વલસાડ: 'ચોરો'એ જ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી વખતે ફોન કરી પોલીસ કેમ બોલાવી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં કથિત ચોરીની એક અનોખી અને ચોંકાવનારી ઘટનાની ચર્ચા ચાલી રહી છે.

સામાન્ય રીતે પોલીસથી બચવા માટે ભાગી છૂટતા ચોરોએ જ 19 ઑગસ્ટના રોજ ચોરી દરમિયાન 112 હેલ્પલાઇન પર ફોન કરીને પોલીસને સ્થળ પર બોલાવી હોવાનું જાણવા મળ્યું છે.

બીબીસી ગુજરાતીએ આ મામલા અંગે સંપૂર્ણ વિગતો મેળવવા માટે કેસ સંદર્ભે થયેલી એફઆઇઆર મેળવીને ઘટનાના સાક્ષી તેમજ અધિકારીઓ સાથે વાત કરી હતી.

પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર નોંધાયેલી વિગતો અનુસાર, 'ચોરો'એ પોલીસને જાણ કર્યા બાદ પોલીસ સ્ટાફના માણસોએ તેમને 18 હજાર રૂપિયા સુધીના'ચોરીના દાગીના અને અન્ય મુદ્દામાલ' સાથે ઝડપી લીધા હતા.

ઘટના શું હતી?

ઘટના અંગે માહિતી આપતાં ઘટનાના સાક્ષી અને આ કેસમાં ફરિયાદીના મિત્ર એવા આકાશભાઈ જણાવે છે કે, "અમારા ઘરની પાસે સંજાણ ખાતે આવેલી બીજે જ્વેલર્સ નામની દુકાન મારા મિત્ર મનીષ અને તેમના પરિવારજનો જ ચલાવે છે."

"આ દુકાનની બિલકુલ સામે રહેતા એક મિત્રે અને તેમના ભાઈએ 19 તારીખે મોડી રાત્રે મને અને મારા ભાઈને ફોન કરીને જાણ કરેલી કે આ દુકાનમાં બે ચોરો ઇલેક્ટ્રિક કટર વડે તાળું કાપીને અંદર ચોરીના ઇરાદે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે."

આકાશભાઈ કહે છે કે, "આ દુકાનની બિલકુલ સામે રહેતા મિત્ર નિખિલ કાપડીએ અને તેના ભાઈએ અમને આ વાતની જાણ કરેલી."

"નિખિલ ઘટનાના રોજ મોડી રાત સુધી મોબાઇલ જોઈ રહ્યો હતો. તેણે અમને કહ્યું કે તેને વારંવાર કટરનો અવાજ સંભળાઈ રહ્યો હતો."

"જે સાંભળીને તેને શંકા ગઈ કે આટલી રાત્રે તો કોઈના ઘરમાં કામ ન ચાલતું હોય, તેણે અમને કહ્યું કે ચોરો પણ ખૂબ સાવચેતીપૂર્વક દુકાનના શટર પર લાગેલાં તાળાં કાપી રહ્યાં હતાં."

"થોડી વાર કટરથી તાળું કાપીને તેઓ સંતાઈ જઈ રહ્યા હતા અને ફરી વાર તાળું કાપી રહ્યા હતા."

"આશ્ચર્યજનક વાત તો એ હતી કે તેમણે ઇલેક્ટ્રિક કટર ચલાવવા માટે દુકાનની બિલકુલ સામેની બાજુએ રહેતા નિખિલના ઘરની બહાર લાગેલા મીટરમાંથી જ વીજળીનું કનેક્શન પણ લીધું હતું અને આવી રીતે કટર ચલાવી રહ્યા હતા."

"નિખિલ આ કટરનો અવાજ સાંભળીને નીચે ન આવી જાય એ માટે ચોરોએ સાવચેતી માટે તેના ઘરના બહારના દરવાજો બંધ કરી દીધો હતો."

આકાશભાઈ આગળ જણાવે છે કે, "અમને બધાને આ વાતની જાણ થતાં અમે પાંચ મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એ સમય સુધી ચોરો અંદર ઘૂસી ગયા હતા."

"અંદર ઘૂસી ગયા બાદ તેમણે થોડું શટર ખુલ્લું રાખ્યું હતું. અમે પહોંચતાં જ પહેલા એ શટર બંધ કરી દીધું અને તાત્કાલિક નજીકની પોલીસ પોસ્ટ પર પહોંચીને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી."

"આ સમગ્ર ઘટના 45 મિનિટથી એક કલાક સુધી ચાલી હતી, ત્યાં સુધી સવારના ત્રણ-સવા ત્રણ થઈ ચૂક્યા હતા."

"અમે પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન નહોતો લાગી રહ્યો."

"જેથી થોડી વારમાં હું મારી સાથે નજીકની પોસ્ટ પરથી પોલીસકર્મીઓને લઈ આવ્યો હતો, જોકે, ઘટનાસ્થળે થોડી વારમાં જ અન્ય પોલીસકર્મીઓ સાથે એક પોલીસની ગાડી પણ પહોંચી ગઈ હતી."

"ત્યારે અમને જાણવા મળ્યું કે દુકાનની અંદરથી ચોરોએ પોલીસને હેલ્પલાઇન પર ફોન કરીને બોલાવ્યા છે."

પોલીસે શું કહ્યું?

સમગ્ર ઘટના અંગે બીબીસી ગુજરાતીએ ઉમરગામ પીઆઇ એચડી તુવરે કહ્યું કે, "આ વાત સાચી છે કે ચોરોએ જ દુકાનમાંથી ફોન કરીને પોલીસને બોલાવી હતી, જોકે, પોલીસને ઘટના અંગે સ્થાનિકોએ પણ જાણ કરી હતી."

તેઓ આગળ કહે છે કે, "ચોરો દુકાનમાં બંધ હતા અને બહાર સ્થાનિકોની ભારે ભીડ ભેગી થઈ હતી, તેથી કદાચ તેમને પોતાની સુરક્ષાની બીક લાગી હશે, જેથી તેમણે પોલીસ હેલ્પલાઇન પર ફોન કરીને પોલીસને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી."

આ સમગ્ર ઘટનામાં પોલીસે કરેલી કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે, "આ કેસમાં અમે એફઆઇઆર દાખલ કરી, આગળની તપાસ હાથ ધરી છે."

"આરોપીઓએ પોલીસને ફોન કર્યા બાદ પણ જ્યારે પોલીસે તેમની જડતી લીધી ત્યારે તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા, જે કબજે કર્યા છે, હવે અમે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરીશું."

ઉમરગામ પોલીસે આ મામલે જાહેર કરેલી પ્રેસ નોટમાં આરોપીઓ વિશે આપેલી માહિતી અનુસાર, બંને આરોપી, દિનેશ પાઠક અને વિપીન પાઠક મહારાષ્ટ્રમાં રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશના છે.

બંને સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331 (4), 305 (એ) અને 54 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.

બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેમના વકીલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને તેમનો પક્ષ આવતાં આ સ્ટોરીમાં અપડેટ કરાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન