રાજેન્દ્ર શુક્લ : પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ, ગુજરાતી ગઝલના ગઢ સમાન ગઝલકાર

22 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદમાં રાજેન્દ્ર શુક્લે અંતિમ શ્વાસ લીધા
ઇમેજ કૅપ્શન, 22 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદમાં રાજેન્દ્ર શુક્લે અંતિમ શ્વાસ લીધા
    • લેેખક, અનિલ ચાવડા, કવિ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

એક કાર્યક્રમમાં બે જ કવિ — રાજેન્દ્ર શુક્લ અને હું. કાર્યક્રમ અઢી કલાકનો હતો, જેમાં દોઢ કલાક સન્માનવિધિ અને વ્યાખ્યાનો માટે તથા બાકીનો એક કલાક અમારા કાવ્યપઠન માટે. કાર્યક્રમ મોડો શરૂ થયો એટલે સમયની ખેંચ પડી. ઉંમરમાં હું તેમનાથી ઘણો નાનો, તેથી સ્વાભાવિક રીતે મેં પહેલાં કાવ્યપઠન કર્યું. ત્યાર બાદ રાજેન્દ્રભાઈ મંચ પર આવ્યા. હજી માંડ બે-ત્રણ કવિતાઓ સંભળાવી હશે ત્યાં આયોજક આવી પહોંચ્યા. કહ્યું, 'સાહેબ, હવે કાર્યક્રમ પૂરો કરવો પડશે.' એમ કહીને તેમના હાથમાં પુરસ્કારનું કવર પકડાવી દીધું. રાજેન્દ્ર શુક્લ થોડી ક્ષણ કવર સામે જોઈ રહ્યા. પછી અત્યંત સ્વસ્થતાથી કવર આયોજકને પાછું આપતાં બોલ્યા, 'મને જેટલો પુરસ્કાર મળ્યો છે, એટલો પરિશ્રમ મેં કર્યો નથી. એટલે આ પારિશ્રમિક પર મારો હક નથી.'

આયોજકે કવર સ્વીકારવા ઘણી વિનંતી કરી, પરંતુ રાજેન્દ્ર શુક્લ એકના બે ન થયા. છેવટે આયોજકોએ તેમને પૂરતો સમય આપ્યો.

પોતાની કવિતાઓ સંભળાવીને જ તેમણે પુરસ્કાર સ્વીકાર્યો. એ દિવસે મેં જોયું કે રાજેન્દ્ર શુક્લ માટે કવિતા માત્ર રજૂઆત નહોતી, જવાબદારી પણ હતી.

પરંતુ એક કાર્યક્રમમાં મને તેમનું સાવ જુદું જ રૂપ જોવા મળ્યું. કોઈક કારણસર રાજેન્દ્ર શુક્લ નારાજ હતા.

આયોજકો તેમને મંચ પર આવવા વિનવી રહ્યા હતા, પરંતુ તેઓ એક જ વાત પર અડગ હતા, 'પહેલાં નક્કી થયેલો પુરસ્કાર મારા હાથમાં આવશે, પછી જ મંચનાં પગથિયાં ચડીશ.' પ્રથમ નજરે આ હઠ આશ્ચર્યજનક લાગે. પરંતુ કાર્યક્રમ પૂરો થયા પછી કારણ જાણવા મળ્યું.

આયોજકોએ અગાઉ પણ તેમને આમંત્ર્યા હતા અને કાવ્યપઠન પૂરું થયા પછી પુરસ્કાર આપ્યા વિના જ વિદાય કરી દીધેલા. એટલે આ વખતે તેમણે પહેલાં પારિશ્રમિક અને પછી કાવ્યપઠનની શરત રાખી હતી.

એક જગાએ પુરસ્કાર પાછો આપનાર અને બીજી જગાએ પુરસ્કાર લીધા વિના મંચ પર ન ચડનાર — બંને રાજેન્દ્ર શુક્લ એક જ હતા.

એક પ્રસંગમાં પોતાના પરિશ્રમ પ્રત્યેની પ્રામાણિકતા હતી, તો બીજામાં કવિના શ્રમ અને સ્વમાન પ્રત્યેનો આગ્રહ.

'ગમે તે ડબ્બામાં મુસાફરી કરે, ટુ ટાયર એસીનું ભાડું મેળવવાનો એમનો પૂરો હક છે'

રાજેન્દ્ર શુક્લની હાજરજવાબી અને દલીલશક્તિનો એક રસપ્રદ કિસ્સો જાણીતા નાટ્યલેખક, દિગ્દર્શક, કવિ અને અભિનેતા સૌમ્ય જોશી યાદ કરે છે.

તેઓ કહે છે, "વર્ષો પહેલાં અમે આઇએનટીના મુશાયરામાં જતા ત્યારે પુરસ્કાર ઉપરાંત ટ્રેનના ટુ ટાયર એસીના ભાડાના પૈસા પણ મળતા. જોકે અમે મુસાફરી જનરલ ડબ્બામાં કરતા, પણ ભાડું ટુ ટાયર એસીનું જ લેવાનો આગ્રહ રાખતા. આયોજકો ટિકિટ માગે ત્યારે અમારી પાસે જવાબ ન હોય."

"આવા સમયે રાજેન્દ્ર શુક્લ અમારી વહારે આવતા. તેઓ આયોજકોને કહેતા, 'આ લોકો ગમે તે ડબ્બામાં મુસાફરી કરે, પણ ટુ ટાયર એસીનું ભાડું મેળવવાનો એમનો પૂરો હક છે. એમણે જે સગવડ જતી કરીને અગવડ વેઠી છે, આ પૈસા એનું વળતર છે. એટલે એમને ટિકિટ વિશે સવાલ કરવાનો તમને કોઈ અધિકાર નથી!'"

તેઓ જાણે કે કહેતા હોય-

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,

આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.

'મનોજ સ્વસ્થ થઈને પોતાના મુખે ગઝલ ન સંભળાવે ત્યાં સુધી ગળ્યું નહીં ખાઉં'

22 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદમાં રાજેન્દ્ર શુક્લે અંતિમ શ્વાસ લીધા
ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં આવેલું સૂર્યા ભોજનાલય રાજેન્દ્ર શુક્લનું એક મહત્ત્વનું ઠેકાણું હતું, જ્યાં તેઓ મિત્રોને મળતા અને કવિતાની મહેફિલ જમાવતા

રાજેન્દ્ર શુક્લનાં છેલ્લાં વર્ષોના નિકટના સાથી કવિ મધુસૂદન પટેલ તેમની મનોજ ખંડેરિયા સાથેની મિત્રતાનો એક મીઠો પ્રસંગ યાદ કરે છે.

કવિ મનોજ ખંડેરિયાને કૅન્સર થયાની જાણ થતાં જ રાજેન્દ્ર શુક્લે બાધા લીધી કે મનોજ સ્વસ્થ થઈને પોતાના મુખે ગઝલ ન સંભળાવે ત્યાં સુધી ગળ્યું નહીં ખાઉં.

જમ્યા પછી મીઠાઈ ખાધા વિના ન રહી શકતા રાજેન્દ્ર શુક્લની થાળીમાં ગળ્યું ન જોઈ એક દિવસ મનોજભાઈએ કારણ પૂછ્યું.

હકીકત જાણીને બંને વચ્ચે મીઠી રકઝક જામી. આખરે મનોજભાઈએ કહ્યું, 'અત્યારે એક શેર સંભળાવું છું, સાજો થઈશ ત્યારે આખી ગઝલ સંભળાવીશ. પણ મારા આ શેરનું માન રાખીને તમે મીઠાઈ ખાવાનું શરૂ કરો.'

રાજેન્દ્ર શુક્લે વાત માન્ય રાખી. એક મિત્રની ગઝલનો શેર બીજા મિત્રની પ્રતિજ્ઞા કરતાંય મીઠો સાબિત થયો.

રાજેન્દ્ર શુક્લ એક શેરમાં કહે છે:

હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું,

નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છું !

'આવતા ભવે પારેવું બનું'

રાજેન્દ્ર શુક્લ સાથે અનિલ ચાવડા
ઇમેજ કૅપ્શન, રાજેન્દ્ર શુક્લ સાથે અનિલ ચાવડા
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષે પહેલાં હું જાણીતા લેખક-નાટ્યકાર સુભાષ શાહને ત્યાં નોકરી કરતો. ત્યાં અનેક વાર લાભશંકર ઠાકર, ચિનુ મોદી, રમેશ શાહ, રાજેન્દ્ર શુક્લ વગેરે આવી ચડતા.

એક વખત આ બધાની ગોઠડી જામેલી. રાજેન્દ્ર શુક્લ ચા અને બીડીના શોખીન. એટલે તેઓ ચિનુ મોદીને એવું જણાવી રહ્યા હતા કે 'આવતા ભવે મારી ઇચ્છા છે હું એક પારેવું બનું. મારો વાસ એક કૂવાના ગોખમાં હોય અને આખોય કૂવો ચાથી છલોછલ હોય. જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે હું મારા માળામાંથી નીકળું અને ચાંચ ભરીને ચા પી લઉં.'

તરત ચિનુ મોદી કહે, "પણ બીડીનું શું કરીશ?"

"એ તો હું ભૂલી જ ગયો." કહીને તે ખડખડાટ તેઓ હસી પડ્યા, ને બોલ્યા, "એના માટે પાછું માણસ થવું પડશે, આવી કુટેવ જનાવરોમાં નથી હોતી."

આજે એ પ્રસંગ યાદ આવે છે ત્યારે લાગે છે કે જે કવિ ગઝલમાં અધ્યાત્મનાં ઊંડાણો ખેડતો હતો, એ જ કવિ રોજિંદા જીવનની નાનીનાની વાતોમાંથી હાસ્ય પણ શોધી શકતો હતો.

કવિ મધુસૂદન પટેલ જણાવે છે કે તે ઘરકામ પણ ખૂબ ચીવટથી કરતા, શાકભાજી લેવાથી સમારવા સુધીનું કામ પણ કરતા. તેઓ સરગવો સમારે તો પણ માપ લઈને સમારતા. અને તેના કપાયેલા પ્રત્યેક ટુકડા એક સરખા થતા.

કવિતાની પ્રારંભિક પાઠશાળા

રાજેન્દ્ર શુક્લ તેમનાં પત્ની નયનાબહેન અને બે પુત્રો સાથે
ઇમેજ કૅપ્શન, રાજેન્દ્ર શુક્લ તેમનાં પત્ની નયનાબહેન અને બે પુત્રો સાથે

22 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદમાં રાજેન્દ્ર શુક્લે અંતિમ શ્વાસ લીધા. જીવનભર કવિતા શ્વસનાર આ સર્જકની જીવનયાત્રા-કાવ્યયાત્રા જોઈએ.

12 ઑક્ટોબર, 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે વિદ્યાબહેન અને અનંતરાય શુક્લના પરિવારમાં જન્મેલા રાજેન્દ્ર શુક્લનું બાળપણ સોરઠની ધરતી પર વીત્યું. ગિરનારની ગોદ અને નરસિંહ મહેતાની કાવ્યપરંપરાએ એમની સર્જકચેતનાને સીંચી.

જૂનાગઢમાં આચાર્ય તખ્તસિંહ પરમાર જેવા ગુરુનું માર્ગદર્શન મળ્યું, તો મનુભાઈ ત્રિવેદી 'ગાફિલ' અને રુસ્વા મઝલૂમી જેવા સર્જકોના સંપર્કે એમની સાહિત્યિક દૃષ્ટિને દિશા આપી. 'મંગળવારિયું' અને 'મિલન' જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓ એમની કાવ્યયાત્રાની પ્રારંભિક પાઠશાળા બની.

અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે 1965માં સ્નાતક અને 1967માં અનુસ્નાતક થયેલા રાજેન્દ્ર શુક્લે વિવિધ સંસ્થાઓમાં અધ્યાપન કર્યું. અંતે દાહોદમાં સંસ્કૃતનું અધ્યાપન કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ બંને સંતાનો ધૈવત અને જાજ્વલ્યને ઘરે જ શિક્ષણ આપવાનો અનોખો પ્રયોગ પણ કર્યો.

રાજેન્દ્ર શુક્લનાં જીવનસંગિની નયના જાની પણ ગુજરાતી કવયિત્રી છે.

માત્ર વીસ વર્ષની વયે, 1962માં એમની પ્રથમ કવિતા પ્રતિષ્ઠિત સામયિક 'કુમાર'માં પ્રકાશિત થઈ. ત્યાર બાદ 'કોમલ રિષભ' (1970) અને 'અંતર ગાંધાર' (1981) જેવા કાવ્યસંગ્રહોએ એમની કાવ્યપ્રતિભાની વિશિષ્ટ ઓળખ સ્થાપી. એમની દીર્ઘ અને સમૃદ્ધ ગઝલયાત્રા પાંચ ભાગમાં પ્રકાશિત 'ગઝલસંહિતા'માં સચવાઈ છે.

રાજેન્દ્ર શુક્લની ગઝલ એટલે ઉર્દૂની નજાકત, સંસ્કૃતની ગૌરવશાળી પરંપરા અને ગુજરાતી ભાષાની તળપદી મીઠાશનો એવો સમન્વય. એમની કવિતામાં આધુનિક મનુષ્યની એકલતા, વિચ્છિન્નતા અને વિષાદ છે, તો બીજી તરફ ભારતીય તત્ત્વચિંતનની ઊંડી સમજ અને જીવન પ્રત્યેનો અખૂટ અનુરાગ પણ છે.

સાહિત્ય, સંગીત, ઇતિહાસ, જ્યોતિષ અને તત્ત્વજ્ઞાનના ગહન અધ્યયને એમની કવિતાને સમૃદ્ધિ આપી. એમનું સર્જન જેટલું પ્રશિષ્ટ છે, એટલું જ તળપદું છે; જેટલું આધુનિક છે, એટલું જ પરંપરાનિષ્ઠ છે. એમની ગઝલમાં ભાષાનું નકશીકામ છે. છાંદસ, અછાંદસ અને ગીતમાં પણ એમણે નોંધપાત્ર સર્જન કર્યું.

એમના સર્જનને ગુજરાત સરકારનાં પારિતોષિકો ઉપરાંત કવિ ન્હાનાલાલ પારિતોષિક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, કલાપી પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, નર્મદ ચંદ્રક, વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને સાહિત્ય અકાદમી પુરસ્કાર સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયાં. પરંતુ એમનું સૌથી મોટું સન્માન તો ગુજરાતી ભાષાના ભાવકોના હૃદયમાં એમની કવિતાએ મેળવેલું અવિચળ સ્થાન છે.

એક ગઝલમાં કહે છે એ પ્રમાણે-

સામાંય ધસી જઈએ, આઘાંય ખસી જઈએ,

એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઈએ.

'ગઝલના ઋષિ'

રાજેન્દ્ર શુક્લની માત્ર વીસ વર્ષની વયે, 1962માં પ્રથમ કવિતા પ્રતિષ્ઠિત સામયિક 'કુમાર'માં પ્રકાશિત થઈ
ઇમેજ કૅપ્શન, રાજેન્દ્ર શુક્લની માત્ર વીસ વર્ષની વયે, 1962માં પ્રથમ કવિતા પ્રતિષ્ઠિત સામયિક 'કુમાર'માં પ્રકાશિત થઈ

તેમનાં ભગવાં વસ્ત્રો, લાંબી દાઢી અને કાવ્યોમાં રહેલા આધ્યાત્મિક ઊંડાણને લીધે કોઈ તેમને ગઝલનો ગિરનારી નાદ કહેતા, તો ગઝલર્ષિ, તો કોઈ ઋષિકવિ. આ બધાં બિરુદના પાયામાં હતી તેમની કવિતારચના.

'સ્વ વાચકની શોધ' દીર્ઘકાવ્યનો આસ્વાદ પ્રસિદ્ધ વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાલાએ પોતાના ગ્રંથ 'રચનાવલિ'માં કર્યો છે, જેમાં રાજેન્દ્ર શુક્લનો પરિચય આપતાં તેઓ લખે છે- "ગુજરાતી મુશાયરાઓમાં ચિનુ મોદી, મનોજ ખંડેરિયા, મનહર મોદી જેવા આધુનિક ગઝલકારોના અવાજ વચ્ચે મંચ પરથી ઘેરો ઘૂંટાયેલો અવાજ રજૂ થાય ત્યારે એ અચૂક રાજેન્દ્ર શુક્લનો હોય છે, એમ જાણકારો જાણી જાય છે. અને જાણકારો એય જાણે છે કે પર્સિયન સુન્દરી જેવી ગઝલને શુદ્ધ ભારતીય સન્નારીનો માત્ર લિબાસ નહીં પણ મિજાજ બક્ષનાર પણ આ જ ગઝલકાર છે."

"રાજેન્દ્ર શુક્લ જૂનાગઢના છે. જૂનાગઢે ત્રણ જુદા જુદા મિજાજના ગઝલકારો આપ્યા છે. જવાહર બક્ષીનો સત્ત્વ ઘૂંટતો અવાજ છે. મનોજ ખંડેરિયાનો સ્વત્વ ઘૂંટતો અવાજ છે, જ્યારે રાજેન્દ્ર શુક્લનો તત્ત્વ ઘૂંટતો અવાજ છે. ત્રણેય શાયરોને ગિરનારની ધૂણી તો લાગેલી જ છે. પણ રાજેન્દ્ર શુક્લની ધૂણી ઉપનિષદકાળનાં અરણ્ય અને ગુફા સુધી પહોંચેલી છે, અને તેથી તેઓ ગઝલના ઋષિ પણ કહેવાયા છે."

જૂનાગઢ તેમના જીવન અને કવિતામાં એકરસ થઈ ગયેલું. તેમણે જૂનાગઢ પર આખી રચના લખેલી, તેના બે શેર જોઈએ-

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ

સમયના કોઈ પણ થરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર

ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

રાજેન્દ્ર શુક્લને 'ગઝલર્ષિ'નું બિરુદ શા માટે મળ્યું, તેનો રસપ્રદ ઉલ્લેખ જાણીતા સાહિત્યકાર મણિલાલ હ. પટેલે વિશ્વકોશમાં લખેલા તેમના પરિચયલેખમાં કર્યો છે.

તેઓ નોંધે છે, "કેટલાક કાવ્યજ્ઞો તત્ત્વાભિનિવેશી આ કવિની સંસ્કૃત પ્રશિષ્ટ કાવ્યપરંપરા સાથે પોતાની રીતે સંવાદ સાધતી કવિની ગઝલોથી પ્રસન્ન થઈને એમને 'ગઝલર્ષિ' પણ કહે છે."

રાજેન્દ્ર શુક્લની કવિતામાં ભજન અને ગઝલનો સુમેળ છે, તેની વાત હર્ષદ ત્રિવેદી 'શબ્દસષ્ટિ-નવેમ્બર 2006'ના તેમના લેખમાં આ રીતે કરે છે, "રાજેન્દ્ર શુક્લની ગઝલોને આસાનીથી 'ભઝલ' કે 'ગઝન' કહી શકાય, પરંતુ સનમ, સાકી અને પ્યાલામાં રહેલા આધ્યાત્મિક બોધને ગઝલની રમણીયતા જાળવીને, તદ્દન નવી ભાષામાં, સાધનામાર્ગના અપ્રગટ પ્રવાસી રહીને ઉજાગર કરવાનું એમનું સર્જનકર્મ ગુજરાતી ગઝલને દશાંગુલ ઊર્ધ્વ સ્થાને મૂકી આપે છે. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી."

જાણીતા કવિ-વિવેચક સંજુ વાળા તેમને આધ્યાત્મપુરુષનું બિરુદ આપે છે, "રાજેન્દ્ર શુક્લ ગુજરાતી ગઝલનો ભગવો સ્વભાવ બની રહ્યા. મરીઝ, ઘાયલ પાસે સ્થિર થયેલી ગઝલને આદિલ, મનોજ, રાજેન્દ્ર અને શ્યામ દ્વારા જે નવો આયામ સાંપડ્યો, તેમાં રાજેન્દ્ર શુક્લની ગઝલે સૂફીઓના તસવ્વૂફને ગુજરાતી તંબૂરના તાર સુધી પહોંચાડ્યો. તેમનું અધ્યાત્મ શાસ્ત્રોની બરડ ફિલોસોફી માત્ર નથી, પણ ભાષાની તાજગી, સોરઠી લહેકાની મીઠાશ અને સંમાર્જિત થયેલ ભાવનું સુઘટ્ટ પોત છે. એટલે આ કવિ આધુનિકકાળના અધ્યાત્મપુરુષ બની રહ્યા."

રાજેન્દ્ર શુક્લમાં કવિતા પ્રત્યેની ભારોભાર નિષ્ઠા હતી, તેઓ આજીવન કવિ બની રહ્યા. એટલા માટે જ આજે પણ લોકહૈયે તેમની કવિતાઓ જીવતી રહી છે. જતાં જતાં તેમની કેટલીક રચનાઓ જુઓ...

ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો,

આ પોઠ ભરીને આવ્યું રે અંધારું લ્યો.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,

શબ્દ જો એને સમાવે તો કહું !

કોઈને કહેવું નથી, એવું નથી,

સહેજ તૈયારી બતાવે તો કહું !

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;

સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે!

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન