'તણખલુંય ઊગ્યું નથી', દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

"મેં મારી 10 વીઘા જમીનમાં મગફળી વાવવાની તૈયારી કરી લીધી હતી અને રૂપિયા 2700 પ્રતિ મણના ભાવે 20 મણ બિયારણ લઈ લીધું હતું."

"પરંતુ જેઠ મહિનામાં વરસાદ ન આવ્યો, તેથી વાવણી થઈ ન શકી. અષાઢના 15 દિવસ ગયા તો પણ વરસાદ ન આવ્યો. તેથી, મગફળીના વાવેતરનો સમય પૂરો થઈ ગયો."

"એટલે મેં મગફળીનું બિયારણ 1800ના ભાવે એક વેપારીને તેલ કાઢવા માટે વેચી દીધું. જો હવે વરસાદ આવે તો જુવાર, બાજરી કે તલ વાવીશ. પણ જમીનમાં ક્યાંક ક્યાંક નિંદામણના તણખલાં ઊગી નીકળ્યાં છે. વરસાદ થાય તો વાવણીમાં તે નિંદામણ ન નડે એટલે હું રાંપ હાંકી તેમને કાઢી રહ્યો છું."

બીબીસી ગુજરાતીને દ્વારકા મુલાકાત દરમિયાન 47 વર્ષના એક ખેડૂત કરશનભાઈએ આ વાત કરી હતી.

આ ખેડૂત કરશનભાઈ અને તેમનાં પત્ની મણિબહેન હાલ વરસાદની રાહ જોતાં દિવસો ગાળે છે.

આ પરિવાર પાસે એક ગાય અને એક બળદ છે. પરંતુ કરશનભાઈ કહે છે કે તેમને ઘાસચારાની અને પીવાના પાણીની ચિંતા છે. તેઓ કહે છે, "સમયસર વરસાદ આવી જાય તો એકાદ મહિનાની અંદર પશુઓ માટે લીલું ઘાસ મળતું થઈ જાય છે. પરંતુ ગાય-બળદને નીરી શકાય તેવું એક તણખલુંય હજુ સુધી ઊગ્યું નથી."

ગાંગડી ગામના ખેડૂત દેસુરભાઈ ગોજિયાની દશા પણ કરશનભાઈ જેવી જ છે. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "25 જુલાઈએ મેં 40 વીઘા જમીનમાં મગફળી વાવી. તેનો ખર્ચ અંદાજે ત્રણેક લાખ રૂપિયા થયો."

"પરંતુ વરસાદ ઓછો લાગતાં બાકીની 20 વીઘા જમીનમાં વાવેતર ન કર્યું. જે 40 વીઘામાં વાવેતર કર્યું છે તેમાં મગફળી ઊગી નથી." આને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને પગલે હવે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી ઊઠી છે.

ખેડૂતો શું માંગ કરી રહ્યા છે?

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અડધું ચોમાસું વીતી જવા છતાં વરસાદની ભારે ઘટ વચ્ચે હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ગંભીર બનતાં ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના 20થી વધુ ગામોના ખેડૂતો, માલધારીઓ અને સરપંચોએ મોવાણ ગામે બેઠક યોજી સરકાર પાસે 'સૌની' યોજના મારફતે નર્મદાનું પાણી તાત્કાલિક છોડવાની માંગણી કરી છે.

આ ઉપરાંત જિલ્લા કૉંગ્રેસ સમિતિ 21 ઑગસ્ટે આ બાબતે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપશે. દ્વારકા જિલ્લાના તમામ ડેમ 'સૌની' યોજના હેઠળ ભરવાની માંગણી પણ ઊઠી છે. ખેડૂતોનો એવો આક્ષેપ છે કે 2019થી અત્યાર સુધી 'સૌની' યોજના હેઠળ ડેમ ભરાયા નથી. દ્વારકા જિલ્લામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ચાલુ કરવાની માંગણી, ચાલુ વર્ષનું પાકધિરાણ માફ કરવા, જિલ્લામાં પાંજરાપોળ ચાલુ કરવા, ખેડૂતોના ફિક્સ વીજબિલ સંપૂર્ણપણે માફ કરવાની માંગણી સાથે ખેડૂતોએ ''સૌની' યોજનાનું બેસણું યોજ્યું હતું.'

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની શું પરિસ્થતિ છે?

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને પગલે હવે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી છે.

ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધતી હોવાનો ઉલ્લેખ કરી સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. ખેડૂત આગેવાન પાલ આંબલિયા જણાવે છે કે, "દ્વારકા જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્ય સરકારની પોતાની 'મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના' ની માર્ગદર્શિકા મુજબ જો કોઈ જિલ્લામાં સતત 28 દિવસ વરસાદ ન થાય તો તે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે છે; તે મુજબ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે."

આંબલિયા ઉમેરે છે કે, "2019માં 'સૌની' યોજના હેઠળ દ્વારકા જિલ્લાના ડેમ ભરવાના હતા, તેની જગ્યાએ અત્યાર સુધી નથી ભરાયા. હજુ સુધી વરસાદી વર્ષ સારાં રહ્યાં હતાં, ડેમ ન ભરતા ચાલી ગયું, પણ આ વર્ષે જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે 'સૌની' યોજના થકી દ્વારકાના ડેમો તાત્કાલિક ભરવામાં આવે."

સરકાર ડેમમાં પાણી છોડે છે તેના જવાબમાં પાલ આંબલિયા જણાવે છે કે, "અત્યારે સરકાર ઘી ડેમમાં એક કલાક માટે પાણી છોડે છે અને ત્રણ કલાક માટે બંધ કરી દે છે. એવી પરિસ્થિતિ છે કે દ્વારકા જિલ્લાનાં 40 ગામોમાં 15 દિવસે પાણી આવે છે, ત્યારે તાત્કાલિક પીવાનું અને સિંચાઈનું પાણી આપવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ."

તે સાથે જ ખેડૂતોનો દાવો હતો કે તેમને 2019થી 'સૌની' યોજનાનું પાણી મળ્યું નથી. બીજી તરફ ભારતીય કિસાન સંઘના દ્વારકા તાલુકા પ્રમુખ જેસલભા સુમણિયાએ બે દિવસ અગાઉ દ્વારકાના પ્રાંત અધિકારીને આ રજૂઆત કરી હતી.

કિસાન સંઘે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5થી 10% જેટલો જ વરસાદ છે જે પૂરતો નથી, તેથી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે તથા પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમણે કહ્યું કે, "હવે વરસાદ થાય તો પણ ખરીફ પાકની સીઝન જતી રહી છે, આવનારું આખું વર્ષ આ ખેડૂતો માટે કપરું રહેવાનું છે."

બીજી તરફ દ્વારકા જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ચાલુ કરવાની માંગણી, ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા, જિલ્લામાં પાંજરાપોળ ચાલુ કરવા અને ખેડૂતોના ફિક્સ વીજબિલ સંપૂર્ણપણે માફ કરવાની માંગણી પણ કરાઈ રહી છે.

તંત્રએ શું જણાવ્યું હતું?

અગાઉ બીબીસી ગુજરાતીએ આ બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ તન્નાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્રએ આગોતરું આયોજન કરી લીધું છે.

તન્નાએ કહ્યું, "પાછલાં ત્રણ-ચાર વર્ષની સરખામણીએ જોઈએ તો આ વર્ષે ચોક્કસપણે આપણે ત્યાં વરસાદ ઓછો થયો છે. પાછલાં ચાર-પાંચ વર્ષ દરમિયાન આબોહવા પરિવર્તનને કારણે દેવભૂમિ દ્વારકામાં ખૂબ વરસાદ પડ્યો હતો."

"પરંતુ તે સમયને બાદ કરીએ તો આપણે ત્યાં વાર્ષિક સરેરાશ 15થી 20 ઇંચ વરસાદ પડે છે. વળી, આ વિસ્તારમાં પાછોતરો એટલે કે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ થતો હોય છે... વરસાદ ઓછો થયો છે પરંતુ 'સૌની' યોજનાના કારણે નર્મદાનાં પાણીથી ડેમ ભરાયા છે. તેથી, હાલ પીવાના પાણીની કોઈ સમસ્યા નથી."

આઠેક ગામમાં ટૅન્કરોના ફેરા ચાલે છે કારણ કે તે ગામો પાઇપલાઇનના છેડે આવેલાં છે. "સરકાર પાસે ફૉરેસ્ટના ગોડાઉનમાં ઘાસનો પૂરતો જથ્થો છે. ઘાસકાર્ડ કાઢી આપવા માટે મામલતદારોને સૂચના આપી દેવાઈ છે... આ બાબતે અમે આગોતરું આયોજન કરી લીધું છે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન