ગુજરાત : રેલવે ટ્રૅક ક્રૉસ કરતી વખતે અકસ્માતે મોત થાય તો શું વળતર મળે, હાઇકોર્ટે શું ચુકાદો આપ્યો?

ઇમેજ સ્રોત, Reuters / KALPIT BHACHECH
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
રેલવે અકસ્માતમાં વળતર મેળવવા અંગેના એક કાનૂની મામલે ગુજરાત હાઇકોર્ટે અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે.
અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, રેલવે ટ્રૅક ઓળંગતી વખતે અકસ્માતે મોત થાય તો મુસાફરોની બેદરકારી ગણાવીને રેલવે પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
ગુજરાત હાઇકોર્ટે રેલવે ટ્રિબ્યુનલના અગાઉના આદેશને રદબાતલ ઠેરવીને તેનો અભિગમ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધનો ગણાવ્યો હતો. જુલાઈ 2023થી શરૂ થયેલા આ કેસમાં અદાલતે રેલવે વહીવટી તંત્રની કાર્યવાહી સામે 'લાલ આંખ' કરી છે.
25 નવેમ્બરે આપેલા પોતાના ચુકાદામાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રેલવે ટ્રૅક પર અકસ્માતમાં મોત થાય ત્યારે માત્ર 'ટ્રૅક ઓળંગવાની બેદરકારી' દર્શાવીને મૃતકના પરિવારજનોને વળતર આપવાનો ઇન્કાર કરી શકાય નહીં.
આ સાથે જ હાઇકોર્ટે અગાઉ રેલવે ટ્રિબ્યુનલે આપેલો એક નિર્ણય રદબાતલ ઠેરવ્યો હતો.
અદાલતે અવલોકન કર્યું હતું કે, રેલવે ટ્રૅક પર અકસ્માતમાં મોતના કિસ્સામાં વળતર નકારવાનો રેલવે ટ્રિબ્યુનલનો અભિગમ 'ખામીયુક્ત' છે. આ નિર્ણય 'રેલવે અકસ્માત વળતર કાયદા'ની જોગવાઈઓ વિરુદ્ધનો છે.
હાઇકોર્ટે ભારપૂર્વક કહ્યું હતું કે, આ પ્રકારના અકસ્માતમાં મુસાફરોની બેદરકારી ગણાવીને રેલવે પોતાની કાનૂની અને નૈતિક જવાબદારીમાંથી છટકી શકે નહીં.
આ સમગ્ર મામલો જુલાઈ 2023માં શરૂ થયો હતો. તો ચાલો સમજીએ કે આખી ઘટના શું હતી અને હાઇકોર્ટે રેલવે વહીવટી તંત્રને શું આદેશ આપ્યો હતો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું હતી સમગ્ર ઘટના?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત હાઇકોર્ટના ચુકાદામાં નોંધાયેલી વિગતો મુજબ, મૃતક યુવક 18 જુલાઈ, 2023ના રોજ કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં માન્ય ટિકિટ સાથે મુસાફરી કરી રહ્યા હતા.
ટ્રેનના જનરલ કોચમાં ભારે ભીડ હતી. ટ્રેનમાં અચાનક ઝટકો લાગવાને કારણે તેઓ ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા અને ટ્રેન સાથે ઘસડાતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.
ત્યાર પછી તેઓ રેલવે ટ્રૅકની બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ જ સમયે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઘટના પછી પરિવારજનોએ 8 લાખ રૂપિયાના વળતર માટે 'રેલવે ક્લેઇમ્સ ટ્રિબ્યૂનલ'માં અરજી કરી હતી. પરંતુ ટ્રિબ્યૂનલે 7 નવેમ્બર, 2024ના રોજ તેમની આ અરજી ફગાવી દીધી હતી.
ટ્રિબ્યૂનલના આ નિર્ણય સામે પરિવારજનોએ હાઇકોર્ટમાં વળતર મેળવવા માટે અપીલ કરી હતી.
આ મામલે હાઇકોર્ટે ચુકાદો આપતાં ઠેરવ્યું હતું કે, 'રેલવે અકસ્માત અને અનટુવર્ડ ઇન્સિડન્ટ્સ (વળતર) સુધારા નિયમો, 2016' હેઠળ રેલવે વહીવટી તંત્રએ અરજદારોને 8 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું રહેશે.
અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ રકમ પર ટ્રિબ્યૂનલ સમક્ષ અરજી દાખલ કર્યાની તારીખથી વાસ્તવિક ચૂકવણી થાય ત્યાં સુધી વાર્ષિક 9 ટકાના દરે સાદું વ્યાજ પણ ચૂકવવું પડશે.
હાઇકોર્ટનાં મુખ્ય અવલોકનો
રેલવે ટ્રૅક ઓળંગતી વખતે ટ્રેન નીચે આવી જતાં મોતને ભેટેલા યુવકના પરિવારજનોને વળતર આપવાનો રેલવે ટ્રિબ્યૂનલે ઇન્કાર કર્યો હતો. આ હુકમને હાઇકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ રદબાતલ ઠેરવ્યો હતો.
'રાજબહાદુર અને અન્ય વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયા' કેસમાં અપીલની સુનાવણી કરતી વખતે હાઇકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.
હાઇકોર્ટના ચુકાદા અનુસાર, ઇન્ક્વેસ્ટ પંચનામા દરમિયાન મૃતક પાસેથી કાનપુરથી અમદાવાદની માન્ય ટિકિટ મળી આવી હતી. તેથી મૃતક યુવક 'રેલવે અધિનિયમ, 1989'ની કલમ 2(29) હેઠળ 'બોનાફાઇડ પૅસેન્જર' (માન્ય મુસાફર) ઠરે છે.
અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, 'અનટુવર્ડ ઇન્સિડન્ટ' (જેમાં ટ્રેનમાંથી અકસ્માતે પડી જવાનો સમાવેશ થાય છે)ના કિસ્સામાં રેલવે વહીવટી તંત્રની જવાબદારી 'નો-ફૉલ્ટ લાયબિલિટી' (અનિવાર્ય જવાબદારી)ની બને છે.
આમ, ટ્રૅક ક્રોસ કરવાની કે બેદરકારી દાખવવાની સંભવિત બાબતને કલમ 124-એના અપવાદોમાં આવતા ગુનાહિત કૃત્ય કે જાતે પહોંચાડેલી ઈજા સમાન ગણી શકાય નહીં.
ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, વ્યસ્ત રેલવે સ્ટેશનો અને યાર્ડ્સમાં—ખાસ કરીને જ્યાં ફૂટ ઓવરબ્રિજ નથી અથવા જે દુર્ગમ, દૂરના કે ભારે ભીડભાડવાળાં સ્થળો છે—ત્યાં મુસાફરો વારંવાર પ્લૅટફૉર્મ પર પહોંચવા કે સ્ટેશન પરિસરમાંથી બહાર નીકળવા માટે પાટા ઓળંગતા હોય છે.
અદાલતે ઉમેર્યું હતું કે, "ત્યારે રેલવે વહીવટી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે મુસાફરની આવી બેદરકારીને ગુનાહિત કૃત્ય અથવા જાતે પહોંચાડેલી ઈજા સાથે સરખાવી શકે નહીં."
આમ, ટ્રિબ્યૂનલના નિર્ણયને રદ કરીને હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે, મૃતકના પરિવારજનોને અરજી કર્યાની તારીખથી 9 ટકા સાદા વ્યાજ સાથે 8 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું રહેશે.
બંને પક્ષોના વકીલોનું શું કહેવું છે?
આ મામલે અરજદાર પક્ષના ગુજરાત હાઇકોર્ટના વકીલ રથિન રાવલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "19 વર્ષના એક યુવકના અકસ્માતે મોતના કિસ્સામાં હાઇકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે."
તેમણે આગળ ઉમેર્યું હતું કે, "સામાન્ય રીતે જ્યારે કોઈ રેલવે અકસ્માત થાય છે, ત્યારે રેલવે ક્લેઇમ્સ ટ્રિબ્યૂનલમાં વળતર મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવે છે."
"આ કેસમાં પણ વળતર માટે અરજી કરાઈ હતી, પરંતુ ટ્રિબ્યૂનલે તે ફગાવી દીધી હતી. ટ્રિબ્યૂનલનું માનવું હતું કે મૃતક યુવક પાટા ઓળંગીને જઈ રહ્યો હતો, જે ગેરકાયદે કૃત્ય છે. તેથી મૃતકના પરિવારને વળતર મળી શકે નહીં."
"ત્યારબાદ મૃતક યુવકનાં માતાપિતાએ ટ્રિબ્યૂનલના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. અમે હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને અદાલતે અમારી અપીલ મંજૂર કરી છે."
વકીલ રથિન રાવલે સ્પષ્ટ કર્યું હતું કે, "હાઇકોર્ટે અપીલ ગ્રાહ્ય રાખી તેનું મુખ્ય કારણ એ છે કે, જો મુસાફર પાસે માન્ય ટિકિટ હોય અને રેલવે પરિસરમાં યોગ્ય રસ્તો કે ફૂટબ્રિજ ન હોય, ત્યારે લોકોએ ટ્રૅક ઓળંગવો પડે છે. ઘણી વાર ટ્રેન ચૂકી જવાના ડરથી કે પકડવાની ઉતાવળમાં પણ લોકો પાટા ઓળંગતા હોય છે."
"આ કેસમાં પણ એવું જ બન્યું હતું. એકસાથે ઘણા લોકો ટ્રૅક ઓળંગી રહ્યા હતા. ત્યાં તેમને રોકવા માટે કોઈ રેલવે ગાર્ડ કે પોલીસ જવાન ન હતા, તેમજ કોઈ ફૂટબ્રિજ પણ નહોતો."
"માત્ર ઉતાવળમાં પાટા ઓળંગતી વખતે અકસ્માત થઈ જાય, તો એ એકમાત્ર કારણસર વળતરની અરજી રદ કરી શકાય નહીં. તદુપરાંત મુસાફર પાસે માન્ય ટિકિટ હોવાથી સ્ટેશન પરિસરમાં તેનું હોવું ગેરકાયદે નહોતું."
"આથી રેલવે વહીવટી તંત્ર વળતર આપવાનો ઇન્કાર કરી શકે નહીં, તેવું માનનીય હાઇકોર્ટે સ્પષ્ટ ઠેરવ્યું છે. જોકે, આ કેસમાં મંજૂર કરાયેલું વળતર ઘણું ઓછું છે તેવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો."
બચાવ પક્ષ એટલે કે રેલવે તરફથી કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ (વકીલ) સુશીલ શુક્લએ અદાલતમાં દલીલો કરી હતી.
વકીલ સુશીલ શુક્લએ કહ્યું હતું કે, "અમે હાઇકોર્ટના આ ચુકાદાનું સન્માન કરીએ છીએ. ગઈ કાલે અદાલતે જે ચુકાદો આપ્યો છે, તેનું રેલવે વહીવટી તંત્ર પોતાના સ્તરે અવલોકન કરશે."
તેમણે ઉમેર્યું હતું કે, "હું પણ આ ચુકાદાનો વિગતવાર અભ્યાસ કરીને રેલવે તંત્રને મારો કાનૂની અભિપ્રાય આપીશ."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચુકાદાની તમામ વિગતોનું વિશ્લેષણ કર્યા પછી આ મામલાને ઉપલી અદાલતમાં પડકારવો કે નહીં, તે અંગે રેલવે વહીવટી તંત્ર આખરી નિર્ણય કરશે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























