સુરત : 'નવો હાઈવે બનશે તો અમે જમીનવિહોણા થઈ જઈશું', માંડવી નજીકના આદિવાસી ખેડૂતો કેમ ગુસ્સામાં છે?

'હાઈવે માટે જમીન આપીશું તો અમારી ખેતી બરબાદ થઈ જશે', સુરત નજીક ખેડૂતો કેમ ગુસ્સામાં છે?
ઇમેજ કૅપ્શન, (ફાઇલ ફોટો)
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

"અમારે અહીં મોટા ભાગના નાના ખેડૂતો છે અને બધા પાસે બહુ ઓછી જમીન છે. હાઈવે બનાવવા માટે જમીન આપીએ તો એમાં અમારા કૂવા પણ જતા રહે અને બરબાદ થઈ જઈએ. નવા હાઈવે માટે અમારી જમીન લેવામાં આવે તેની સામે અમારો ચોખ્ખો વિરોધ છે."

આ શબ્દ છે સુરતના માંડવી તાલુકાના સરકુઈ ગામના સરપંચ કમલેશ ચૌધરીના.

આ વિસ્તારમાં નૅશનલ હાઇવે 56નું કામ ચાલી રહ્યું છે અને તેના માટે જમીન સંપાદનની કામગીરી ચાલુ છે. જોકે, આસપાસનાં ગામડાંના ખેડૂતો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

ગયા અઠવાડિયે કથિત રીતે નૅશનલ હાઇવે ઑથોરિટીના લોકો ગામનાં ખેતરોમાં જમીનનો સર્વે કરવા આવ્યા ત્યારે લોકોમાં રોષ ફેલાયો હતો અને તેમણે સર્વે કરનાર ટીમના લેપટૉપ, ડ્રોન, ડ્રોનના રિમોટ સહિતનાં સાધનો પોતાના કબજામાં લઈ લીધાં હતાં અને સર્વે કરવા દીધો ન હતો.

સ્થાનિક તંત્ર અને પોલીસની સમજાવટ પછી આ સાધનો પરત કરવામાં આવ્યાં હતાં. જોકે, ખેડૂતો કહે છે કે જમીન મામલે તેઓ નમતું જોખવાના નથી અને લડત આપશે.

'હાઈવે માટે જમીન આપીશું તો અમારી ખેતી બરબાદ થઈ જશે', સુરત નજીક ખેડૂતો કેમ ગુસ્સામાં છે?
ઇમેજ કૅપ્શન, NH-56ના જે ભાગમાં હાઇવેને અપગ્રેડ કરવાનું કામ થવાનું છે તેનો રૂટ

ફેબ્રુઆરી 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (સીસીઈએ)ની બેઠક મળી હતી, જેમાં નૅશનલ હાઈવે 56ના ધામસિયા-બિટાડા અને નાસરપોર - માલોઠા સેક્શનને અપગ્રેડ કરી ફોર લેન કરવાના પ્રોજેક્ટને મંજૂરી અપાઈ હતી.

આ પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાંથી પસાર થશે અને તેનાથી દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ જિલ્લાની કનેક્ટિવિટી વધશે.

સરકારી રિલીઝ પ્રમાણે નૅશનલ હાઈવે 56ના આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 107 કિમીના પટ્ટાને અપગ્રેડ કરવામાં આવશે જેના માટે 4583 કરોડ રૂપિયા ફાળવાયા છે.

તેના કારણે વાહનો સરેરાશ 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે અને લગભગ 40 ટકા જેેટલા સમયની બચત થશે.

સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા જ્યાં આવેલી છે તે સ્ટેચ્યુ ઑફ યુનિટીની કનેક્ટિવિટી પણ સુધરશે કારણ કે કેવડિયા કૉલોનીથી નૅશનલ હાઈવે 56 માત્ર 11 કિમીના અંતરે આવેલો છે.

ખેડૂતો કેમ વિરોધ કરે છે?

હાઈવે માટે જમીન સંપાદનના વિરોધ મામલે ખેડૂતોએ બેઠક યોજી હતી અને વકીલોને મળ્યા હતા.
ઇમેજ કૅપ્શન, હાઈવે માટે જમીન સંપાદનના વિરોધ મામલે ખેડૂતોએ બેઠક યોજી હતી અને વકીલોને મળ્યા હતા.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સરકુઈ ગામના સરપંચ કમલેશ ચૌધરી કહે છે કે, "અમારા માટે ફળદ્રુપ જમીન જ સર્વસ્વ છે. અહીં મોટા ભાગના ખેડૂતો પશુપાલન પણ કરે છે અને તેની આવકમાંથી જ ઘર ચલાવે છે. તેથી ઘાસચારાનો આધાર પણ જમીન પર જ છે. અમારી માંગણી છે કે, હાલમાં જે હાઈવે છે તેને જ પહોળો કરવામાં આવે અને અમારી જમીનને છોડી દેવામાં આવે."

તેમણે કહ્યું કે, "અમે કહીએ છીએ કે ગામને વચ્ચેથી ચીરીને હાઈવે ન કાઢો. નજીકમાં જૂનો હાઈવે પહેલેથી છે તેેને ફોર-લેન કરી શકાય. પરંતુ તેના બદલે સરકાર માંડવી નજીકનાં સથવાવ, સરકોઈ, ભેડદા અને કાકરાપાર ગામમાંથી હાઈવે કાઢે છે અને એલાઇનમેન્ટ માટે નવી જ જમીન સંપાદન કરી રહ્યા છે."

"અહીંના આદિવાસી ખેડૂતો પાસે માંડ એકથી બે વિઘા જમીન છે. હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવશે તો આ ખેડૂતો જમીનવિહોણા થઈ જશે."

કમલેશભાઈના કહેવા મુજબ "હાઈવે માટે સર્વે કરનારી ટીમોએ સૌથી પહેલાં પંચાયતની મંજૂરી લેવી જોઈતી હતી. તેના બદલે તેઓ સીધા આવ્યા અને સર્વે કરવા લાગ્યા."

"તેમણે સરપંચ કે તલાટીને પણ આની જાણ કરી ન હતી. તેથી લોકોએ તેમનાં સાધનો કબજે કરી લીધાં હતાં."

આગામી દિવસોમાં ગ્રામીણો આ મામલે બેઠક કરવાના છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલે કેસ ચાલુ છે તેમ તેમણે કહ્યું હતું.

આતિશ પટેલ નામના એક ખેડૂતે કહ્યું કે અમે હાઈવે ઑથોરિટીના અધિકારીઓ સાથે વાત કરવા માગીએ છીએ, પરંતુ તેઓ અમને મળવાનું ટાળે છે. આ મામલો હાઈકોર્ટમાં ચાલે છે ત્યારે અમારી જમીન પર સર્વે કરવાની મંજૂરી કોણે આપી તે સવાલ છે.

તેમના કહેવા ખેડૂતોને જમીન માટે જંત્રી પ્રમાણે વિઘા દીઠ 12થી 13 લાખનો ભાવ ચુકવાય છે તે પણ બહુ નીચો છે, અમારે આનાથી બેથી ત્રણ ગણો ભાવ મળે તો પણ અમારે જમીન આપવી નથી.

કમલેશ ચૌધરી કહે છે કે, "આ વખતે વરસાદ વહેલો બંધ થઈ ગયો જેના કારણે પાકમાં નુકસાન જશે. અહીં ખેડૂતો ડાંગ, ઘઉં, જુવાર, શેરડી અને શાકભાજી વાવતા હોય છે."

ધરણાં પ્રદર્શનો યોજવા તૈયારી

'હાઈવે માટે જમીન આપીશું તો અમારી ખેતી બરબાદ થઈ જશે', સુરત નજીક ખેડૂતો કેમ ગુસ્સામાં છે?
ઇમેજ કૅપ્શન, એનએચ 56ના અપગ્રેડેશનના પ્રોજેક્ટથી ગુજરાતના આદિવાસી પટ્ટામાં કનેક્ટિવિટી ઝડપી બનશે એવું કહેવામાં આવે છે, પરંતુ તેમાં ખેડૂતોને જમીન ગુમાવવી પડે તેમ છે.

નગીનભાઈ ચૌધરી નામના એક ખેડૂતે બીબીસીને જણાવ્યું કે કોઈ કૉન્ટ્રાક્ટરે મોકલ્યા છે એવું કહીને ત્રણ લોકો અહીં સર્વે માટે આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, "તેઓ ગ્રામ સભાની મંજૂરી વગર અમારાં ખેતરોમાં આવ્યા હોવાથી અમે તેમનાં સાધનો લઈ લીધાં હતાં. ત્યારબાદ તેમણે લેખિતમાં અમારી માફી માગી તેથી અમે તેમનાં સાધનો પરત આપી દીધાં હતાં"

તેમના કહેવા પ્રમાણે "ગ્રામસભાએ હાઈવે બનાવવા માટે જમીન આપવાનો પહેલેથી ઇનકાર કર્યો છે અને 2022થી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે."

"અમારી મુખ્ય માંગણી એ છે કે માંડવી પાસે પહેલેથી એક રસ્તો છે તેને જ પહોળો કરવામાં આવે અને અમારી જમીનને સ્પર્શવામાં ન આવે."

"તેના બદલે હાઈવે ઑથોરિટી કાકરાપાર પાસેથી અલગ ગામોમાંથી રસ્તો કાઢે છે. આ ઉપરાંત અમને વળતર પણ બહુ ઓછું પડે છે."

નગીનભાઈએ કહ્યું કે તેમણે આ મામલે એનએચએઆઈમાં આરટીઆઈ કરીને વિગતો માગી છે, પરંતુ તેમને વિગતો આપવામાં નથી આવી. હવે તેઓ આગામી દિવસોમાં ધરણાં પ્રદર્શન કરવા માંગે છે, પરંતુ તેની મંજૂરી પણ હજુ સુધી નથી મળી.

આ મામલે માંડવીના મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રીએ જણાવ્યું કે તેઓ તે દિવસે બહાર હોવાથી ઘટના વિશે પૂરતી માહિતી નથી.

ખેડૂતોના કહેવા પ્રમાણે તેમણે આ મામલે એનએચએઆઈના અધિકારી સંજય શર્મા સાથે વાત કરીને પોતાનો પક્ષ સમજાવ્યો હતો. બીબીસીએ સંજય શર્મા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે "ખેડૂતોને જેમની સાથે વિવાદ થયો તે કૉકોન્ટ્રાક્ટરના માણસો હતા." તેમણે આ વિશે વધુ કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો.

અન્ય જગ્યાએ પણ વિરોધ

ગુજરાતમાં અન્ય ભાગોમાં પણ ખેડૂતો દ્વારા હાઈવે અને બીજા રોડ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિરોધ થઈ રહ્યો છે.

બે દિવસ અગાઉ બનાસકાંઠાના પાલનપુરમાં પણ લગભગ 22 ગામના લોકોએ એક બાયપાસ રોડના વિરોધમાં બેઠક યોજી હતી.

આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ વળતર મામલે ખેડૂતોનો વિરોધ હોવાથી ગયા સપ્તાહમાં એનએચએઆઈની ટીમ અમુક ગામોમાં જમીન માપણી કર્યા વગર પાછી ફરી હતી.

એનએચ-56ના વાપી-શામળાજી હાઈવે પ્રોજેક્ટ માટે મે મહિનામાં પણ માંડવીના કેટલાક ગામોના ખેડૂતોએ વિરોધ નોંધાવીને હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.

બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન