'હું એવા પુરુષોની શોધમાં નીકળી, જે છૂપાઈને પોતાની પત્નીના વીડિયો બનાવી લેતા'

    • લેેખક, અંગહરાદ થોમસ
    • પદ, બીબીસી વેલ્સ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

કેટલાક એવા પુરુષો છે, જેઓ ગુપ્ત રીતે તેમની પત્ની તેમજ ગર્લફ્રેન્ડના વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર મૂકતા હોય છે અને પછીથી પોતાના આ રૅકોર્ડિંગ વિશે બડાશ હાંકતા હોય છે.

તો, બીજા પુરુષો અજાણી મહિલાઓને નિશાન બનાવતા હોય છે. તે પૈકી એક વ્યક્તિ જો કોઈ મહિલા પેશાબ કરી રહી હોય, તો તેનો વીડિયો ઉતારી લેવાની મુરાદ સાથે ફૂટપાથ ઉપર છૂપો કૅમેરો લઈને ફરે છે.

ઘરેલું હિંસા વિરુદ્ધ કાર્યરત બ્રિટિશ સંસ્થા 'રિફ્યૂજ'ના જણાવ્યા પ્રમાણે, ટૅકનોલોજિકલ ઉપકરણોનો ઉપયોગ કરીને કરવામાં આવતા દુરાચારની ફરિયાદોમાં છેલ્લા એક વર્ષમાં 78 ટકાનો વધારો થયો છે.

વેલ્શ સંગઠન 'વેલ્શ વિમેન્સ એઇડ' જણાવે છે કે, આ સમસ્યાનો વ્યાપ આંકવો મુશ્કેલ છે, કારણ કે મોટા ભાગની પીડિતાઓ જાણતી જ નથી હોતી કે તેમની સાથે શું થઈ રહ્યું છે.

બીબીસીની નવી ડૉક્યુમેન્ટ્રી છૂપા કૅમેરાઓના અંધકારમય ઑનલાઇન નેટવર્ક પરથી પડદો ઉઠાવે છે.

જેસ ડૅવિસના જણાવ્યા પ્રમાણે, કેટલાક લોકો આવાં કૃત્યોની અસરોને ઓછી આંકીને તેમને હાનિરહિત કે બસ "મજાક"માં ખપાવી દેતા હોય છે.

"પણ આ શોમાં અમે બતાવેલા 'વૉયર્સ' જેવા અન્ય લોકો વિચારે છે કે, જો પીડિતને ક્યારેય જાણ જ ન થાય કે તેમની મંજૂરી વિના તેમનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું, તો તેમાં તો કોઈ સમસ્યા જ નથી. આ બાબત દર્શાવે છે કે, તસવીરોનો દુરુપયોગ અને ઇન્ટરનેટ પર થતા અપરાધોને કેટલા ઓછા આંકવામાં આવે છે."

"દરેક તસવીર કે વીડિયોની પાછળ એક એવી વ્યક્તિ રહેલી છે, જેણે તેમની બાકીની જિંદગી આ વિશ્વાસઘાતના આઘાત સાથે ગુજારવી પડશે."

ડૅવિસ નોંધે છે કે, "વ્યથિત કરી મૂકનારી બાબત એ છે કે, ગુનો આચરનારા મોટા ભાગના લોકો એવા છે, જેઓ તેમના પોતાના જ (મોટા ભાગે મહિલા) પાર્ટનરના વીડિયો ઉતારીને શૅર કરે છે."

"આ પરથી જાણી શકાય છે કે, કોઈ પણ વ્યક્તિ આ દૂષણનો ભોગ બની શકે છે."

આ તપાસ દરમિયાન 33 વર્ષનાં વેલ્શ પત્રકારને બજારમાં મળી રહેતા સસ્તા જાસૂસી કૅમેરાની ટેક્નોલૉજીની વિવિધતા વિશે જાણવા મળ્યું. પેન, ઍર ફ્રેશનર્સ અને ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ જેવી રોજિંદી ચીજવસ્તુઓના રૂપમાં છૂપા કૅમેરા ઉપલબ્ધ છે.

બંને પત્રકારો જ્યાં છૂપી રીતે પ્રવેશ્યાં હતાં, તે ફોરમના માલિકને ડૅવિસે સવાલો પૂછ્યા હતા.

"તેમણે અમને જણાવ્યું કે, તેઓ નિયમિતપણે કન્ટેન્ટ તપાસે છે અને સંમતિ વિનાની સામગ્રી હટાવી દે છે," એમ તેમણે કહ્યું હતું.

"પણ અમને મળેલા પુરાવા પર નજર કરતાં આ કન્ટેન્ટથી પીડિતને પહોંચતા કાયમી નુકસાનની કોઈને પરવા હોય એવું લાગતું નથી."

"એવી છબિ ઊપસતી હતી કે, તેમની મંજૂરી વિના ફિલ્માવાયેલા લોકોને અવગણવામાં આવ્યા હતા અને તેમનું અપમાન કરવામાં આવ્યું હતું; જાણે કે તેમની સંમતિની કોઈ જરૂર જ નહોતી."

"હકીકતમાં સંમતિના આ અભાવને કારણે જ ઘણા જાસૂસો આ કામ માટે પ્રેરાયા હતા," એમ પ્રેઝન્ટરે જણાવ્યું હતું.

ડૅવિસને આશા છે કે, આ ડૉક્યુમેન્ટ્રી છૂપા કૅમેરાથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવશે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે, ગોપનીયતા તથા સંમતિનો ભંગ કદી સામાન્ય બાબત ન ગણાવી જોઈએ.

શું ગુપ્ત રીતે રેકોર્ડિંગ કરવું ગેરકાયદેસર છે?

બ્રિટનમાં કોઈનું ફિલ્માંકન કરવું એ હંમેશાં ગુનો નથી હોતો. જેમ કે, જાહેર સ્થળોએ લોકો સામાન્ય રીતે તેમને દેખાતાં તમામ દૃશ્યોનું ફિલ્માંકન કરી શકે છે.

પણ, ગેરકાયદેસર રૅકોર્ડિંગ એ 'વૉયરિઝમ' સહિતના ઘણા કિસ્સાઓમાં અપરાધ ગણાય છે. વળી, વ્યક્તિ જ્યાં પ્રાઇવસીની અપેક્ષા સેવતી હોય, એવી જગ્યાએ આ વીડિયો ઉતારવામાં આવે, તે પણ અપરાધ બનશે. એ જ રીતે, જો કોઈને પરેશાન કરવા માટે કે તેને માનસિક ત્રાસ આપવા માટે રૅકોર્ડિંગ કરવામાં આવ્યું હોય, તો તે પણ ગુનો ગણાય છે.

બ્રાઝિલમાં પીનલ કોડની કલમ 218 પ્રમાણે, પીડિતની સંમતિ વિના પોર્નોગ્રાફી કે નગ્નતા ધરાવનારા ફોટોગ્રાફ્સ, વીડિયો કે અન્ય ઑડિયોવિઝ્યુઅલ રેકોર્ડિંગ્સ તેમજ બળાત્કાર કે સગીર વયનાં લોકો પર થતા બળાત્કારનાં દૃશ્યો કે જાતીય સંબંધનાં દૃશ્યોને ઇન્ટરનેટ સહિતનાં કોઈ પણ માધ્યમો દ્વારા ઑફર કરવાં, તેમનું આદાન-પ્રદાન કરવું, ટ્રાન્સમિટ કરવાં, તેમનું વેચાણ કરવું, પ્રકાશન કરવું કે બહાર પાડવાં એ ગુનો છે.

ધારો કે, કોઈ વ્યક્તિ વૉટ્સઍપ પર એક નગ્ન ફોટો મેળવે છે અને તેને શૅર કરે છે – તો તે વ્યક્તિ તે તસવીરને વાયરલ કરનાર પ્રથમ વ્યક્તિ ન હોવા છતાં તે પણ ગુનેગાર ગણાય છે.

તેના દંડ તરીકે, જો આ કૃત્ય તેનાથી વધુ ગંભીર ગુનો ન બનતું હોય, તો કાયદા પ્રમાણે એકથી પાંચ વર્ષની જેલની જોગવાઈ છે. જો ગુનો કરનાર વ્યક્તિ ભૂતપૂર્વ પાર્ટનર હોય અને તેણે બદલો લેવાની કે અપમાનિત કરવાની ભાવના સાથે આવું કૃત્ય આચર્યું હોય, તો આ સજામાં એક તૃત્યાંશથી લઈને બે તૃત્યાંશ સુધીનો વધારો થઈ શકે છે.

બીજી તરફ, આ તસવીરો જો વાલી, સાવકા પિતા, સાવકી માતા, ભાઈ, બહેન, કાકા, મામા, કાકી, માસી, નોકરીદાતા કે પીડિત પર ઑથોરિટી ધરાવતી હોય તેવી અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા શૅર કરવામાં આવી હોય, તો દંડમાં 50 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

રિફ્યૂજ સંસ્થા ગુપ્ત સર્વિલન્સ ઉપકરણોના ચુસ્ત નિયમો તેમજ તેમના ઉપયોગની ઓળખ અને તપાસ કરવા માટે પોલીસને બહેતર તાલીમ પૂરી પાડવાની હિમાયત કરે છે.

રિફ્યૂજના પૉલિસી એન્ડ પબ્લિક અફેર્સ મૅનેજર બો બોટમલીએ જણાવ્યું હતું, "વધુ ચિંતા જગાવનારી બાબત એ છે કે, આ ઉપકરણો સાવ સસ્તાં હોય છે અને સહેલાઈથી મળી રહે છે. જેના કારણે વધુ ને વધુ ગુનેગારોને નિયંત્રણના સ્વરૂપ તરીકે તેમનો ઉપયોગ કરવાની છૂટ મળે છે."

જોકે, રિફ્યૂજે જણાવ્યા પ્રમાણે, સંગઠન દ્વારા સહાયપ્રાપ્ત લગભગ તમામ પીડિત મહિલાઓએ ટૅકનોલોજીને કારણે કોઈ ને કોઈ ઉત્પીડનનો સામનો કર્યો છે. આ ઉપરાંત ઘરોની અંદર પણ છૂપા કૅમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ વધ્યો છે.

વેલ્શ વિમેન્સ એઇડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ પ્રકારની ગુપ્ત જાસૂસી લોકોની પ્રાઇવસી અને સલામતીની ભાવનાને નેસ્તનાબૂદ કરી નાખે છે."

સંગઠન એવી ચેતવણી આપે છે કે, તેનાથી થતું નુકસાન શરૂઆતમાં થયેલા રૅકોર્ડિંગ કરતાં ઘણું વધારે હોય છે. શૅર કરાયેલા વીડિયો અને તસવીરોની પીડિતોના જીવન પર આઘાતજનક અસર પડતી હોય છે અને ઘણા લોકો તેમના પોતાના ઘરમાં જ અસલામતી અનુભવવા માંડે છે.

સંગઠનના જણાવ્યા મુજબ, "ખાસ કરીને આ પ્રકારના ઉત્પીડનનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. ઘણી પીડિતાઓ એ સુધ્ધાં નથી જાણતી કે તેમની સાથે શું થયું છે."

રિફ્યૂજ ટૅકનોલોજી કંપનીઓને સ્પાય કૅમેરાઓમાંથી શૅર કરવામાં આવેલા ફૂટેજને ઝડપથી હટાવવા માટે અને જવાબદારોની ઓળખ કરવામાં પોલીસને મદદરૂપ થાય, એવી માહિતી પૂરી પાડવા માટે પગલાં ભરવાની વિનંતી કરે છે.

બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે, તે "ગુપ્ત રૅકોર્ડિંગ અથવા પીડિતોની કરવામાં આવતી પજવણીને બિલકુલ સાંખી નહીં લે."

બ્રિટિશ સરકારની "વાયોલન્સ અગેઇન્સ્ટ વિમેન એન્ડ ગર્લ્સ" (વીએડબલ્યૂજી) રણનીતિમાં ઇન્ટરનેટ પર થતા અને ટૅકનોલોજિકલ ઉપકરણોના ઉપયોગથી થતા દુરુપયોગનો સામનો કરવાનાં પગલાં સામેલ છે, જેમાં સ્માર્ટ અને ઇન્ટરનેટ-કનેક્ટેડ ઉપકરણોની સલામતી વધારવાના માર્ગો શોધવામાં આવી રહ્યા છે.

બ્રિટિશ સરકારના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, "અંગત તસવીરો સંમતિ વિના શૅર કરવી એ પહેલેથી જ ગેરકાયદેસર છે."

"ક્રાઇમ એન્ડ પૉલિસિંગ બિલ સાથે અમે એક કદમ આગળ વધી રહ્યા છીએ અને સંમતિ વિના અંગત તસવીરો લેવી એ ગુનો બનશે, જેમાં કૅમેરા જેવાં ઉપકરણો ઇન્સ્ટોલ કરવાનો પણ સમાવેશ થાય છે, જેના લીધે લોકો આવી તસવીરો મેળવી શકે છે."

નિવેદનના અંતમાં જણાવ્યું હતું, "અમે મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા પ્રત્યે પોલીસ કાર્યવાહીને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય કેન્દ્રને ભંડોળ પૂરું પાડી રહ્યાં છીએ."

આ અહેવાલ જેના પરથી તૈયાર કરવામાં આવ્યો છે, તે "હન્ટિંગ ધ સ્પાયકેમર્સ" ડૉક્યુમેન્ટ્રી બીબીસી યુટ્યૂબ ચૅનલ પર જોઈ શકાશે.