ સહન કરી શક્યા હોત. પરંતુ જો તેમણે એક વર્ષ વધુ રાહ જોઈ હોત, તો મારી માતા માટે મુશ્કેલી વધી ગઈ હોત."
જો એલ્સ ઇચ્છામૃત્યુની પ્રક્રિયા મુલતવી રાખે, તો તેમનો અલ્ઝાઇમર રોગ વધુ વકરી શકે તેમ હતો. એમ થાય તો ડૉક્ટરો કદાચ એવું નક્કી કરે કે ઇચ્છામૃત્યુ અંગે જાતે નિર્ણય લઈ શકે એવી માનસિક ક્ષમતા હવે તેમનામાં રહી નથી.

ઇમેજ સ્રોત, BAS
હૉસ્પિસમાં લાગણીઓનો ધોધ
બૉસે કાર પાર્ક કરી. બૉસ કહે છે, "મારા પિતાએ મારી કારને પણ વિદાય આપી. તેમને મારી કાર ખૂબ ગમતી હતી. તેમણે મને કહ્યું, 'સરસ કામ કર્યું' અને 'આભાર.'"
ત્યાર પછી ત્રણેય જણ અંદર ગયાં.
બૉસ લાગણીસભર સ્વરે કહે છે, "જરા કલ્પના કરો. તેમની જગ્યાએ હોવું, એ સફર ખેડવી, એ રીતે ચાલીને જવું કેટલું પીડાદાયક હશે! આ બધું ખરેખર માન્યામાં ન આવે એવું હતું."
આગામી બે કલાક સુધી દંપતીનાં સગાંસંબંધીઓ અને મિત્રો તેમને મળવા આવતા-જતા રહ્યા. તેમણે જૂની યાદો વાગોળી અને સાથે મળીને સંગીત સાંભળ્યું.
એક તબક્કે બૉસને વિચાર આવ્યો કે આ પ્રક્રિયા અહીં જ અટકાવી દેવી જોઈએ અને બધાને પાછા લઈ જવા જોઈએ.
તે કહે છે, "મને અંદરથી થતું હતું કે ચાલો, અહીંથી નીકળી જઈએ. કારમાં બેસીએ અને પાછા જઈએ. પણ હું તેમનામાં કોઈ અસલામતી કે શંકા ઊભી કરવા માગતો નહોતો. કારણ કે શરૂઆતથી જ હું આ આખી પ્રક્રિયામાં તેમની સાથે હતો."
બૉસ કહે છે, "મને લાગ્યું કે એ સમયનો ઉપયોગ બધાને શાંત રાખવા અને માતા-પિતાને વિદાય આપવા માટે કરવો વધુ યોગ્ય રહેશે."
સવારે 10:30 વાગ્યે ડૉક્ટરો જાન અને એલ્સને જીવલેણ દવાઓ આપવા આવ્યા. દંપતી હૉસ્પિટલના પલંગ પર એકબીજાની બાજુમાં સૂતાં હતાં.
બેભાન થતાં પહેલાંની એ અંતિમ ક્ષણોમાં બૉસની નજર તેમની એકબીજા પ્રત્યેની નિકટતા પર પડી.
બૉસ કહે છે, "મેં તેમને હાથમાં હાથ પરોવીને ચાલતાં માંડ ત્રણ-ચાર વાર જ જોયાં હશે. પણ હવે તેઓ એકબીજાની બાજુમાં સૂતાં હતાં અને એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. એ જોઈને મને ખૂબ સારું લાગ્યું. મને થયું કે તેઓ ખરેખર સાથે મળીને આ બધું કરી રહ્યાં છે."
માતા-પિતાના શ્વાસ બંધ થયા પછીના પહેલા અડધા કલાકને બૉસે "ખરેખર એક ઘટના" ગણાવી હતી. એટલે કે, હવે તેઓ જીવતાં નથી એ હકીકતનો સામનો કરવાની એ ક્ષણો હતી.
તે કહે છે, "પછી અમને વાસ્તવિક પરિસ્થિતિનો અહેસાસ થયો. એ લાગણીનું ભારણ કલ્પના બહારનું હતું."
હૉસ્પિસમાં હાજર બૉસ અચાનક ઊંડા શોકમાં ડૂબી ગયા. તેઓ એવી એકલતામાં સરી પડ્યા, જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતું.
તે કહે છે, "શોકની લાગણી સહન કરવી બહુ મુશ્કેલ છે. મારે કોઈ ભાઈ કે બહેન નથી. હું સાવ એકલો પડી ગયો છું."
સામાન્ય રીતે, આપણાં માતા-પિતામાંથી એકનું મૃત્યુ થાય ત્યારે બીજા સાથે દુઃખ અને યાદો વહેંચી શકાય છે અને એકબીજાને સાંત્વના આપી શકાય છે. પરંતુ જાન અને એલ્સ બંને એકસાથે વિદાય લઈ ગયાં હતાં.
બૉસ એ દિવસોને યાદ કરતાં કહે છે, "મને એવું લાગ્યું જાણે મારા બંને પગ કાપી નાખવામાં આવ્યા હોય."
આ શોકની અસર તેના શરીર પર પણ થઈ. ચારથી પાંચ અઠવાડિયાં સુધી તેની તબિયત ખરાબ રહી. આખા શરીરમાં દુખાવો થતો હતો.
બૉસ કહે છે, "આ નિર્ણય લેવો સહેલો નહોતો. કદાચ તેમના માટે એ શ્રેષ્ઠ વિકલ્પ હતો. પરંતુ બંનેને એકસાથે ગુમાવવાની મારા પર બહુ ગંભીર અસર થઈ."

ઇમેજ સ્રોત, BAS
શું જાન અને એલ્સે બહુ વહેલી વિદાય લઈ લીધી?
નેધરલૅન્ડ્સમાં ઇચ્છામૃત્યુ માટે અરજી કરનાર લોકો માટે જીવનનો અંત લાવવાનો યોગ્ય સમય નક્કી કરવો ખૂબ જ જટિલ બાબત છે. ખાસ કરીને એલ્સની જેમ ડિમેન્શિયાથી પીડાતા લોકો માટે આ નિર્ણય વધુ મુશ્કેલ બને છે.
નેધરલૅન્ડ્સમાં 2024માં ઇચ્છામૃત્યુના આંકડા:
- 9,958 લોકોએ ઇચ્છામૃત્યુ દ્વારા જીવનનો અંત પસંદ કર્યો.
- તેમાંથી 427 લોકોને ડિમેન્શિયા હતો. આ પૈકી છ લોકો ગંભીર ડિમેન્શિયાથી પીડાતા હતા.
- એ જ વર્ષે 108 લોકોએ (54 યુગલોએ) ડ્યૂઓ-યુથનેશિયા એટલે કે સાથે મળીને ઇચ્છામૃત્યુનો માર્ગ પસંદ કર્યો.
(સ્રોત: રિજનલ યુથનેશિયા રીવ્યૂ કમિટીઝ-RTE)
અસહ્ય પીડા અનુભવતા હોવાના પુરાવા આપવા ઉપરાંત, ડૉક્ટરોએ એ પણ ખાતરી કરવી પડે છે કે ઇચ્છામૃત્યુનો નિર્ણય લેવા અને પોતાનું જીવન સમાપ્ત કરવાની ઇચ્છા વ્યક્ત કરવા માટે દર્દી હજી માનસિક રીતે સક્ષમ છે.
રૉટરડૅમના ઇરેસ્મસ મેડિકલ સેન્ટરનાં ડૉક્ટર રોઝમારેઇન વાન બ્રુખેમના જણાવ્યા મુજબ, ઇચ્છામૃત્યુનો વિચાર કરતા ડિમેન્શિયાના દર્દીઓમાં ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.
તેમણે સમજાવ્યું, "તેઓ વિચારે છે કે અત્યારે નિર્ણય લેવાની ક્ષમતા મારામાં છે. પણ અત્યારે મૃત્યુ વહેલું ગણાશે. કદાચ અંતિમ સમય આવતાં હજી મહિનાઓ લાગી શકે. તો પછી આ પ્રક્રિયા ક્યારે શરૂ કરવી એ નક્કી કેવી રીતે કરું? જો મેં બહુ મોડું કર્યું તો શું આ તક ગુમાવી બેસીશ?"
તેમના કહેવા મુજબ, નેધરલૅન્ડ્સમાં ઇચ્છામૃત્યુ કાયદેસર હોવાથી દર્દીઓ આવી ચિંતાઓનો સામનો કરે છે.
તેઓ જાણે છે કે ડિમેન્શિયાની ગંભીર અવસ્થામાં ઇચ્છામૃત્યુની મંજૂરી મળવી દુર્લભ છે.
બ્રિટન જેવા દેશોમાં, જ્યાં ઇચ્છામૃત્યુ પર પ્રતિબંધ છે, ત્યાં ડિમેન્શિયાના દર્દીઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે, તેમને જીવન અને મૃત્યુ વચ્ચેના આવા નિર્ણયો તોળવા પડતા નથી.
2024માં બીબીસીને આપેલી મુલાકાતમાં એલ્સે કહ્યું હતું કે તેઓ હવે વધુ રાહ જોઈ શકે તેમ નહોતાં, કારણ કે અલ્ઝાઇમર રોગ વધુ વકરે એવી શક્યતા હતી.
જાને પણ એલ્સની સાથે જ જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે બીબીસીને કહ્યું હતું, "કદાચ હું થોડો વહેલો વિદાય લઈ રહ્યો છું, પણ મને લાગે છે કે મેં જીવન ભરપૂર રીતે જીવ્યું છે. મારું જીવન પૂર્ણ થયું છે."

ઇમેજ સ્રોત, BAS
આ ઘટનાની અસર દીકરા પર કેવી પડી?
જાન અને એલ્સ જાણતાં હતાં કે જીવનના અંત અંગે માતા-પિતા દ્વારા લેવાતા નિર્ણયોનો તેમના દીકરા પર કેટલો બોજ પડી શકે છે.
ઇચ્છામૃત્યુની પ્રક્રિયાના ભાગરૂપે માતા-પિતા જુદા જુદા ડૉક્ટરોને મળતાં ત્યારે બૉસ પણ તેમની સાથે જતો હતો. આ અંગે તેમના પરિવારમાં ખુલ્લા દિલે ચર્ચાઓ પણ થઈ હતી.
સામાન્ય રીતે, આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમને અમુક વાતો કહી ન શક્યા હોવાનો અફસોસ રહી જાય છે. પરંતુ બૉસના કિસ્સામાં એવું નહોતું બન્યું.
3 જૂને હૉસ્પિસમાં જવાના બે દિવસ પહેલાં બૉસે પોતાનાં માતા-પિતાને એક પત્ર લખ્યો હતો.
બૉસ સમજાવે છે, "એ પત્ર લગભગ આઠ પાનાંનો હતો. શનિવારે મોડી રાત્રે હું તેમની કૅમ્પર વૅનમાં ગયો હતો. મેં બંનેને આખો પત્ર વાંચી સંભળાવ્યો. તેમાં અમારા જીવનની વાતો હતી. મારા માટે તેમણે જે કંઈ કર્યું હતું એ બદલ આભાર માનતો પત્ર હતો."
પત્ર સાંભળીને જાન અને એલ્સ ખૂબ ભાવુક થઈ ગયાં હતાં.
જેમ તેઓ જાહેરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ ભાગ્યે જ વ્યક્ત કરતાં હતાં, તેમ દીકરા પ્રત્યે પણ સામાન્ય રીતે બહુ પ્રેમ દર્શાવતાં નહોતાં.
બૉસ કહે છે, "તેઓ તમને પ્રેમ કરે છે એ તમને ખબર હોય છે. પણ એ પ્રેમ તેઓ પોતાનાં કામ દ્વારા દર્શાવે છે. શબ્દોમાં કે ભેટીને નહીં."
બૉસ કહે છે, "મારી માતાને ડિમેન્શિયા થયા પછી તેઓ મને ઘણી વાર ભેટતાં હતાં. પણ મારા પિતા ક્યારેય એવું કરતા નહોતા. તેપ મને ક્યારેય ભેટ્યા નહોતા."
પરંતુ કૅમ્પર વૅનમાં એ છેલ્લી શનિવારની રાત્રે બધું બદલાઈ ગયું. જાને પોતાના દીકરા બૉસને હૈયાસરસો ચાંપ્યો.
બૉસ કહે છે, "મેં પત્ર વાંચી સંભળાવ્યો એ પછી તેમણે મને ભેટી લીધું. કદાચ એ મારા જીવનની સૌથી સુંદર ક્ષણોમાંની એક હતી."
"હવે અમારી વચ્ચે વાત કરવા જેવું કંઈ બાકી રહ્યું નથી. અમે બધી જ વાતો કરી લીધી છે."
હવે આ વાત કહેવા માટે એ પરિવારમાં માત્ર બૉસ જ બાકી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























