મગફળીનું તેલ, નાળિયેર કે ઘી, સ્વાસ્થ્ય માટે શું સારું, કૉલેસ્ટ્રોલ માટે કયું તેલ ફાયદાકારક?

વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2023માં બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર, કોઈ વ્યક્તિની દરરોજની કુલ કૅલરીમાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ 10 ટકાથી વધારે ન હોવું જોઈએ
ઇમેજ કૅપ્શન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2023માં બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર, કોઈ વ્યક્તિની દરરોજની કુલ કૅલરીમાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ 10 ટકાથી વધારે ન હોવું જોઈએ
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

રસોઈ માટે કયું તેલ વધુ સારું છે, આ અંગે ઘરોમાં ઘણી વાર ચર્ચા થતી હોય છે. આ એવો વિષય છે, જેના પર મતમતાંતર પણ રહે છે.

તાજેતરમાં રસોઈ માટે 'નાળિયેર તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે' એવી વાતો સાંભળવા મળે છે. 'કીટો અને પૅલિયો' જેવા આહાર આયોજનમાં નાળિયેર તેલને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

દરમિયાન ભારતીય તબીબી સંશોધન પરિષદના એક અભ્યાસે નાળિયેર તેલ અને ઘીના ઉપયોગ અંગે નવી ચર્ચા છેડી છે.

આ અભ્યાસ અનુસાર, મગફળીનું તેલ વાપરતા લોકોની સરખામણીમાં નાળિયેર તેલ અને ઘી વાપરતા લોકોમાં એલડીએલ કોલેસ્ટ્રૉલનું સ્તર વધારે હોવાની શક્યતા રહે છે.

એલડીએલ એટલે કે લૉ-ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રૉલને 'ખરાબ કોલેસ્ટ્રૉલ' પણ કહેવામાં આવે છે.

ડૉ. મોહન કહે છે, “હું એવું નહીં કહું કે તમારે નાળિયેર તેલ બિલકુલ ન ખાવું જોઈએ અથવા એ બહુ જોખમી છે. જો તમને નાળિયેર તેલ જ પસંદ હોય તો તેનો ઉપયોગ થોડી ઓછી માત્રામાં કરો.
ઇમેજ કૅપ્શન, ડૉ. મોહન કહે છે, "હું એવું નહીં કહું કે તમારે નાળિયેર તેલ બિલકુલ ન ખાવું જોઈએ અથવા એ બહુ જોખમી છે. જો તમને નાળિયેર તેલ જ પસંદ હોય તો તેનો ઉપયોગ થોડી ઓછી માત્રામાં કરો (પ્રતીકાત્મક તસવીર)

ભારતીય તબીબી સંશોધન પરિષદના ભારતીય ડાયાબિટીસ સંશોધન કાર્યક્રમ 'આઇસીએમઆર-ઇન્ડિયા'ના અભ્યાસમાં સામેલ 18,090 લોકોના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

આ અભ્યાસમાં સામેલ લોકો પાસેથી રસોઈમાં વપરાતા તેલના પ્રકાર વિશે માહિતી લેવામાં આવી.

ત્યાર બાદ તેમના કોલેસ્ટ્રૉલ અને ચયાપચય સાથે સંકળાયેલા અન્ય આરોગ્ય માપદંડો સાથે તેની સરખામણી કરવામાં આવી.

મગફળીનું તેલ વાપરતા લોકોની સરખામણીમાં અન્ય તેલ વાપરતા લોકોમાં એલડીએલ કોલેસ્ટ્રૉલ વધારે હોવાની શક્યતા આ પ્રમાણે હતી:

  • નાળિયેર તેલ: 2.89 ગણી વધુ શક્યતા
  • ઘી અથવા માખણ: 3.45 ગણી વધુ શક્યતા
  • સૂરજમૂખીનું તેલ: 1.49 ગણી વધુ શક્યતા
  • સોયાબીનનું તેલ: 1.81 ગણી વધુ શક્યતા
  • પામ તેલ: 1.77 ગણી વધુ શક્યતા

આ અભ્યાસ વિશે ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. મોહન કહે છે, "ઘણા લોકો કહે છે કે નાળિયેર તેલ ખૂબ સારું હોય છે અને તેનાથી આયુષ્ય વધે છે. પરંતુ આ દાવાના સમર્થનમાં સ્પષ્ટ આંકડા ઉપલબ્ધ નથી."

તેઓ વધુમાં કહે છે, "તાજેતરમાં કરવામાં આવેલા આઇસીએમઆર-ઇન્ડિયાના અભ્યાસને જોઈએ તો તામિલનાડુમાં નાળિયેર તેલનો ઉપયોગ ઘણો ઓછો થાય છે, જ્યારે કેરળ અને ગોવા જેવાં રાજ્યોમાં તેનો ઉપયોગ વધારે થાય છે. ત્યાંના લોકોનું સરેરાશ કોલેસ્ટ્રૉલ તામિલનાડુના લોકોની સરખામણીમાં 40થી 50 મિલીગ્રામ વધારે છે. તેનું એક સરળ કારણ નાળિયેર તેલ હોઈ શકે છે."

જોકે, ડૉ. મોહન કહે છે, "હું એવું નહીં કહું કે તમારે નાળિયેર તેલ બિલકુલ ન ખાવું જોઈએ અથવા એ બહુ જોખમી છે. જો તમને નાળિયેર તેલ જ પસંદ હોય તો તેનો ઉપયોગ થોડી ઓછી માત્રામાં કરો."

શું ઘી અને નાળિયેર તેલથી હાર્ટ ઍટૅક આવે છે?

પોષણ સલાહકાર ડૉ. અરુણકુમાર
ઇમેજ કૅપ્શન, પોષણ સલાહકાર ડૉ. અરુણકુમાર

આ અભ્યાસ એક ચોક્કસ સમયગાળામાં લોકોની ખાણીપીણીની આદતો અને તેમના આરોગ્ય સાથે સંકળાયેલા માપદંડોની સરખામણી કરે છે.

આ અભ્યાસ બંને વચ્ચે સંબંધ હોવા તરફ સંકેત કરે છે, પરંતુ એ સાબિત કરતો નથી કે કોઈ ચોક્કસ તેલ સીધી રીતે હાર્ટ ઍટૅકનું કારણ બને છે.

ડૉક્ટર અને પોષણ સલાહકાર અરુણકુમાર કહે છે, "આ અભ્યાસમાં તમામ લોકોને 14 સવાલનો એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કયું તેલ વાપરે છે, અંદાજે કેટલી માત્રામાં વાપરે છે અને શું તેઓ બહારનું ભોજન પણ કરે છે."

"આવા કેટલાક સવાલ પૂછ્યા પછી એક વખત તેમના કોલેસ્ટ્રૉલની તપાસ કરવામાં આવી. ત્યાર બાદ તેમના જવાબોના આધારે આંકડાની સરખામણી કરવામાં આવી."

તેઓ કહે છે, "આ અભ્યાસનો આધાર માત્ર એટલો છે કે જે લોકોનું કોલેસ્ટ્રૉલનું સ્તર વધારે છે, એમાંથી કેટલા લોકો કયું તેલ વાપરે છે."

"આ સંશોધનમાં સૌથી અગત્યની બાબત એ જાણવાની હોવી જોઈતી હતી કે હાર્ટ ઍટૅકના કેસમાં ઘટાડો થાય છે કે નહીં. પરંતુ આ અભ્યાસમાં એની તપાસ જ કરવામાં આવી નથી."

નાળિયેર તેલ અને ઘીમાં કેટલું સૅચ્યુરેટેડ ફૅટ હોય છે?

ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. મોહન
ઇમેજ કૅપ્શન, ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. મોહન
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આપણા ખોરાકમાં રહેલી ચરબીને સામાન્ય રીતે બે ભાગમાં વહેંચી શકાય છે:

  • સૅચ્યુરેટેડ ફૅટ
  • અનસૅચ્યુરેટેડ ફૅટ

અનસૅચ્યુરેટેડ ફૅટ પણ બે પ્રકારની હોય છે:

  • મોનોઅનસૅચ્યુરેટેડ ફૅટ
  • પૉલીઅનસૅચ્યુરેટેડ ફૅટ

નાળિયેર તેલ, ઘી, માખણ અને પામ તેલમાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ વધારે હોય છે.

દાખલા તરીકે, ઘીમાં 60-65 ટકા સૅચ્યુરેટેડ ફૅટ, 20-25 ટકા મોનોઅનસૅચ્યુરેટેડ ફૅટ, 3-4 ટકા પૉલીઅનસૅચ્યુરેટેડ ફૅટ અને કેટલાંક વિટામિન હોય છે.

નાળિયેર તેલ 100 ટકા ચરબીથી બનેલું હોય છે, જેમાં 80-90 ટકા સૅચ્યુરેટેડ ફૅટ હોય છે.

કેટલાક અભ્યાસોમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે સૅચ્યુરેટેડ ફૅટનું વધુ સેવન એલડીએલ કોલેસ્ટ્રૉલનું સ્તર વધારી શકે છે.

ડૉ. મોહન કહે છે, "આ સૅચ્યુરેટેડ ફૅટમાં ચોક્કસપણે કોલેસ્ટ્રૉલ વધારવાની ક્ષમતા હોય છે."

તેઓ મગફળીના તેલ અને તલના તેલમાં રહેલા મોનોઅનસૅચ્યુરેટેડ ફૅટને વધુ સારો વિકલ્પ ગણાવે છે.

તેઓ કહે છે, "પહેલા ક્રમે મગફળીનું તેલ અને ત્યાર બાદ બીજા ક્રમે તલનું તેલ આવે છે. આ બંનેમાં મુખ્યત્વે મોનોઅનસૅચ્યુરેટેડ ફૅટ હોય છે. એ ખરાબ કોલેસ્ટ્રૉલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રૉલ એટલે કે એચડીએલને વધારે છે."

તેઓ આગળ કહે છે, "જો તમે ભારતના ઉત્તર અને પૂર્વના વિસ્તારોમાં જશો તો ત્યાં સરસવનું તેલ વપરાય છે. એમાં પણ લગભગ મગફળીના તેલ જેટલું જ મોનોઅનસૅચ્યુરેટેડ ફૅટ હોય છે. ત્યાં લોકો આ જ તેલનો ઉપયોગ કરે છે."

એ જ રીતે, "સૂરજમુખીનું તેલ અને કુસુમનું તેલ પૉલીઅનસૅચ્યુરેટેડ ફૅટની શ્રેણીમાં આવે છે. એનાથી ખરાબ કોલેસ્ટ્રૉલ ઘટે છે, એમાં કોઈ શંકા નથી."

'નાળિયેર તેલ સારું કોલેસ્ટ્રૉલ પણ વધારે છે'

આ અભ્યાસ એક ચોક્કસ સમયગાળામાં લોકોની ખાણીપીણીની આદતો અને તેમના આરોગ્ય સાથે સંકળાયેલા માપદંડોની સરખામણી કરે છે.
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ડૉ. અરુણકુમાર કહે છે, "સૅચ્યુરેટેડ ફૅટ એલડીએલમાં થોડો વધારો કરી શકે છે, પરંતુ એની સાથે કેટલાક અન્ય સકારાત્મક ફેરફારો પણ થઈ શકે છે. એ કોલેસ્ટ્રૉલને થોડું વધારે છે, પરંતુ એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રૉલને પણ વધારે છે."

તેઓ કહે છે, "એ જ રીતે ઘીમાં રહેલા શૉર્ટ-ચેઇન ફૅટી ઍસિડ પેટમાં શોષાઈને કેટલાક આરોગ્યલક્ષી લાભ પહોંચાડે છે. તેથી માત્ર કોલેસ્ટ્રૉલમાં થોડો વધારો થવાના આધારે એવું તારણ ન કાઢવું જોઈએ કે એનાથી સીધી રીતે હાર્ટ ઍટૅકનું જોખમ વધે છે."

2020માં જર્નલ 'સર્ક્યુલેશન'માં પ્રકાશિત એક અભ્યાસમાં નાળિયેર તેલને લગતા 16 ક્લિનિકલ અભ્યાસોનાં પરિણામોનું સંયુક્ત વિશ્લેષણ કરવામાં આવ્યું.

એમાં જાણવા મળ્યું કે અન્ય વનસ્પતિ તેલની સરખામણીમાં નાળિયેર તેલ વાપરતા લોકોમાં એલડીએલ કોલેસ્ટ્રૉલનું સ્તર સરેરાશ 10.47 મિલીગ્રામ પ્રતિ ડેસિલિટર વધ્યું હતું. જ્યારે એચડીએલ કોલેસ્ટ્રૉલનું સ્તર 4 મિલીગ્રામ પ્રતિ ડેસિલિટર વધ્યું હતું.

એ જ રીતે, 2020માં પ્રકાશિત એક કોક્રેન સમીક્ષામાં એ તપાસવામાં આવ્યું કે સૅચ્યુરેટેડ ફૅટનું સેવન ઘટાડવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે કે નહીં.

આ સમીક્ષામાં 15 અભ્યાસમાં સામેલ 56,000થી વધારે લોકોના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

એમાં જાણવા મળ્યું કે સૅચ્યુરેટેડ ફૅટનું સેવન ઘટાડવાથી હૃદયરોગ અને સ્ટ્રૉક સહિતની હૃદય સંબંધિત બીમારીઓની કુલ ઘટનાઓમાં 17 ટકાનો ઘટાડો થયો.

જોકે, કુલ મૃત્યુદરમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નહીં.

એલડીએલ કોલેસ્ટ્રૉલનું શું મહત્ત્વ છે?

આ અભ્યાસ અનુસાર, મગફળીનું તેલ વાપરતા લોકોની સરખામણીમાં નાળિયેર તેલ અને ઘી વાપરતા લોકોમાં એલડીએલ કોલેસ્ટ્રૉલનું સ્તર વધારે હોવાની શક્યતા રહે છે
ઇમેજ કૅપ્શન, આ અભ્યાસ અનુસાર, મગફળીનું તેલ વાપરતા લોકોની સરખામણીમાં નાળિયેર તેલ અને ઘી વાપરતા લોકોમાં એલડીએલ કોલેસ્ટ્રૉલનું સ્તર વધારે હોવાની શક્યતા રહે છે

એલડીએલ લોહીમાં કોલેસ્ટ્રૉલને શરીરના વિવિધ કોષો સુધી પહોંચાડતો એક પ્રકારનો લિપોપ્રોટીન કણ છે.

આપણા શરીરના કોષોની કામગીરી માટે કોલેસ્ટ્રૉલ જરૂરી હોય છે. કોષોની બહારની પટલ બનાવવા અને કેટલાક હોર્મોનના ઉત્પાદન માટે એની જરૂર પડે છે.

પરંતુ જ્યારે લોહીમાં એલડીએલ કણોનું પ્રમાણ વધી જાય છે ત્યારે એ રક્તવાહિનીઓની દીવાલો પર ચરબી જમા થવાનું, એટલે કે પ્લાક બનવાનું કારણ બની શકે છે.

એનાથી રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે અને હૃદય સુધી લોહીનો પ્રવાહ પ્રભાવિત થઈ શકે છે. એના કારણે હાર્ટ ઍટૅક અને સ્ટ્રૉકનું જોખમ વધી જાય છે.

2017માં 'યુરોપિયન હાર્ટ જર્નલ'માં પ્રકાશિત યુરોપિયન ઍથેરોસ્ક્લેરોસિસ સોસાયટીના એક સંશોધન અહેવાલે વિવિધ પુરાવાના આધારે એલડીએલ કોલેસ્ટ્રૉલ અને હૃદય સંબંધિત બીમારીઓ વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી હતી.

રસોઈ માટે કયું તેલ વાપરવું સૌથી સારું?

‘કીટો અને પૅલિયો’ જેવા આહાર આયોજનમાં નાળિયેર તેલને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે
ઇમેજ કૅપ્શન, 'કીટો અને પૅલિયો' જેવા આહાર આયોજનમાં નાળિયેર તેલને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે

ડૉ. મોહન કહે છે કે તેલ ખરીદતી વખતે મોનોઅનસૅચ્યુરેટેડ ફૅટ ધરાવતા મગફળીના તેલ અને તલના તેલનો વિકલ્પ પસંદ કરી શકાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2023માં બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર, કોઈ વ્યક્તિની દરરોજની કુલ કૅલરીમાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ 10 ટકાથી વધારે ન હોવું જોઈએ.

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, ચરબીયુક્ત માંસ, માખણ, નાળિયેર તેલ, ઘી અને પ્રાણીજન્ય ચરબીમાં રહેલા સૅચ્યુરેટેડ ફૅટની સરખામણીમાં માછલી, એવોકાડો, સૂકા મેવા, સૂરજમુખી, સોયાબીન, કૅનોલા અને ઑલિવ તેલમાં રહેલા અનસૅચ્યુરેટેડ ફૅટનું સેવન વધુ સારું છે.

ડૉ. મોહન કહે છે, "તેલ ખરીદતી વખતે મોનોઅનસૅચ્યુરેટેડ ફૅટ ધરાવતું મગફળીનું તેલ અને તલનું તેલ પસંદ કરી શકાય છે. સાથે જ તેલનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો પણ મહત્ત્વનું છે."

તેઓ આગળ કહે છે, "પૉલીઅનસૅચ્યુરેટેડ ફૅટ ધરાવતા સૂરજમુખીના તેલનો પણ જરૂર મુજબ ઉપયોગ કરી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી પામ તેલને બદલે બીજા વિકલ્પોને અપનાવવા વધુ યોગ્ય છે."

તેલ વાપરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

ડૉ. મોહન એવી પણ સલાહ આપે છે કે તેલમાં બનેલી વાનગીઓનું વધુ સેવન કરવાનું અને એક જ તેલને વારંવાર ગરમ કરીને વાપરવાનું ટાળવું જોઈએ.

ભારતીય તબીબી સંશોધન પરિષદ હેઠળ કામ કરતી રાષ્ટ્રીય પોષણ સંસ્થા પણ પોતાની આહાર સંબંધિત માર્ગદર્શિકામાં આ બાબત પર ભાર મૂકે છે.

તેઓ કહે છે, "તેલને વારંવાર ગરમ કરવાથી એમાં ઑક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને એવા સંયોજનો બની શકે છે, જે શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી જરૂરિયાત મુજબ જ તેલ વાપરો અને જો તેલ બચી જાય તો એને ફેંકી દો."

ડૉ. અરુણકુમારનું કહેવું છે કે તેલની પસંદગીની સાથે આપણે આપણા સમગ્ર આહાર અને જીવનશૈલી પર પણ ધ્યાન આપવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન