ચીન: ઇમારતમાં આગ લાગવાથી 14 લોકોનાં મૃત્યુ, 30થી વધુ ઈજાગ્રસ્ત - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સરકારી મીડિયાએ કહ્યું કે આગલ લાગવાનાં કારણોની તપાસ કરાઈ રહી છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ચીનના ઉત્તર પ્રાંત શાંક્સીના પાટનગર તાઇયુઆનમાં રવિવારે એક બહુમાળી ઇમારતમાં આગ લાગવાને કારણે 14 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

ચીનના સરકારી મીડિયા પ્રમાણે, આ અકસ્માતમાં 30 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

સમાચાર એજન્સી રૉયટર્સે સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના હવાલાથી જણાવ્યું કે ઇમારતમાં આગ રવિવારે સાંજે સ્થાનિક સમય પ્રમાણે 4:59 વાગ્યે લાગી હતી.

આ આગ લગભગ બે કલાક બાદ કાબૂમાં લઈ શકાય. સરકારી મીડિયાએ કહ્યું કે આગ લાગવાનાં કારણોની તપાસ ચાલી રહી છે.

નિષ્ણાતો અનુસાર ઇમારતો સાથે સંકળાયેલા સુરક્ષા નિયમોમાં ઢીલાશના કારણે ચીનમાં આગ લાગવા જેવી જીવલેણ ઘટનાઓ વધી રહી છે.

ટ્રમ્પે કબૂલ્યું- ઇમિગ્રેશન પર જરૂર કરતાં વધુ કડકાઈ થઈ ગઈ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે કહ્યું કે ખરાબ લોકોને દેશમાંથી બહાર કાઢવા માટે તેમને ખૂબ સારા માર્ક્સ મળવા જોઈએ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માન્યું છે કે તેમની સરકારે અવૈધ પ્રવાસીઓ વિરુદ્ધ જરૂર કરતાં વધુ કડકાઈ કરી.

સીબીએસના કાર્યક્રમ '60 મિનિટ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે તેમને અમેરિકાની બૉર્ડર પર ગેરકાયદેસર રીતે આવનારા લોકોની સંખ્યા ઘટાડવા માટે 'એ પ્લસ' માર્ક્સ મળવા જોઈએ.

જોકે, તેમણે એ પણ માન્યું કે મોટા પાયે લોકોને દેશની બહાર કાઢવાની નીતિથી તેમને રાજકીય નુકસાન થયું છે.

ટ્રમ્પે કહ્યું કે મંગળવારે થયેલી મિડટર્મ ચૂંટણીમાં ઇમિગ્રેશનનો મુદ્દો તેમની રિપલ્બિકન પાર્ટી માટે ફાયદાકારણ પણ રહ્યું અને નુકસાનકારક પણ.

તેમણે કહ્યું, "ખરાબ લોકોને દેશની બહાર કાઢવા માટે તેમને ખૂબ સારા માર્ક્સ મળવા જોઈએ."

જોકે, અમેરિકાના હોમલૅન્ડ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે સરકાર અવૈધ પ્રવાસીઓ વિરુદ્ધ પોતાની કડક નીતિથી પીછેહઠ નથી કરી રહી.

મિડટર્મ ચૂંટણીના દિવસે થયેલા સર્વે પ્રમાણે, મતદારો માટે ઇમિગ્રેશન ત્રીજો સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો હતો.

દિલ્હીમાં AQI 400 પાર પહોંચ્યો, પ્રદૂષણની ગંભીર સ્થિતિ

દિલ્હીમાં AQI 400 સુધી પહોંચ્યો, પ્રદૂષણની ગંભીર સ્થિતિ - ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સોમવારે સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એટલી ગાઢ ધુમ્મસ હતી કે નજીકનું જોવામાં પણ મુશ્કેલી પડતી હતી

દેશના પાટનગર દિલ્હીમાં દિવાળીના તહેવારો નિમિત્તે પ્રદૂષણમાં ભારે વધારો થયો છે.

દિલ્હી- એનસીઆરમાં આજે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી બહુ ઘટી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં ઍર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) 400 સુધી પહોંચ્યો છે જે ગંભીર સ્થિતિ દર્શાવે છે.

કેટલાક વિસ્તારોમાં લોકો નજીકની ચીજો પણ જોઈ શકવાની સ્થિતિમાં નથી. પાટનગર અને આસપાસના વિસ્તારોમાં કેટલાક દિવસથી હવાની ગુણવત્તા બહુ કથળી છે.

પ્રદૂષણની સાથે સાથે વિઝિબિલિટી ઘટવાના કારણે ટ્રેન અને હવાઈ સેવાને અસર પડવાની આશંકા છે.

દિલ્હી સરકારના ઍર ક્વોલિટી પર નજર રાખતા પૉર્ટલ મુજબ સવારે છ વાગ્યે દિલ્હીમાં સરેરાશ એક્યુઆઇ 366 હતો. સોનિયા વિહારમાં સૌથી વધુ એક્યુઆઇ 449 રહ્યો હતો. બુરાડી ક્રૉસિંગમાં 445, વિવેક વિહારમાં 441, જહાંગીરપુરીમાં 439 અને નૉર્થ કૅમ્પસમાં 437 એક્યુઆઇ નોંધાયો હતો.

ઇજિપ્તમાં રેલવે દુર્ઘટનામાં સાતનાં મોત, 100થી વધુને ઈજા

ઇજિપ્તમાં રેલવે દુર્ઘટનામાં સાતનાં મોત, 100થી વધુને ઇજા
ઇમેજ કૅપ્શન, ઇજિપ્તની રેલવે દુર્ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે

ઇજિપ્તના ગીઝા શહેર નજીક 8 નવેમ્બરે એક રેલવે દુર્ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત નીપજ્યાં છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઇજિપ્તની રેલવે ઑથૉરિટી મુજબ ગીઝા અને કાહિરોથી દક્ષિણ તરફ જતી બે ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી.

આ ટક્કરના કારણે ઘણા ડબ્બા રેલવેના પાટા પરથી નીચે ઊતરી ગયા અને ઢોળાવમાં ઊથલી ગયા હતા. ઘટનાસ્થળની તસવીરોમાં લોકો ડબ્બાની અંદર ઈજાગ્રસ્ત પ્રવાસીઓને શોધતા જોવા મળે છે.

આ દુર્ઘટના પછી મોટા પાયે બચાવ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ-સીસીએ જણાવ્યું છે કે તેમણે સરકારી અધિકારીઓને આ ઘટનાનાં કારણોની તપાસ કરવા અને બેદરકારી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

યમનમાં ફસાયેલા 19 ભારતીય નાવિકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા

યમનમાં ફસાયેલા 19 ભારતીય નાવિકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા
ઇમેજ કૅપ્શન, યમનમાં બે અઠવાડિયાંથી ભારતીય નાવિકો ફસાયેલા હતા

યમનના હુદૈદા અને સનામાં છેલ્લાં બે અઠવાડિયાંથી ફસાયેલા 19 ભારતીય નાવિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

યમનસ્થિત ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે તમામ નાવિકો સુરક્ષિત છે અને તેમની તબિયત સારી છે. તેઓ ભારત પરત ફરી રહ્યા છે.

દૂતાવાસે નાવિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સહયોગ કરનાર તમામ લોકો અને સંસ્થાઓનો આભાર માન્યો હતો. થોડા દિવસો અગાઉ જ ભારતે જણાવ્યું હતું કે યમનના કિનારે બનેલી એક ઘટનામાં નૌકા પર સવાર 14 ભારતીય નાગરિકો સુરક્ષિત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન