ભારતમાં આશરો લેનારા આ શરણાર્થીઓ હવે પરત કેમ જવા માગતા નથી?

- લેેખક, મોહન અને રંજન અરુણ પ્રસાદ
- પદ, બીબીસી તામિલ માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 10 મિનિટ
"28 વર્ષ તામિલનાડુમાં રહ્યા પછી 2018માં હું શ્રીલંકા પાછો ફર્યો હતો. પરંતુ અહીંની પરિસ્થિતિ ત્યાંના કરતાં પણ વધુ મુશ્કેલ છે. ઘણા લોકો અહીં આવ્યા અને પાછા જતા રહ્યા છે."
શ્રીલંકાના વાવુનિયા વિસ્તારમાં રહેતા વિશ્વનાથનના આ શબ્દો છે.
2011થી અત્યાર સુધીમાં તામિલનાડુમાંથી શ્રીલંકા પાછા ફરેલા 10,000થી વધુ લોકોમાં વિશ્વનાથન પણ એક છે.
"અમને જીવનની પાયાની સુવિધાઓ આપવામાં આવે તો અમે શ્રીલંકા કરતાં ભારતમાં રહેવાનું વધુ પસંદ કરીએ. તમે અમને શરણાર્થીઓના નામે અહીં રાખ્યા છે, પરંતુ ભારતમાં ગુજરાન ચલાવવું પણ સહેલું નથી."
આ શબ્દો ચેન્નઈ નજીક આવેલા ગુમ્મિડિપુંડીની શ્રીલંકન તામિલ પુનર્વસન શિબિરમાં રહેતા ગુણશેખરનના છે.
તામિલનાડુમાં હજુ પણ આશરે 90,000 શ્રીલંકન તામિલો રહે છે. આ લોકો તામિલનાડુમાં ઠેરઠેર આવેલી શ્રીલંકન તામિલ પુનર્વસન શિબિરોમાં રહે છે અથવા શિબિરોની બહાર રહીને પોલીસમાં નોંધણી કરાવે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેનો શ્રીલંકન તામિલોનો મુદ્દો દાયકાઓથી ચાલતો આવ્યો છે.
2009થી શ્રીલંકન તામિલોનું શ્રીલંકા પાછા ફરવાનું ચાલુ છે. જોકે, ગયા વર્ષે પાછા ફરેલા કેટલાક લોકોની પૂછપરછ થઈ હોવાના અહેવાલો બાદ આ પ્રક્રિયા કામચલાઉ ધોરણે અટકાવી દેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન, ગયા ઑગસ્ટમાં શ્રીલંકાની સરકારે આ મુદ્દે નવી જાહેરાત કરી હતી. તેમાં ભારતમાં રહેતા શ્રીલંકન તામિલોને સ્વદેશ પાછા ફરવા અપીલ કરવામાં આવી હતી.
પરંતુ સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થીઓ માટેની હાઈ કમિશનર કચેરી (UNHCR)ના અહેવાલ મુજબ, આ વર્ષે સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં માત્ર આઠ લોકો જ શ્રીલંકા પાછા ફર્યા હતા.
આ ઉપરાંત, UNHCRએ જણાવ્યું છે કે હાલમાં આશરે 30 લોકોએ શ્રીલંકા પાછા ફરવાની તૈયારી દર્શાવી છે અને તેમની પ્રક્રિયા જુદાજુદા તબક્કામાં છે.
શ્રીલંકા પાછા ફરતા લોકો માટેની વ્યવસ્થાની દેખરેખ UNHCR રાખે છે અને તેમને પાયાની સહાય પણ પૂરી પાડે છે.
તામિલનાડુમાં રહેતા શ્રીલંકન તામિલો સ્વદેશ પાછા ફરવા માગે છે કે કેમ અને તામિલનાડુમાંથી શ્રીલંકા પાછા ફરેલા લોકોની હાલની સ્થિતિ કેવી છે, એ જાણવા બીબીસી તામિલે તામિલનાડુ અને શ્રીલંકામાં સ્થળ પર જઈને અભ્યાસ કર્યો હતો.
ગયા વર્ષે શું બન્યું હતું?
2025માં તામિલનાડુમાંથી શ્રીલંકા પાછા ફરેલા કેટલાક લોકોની કોલંબો અને જાફનામાં પૂછપરછ કરવામાં આવી હોવાના અહેવાલો આવ્યા હતા.
આ મુદ્દો ચર્ચાનો વિષય બનતાં UNHCRએ શ્રીલંકન તામિલોને સ્વદેશ પાછા મોકલવાની પ્રક્રિયા કામચલાઉ ધોરણે અટકાવી દીધી હતી.
આવા બે કિસ્સા નોંધાયા હતા. UNHCRના જણાવ્યા અનુસાર, એક કિસ્સામાં એ જ દિવસે અને બીજા કિસ્સામાં એક દિવસ પછી જામીન મળી ગયા હતા.
શ્રીલંકન સરકારે કઈ જાહેરાત કરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાની સરકારે તામિલનાડુમાં રહેતા શ્રીલંકન તામિલોના મુદ્દે એક નિવેદન બહાર પાડ્યું હતું.
સરકારે જણાવ્યું હતું કે ભારતમાં રહેતા શ્રીલંકન તામિલ શરણાર્થીઓ સ્વેચ્છાએ સ્વદેશ પાછા ફરી શકે એ માટેની ઇમિગ્રેશન પ્રક્રિયા સરળ બનાવવાની અને કાનૂની તથા વહીવટી અડચણો દૂર કરવાની દરખાસ્તને શ્રીલંકાના મંત્રીમંડળે મંજૂરી આપી છે.
જોકે, આ અંગે હજી સુધી કોઈ વધુ જાહેરાત કે માહિતી બહાર પાડવામાં આવી નથી.
તામિલનાડુમાં શિબિરોની બહાર રહેતા 33,000થી વધુ લોકોએ પોલીસમાં નોંધણી કરાવી છે.
ચેન્નઈમાં રહેતા શ્રીલંકન તામિલ કાર્યકર શાન માસ્ટરનું કહેવું છે કે ભારતમાં અને અન્ય દેશોમાં રહેતા શ્રીલંકન તામિલોને આ જાહેરાતથી ખાસ આશા બંધાઈ નથી.

બીબીસી તામિલ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "એવું નથી કે આવી જાહેરાત પહેલી વાર કરવામાં આવી છે. 2015માં શ્રીલંકામાં સત્તાપલટો થયો ત્યારે તત્કાલીન સરકારે પણ આવી જ જાહેરાત કરી હતી, પરંતુ આટલાં વર્ષોમાં ખાસ કંઈ બદલાયું નથી."
તેમણે વધુમાં કહ્યું, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્વદેશ પાછા ફરેલા કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી અને તેમની ધરપકડ પણ થઈ. આ કારણે અહીંના લોકોમાં ભય ફેલાયો છે."
શ્રીલંકાના મંત્રી રામલિંગમ ચંદ્રશેખરે બીબીસી તામિલને જણાવ્યું હતું કે ભૂતકાળમાં આવી કેટલીક ધરપકડો થઈ હતી એ વાત સ્વીકારી હતી.
મંત્રીમંડળના નિર્ણય વિશે વધુમાં તેમણે કહ્યું, "આપણે એવી સ્થિતિમાં હોવું જોઈએ કે પાછા ફરતા લોકોને આવકારીએ, તેમને રોકીએ નહીં કે અડચણો ઊભી કરીએ નહીં. મંત્રીમંડળના નિર્ણયનો મૂળ હેતુ એ છે કે ભારતમાંથી શ્રીલંકા પાછા ફરતા શરણાર્થીઓને કોઈ પણ અડચણ વિના સ્વીકારવા અને આવકારવા માટે પગલાં લેવાં જોઈએ."
'પાછા ફરનારાઓની સંખ્યા સતત ઘટી રહી છે'
ભૂતકાળમાં તામિલનાડુમાંથી શ્રીલંકા પાછા ફરનારા લોકોની સંખ્યામાં વધઘટ થતી રહી છે, પરંતુ એકંદરે તેમાં ધીમેધીમે ઘટાડો થયો હોવાનું જોવા મળે છે.
ઉદાહરણ તરીકે, 2011માં સૌથી વધુ 1,673 લોકો શ્રીલંકા પાછા ફર્યા હતા. 2017માં આ સંખ્યા 1,520 હતી. કોરોનાકાળ દરમિયાન આ સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો. 2020માં 196 અને 2021માં માત્ર 96 લોકો પાછા ફર્યા હતા. ત્યાર બાદ આ સંખ્યા થોડી વધી, પરંતુ અગાઉના સ્તરે પહોંચી શકી નથી. 2025માં માત્ર 92 લોકો જ શ્રીલંકા પાછા ફર્યા હતા.
તાજેતરની ઘટનાઓમાં કાનૂની કેસો અને તપાસની મોટી ભૂમિકા રહી છે, પરંતુ આજીવિકાનો પ્રશ્ન પણ એટલો જ મહત્ત્વનો છે.
'જ્યાં પહેલાં 25 પરિવારો રહેતા, ત્યાં હવે માત્ર બે જ પરિવારો છે'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શ્રીલંકા પાછા ફરેલા લોકોને જુદાંજુદાં નગરોમાં ફરી વસાવવામાં આવ્યા હતા. આવું જ એક સ્થળ છે વાવુનિયામાં આવેલું કંચનામોટ્ટાઈ નામનું ગામ.
આ વિસ્તારના રહેવાસી વિશ્વનાથન કહે છે કે શરૂઆતમાં અહીં 25 પરિવારો આવીને વસ્યા હતા.
તેઓ 1990માં તામિલનાડુ આવ્યા હતા અને 2018માં શ્રીલંકા પાછા ફર્યા હતા.
વિશ્વનાથન કહે છે, "આઠ વર્ષમાં અહીં ખાસ કંઈ બદલાયું નથી. તમે ત્યાંથી અહીં આવો અને તમારી પાસે થોડી સુખસગવડ હોય તો જ અહીં રહી શકો. કશું જ ન હોય તો અહીં કંઈ કરી શકાતું નથી."
તેમણે એમ પણ કહ્યું કે અહીં પાયાની સુવિધાઓમાં પણ કોઈ સુધારો થયો નથી.
વળી, આ વિસ્તારમાં હાથીઓ મોટી સંખ્યામાં વસે છે અને અવારનવાર માનવવસાહતોમાં ઘૂસી આવે છે. તેથી ઘણા પરિવારો અહીંથી બીજે સ્થળે જઈને ભાડાના મકાનોમાં રહેવા લાગ્યા છે.
એક સમયે જ્યાં 25 પરિવારો રહેતા હતા, ત્યાં હવે માત્ર બે જ પરિવારો રહ્યા છે.
1990ના દાયકામાં તામિલનાડુ આવેલા જીવદયાલન 2022માં શ્રીલંકા પાછા ફર્યા હતા. હાલમાં તેઓ મુલ્લૈતિવુમાં રહે છે. તેમના મતે, ભારતમાં રહેતા લોકો માટે શ્રીલંકા પાછા જવું સહેલું નથી.
જીવદયાલને બીબીસી તામિલને કહ્યું, "ભારતમાં રહીને કમાયેલા પૈસામાંથી મેં 2017માં શ્રીલંકામાં 27 લાખ રૂપિયાના ખર્ચે એક ઘર અને બગીચો ખરીદ્યાં હતાં. આજે એ જ મિલકત ખરીદવા માટે બે કરોડ રૂપિયા ખર્ચવા પડે. ભારતમાંથી આવતા લોકો માટે જમીન ખરીદવી એ મોટી મુશ્કેલી બની શકે છે."
'80 ટકા લોકો ભારતમાં જ રહેવા માગે છે'

1990ના દાયકાથી તામિલનાડુ અને શ્રીલંકા વચ્ચે અનેક વાર આવ-જા કરનારા નડેસલિંગમ 2019માં કાયમી ધોરણે શ્રીલંકા પાછા ફર્યા હતા. હાલમાં તેઓ મુલ્લૈતિવુમાં રહે છે.
કાર્યકર નડેસલિંગમ કહે છે, "મારા અંદાજ મુજબ, તામિલનાડુમાં રહેતા લગભગ 80 ટકા લોકો સ્વદેશ પાછા ફરવા તૈયાર નથી." તેમણે ઉમેર્યું હતું કે તેઓ નાગરિકતા મેળવવા માટે સ્થળાંતર કરી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું, "બાકીના 20 ટકા લોકો પણ બાળકોના શિક્ષણ અને રોજગાર જેવી સમસ્યાઓને કારણે તાત્કાલિક સ્વદેશ પાછા ફરી શકે તેમ નથી."
તેમણે કહ્યું, "તામિલનાડુમાં રહીને લોકોએ કમાણી કરી છે અને પોતાના ઘર માટે જરૂરી વસ્તુઓ ખરીદી છે. તેઓ અહીં આવીને એ બધી વસ્તુઓ ફરીથી ખરીદી શકે તેમ નથી. એ વસ્તુઓ અહીં લાવવાની પણ કોઈ વ્યવસ્થા નથી. એ માટે પરવાનગી અપાવી જોઈએ."
તેમણે વધુમાં કહ્યું, "રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. જમીન, રહેઠાણ, આજીવિકા સહાય યોજના અને આવાસ યોજના પૂરી પાડવી જોઈએ. ઓછામાં ઓછા છ મહિના માટે રાહત પૅકેજ આપવું જોઈએ."
'80 ટકા લોકો ભારતમાં જ રહેવા માગે છે'

તામિલનાડુના 29 જિલ્લાઓમાં આવેલી કુલ 105 શિબિરોમાં 56,000થી વધુ લોકો રહે છે. તેમાં રામનાથપુરમ જિલ્લામાં આવેલી મંડપમ શિબિર પણ સામેલ છે.
મંડપમ શિબિરમાં રહેતાં મસિલા દેવીએ બીબીસી તામિલને કહ્યું, "અમારાં બાળકોનો જન્મ અહીં થયો છે અને તેઓ અહીં જ ઊછર્યાં છે. અહીંયાં તેઓ સારી રીતે ભળી ગયાં છે. એટલે અમે શ્રીલંકા પાછા જવા માગતાં નથી."
"કેટલાક લોકો જવા માગે છે, તો ભલે જાય. પરંતુ મારા જેવા ઘણા લોકો નાગરિકતા મેળવવા માગે છે, તેમને પણ નાગરિકતા મળવી જોઈએ."

તામિલનાડુના 29 જિલ્લાઓમાં આવેલી કુલ 105 શિબિરોમાં 56,000થી વધુ લોકો રહે છે. તેમાં રામનાથપુરમ જિલ્લામાં આવેલી મંડપમ શિબિર પણ સામેલ છે.
મંડપમ શિબિરમાં રહેતાં મસિલા દેવીએ બીબીસી તામિલને કહ્યું, "અમારાં બાળકોનો જન્મ અહીં થયો છે અને તેઓ અહીં જ ઊછર્યાં છે. અહીંયાં તેઓ સારી રીતે ભળી ગયાં છે. એટલે અમે શ્રીલંકા પાછા જવા માગતાં નથી."
"કેટલાક લોકો જવા માગે છે, તો ભલે જાય. પરંતુ મારા જેવા ઘણા લોકો નાગરિકતા મેળવવા માગે છે, તેમને પણ નાગરિકતા મળવી જોઈએ."

જોકે, મંડપમ શિબિરમાં રહેતા મોહને બીબીસી તામિલને કહ્યું હતું કે શ્રીલંકા પાછા ફર્યા પછી ત્યાં કેવા સંજોગોનો સામનો કરવો પડશે તેની બીકને કારણે કેટલાક લોકો પાછા જતાં ખચકાય છે.
તેમણે કહ્યું, "લોકોને કાનૂની કેસોમાં ફસાઈ જવાનો ડર છે. શ્રીલંકાની સરકાર જો એવી ખાતરી આપે કે પાછા ફરનારા સૌને શ્રીલંકાના નાગરિક તરીકે કોઈ મુશ્કેલી વિના સ્વીકારવામાં આવશે, તો ઘણા લોકો પાછા જશે."
"ભારતમાં નાગરિકતા મેળવવી એ અમારો હક છે. તેથી પોતાના દેશમાં પાછા જવાથી આજીવિકા અને ભવિષ્યની દૃષ્ટિએ ફાયદો થશે."
'હું મારાં બાળકોને પાછળ છોડીને જવા માગતી નથી'

1990ના દાયકામાં તામિલનાડુ આવેલા ઘણા પરિવારોની બે પેઢીઓએ પોતાનું જીવન ભારતમાં વિતાવ્યું છે.
ચેન્નઈ નજીક આવેલી ગુમ્મિડિપુંડી શિબિરમાં આશરે 1,000 પરિવારો રહે છે.
આ શિબિરનાં રહેવાસી ઉદયમલર કહે છે કે શ્રીલંકામાં પ્રવર્તતી અનિશ્ચિતતાને કારણે તેઓ પાછા ફરતાં ખચકાય છે.
તેમણે કહ્યું, "1990માં અમારાં ઘર તોડી પાડવામાં આવ્યાં હતાં. અમારી પાસે જમીન પણ છે કે નહીં તેની અમને ખબર નથી. અમારાં બધાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ અહીં જ રહે છે. ત્યાં પાછા જઈને દુઃખી થવા કરતાં અમે અહીં જ રહેવા માગીએ છીએ."
'બંને તરફ છે રોજગારીના પ્રશ્નો'

તામિલનાડુમાં રહેતા શ્રીલંકન તામિલોને શિક્ષણ માટે સરકારી યોજનાઓ અને ખાનગી સંસ્થાઓની મદદ મળે છે. જોકે, ગુમ્મિડિપુંડી શિબિરમાં રહેતાં સૂટ્ટિયામ્મલ કહે છે કે તેમને રોજગારી મેળવવામાં મુશ્કેલી પડે છે.
બીબીસી તામિલ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "મારો દીકરો 20 વર્ષ પહેલાં શ્રીલંકા પાછો ગયો હતો અને અત્યારે ત્રિંકોમાલીમાં રહે છે. તેને હજી સુધી ઘર મળ્યું નથી. ત્યાંના લોકો સારા હોય તો જ અમને વિશ્વાસ બેસે. ભારતમાં અગાઉની પેઢીઓને જે કામ મળતાં હતાં, એ જ કામ અમે કરીએ છીએ."
તેમણે વધુમાં કહ્યું, "પરંતુ અમારાં બાળકો ડૉક્ટર અને એન્જિનિયર જેવી ડિગ્રીઓ મેળવે છે. છતાં તેમને તેમના અભ્યાસને અનુરૂપ સારી નોકરીઓ મળતી નથી."
જીવદયાલન કહે છે કે શ્રીલંકામાં પણ આવી જ સ્થિતિ છે. તેમના જણાવ્યા મુજબ, ત્યાં બૅન્કમાંથી લોન મેળવવામાં પણ મુશ્કેલી પડે છે.
તેમણે કહ્યું, "મારાં બાળકોનો જન્મ તામિલનાડુમાં થયો છે. તેમણે ત્યાં જ અભ્યાસ કર્યો છે. પરંતુ તેમને બૅન્કમાંથી કંઈ મળતું નથી. ભારતમાં લોકો તેમને જુએ ત્યારે શ્રીલંકન કહે છે અને શ્રીલંકામાં જુએ ત્યારે ભારતીય કહે છે. તો પછી મારાં બાળકોએ જવું ક્યાં? આવી સમસ્યા છે. આ ખરેખર માનસિક તાણ પેદા કરે છે."
શ્રીલંકા પાછા ફરેલા લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે ખરો?
નડેસલિંગમનું કહેવું છે કે શ્રીલંકા પાછા ફરેલા લોકોને સરકારની 'અસ્વેસુમા યોજના'નો લાભ તાત્કાલિક મળવો જોઈએ.
પરંતુ આ મહત્ત્વાકાંક્ષી યોજના આઠ વર્ષ પછી પણ સાકાર થઈ નથી, એવું વિશ્વનાથન કહે છે.
બીબીસી તામિલ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "મને ભારતથી અહીં પાછા આવ્યે આઠ વર્ષ થઈ ગયાં છે. અહીં જન્મેલા લોકોને તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે છે. પરંતુ અમે ભારે મુશ્કેલીઓ વેઠીને અહીં આવ્યા અને અમારી જવાબદારીઓ પણ નિભાવી. છતાં અમને કોઈ સહાય યોજનાનો લાભ મળ્યો નથી."
તેમણે કહ્યું, "મારાં ચાર બાળકો ભણે છે. હું એકલો જ છું. અહીં બગીચાઓની ખેતી અને જાળવણી કરીને અમે ગુજરાન ચલાવીએ છીએ. ચાર બાળકોના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવવાનો છે. ઘરમાં ખાવા-પીવાની સ્થિતિ વિશે તો શું કહું? આવી છે અમારી હાલત."
લોકોની અપેક્ષાઓ શી છે?

ગુમ્મિડિપુંડી શિબિરમાં રહેતા ગુણશેખરન માત્ર પાંચ મહિનાના હતા ત્યારે તામિલનાડુ આવ્યા હતા.
બીબીસી તામિલ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "શિબિરની અંદર આવેલી ગટરોની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી. ગટરો ખુલ્લી છે, તેના પર ઢાંકણાં નથી. કેટલીક જગ્યાએ ગટરોમાં અવરોધો પણ છે. 36 વર્ષમાં ખાસ કંઈ બદલાયું નથી."
"પાયાની સુવિધાઓ સુધારી દેવામાં આવે તો અમને વાંધો નથી. તમે અમને શરણાર્થીઓના નામે અહીં રાખ્યા છે, પરંતુ ભારતમાં જ અમારું ગુજરાન સારી રીતે ચાલી શકે છે."

2007માં તામિલનાડુ આવેલા પ્રદીપન હાલમાં ગુમ્મિડિપુંડી શિબિરમાં રહે છે.
બીબીસી તામિલ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "લોકો શ્રીલંકા પાછા જવા તૈયાર છે. તેમને આર્થિક સહાય આપવી જોઈએ. ઓછામાં ઓછું એક કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ. પરિવારમાં ઘણા લોકો હોય છે. એ બધાં માટે અલગ અલગ ઘર બાંધી આપવાં જોઈએ. ખેતી કરતા લોકોને જમીન આપવી જોઈએ."
"સરકારે આ વચનો આપવામાં છેતરવા ન જોઈએ. શ્રીલંકા ગયા પછી તેમને તરછોડી દેવા ન જોઈએ. શ્રીલંકા ગયેલા કેટલાક લોકો પાછા આવી ગયા હોવાના કિસ્સા પણ છે."
સરકારનો જવાબ શો છે?

શ્રીલંકાના મંત્રી રામલિંગમ ચંદ્રશેખરે શ્રીલંકા પાછા ફરનારા લોકોની માગણીઓ અંગે બીબીસી તામિલ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "તેઓ અહીં આવે ત્યારે સૌથી પહેલાં તેમને જમીન આપવાનું અમારું કામ છે. જ્યાં જમીન આપવામાં આવે ત્યાં રસ્તા, વીજળી અને પાણીની સુવિધા ખાસ મહત્ત્વની છે. આ બાંધકામનાં કામો કરાવવા અમે તૈયાર છીએ."
"ત્યાર બાદ, તેમને ઘર બાંધવા માટે સહાય યોજનાઓ આપવા પણ અમે તૈયાર છીએ. ખેતી માટે જમીન અને બીજી જરૂરી વસ્તુઓ પૂરી પાડવા પણ અમે તૈયાર છીએ."

રામલિંગમ ચંદ્રશેખરે કહ્યું, "જો તેઓ અન્ય ઉદ્યોગો કે વ્યવસાયોમાં જોડાવા માગતા હોય તો એ માટે પણ અમે ચોક્કસ વ્યવસ્થા કરીશું. લોન આપવા માટેની વિવિધ વ્યવસ્થાઓ છે. આ માધ્યમથી રાહત દરે અને ઓછા વ્યાજે લોન આપવાનો નિર્ણય પણ અમે કર્યો છે."
"આ ઉપરાંત, જો જરૂર પડશે તો ભારત અને તામિલનાડુ સરકાર સાથે વાતચીત કરીને નવી વ્યવસ્થા ઊભી કરવા પણ અમે તૈયાર છીએ."
વિદેશમાં વસતા તામિલોના કલ્યાણ માટેના મંત્રીએ તામિલનાડુની શિબિરોમાં રહેતા શ્રીલંકન તામિલોના કલ્યાણ અંગે દક્ષિણ પ્રાંતની વિધાનસભામાં કેટલીક જાહેરાતો કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે શ્રીલંકન તામિલોને દર મહિને આપવામાં આવતી આર્થિક સહાયની રકમ અને ઉચ્ચ શિક્ષણ માટે અપાતી શિષ્યવૃત્તિમાં વધારો કરવામાં આવશે.

શ્રીલંકન તામિલોને નાગરિકતા આપવાના અને શિબિરોની જાળવણી સહિતના મુદ્દાઓ પર સ્પષ્ટતા માટે બીબીસી તામિલે સચિવાલયમાં મંત્રી થેન્નારાસાની મુલાકાત લીધી હતી.
તેમણે કહ્યું, "શિબિરોમાં માળખાકીય સુવિધાઓ સુધારવા માટે તમામ પગલાં લેવામાં આવશે. નાગરિકતા આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. જોકે, થવેકા સરકારનો મત શ્રીલંકન તામિલોને નાગરિકતા આપવાનો છે."
મુખ્ય માગણી એ છે કે શ્રીલંકા પાછા ફરી ચૂકેલા અથવા પાછા ફરવાની તૈયારી કરી રહેલા લોકોની આજીવિકા માટે ખાસ યોજના જાહેર કરવામાં આવે.
તામિલનાડુમાં રહેતા કેટલાક શ્રીલંકન તામિલોએ શ્રીલંકા પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ઘણા લોકો તામિલનાડુમાં જ રહેવાનું પસંદ કરે છે. તેમની મુખ્ય માગણી નાગરિકતા આપવાની છે.
વિશેષ માહિતી: પ્રભુરાવ આનંદન, બીબીસી તામિલ માટે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























