પાકિસ્તાની ડ્રામા ભારતમાં લોકપ્રિય હોવા છતાં, નેટફ્લિક્સ પર આવતી 'જો બચે હૈં સંગ સમેટ લો' પર પ્રતિબંધની માંગ કેમ થઈ?

ઇમેજ સ્રોત, haniaheheofficial
- લેેખક, ઉમેર અલ્વી
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
આવતા મહિને નેટફ્લિક્સ પર પાકિસ્તાનની પ્રથમ ઓરિજિનલ સિરીઝ 'જો બચે હૈં સંગ સમેટ લો' રિલીઝ થઈ રહી છે. તેને પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.
પરંતુ ભારતમાં આ સિરીઝની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગણી થઈ રહી છે.
આ સિરીઝ 4 ડિસેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે અને દુનિયાભરના 191 દેશોમાં ઉપલબ્ધ હશે. તેને અનેક ભાષાઓમાં ડબ કરવામાં આવી છે.
એમડી ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ સિરીઝની વાર્તા જાણીતાં નવલકથાકાર ફરહત ઇશ્તિયાકે લખી છે, જ્યારે તેનું નિર્માણ અને દિગ્દર્શન મોમિના દુરૈદે કર્યું છે.
આ સિરીઝના પહેલા ભાગમાં કુલ પાંચ એપિસોડ છે, જ્યારે તેમાં કુલ 13 એપિસોડ હોવાની સંભાવના છે. તેની વાર્તા ત્રણ પેઢીઓ અને છ પ્રેમકથાઓની આસપાસ ફરે છે.
પાકિસ્તાની લેખિકા ફરહત ઇશ્તિયાકે 2013માં 'જો બચે હૈં સંગ સમેટ લો' નામની નવલકથા લખી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
આની વાર્તા મુખ્યત્વે સિકંદર (અહદ રઝા મીર) અને લીસા (ઇકરા અઝીઝ)ની આસપાસ ફરે છે. સિકંદર હાર્વર્ડમાં કાયદાનો વિદ્યાર્થી છે. તે પોતાના ભૂતકાળથી પરેશાન થઈને ઇટાલીના રોમ શહેરમાં જતો રહે છે, જ્યાં તેની મુલાકાત લીસા સાથે થાય છે.
લીસા એક ચિત્રકાર છે અને તેનું જીવન પણ અનેક ગૂંચવણોથી ઘેરાયેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇટાલીમાં થયેલી તેમની મુલાકાત તેમના જીવનને એક અણધાર્યો વળાંક આપે છે. ટ્રેલર પરથી જાણવા મળે છે કે આ ડ્રામાનું શૂટિંગ રોમ ઉપરાંત કરાચી, સ્કાર્દુ અને લંડનમાં પણ થયું છે.
પ્રેમ, સંબંધો અને માનવીય જોડાણ તેની વાર્તાનાં મુખ્ય વિષયો છે, જેને અલગ-અલગ પાત્રો અને પેઢીઓનાં જીવન દ્વારા દર્શાવવામાં આવ્યા છે.
આ સિરીઝનું નામ અને તેનો મૂળ વિચાર ફૈઝ અહમદ ફૈઝની એક ગઝલથી પ્રેરિત છે. આ દૃષ્ટિએ, વાર્તા માત્ર પ્રેમસંબંધો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં જીવનભર મનમાં સંઘરી રાખેલી યાદો, સંબંધો અને અનુભવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની કલાકારોથી સજ્જ સિરીઝ

ઇમેજ સ્રોત, humtvpakistanofficial
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સિરીઝની એક ખાસિયત એ છે કે તેમાં પાકિસ્તાનના અનેક મોટા કલાકારો સામેલ છે. તેમાં અહદ રઝા મીર અને ઇકરા અઝીઝની સાથે ફવાદ ખાન, માહિરા ખાન, હાનિયા આમિર, હમઝા અલી અબ્બાસી, સનમ સઈદ, માયા અલી, આમના શેખ, ખુશાલ ખાન, અહમદ અલી અકબર અને બિલાલ અશરફ પણ છે.
દિગ્દર્શક મોમિના દુરૈદના પુત્ર શાહ ઝૈન દુરૈદ આ સિરીઝ દ્વારા અભિનયની શરૂઆત કરી રહ્યા છે. પાકિસ્તાની દર્શકો માટે આ સિરીઝની એક ખાસિયત ફવાદ ખાન અને માહિરા ખાનની જોડી છે.
બીબીસી ન્યૂઝ ઉર્દૂ સાથે વાત કરતાં અમીના શેખે જણાવ્યું કે એક અભિનેત્રી તરીકે તેઓ પોતાના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતાં, પરંતુ નિર્માતા અને બાકીની ટીમ આ સિરીઝને પૂર્ણ કરવામાં વ્યસ્ત હતી. તાજેતરમાં ડબિંગ દરમિયાન તેમને અહેસાસ થયો કે આ સમયગાળા દરમિયાન કેટલું કામ થઈ ચૂક્યું છે.
તેઓ કહે છે, "આ પ્રોજેક્ટનો હિસ્સો બનીને હું ખૂબ ખુશ અને ઉત્સાહિત છું. મને ખુશી છે કે આ સિરીઝમાં જોવા મળતા તમામ કલાકારોએ તેના માટે પોતાનો સમય આપ્યો છે. મને લાગે છે કે આ ટીમનો દરેક કલાકાર એને લાયક છે."
તેના મતે, "એક જ પ્રોજેક્ટમાં આટલા બધા કલાકારોનું એકસાથે આવવું પાકિસ્તાની મનોરંજન ઉદ્યોગ માટે પણ આવકારદાયક છે."
આઠ વર્ષની તૈયારી, 200 દિવસનું શૂટિંગ

ઇમેજ સ્રોત, aaminasheikh
આ સિરીઝ બનાવવાની સફર પણ ઘણી લાંબી રહી છે. મોમિના દુરૈદના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ પર કામ કરવામાં લગભગ આઠ વર્ષ લાગ્યાં, જ્યારે તેનું શૂટિંગ 200 દિવસ સુધી ચાલ્યું.
તેઓ કહે છે, "આ પ્રોજેક્ટ દ્વારા પાકિસ્તાન માટે નેટફ્લિક્સનાં દ્વાર ખુલશે, ત્યારે મને ગર્વ થશે."
નવલકથાકાર ફરહત ઇશ્તિયાક પણ આ અવસરને પોતાની કૃતિને વૈશ્વિક સ્તરે ઓળખ મળવા કરતાં વધુ મહત્ત્વનો ગણે છે.
તે કહે છે, "અત્યારે ઘણી ખુશી છે અને સાથે જ ખૂબ ડર પણ. આ એક ખૂબ મોટી અને ભાવનાત્મક પરિસ્થિતિ છે. મને મારા પોતાના માટે એટલી ખુશી નથી જેટલી મારા દેશ માટે છે કે હવે પાકિસ્તાની નાટકોને વૈશ્વિક દર્શકો નિહાળશે. હું ઇચ્છું છું કે પાકિસ્તાનની જે છબી દુનિયાએ જાણવી જોઈએ, તે આ નાટકના માધ્યમથી દુનિયા સુધી પહોંચે."
સંગીત અને ટ્રેલર પર પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, realhamzaaliabbasi
આ સિરીઝનું સંગીત અને બૅકગ્રાઉન્ડ સ્કોર જાણીતા સંગીતકાર રોહૈલ હયાતે તૈયાર કર્યું છે. તેઓ 80 અને 90ના દાયકામાં 'વાઇટલ સાઇન્સ' બૅન્ડના સભ્ય હતા. ત્યાર બાદ કોક સ્ટુડિયોના શરૂઆતના અને લોકપ્રિય સમયગાળામાં પણ તેમને ઘણી ખ્યાતિ મળી હતી.
આ પ્રોજેક્ટ સાથે રોહૈલ હયાતનું જોડાવું એટલા માટે પણ મહત્ત્વનું છે કે પાકિસ્તાની સંગીતમાં પરંપરાગત અને આધુનિક શૈલીઓના સમન્વય માટે તેમનું કામ જાણીતું છે.
સિરીઝનું ટ્રેલર અને સંગીત રિલીઝ થયા પછી તેના કલાકારોએ પણ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું, જ્યાં આ પ્રોજેક્ટ વિશે લોકોમાં ઉસ્તુકતા જોવા મળી હતી.
અભિનેત્રી માહિરા ખાને પોતાના પાત્ર રાહત વિશે એક પોસ્ટ શેર કરતાં કહ્યું હતું, "આ પાત્રનો એક હિસ્સો જીવનભર મારી સાથે રહેશે."
શું ભારત જેવી સફળતા મળશે?

ઇમેજ સ્રોત, iiqraaziz
પાકિસ્તાની ડ્રામા વિદેશોમાં રહેતા દક્ષિણ એશિયાના દર્શકોમાં ઘણાં વર્ષોથી લોકપ્રિય રહ્યા છે.
યુટ્યુબ અને સોશિયલ મીડિયાએ તેમની પહોંચમાં વધારો કર્યો છે. ભારત સહિત બીજા દેશોમાં પણ પાકિસ્તાની ડ્રામાના સંવાદો અને પાત્રો પર બનેલા વીડિયો આ લોકપ્રિયતાનું ઉદાહરણ છે.
પરંતુ આ લોકપ્રિયતા મોટા ભાગે એવા લોકો સુધી જ મર્યાદિત રહી છે, જેઓ પાકિસ્તાની સંસ્કૃતિ, ભાષા કે કલાકારોથી પહેલેથી પરિચિત છે.
નેટફ્લિક્સ જેવા મંચ પર હાજરીને કારણે એવા લોકો સુધી પણ પહોંચવું શક્ય બની શકે છે, જેમણે અગાઉ ક્યારેય કોઈ પાકિસ્તાની ડ્રામા જોયો નથી.
વિયેના સ્થિત યુનિવર્સિટી ઑફ મ્યુઝિક ઍન્ડ પર્ફોર્મિંગ આર્ટ્સમાં પટકથા લેખનના પ્રોફેસર ડૉ. ઉમૈર અહમદ ખાન ભારતમાં નેટફ્લિક્સના અનુભવનું ઉદાહરણ આપે છે.
તેમના મતે, નેટફ્લિક્સે ભારતીય દર્શકો સમક્ષ સ્થાનિક વાર્તાઓ અને સાંસ્કૃતિક વિષયોને ફિલ્મનિર્માણની એક અલગ શૈલી સાથે રજૂ કર્યા. તેમાં વિશ્વસ્તરીય નિર્માણનાં ધોરણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તેનાથી ન કેવળ નેટફ્લિક્સને એક અલગ ઓળખ મળી, પરંતુ સ્થાનિક સામગ્રીને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી.
તેઓ કહે છે, "જ્યારે નેટફ્લિક્સ ભારતમાં આવ્યું, ત્યારે તેણે ત્યાંની આગવી વાર્તા કહેવાની શૈલી અપનાવી અને તેને પોતાનાં નિર્માણનાં મૂલ્યો સાથે જોડી."
"શરૂઆતથી જ તેને મોટાં નામોની જરૂર નહોતી. રાધિકા આપ્ટે અને સૈફ અલી ખાન જેવા કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં હતાં, પરંતુ રંગભૂમિ અને નાના મંચોના કલાકારોને પણ પોતાની પ્રતિભા બતાવવાની અને પોતાની ઓળખ બનાવવાની તક આપવામાં આવી. આ જ બાબત ભારતીય નેટફ્લિક્સને અનોખું બનાવે છે."
ડૉ. ઉમૈર અહમદ ખાનનું માનવું છે કે 'જો બચે હૈં સંગ સમેટ લો'માં આટલા બધા જાણીતા કલાકારોને સામેલ કરવાને બદલે બે કે ત્રણ મોટાં નામો સાથે સહાયક ભૂમિકાઓમાં નવા અને પ્રમાણમાં ઓછા જાણીતા કલાકારોને તક આપી શકાઈ હોત.
તેમના મતે, એક જ પ્રોજેક્ટમાં ઘણાં બધાં મોટાં નામોની હાજરી ક્યારેક જરૂર કરતાં વધુ પ્રચાર થતો હોવાનો અહેસાસ કરાવે છે.
તેમનું કહેવું છે કે પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગની વાસ્તવિક ક્ષમતાને વૈશ્વિક મંચ પર દર્શાવવા માટે નવા કલાકારોને પણ આગળ લાવવા જરૂરી છે.
તેઓ કહે છે, "ટ્રેલરનું નિર્માણ સારું લાગે છે. તેનું શૂટિંગ સુંદર સ્થળોએ કરવામાં આવ્યું છે, સિનેમેટોગ્રાફી પણ સરસ છે અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો છે."
"પરંતુ વાર્તા કહેવાની રીતમાં કેટલીક ખામીઓ છે. સંવાદો સ્વાભાવિક લાગતા નથી અને અભિનય પણ કેટલીક જગ્યાએ કૃત્રિમ અથવા જરૂર કરતાં વધુ પડતો લાગે છે."
તેમની આ ટીકાથી એ સવાલ પણ ઊભો થાય છે કે શું વૈશ્વિક મંચ પર પોતાની જગ્યા બનાવવા માટે પાકિસ્તાની ડ્રામા ઉદ્યોગ માત્ર મોટું બજેટ, સુંદર લોકેશનો અને જાણીતા કલાકારોના સહારે રહી શકે છે?
ડૉ. ઉમૈર અહમદ ખાનના મતે, ભારતના અનુભવમાંથી એક બોધપાઠ એ મળે છે કે વિશ્વસ્તરીય નિર્માણની સાથે સ્થાનિક વાર્તાઓની આગવી ઓળખ જાળવી રાખવી પણ જરૂરી છે.
ભારતમાં પ્રતિબંધની માગ
ભારતમાં ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો, ટેક્નિશિયનો અને કલાકારોના અધિકારોનું રક્ષણ કરવા માટે રચાયેલા સંગઠન ઑલ ઇન્ડિયન સિને વર્કર્સ ઍસોસિયેશન (એઆઈસીડબલ્યુએ)એ વડા પ્રધાન મોદીને પત્ર લખીને 'જો બચે હૈં સંગ સમેટ લો'ની ભારતમાં રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.
ભારતીય સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ પત્ર લખ્યો છે.
તેની નકલો નેટફ્લિક્સ ઇન્ડિયા અને કેન્દ્રીય માહિતી મંત્રીને પણ મોકલવામાં આવી છે.
આ પત્રમાં પાકિસ્તાની નાટકો, ફિલ્મો અને ધારાવાહિકો પર કાયમી પ્રતિબંધ મૂકવા માટે કાયદો બનાવવાની માગ કરવામાં આવી છે. સાથે જ, 'જો બચે હૈં સંગ સમેટ લો' પર ભારતમાં પ્રતિબંધ મૂકવાની માગ પણ કરવામાં આવી છે.
પત્રમાં પુલવામા, પહેલગામ અને 2008ના મુંબઈ હુમલાઓનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























