E-20 પેટ્રોલને લીધે દેશમાં ખાંડ મોંઘી થઈ, જાણો શું છે કારણો?

  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ગુજરાત સહિત આખા ભારતમાં ખાંડના ભાવ છેલ્લા કેટલાક મહિનાથી કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. રૉયટર્સેના 18 ઑગસ્ટ, 2026ના એક અહેવાલ અનુસાર આ મહિનામાં જ ભારતમાં ખાંડના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. છૂટક બજારમાં 20 ઑગસ્ટના રોજ ખાંડના ભાવ 55.7 રૂપિયા પ્રતિ કિલો હતા, એવું ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

આ જ અહેવાલ અનુસાર એક મહિના પહેલા ખાંડના ભાવ 48.18 રૂપિયા હતા. 20 ઑગસ્ટ, 2025 ના રોજ ભાવ 46.3 રૂપિયા હતા.

બજારના જાણકારો કહે છે કે ખાંડના ભાવ આટલા ઊંચા ક્યારેય નથી ગયા. તેઓ કહે છે કે અલ નીનોના પ્રભાવને કારણે 2026ના વર્ષનું નેઋત્યનું ચોમાસું નબળું રહેશે તેવી ધારણા પણ અત્યારે ખાંડના ભાવોને અસર કરી રહી છે.

જોકે, કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા અનુસાર દેશમાં શેરડીનું વાવેતર ગત વર્ષ જેટલું જ થયું છે જે પાછલાં પાંચ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તાર કરતાં ચારેક લાખ હેક્ટર વધારે છે.

જન્માષ્ટમીથી શરુ થતી તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ખાંડના ભાવમાં થઇ રહેલા વધારાને નાથવા સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને જથ્થાબંધ વેપારીઓ કેટલી માત્રામાં ખાંડનો સ્ટૉક (જથ્થો) રાખી શકે તે બાબતે સ્ટૉક લિમિટ એટલે કે નિયંત્રણો પણ લાદ્યાં છે.

ખાંડના ભાવ કેમ વધી રહ્યા છે?

વિશ્વમાં ખાંડના ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારત બીજા ક્રમે આવે છે.

ખાંડને અંગ્રેજીમાં શુગર કહેવાય છે. ભારત સરકારના આંકડા અનુસાર શેરડીને પીલીને તેના રસમાંથી ખાંડનું ઉત્પાદન કરતી કુલ 703 શુગર મિલો એટલે કે ખાંડ કારખાના ભારતમાં આવેલાં છે. તેમાંથી 335 ખાનગી છે, 325 સહકારી ધોરણે ચાલે છે અને 43 સરકારી છે.

ભારતમાં ખાંડ વર્ષ ઑક્ટોબરથી શરુ થાય છે અને બીજા વર્ષના સપ્ટેમ્બરમાં પૂરું થાય છે. ખાંડ મિલોનું પ્રતિનિધત્વ કરતી નૅશનલ ફેડરેશન ઑફ કૉ-ઑપરેટિવ શુગર ફૅક્ટરીઝ લિમિટેડ નામની સંસ્થાના ઉપ-પ્રમુખ કેતન પટેલ કહે છે કે 2025-26ના ખાંડ વર્ષમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 32 અબજ કિલો રહેવાનો અંદાજ હતો તેની સામે ખરેખર ઉત્પાદન અંદાજે 30 અબજ કિલો જ રહ્યું છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "ગયા વર્ષે વરસાદ વધારે પડ્યો હતો તેની શેરડીના પાક પર માઠી અસર થઇ હતી. તે જ રીતે ઊંચું ઉત્પાદન આપતી Co-0238 નામની શેરડીની જાતમાં ઉત્તર પ્રદેશમાં ગેરુનો રોગ આવી ગયો હતો. આ બે કારણોને લઈને શેરડીનાં ઉત્પાદન અને શુગર રિકવરી રેટ (પ્રતિ 100 કિલો શેરડીમાંથી ખાંડ મળવાની ટકાવારી) 12 કિલોથી નીચે આવી ગયો હતો. તેથી, ખાંડનું ઉત્પાદન અંદાજ કરતાં ઓછું રહ્યું છે."

કેતન પટેલે ઉમેર્યું કે ભારતમાં ખાંડનો વપરાશ 26થી 28 અબજ કિલો રહે છે અને સામાન્ય રીતે વર્ષના અંતે છથી સાત અબજ કિલો જેટલી ખાંડ ઍન્ડિંગ સ્ટૉક એટલે કે બંધ થતી સિલક તરીકે વધે છે.

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "2024-25ના વર્ષના અંતે ઍન્ડિંગ સ્ટૉક પાંચથી સાડા પાંચ અબજ કિલો જ હતો. આમ, 2025-26નું વર્ષ નીચા ઓપનિંગ સ્ટૉક (ખુલતી સિલક)થી શરુ થયું અને પછી ઉત્પાદન ધારણા કરતાં થોડું ઓછું રહ્યું. આ વર્ષે ચોમાસું નબળું રહેવાની આગાહી છે. જોકે, નબળું ચોમાસું ખંડના ઉત્પાદનને અસર કરતું એક માત્ર પરિબળ નથી. તેમ છતાં લોકો પૅનિક બાઇંગ (ભયની આશંકાએ ઝડપથી કરાતી ખરીદી) કરી રહ્યા હોય તેવું લાગે છે. એક તરફ માલ થોડો ઓછો છે, તહેવારોની સિઝન છે અને વરસાદ બાબતે ચિંતા છે. બીજી તરફ ઘરાકી વધારે છે. પરિણામે ભાવ ઊંચા ગયા છે."

તો શું ખાંડની તંગી છે?

ભારતની ખાનગી ખાંડ મિલોના સંગઠન ઇન્ડિયન શુગર ઍન્ડ બાયૉ-ઍનર્જી મૅન્યુફૅકચર્સ ઍસોસિએશન (ઇસ્મા) એટલે કે ભારતીય ખાંડ અને જૈવિક ઊર્જા ઉત્પાદક ઍસોસિએશનની વેબસાઇટ અનુસાર ભારતમાં કપાસ આધારિત ઉદ્યોગ બાદ શેરડી આધારિત ઉદ્યોગ દેશનો બીજા નંબરનો સૌથી મોટો કૃષિ આધારિત ઉદ્યોગ છે.

ઇસ્મા કહે છે કે ભારતમાં દર વર્ષે સરેરાશ 55 લાખથી 60 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર થાય છે, સરેરાશ 450 અબજ કિલો (45 કરોડ ટન) શેરડીનું ઉત્પાદન થાય છે અને આશરે પાંચ કરોડ લોકોને રોજીરોટી પુરી પાડે છે.

ખાંડની હાલની સ્થિતિ વિષે સરકાર શું માને છે તે જાણવા બીબીસીએ કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ વિભાગનાં રાજ્ય કક્ષાનાં મંત્રી નિમુબહેન બાંભણિયાને ફોન અને મૅસેજ કરી સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમના તરફથી તાત્કાલિક કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.

પરંતુ 28 જુલાઈએ એક અખબારી યાદીમાં કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે દેશમાં ખાંડની તંગી નથી. અખબારી યાદીમાં સરકારે કહ્યું હતું, "સરકારે ધ્યાને આવ્યું છે કે તાજેતરમાં મિલોના દરવાજે ખાંડની કિંમતોમાં થયેલો વધારો હાલના માંગ-પુરવઠાના સંજોગો સાથે સુસંગત નથી. એવું પણ ધ્યાને આવ્યું છે કે કેટલાક વેપારીઓ, ડીલરો અને માર્કેટ ઇન્ટરમીડિયરિઝ (અહીં, વચેટિયાઓ) દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી તેમ જ મિલોમાંથી ખાંડની ખરેખર હેરફેર કર્યા વગર કાગળ પર કરવામાં આવતા વેપારે બજારમાં તંગીનું એક કૃત્રિમ ચિત્ર ઉભું કરવામાં ભાગ ભજવ્યો છે. આ પ્રકારના વ્યવહારોને પરિણામે કિંમતોમાં નિવારી શકાય તેવી ઊથલપાથલનું સર્જન થયું છે અને મિલોના દરવાજે અને છૂટક બજારમાં ખાંડની કિંમતોમાં વધારો થયો છે."

સરકારે તેની અખબારી યાદીમાં ઉમેર્યું, "ગ્રાહકોને સરકાર ભરોસો આપે છે કે દેશના પોતાના વપરાશ માટે જરૂરી ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે."

ખાંડના ભાવો ક્યારે ઘટશે?

કેતન પટેલ કહે છે કે, જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિના ખાંડ ઉત્પાદનમાં ઑફ સિઝન ગણાય છે અને તે તહેવારોના સમયગાળામાં આવતી હોવાથી દર વર્ષે બજાર ભાવમાં આ સમય દરમિયાન ઉછાળો આવે છે.

"અત્યારે ભલે ભાવ 50 રૂપિયાથી ઊંચા હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે સિઝન દરમિયાન મોટે ભાગે ભાવ 38થી 42ની વચ્ચે રહ્યા છે. તે કિંમતે મિલો ખેડૂતોને ફેર રિમ્યુનરેટિવ પ્રાઇઝ (એફઆરપી) પણ સમયસર ચૂકવી ન શકે. આ જ કારણે અમુક ખેડૂતો શેરડી મૂકી અન્ય પાકો તરફ વળ્યા છે જે ત્રણ કે છ મહિનામાં વળતર આપી દે. બજાર ભાવ વધતા મિલોને ફાયદો એ છે કે તેમનો સ્ટૉક વેચાઈ જશે અને તેથી ખેડૂતોને સમયસર એફઆરપી ચૂકવી શકશે," કેતન પટેલે કહ્યું.

તેમણે ઉમેર્યું, "ઑક્ટોબરથી નવી ખાંડ બજારમાં આવશે એટલે ભાવોમાં ઘટાડો જોવા મળશે."

પરંતુ સુરેન્દ્રનગરમાં ખાંડના અગ્રણી વેપારી ધનરાજ કૈલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અત્યારે બજારમાં ખાંડની તંગી નથી તેમ ઢગલા પણ નથી. સ્થિતિ હૅન્ડ-ટુ-માઉથ એટલે કે જેટલો જથ્થો બજારમાં આવે છે તે ચપોચપ લેવાઈ જાય તેવી છે. તેનું કારણ એ છે કે દુનિયામાં પણ ખાંડનો સ્ટૉક ઓછો છે. બીજી તરફ ત્રણ અબજ કિલો ખાંડ ઇથેનૉલ બનાવવા ડાઇવર્ટ કરાઈ અને નોંધપાત્ર જથ્થામાં ખાંડની નિકાસ પણ થઇ ગઈ. જયારે દેશના ખાંડના બજારમાં દોઢ અબજ ગ્રાહકો હોય અને એકાદ વર્ષ દુષ્કાળ પડી જાય ત્યારે ઇથેનૉલ બ્લેન્ડિંગ જેવા પ્રોગ્રામ જોખમી બની જાય છે. લોકોમાં એવી બીક પેસી ગઈ છે કે અલ નીનોને કારણે વરસાદ નહીં આવે અને ખાંડ વધારે મોંઘી થશે. પરિણામે જે લોકો પાંચ કિલો ખાંડ ખરીદતા હતા તે હવે 50 કિલો ખરીદી રહ્યા છે અને જે 50 ખરીદતા તે હવે 100 કિલો માંગે છે."

પેટ્રોલમાં ભેળવાતું ઇથેનૉલ ખાંડમાં ભાવવધારા માટે જવાબદાર?

જેમાંથી પેટ્રોલ-ડીઝલ, વિમાનોનાં ઈંધણ વગેરે મેળવાય છે તે ક્રૂડઑઇલ એટલે કે કાચા ખનીજ તેલની વપરાશની બાબતમાં અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજા નંબર આવે છે. પરંતુ ભારતમાં વપરાતા ક્રૂડઑઇલમાંથી 80 ટકા કરતાં પણ વધારે ક્રૂડઑઇલ વિદેશોમાંથી આયાત કરાય છે. આ આયાત ઘટાડવા, વિદેશી હૂંડિયામણ બચાવવા, આત્મનિર્ભરતા વધારવા અને પ્રદુષણ ઘટાડવા માટે વર્ષ 2018માં કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ભેળવતા ઇથેનૉલની માત્ર 10 ટકાથી વધારી 20 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટાર્ગેટ 2030માં સિદ્ધ કરવાનો હતો. પરંતુ સરકારે તે જુલાઈ 2025માં જ પૂરો કરી દીધો.

ભારતમાં ખાંડ ઉદ્યોગ સરકારી નિયંત્રણ હેઠળ છે. ખાંડ મિલોએ શેરડી ખરીદવા બદલ ખેડૂતોને આપવી પડતી શેરડીની એફઆરપી કેન્દ્ર સરકાર નક્કી કરે છે. સરકાર નક્કી કરે છે કે કઈ ખાંડ મિલ દર મહિને કેટલી ખાંડ વેચી શકશે અને ખાંડની નિકાસ થઇ શકશે કે કેમ. દેશમાં મોટી માત્રામાં ઇથેનૉલ ખરીદનાર ગ્રાહક પણ સરકાર જ છે અને તે રીતે ઇથેનૉલના ભાવ પણ આડકતરી તે જ નક્કી કરે છે.

રૉયટર્સના એક અહેવાલ અનુસાર 2025-26 ખાંડ વર્ષમાં ત્રણ અબજ કિલો ખાંડ ઇથેનૉલ બનાવવા માટે વપરાઈ હતી. અહેવાલ અનુસાર દેશમાં ખાંડના કુલ ઉત્પાદનના તે 10 ટકા જેટલી થાય છે.

શેરડીના રસ, તેમ જ રસમાંથી ખાંડ બનાવવા માટે બનાવતા સિરપ, એ-હૅવી મૉલાસિસ, બી-હૅવી મૉલાસિસ તેમ જ સી-હૅવી મૉલાસિસમાંથી ઇથેનૉલ બનાવી શકાય છે. એક અહેવાલ અનુસાર દેશમાં ઉત્પાદિત કુલ ઇથેનૉલના આશરે ત્રીજા ભાગનું ઇથેનૉલ શેરડી-આધારિત હતું.

એક મોટી ખાંડ મિલના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ઇથેનૉલ બ્લેન્ડેડ પેટ્રોલ એક મહત્ત્વનો પ્રોગ્રામ છે અને શુગર મિલોને તે રોકડા નાણાં ઉપલબ્ધ કરે છે. પરંતુ સરકાર એ બાબતે સ્પષ્ટ રહી છે કે ખાંડનું ઉત્પાદન હંમેશાં પ્રથમ પ્રાથમિકતા છે. સરકારે ઇથેનૉલના ઉત્પાદનમાં ખાંડને ડાઇવર્ટ થતાં રોકી નહીં તેવો આક્ષેપ કરવો સહેલો છે. પરંતુ અહીં એ યાદ રાખવું ઘટે કે ખાંડ ઉત્પાદનના શરૂઆતના અંદાજ ઘણા ઊંચા હતા. મુશ્કેલી એ છે કે શેરડીના અને ખાંડના ઉત્પાદનના સચોટ અંદાજ કાઢવાની કોઈ સચોટ પદ્ધતિ કે ટૅક્નૉલૉજી ઉપલબ્ધ નથી.

"આપણે એ પણ યાદ રાખવું ઘટે કે આપણે ખાંડના કેટલા મોટા બજારની વાત કરીએ છીએ. તેથી, એવો આક્ષેપ ન કરી શકાય કે ઇથેનટલના ઉત્પાદન કરવા ડાઇવર્ટ કરાયેલી ખાંડના કારણે હવે ખાંડની તંગી સર્જાઈ છે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન