ઇજિપ્ત: હાઇવે પર ટૅન્કરમાં આગ લાગવાથી 31 લોકોનાં મોત, 21 ઘાયલ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઇજિપ્તની રાજધાની કાહિરામાં બુધવારે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત બાદ લાગેલી આગમાં 31 લોકોનાં મોત થયાં છે અને 21 અન્ય ઘાયલ થયા છે.
ઇજિપ્તના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાઇવે પર એક ઈંધણ ટેન્કર અથડાયા બાદ આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્યાંથી પસાર થતા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા.
આ અકસ્માત કાહિરાના વરાક વિસ્તારમાં રિંગ રોડ પર થયો હતો. નજીકની હૉસ્પિટલોમાં દાઝી ગયેલા અને ધુમાડામાં શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા લોકોને સારવાર આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પરના વીડિયોમાં હાઇવે પરથી આગની લપટો અને કાળો ધુમાળો નીકળતો જોવા મળ્યા હતા. આગ એટલી તીવ્ર હતી કે નજીકમાં પાર્ક કરેલાં અનેક વાહનો પણ બળીને ખાખ થઈ ગયાં હતાં.
અધિકારીઓએ હજુ સુધી આગ લાગવાનું કારણ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી, પરંતુ સરકારી મીડિયા અહેવાલો સૂચવે છે કે એક ઈંધણ ટૅન્કર પલટી ગયું હતું, જેના કારણે રસ્તા પર પેટ્રોલ છલકાઈ ગયું હતું અને નજીકનાં વાહનો પણ આગમાં ફસાઈ ગયાં હતાં.
સરકારી અખબારે તપાસથી પરિચિત સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે એક ખાનગી કૉન્ટ્રાક્ટરની માલિકીનું ટૅન્કર હાઇવે પર જઈ રહ્યું હતું, ત્યારે તેની સામે એક હાઇ-વૉલ્ટેજ પાવર લાઇન પડી ગઈ.
ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને ડિવાઇડર ઓળંગીને પલટી ગયાં અને આગ લાગી ગઈ હતી.
ઈરાનના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે ઇઝરાયલ અમેરિકાને બીજું યુદ્ધ કરવા માટે ઉશ્કેરી રહ્યું છે

ઇમેજ સ્રોત, ATTA KENARE / AFP via Getty Images
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ઇઝરાયલના રાસાયણિક હથિયારો બનાવવાના આરોપોનો કડક જવાબ આપ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિદેશ મંત્રી અરાઘચીએ બુધવારે કહ્યું હતું કે ઈરાન પર રાસાયણિક હથિયારો વિકસાવવા અને છુપાવવાના આરોપો પાયાવિહોણા છે અને તેમનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં તણાવ વધારવાનો છે.
વાસ્તવમાં, આ પહેલા પણ ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે ઇરાન પર કેમિકલ વેપન વિકસાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ ઇરાનને આવી ક્ષમતા પ્રાપ્ત કરવા દેશે નહીં.
તેના પર પ્રતિક્રિયા આપતા, અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું, "ઇઝરાયલી શાસને ન્યુક્લિયર, કેમિકલ અથવા બાયોલૉજિકલ વેપન પર પ્રતિબંધ મૂકતી કોઈપણ સંધિમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. તેની પાસે સેંકડો પરમાણુ શસ્ત્રો છે. તેણે આ ક્ષેત્રના સાત દેશો પર હુમલો કર્યો છે અને ત્રણમાં પ્રદેશ પર કબજો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં જ તેણે અમેરિકાને ઇરાન સામે બે નિષ્ફળ યુદ્ધોમાં ખેંચી લીધું છે."
"હવે આ યુદ્ધ ભડકાવવાળો દેશ બેશરમીપૂર્વક ઈરાન પર આરોપો લગાવી રહ્યો છે. ઈરાન પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) પર હસ્તાક્ષર કરવવાળો દેશ છે, રાસાયણિક શસ્ત્રો રોક લગાવનાર સંગઠન (ઓપીસીડબ્લ્યુ)નો સભ્ય છે અને પોતે રાસાયણિક શસ્ત્રોનો ભોગ બન્યો છે."
"આ શસ્ત્રો પશ્ચિમ જર્મની દ્વારા સદ્દામ હુસૈનના શાસનને પૂરા પાડવામાં આવ્યા હતા. તેમ છતાં ઇઝરાયલ ઈરાન પર ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓમાં આવા ખતરનાક શસ્ત્રોનું ઉત્પાદન અને છુપાવવાનો આરોપ લગાવી રહ્યું છે."
અરાઘચીએ કહ્યું કે આવા નિવેદનો દ્વારા ઇઝરાયલ અમેરિકાને યુદ્ધમાં ઘસડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને તેમના આરોપો સંબંધિત કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન























