પત્નીને નશીલી દવા આપીને 13 વર્ષ સુધી અજાણ્યા લોકો દ્વારા બળાત્કાર કરાવ્યા, પતિ લોકોને ઓનલાઇન બોલાવતો

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જોઆન યંગે પોતાની ઓળખ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. ફિલિપ યંગે 13 વર્ષ સુધી તેમનું યૌન શોષણ કર્યું હતું
    • લેેખક, બેથ ક્રૂઝ
    • પદ, પશ્ચિમ ઇંગ્લૅન્ડનાં સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ચેતવણી: આ લેખમાં યૌન હિંસા અને ઉત્પીડનનો ઉલ્લેખ છે.

જ્યારે જોઆન યંગની આંખ ખૂલી ત્યારે તેઓ પોતાની જ પથારીમાં બંધાયેલી અવસ્થામાં હતાં.

તેમને ખબર નહોતી કે બેભાન અવસ્થામાં તેમની સાથે શું થયું હતું.

ત્યારે તેમણે પોતાના તે સમયના પતિ ફિલિપ યંગને બીજી એક વ્યક્તિને "નીચે નમી જાઓ" કહેતા સાંભળ્યા.

જોઆનને તરત જ સમજાઈ ગયું કે બેડરૂમમાં બંને પતિ-પત્ની સિવાય અન્ય કોઈ વ્યક્તિ પણ હાજર છે.

પરંતુ તે સમયે પણ તેમને એ વાતનો અંદાજ નહોતો કે તેમના પતિએ ઇન્ટરનેટ પર જાહેરાત આપીને અન્ય પુરુષોને તેમના યૌન શોષણ માટે બોલાવ્યા હતા.

ફિલિપ યંગ તેમને નશીલી દવા આપીને બેભાન કરી દેતા હતા. એ બાદ તેઓ અજાણ્યા પુરુષોને બેડરૂમમાં બોલાવતા, જ્યાં તેઓ જોઆન સાથે યૌન હિંસા આચરતા.

આ બધું 13 વર્ષથી ચાલી રહ્યું હતું.

આ ચાર લોકોને અદાલતે દોષિત ઠેરવ્યા

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઉપર ડાબી તરફથી ઘડિયાળની દિશામાં - રિચર્ડ વિલ્કિન્સ, મહમદ હસન, કોનર સેન્ડરસન-ડોયલ અને નોર્મન મેકસોની છે. ચારેયને જોઆન યંગના યૌન શોષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે

19 નવેમ્બરના રોજ અદાલતે ચાર પુરુષોને જોઆન સાથે બળાત્કાર અને તેમની સાથે યૌન હિંસા સહિતના અનેક ગુનાઓમાં દોષિત ઠેરવ્યા હતા.

જોઆનના પૂર્વ પતિ ફિલિપ યંગે બળાત્કારના અનેક આરોપો અગાઉથી જ સ્વીકારી લીધા હતા.

કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ કાઉન્સિલર ફિલિપ યંગ અને અન્ય એક વ્યક્તિ ડીન હેમિલ્ટને અગાઉની સુનાવણી દરમિયાન બળાત્કાર અને યૌન હિંસાના આરોપો સ્વીકારી લીધા હતા.

આ મામલામાં સામેલ પુરુષો અલગ-અલગ પ્રકારનાં કામ કરતા હતા અને વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા.

તેમામાંથી એક વ્યક્તિ બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના પરમાણુ સંરક્ષણ પ્રોજેક્ટ પર કામ કરતી હતી. અન્ય એક વ્યક્તિ 1980ના દાયકામાં રેડ ક્રોસની ટ્રક ચલાવીને રોમાનિયા જતી હતી.

'જેના પર સૌથી વધુ વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આ કેસના એક અન્ય દોષિત વ્યક્તિએ અદાલતમાં વાંચવામાં આવેલા પોતાના નિવેદનમાં ફિલિપ યંગને 'રાક્ષસ' કહ્યો હતો
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચુકાદો આવ્યા બાદ કોર્ટની બહાર જોઆને કહ્યું કે તેઓ એવા દુઃખ સાથે જીવી રહ્યાં છે, જેને શબ્દોમાં અભિવ્યક્ત કરવું મુશ્કેલ છે.

પરંતુ તેઓ પોતાના જીવનને ફરીથી બેઠું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

યૌન હિંસા સહન કરનારા લોકોને સંદેશ આપતાં તેમણે કહ્યું, "તમે એકલા નથી."

જોઆને કહ્યું, "આજનો દોષિત ઠેરવવાનો ચુકાદો રાહત આપનારો છે. આ રાહત માત્ર મારા અને મારા પરિવાર માટે જ નથી, પરંતુ ભવિષ્યમાં અન્ય મહિલાઓ માટે તેના શું અર્થ થશે, તેના માટે પણ છે."

"આ ચુકાદાનો અર્થ એ છે કે મારી જેવી પરિસ્થિતિનો સામનો કરનારા લોકો હવે પોતાની વાત સામે મૂકવાની હિંમત કરી શકશે. ફોજદારી ન્યાય વ્યવસ્થા પર તેમનો વિશ્વાસ પણ વધશે."

જોઆને કહ્યું કે તેમની જાણકારી અથવા સંમતિ વિના તેમની સાથે જે થયું, તેને સમજવું અને સ્વીકારવું અત્યંત મુશ્કેલ રહ્યું છે.

તેઓ કહે છે, "આ ઉત્પીડને મારી પાસેથી એ જીવન છીનવી લીધું, જે મને ગમતું હતું."

"મેં દુનિયામાં જે વ્યક્તિ પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો, તેણે જ મારી સાથે સૌથી ભયાનક રીતે દગો કર્યો. તેની મારી અને મારાં બાળકોના જીવન પર ખૂબ ખરાબ અસર પડી છે."

જોઆને કહ્યું કે તેમની સાથે જે થયું, તેના માટે માત્ર એક વ્યક્તિ જ જવાબદાર નહોતી.

"અન્ય લોકોને પણ તેમાં સામેલ થવા માટે બોલાવાયા અને તેમણે સ્વેચ્છાએ આવું કર્યું હતું."

"હું એવા દુઃખ સાથે જીવી રહી છું, જેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. તેની અસર અમારા જીવન પર હંમેશાં રહેશે. આવું કોઈની સાથે પણ થઈ શકે છે, એ વિચાર પણ ડરામણો છે."

જોઆને કહ્યું, "જો આપણે ખરેખર આ પ્રકારના ઉત્પીડનને રોકવા માંગતા હોઈએ, તો મૌન રહેવું કોઈ માર્ગ નથી."

ફ્રાન્સનાં ગિઝેલ પેલિકો કેસ જેવી ઘટના

જોઆનના કેસમાં ફ્રાન્સનાં ગિઝેલ પેલિકો સાથે વારંવાર થયેલા બળાત્કારના કેસ જેવી ઘણી બાબતો છે.

નિષ્ણાતોએ તેને અત્યંત ગંભીર અને શોષણકારી ગુનો ગણાવ્યો છે.

ફિલિપ યંગ ઇન્ટરનેટ પર આ યૌન હિંસાને પતિ-પત્નીની એક સંયુક્ત યૌન પસંદગી તરીકે રજૂ કરતા હતા. તેને 'કકૉલ્ડિંગ' કહેવાય છે.

ક્રેગલિસ્ટ અને ગ્રાઇન્ડર જેવી વેબસાઇટ્સ પર આપવામાં આવેલી જાહેરાતોમાં જોઆનની તસવીરો મૂકવામાં આવતી હતી.

આ તસવીરોમાં તેઓ બેભાન અવસ્થામાં પથારી સાથે બાંધેલી અવસ્થામાં દેખાતાં હતાં.

બ્રિટનની સરકારી અભિયોજન સંસ્થા ક્રાઉન પ્રૉસિક્યૂશન સર્વિસ (સીપીએસ)ના વિશેષ પ્રૉસિક્યૂટર જેમ્સ ફોસ્ટરે જણાવ્યું કે ફિલિપ યંગ જોઆનને નશીલી દવા આપતા હતા.

ત્યાર બાદ તેઓ જોઆનનું યૌન શોષણ કરતા અને તેનું રૅકૉર્ડિંગ પણ કરતા હતા.

તેઓ અન્ય પુરુષોને પણ પોતાના ઘરે બોલાવતા હતા, જેથી તેઓ જોઆન સાથે યૌન હિંસા કરી શકે.

જાહેરાત જોઈને આવ્યો હતો ડીન હેમિલ્ટન

ઇન્ટરનેટ પર આ જાહેરાત જોનારા પુરુષોમાં 46 વર્ષીય ડીન હેમિલ્ટન પણ સામેલ હતો.

તેણે સ્વીકાર્યું કે વર્ષ 2015માં તેમણે જોઆન સાથે બળાત્કાર કર્યો હતો અને તેમનું યૌન શોષણ કર્યું હતું.

જોઆનના યૌન શોષણના કેસમાં દોષિત ઠેરવાયેલા અન્ય પુરુષોમાં 32 વર્ષીય કોનર સેન્ડરસન-ડોયલ, 62 વર્ષીય રિચર્ડ વિલ્કિન્સ, 48 વર્ષીય નોર્મન મેકસોની અને 38 વર્ષીય મહમદ હસનનો સમાવેશ થાય છે.

મહમદ હસન એ જ વ્યક્તિ હતી જેને જોઆનની આંખ ખૂલતાં ફિલિપ યંગે "નીચે સૂઈ જાઓ" એવું કહ્યું હતું.

આ પુરુષોએ કોર્ટમાં કહ્યું કે તેમને લાગ્યું હતું કે જોઆન અને ફિલિપ યંગ બંને આ બધા માટે સંમત હતાં.

તેમનું કહેવું હતું કે તેમને જણાવવામાં આવ્યું હતું કે જોઆન સૂવાનું નાટક કરી રહ્યાં છે.

પરંતુ હકીકતમાં જોઆનને ભારે માત્રામાં નશીલી દવા આપીને બેભાન કરવામાં આવ્યાં હતાં.

જેમ્સ ફોસ્ટરે કહ્યું, "આ સમગ્ર ઉત્પીડન દરમિયાન તેમણે એક વખત પણ જોઆન યંગને પૂછ્યું નહોતું કે તેઓ શું ઇચ્છે છે."

"તેમણે જોઆનની ઇચ્છા શું હતી તે જાણવાનો કોઈ પ્રયાસ પણ કર્યો નહોતો."

સંમતિનો અર્થ શું છે?

કાયદા મુજબ, યૌન સંબંધ માટે સંમતિ ત્યારે જ માન્ય ગણાય જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી તેના માટે તૈયાર હોય.

તે વ્યક્તિ પાસે એવો નિર્ણય લેવાની સ્વતંત્રતા અને સમજ પણ હોવી જોઈએ.

તપાસકર્તાઓને એ જાણવાની સૂચના આપવામાં આવે છે કે શકમંદે ફરિયાદી વ્યક્તિની સંમતિ જાણી લેવા માટે કોઈ પગલું ભર્યું હતું કે નહીં.

બ્રિસ્ટલ યુનિવર્સિટીનાં ઍમેરિટસ પ્રોફેસર મેરિયન હેસ્ટરે જણાવ્યું કે જોઆન સ્પષ્ટપણે ઇનકાર કરવાની સ્થિતિમાં નહોતાં.

તેઓ કહે છે, "જો કોઈ મહિલા સૂઈ રહી હોય, તો તે સંમતિ આપી શકતી નથી."

"જો કોઈ મહિલાને નશીલી દવા આપીને સંપૂર્ણપણે બેભાન કરી દેવામાં આવી હોય, તો પણ આ જ વાત લાગુ પડે છે. તે યૌન સંબંધ માટે સંમતિ આપવાનો નિર્ણય લઈ શકતી નથી."

'પુરુષોના વિચારો પર પ્રશ્ન ઉઠાવવા પડશે'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રોફેસર મેરિયન હેસ્ટરે જણાવ્યું કે આગળ આવા અનેક કેસો સામે આવી શકે છે

પ્રોફેસર મેરિયન હેસ્ટર ઘણાં વર્ષોથી લિંગ આધારિત હિંસા પર સંશોધન કરી રહ્યાં છે.

તેમનું કહેવું છે કે આવા કેસો મહિલાઓ અને યૌન સંબંધો અંગે સમાજની વિચારધારા પર મોટા પ્રશ્નો ઊભા કરે છે.

તેઓ કહે છે, "આપણે પુરુષો અને તેમની વિચારધારા પર પ્રશ્નો ઉઠાવવા પડશે. આપણે પૂછવું પડશે કે પુરુષોને એવું કેમ લાગે છે કે આ પ્રકારના યૌન સંબંધ બાંધવા યોગ્ય છે."

"યૌન સંબંધોની અંદર આવાં અત્યંત શોષણકારી કૃત્યોને વારંવાર સામાન્ય બનાવવામાં આવી રહ્યાં છે. આપણે પણ તેમને સામાન્ય બનાવતા જઈ રહ્યા છીએ. આ ખૂબ ગંભીર સમસ્યા છે."

હેસ્ટરે કહ્યું કે કેટલીક વેબસાઇટ્સની તપાસ શરૂ થઈ ચૂકી છે.

તેમણે કહ્યું, "અનેક અલગ-અલગ દેશોમાં આવા લોકોની ઓળખ થઈ છે, જે બરાબર આ જ પ્રકારનાં કાર્યો કરતા રહ્યા છે."

"તેથી મને લાગે છે કે આગળ આવા અનેક વધુ કેસો સામે આવી શકે છે."

વેબસાઇટ્સની ભૂમિકા પર પ્રશ્ન

આ કેસ બાદ એવી વેબસાઇટ્સની ભૂમિકા પર પણ પ્રશ્નો ઊઠ્યા છે, જેનો ઉપયોગ આ પ્રકારના ઉત્પીડન માટે કરવામાં આવ્યો હતો.

પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીમાં સાઇબર ગુના અને લિંગવિષયક પ્રોફેસર લિસા સુગિયુરાનું કહેવું છે કે મહિલાઓ વિરુદ્ધ હિંસાને સામાન્ય દર્શાવતી સામગ્રીનો સામનો કરવો ઓનલાઇન પ્લૅટફૉર્મની જવાબદારી છે.

તેમણે કહ્યું, "આ વેબસાઇટ્સ પર ઘણી વાર તસવીરો દ્વારા થતું ઉત્પીડન અને મહિલાઓ વિરુદ્ધ અત્યંત હિંસક ભાષા જોવા મળે છે."

આ મંચો પર મહિલાઓ વિશે એવી વાતો પણ લખવામાં આવે છે, જે હિંસાને પ્રોત્સાહન આપે છે.

લિસા સુગિયુરા કહે છે, "પછી પ્રશ્ન ઊભો થાય છે કે કોઈ દેખરેખ અને જવાબદારી વિના આ ઓનલાઇન પ્લૅટફૉર્મ્સને આવી રીતે કામ કરવાની મંજૂરી કેવી રીતે મળી જાય છે?"

"શું આપણે એવા કોઈ પુરુષની વાતને સાચી માની લઈએ, જે પોતાની અને પોતાની પત્નીની તરફથી બોલવાનો દાવો કરતો હોય, આ પ્રશ્ન તો બાદમાં આવે છે."

બ્રિટનમાં સેંકડો સંભવિત કેસોની તપાસ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જોઆન યંગે કહ્યું કે દોષિત ઠેરવવાનો ચુકાદો મહિલાઓ અને યુવતીઓને વિશ્વાસ આપશે

આંકડા બતાવે છે કે બ્રિટનમાં આ પ્રકારના સેંકડો સંભવિત ગુનાની તપાસ ચાલી રહી છે.

બ્રિટનની નૅશનલ ક્રાઇમ એજન્સી (એનસીએ)એ જણાવ્યું છે કે આ સમસ્યાનો આંતરરાષ્ટ્રીય સ્તરે સામનો કરવાની તાત્કાલિક જરૂર છે.

એનસીએના તપાસકર્તાઓએ એક ઓનલાઇન ફોરમ અને ત્યાર બાદ બનેલાં જૂથો સાથે જોડાયેલા 270થી વધુ લોકોની ઓળખ કરી છે.

સીપીએસે આ પ્રકારના ગુનાને તપાસ એજન્સીઓ સમક્ષ ઊભી થયેલી નવી પડકારરૂપ સ્થિતિ ગણાવી છે.

જેમ્સ ફોસ્ટરે કહ્યું, "આ ખાસ પ્રકારના ગુનામાં પતિ પોતાની પત્નીને નશીલી દવા આપે છે, તેનું યૌન શોષણ કરે છે અને અન્ય પુરુષોને પણ તેના શોષણ માટે બોલાવે છે."

"એવું લાગે છે કે આ ગુનાનો એક નવો પ્રકાર છે."

કેટલા કેસો થાય છે, તેની માહિતી કેમ મળતી નથી?

વિલ્ટશાયર પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે નશીલી દવા આપીને કરવામાં આવતા બળાત્કારના કેટલા મામલા થાય છે, તેની ચોક્કસ સંખ્યા અંગે ખબર નથી.

તેનું એક કારણ એ છે કે ઘણા પીડિતોને ખબર જ હોતી નથી.

પ્રવક્તાએ જણાવ્યું, "યૌન ગુનાઓના અન્ય પ્રકારોની તુલનામાં સંગઠિત રીતે નશીલી દવા આપીને કરવામાં આવતા યૌન હુમલાના કેસો ઓછા સામે આવે છે."

"પરંતુ અમારી પાસે ઉપલબ્ધ માહિતી અને તાજેતરમાં સામે આવેલા અન્ય કેસોમાંથી સંકેત મળે છે કે આવા ઘણા ગુનાની ફરિયાદ જ નોંધાતી નથી."

તેમણે કહ્યું કે પીડિતોને ઘણી વાર ખબર જ નથી પડતી કે તેમને નશીલી દવા આપવામાં આવી હતી.

તેમને ઘટનાની અધૂરી યાદો હોઈ શકે છે. ઘણી વખત તેઓ શરૂઆતમાં તેનાં લક્ષણોને દારૂ પીવાની અસર તરીકે સમજી લે છે.

પ્રવક્તાએ જણાવ્યું, "આ કારણોસર આવા ગુનાને ઓળખવા અને તેની ફરિયાદ નોંધાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે."

'ગુનો નવો નથી, ટૅક્નૉલૉજીએ તેને સરળ બનાવ્યો છે'

બીબીસી ગુજરાતી

લિસા સુગિયુરા આ વાત સાથે સહમત નથી કે આ પ્રકારનો ગુનો એક નવા પ્રકારનો અપરાધ છે.

તેમના મતે, ટૅક્નૉલૉજીએ આવા ઉત્પીડનને કરવું અને છુપાવવું વધુ સરળ બનાવી દીધું છે. આ પ્રકારનું ઉત્પીડન કદાચ ઘણાં વર્ષોથી થતું આવ્યું છે.

તેઓ કહે છે, "ટૅક્નૉલૉજી લોકોને પોતાની ઓળખ છુપાવવાની સુવિધા આપે છે. તેના કારણે તેઓ પોતાની બે અલગ ઓળખ બનાવી શકે છે."

"ઓફલાઇન દુનિયામાં તેઓ પોતાની પ્રતિષ્ઠિત છબી જાળવી રાખે છે અને ઓનલાઇન આ પ્રકારના ઘૃણાસ્પદ ગુના કરે છે."

તેમના મતે, ગુનેગારો ઘણી વાર એવા મોટા ઓનલાઇન સમુદાયોની અંદર કામ કરે છે, જ્યાં મહિલાઓ પ્રત્યેની ઘૃણાસભર વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ઉત્પીડન સંબંધિત સામગ્રી શૅર કરવામાં આવે છે.

તેઓ કહે છે, "આ હંમેશાં અલગ-અલગ બનેલી ઘટનાઓ નથી હોતી."

"આ મોટા નેટવર્કનો ભાગ હોઈ શકે છે, જ્યાં લોકો એકબીજાને રીતો શીખવે છે, એકબીજાને આવું કરવા માટે ઉશ્કેરે છે અને મહિલાઓ સાથે થતા અત્યંત ગંભીર ઉત્પીડનની સામગ્રી શેર કરે છે."

તેમણે કહ્યું, "મને લાગે છે કે આગળ આવા અનેક વધુ કેસો સામે આવી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન