You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના આ ગામે 5-10 રૂપિયામાં મળતા નાસ્તાનાં તૈયાર પડીકાં પર પ્રતિબંધ મૂક્યો, પૅકેજ્ડ ફૂડ બાળકો માટે કેટલું હાનિકારક
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે પંચાયતે ઠરાવ બહાર પાડીને પાંચ અને દસ રૂપિયાનાં ફૂડ પૅકેટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ દુકાનદાર આ પ્રકારનાં ફૂડ પૅકેટ્સ વેચાતા પકડાય તો તેને દંડ ફટકારવાની વાત પણ કરી છે.
ગામના દુકાનદારોએ પણ આ ઠરાવને આવકારીને દુકાનમાં તેનું વેચાણ બંધ કરી દીધું છે.
ભૂંગળા, વેફર્સ વગેરે નાસ્તાનાં જે તૈયાર પડીકાં દુકાનદારો વેચતા હોય છે તેના પર હવે આ ગામમાં પ્રતિબંધ મૂકાયો છે. આ વિશે ગામના ઉપસરપંચ કીર્તિભાઈ ચૌધરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "અવારનવાર અમારા વડીલોની ફરિયાદ હતી કે બાળકોનું આરોગ્ય આ પડીકાંને લીધે જોખમાય છે. તેથી 11 ઑગસ્ટે ગ્રામસભાએ નિર્ણય લીધો હતો કે આ પડીકાં પર પ્રતિબંધ મૂકવામાં આવે. એ દિવસે જ ગ્રામ પંચાયતે ઠરાવ બહાર પાડ્યો હતો."
ગામની દુકાનોને જે નોટીસ પાઠવવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે, 15 ઑગસ્ટ સુધી આપની પાસે રહેલાં નાનાં પડીકાંનો જથ્થો પૂરો કરી 16 ઑગસ્ટથી તેનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવા જણાવવામાં આવે છે.
તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તેઓ એમ કરવામાં નિષ્ફળ જશે અને આ પડીકાંનું વેચાણ કરતા કોઈ દુકાનદાર પકડાશે તો તેને દંડ ફટકારવામાં આવશે.
આ પ્રકારે પહેલી વખત કોઈ દુકાનદાર પકડાય તો હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો અને બીજી વખત પડકાય તો દુકાનનો સામૂહિક બહિષ્કાર કરવાની વાત પણ આ નોટિસમાં કરવામાં આવી છે.
શું ગ્રામ પંચાયત દંડ કરી શકે?
ડાવોલ ગામમાં પાંચેક દુકાનો છે. એ દુકાનો પર પંચાયતની નોટીસ ચોંટાડેલી છે. દુકાનદારોએ પણ પંચાયતના નિર્ણયને આવકાર્યો છે.
ગામમાં દુકાન ધરાવતા નિકુંજભાઈ મોદીએ જણાવ્યું હતું કે, "બાળકોના આરોગ્ય માટે ગ્રામ પંચાયતે જે નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ. મારી દુકાનમાં એવું એક પણ પડીકું રાખ્યું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય દુકાનદાર કમલેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, "દુકાનદાર તરીકે અમને થોડી ખોટ જશે, પણ બાળકોના આરોગ્યનો સવાલ હોય તો અમે ખોટ ખમવા તૈયાર છીએ. આ નિર્ણયને ખુશીથી આવકારીએ છીએ."
કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો, ખાદ્ય પદાર્થોના ધારાધોરણ અને વેચાણનું નિયમન ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટેન્ડર્ડ્સ ઍક્ટ,2006 (FSSAI) હેઠળ આવે છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા સંચાલિત થાય છે. કાયદેસર રીતે ઉત્પાદિત થતી કોઈપણ વ્યાપારી પ્રોડક્ટ પર સ્વતંત્ર રીતે કાનૂની પ્રતિબંધ લાદવાની કે દંડ કરવાની સત્તા ગ્રામ પંચાયત પાસે નથી.
જોકે, પંચાયતી રાજ કાયદા હેઠળ ગ્રામસભાને જાહેર આરોગ્ય, સામાજિક કલ્યાણ અને ગામના હિતમાં નિર્ણયો લેવાનો અધિકાર છે. વ્યવહારમાં આ પ્રતિબંધો કાનૂની આદેશ કરતાં સામાજિક સંકલ્પ અને નૈતિક કરાર તરીકે કામ કરે છે. તેને કાયદાકીય રીતે કોર્ટમાં પડકારી શકાય, પરંતુ ડાવોલમાં દુકાનદારો કે કોઈ લોકોએ એનો વિરોધ કર્યો નથી.
પંચાયતીરાજના તજજ્ઞ યાકુબભાઈ કોઠારીયાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, "ગ્રામ પંચાયત પાસે એ સત્તા હોય છે કે નિયમ બનાવી શકે છે. સામાન્ય ઉપવિધી અનુસાર તે નિયમ ગામમાં લાગૂ કરી શકે છે."
દુકાનદારોને જે જાહેર નોટીસ આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ દુકાનદાર પડીકા વેચાતા પકડાશે એક હજાર રૂપિયા દંડ કરવામાં આવશે.
યાકુબભાઈએ જણા્ય હતું કે, "આ પ્રકારના કિસ્સામાં દંડ કે સજાની જોગવાઈ ન હોઈ શકે. પંચાયત પાસે એવી સત્તા નથી હોતી."
પૅકેજ્ડ ફૂડ બાળકોના આરોગ્યને કેવી રીતે નુકસાન કરે છે?
ગામના જ કંદોઈ પાસે બનતા ગાંઠીયા, ચેવડાના ડબ્બા ભરીને નિકુંજભાઈએ પોતાની દુકાનમાં રાખ્યા છે. પાંચ કે દસ રૂપિયાનો નાસ્તો કોઈ માગે તો તેઓ છૂટક તે વસ્તુ વેચે છે.
ડાવોલ ગામમાં પ્રાથમિક શાળાના આચાર્ય જેષંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શાળા છૂટ્યા પછી બાળકો આ પ્રકારનો બિનઆરોગ્યપ્રદ નાસ્તો આરોગતા હતા તે હવે નહીં આરોગે. એવી પણ ફરિયાદ હતી કે પડીકાઓ ખાવાને લીધે બાળકો ઘરે પુરતું ભોજન નહોતાં લેતાં. તેથી હવે એ પ્રશ્ન પણ ઊભો નહીં રહે.
પાંચ કે દસ રૂપિયાના તૈયાર મળતાં પૅકેજ્ડ ફૂડ બાળકોના આરોગ્યને કેવી રીતે નુકસાન કરે છે? એ સવાલનો જવાબ આપતાં અમદાવાદનાં પીડિયાટ્રિશિયન ડૉ. ઉન્મેષભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, "પૅકેજ્ડ ફૂડમાં નમક - સૉલ્ટનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારના ફૂડ વધારે તૈલી હોય છે તેથી અનસેચ્ચ્યુરેટેડ ફૅટ કે જે શરીરને નુકસાન કરે છે તેવા ફેટનું પ્રમાણ તેમાં વધારે હોય છે. પોષકતત્ત્વો તેમાં નહીવત્ હોય છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ નથી હોતું. જે શરીરને લાંબા સમયે નુકસાન કરે છે. લાંબા ગાળે તેનાથી સ્થૂળતા - ઓબેસીટી વગેરે સમસ્યા સર્જાઈ શકે છે."
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને લીધે વિશ્વમાં કયા રોગો વધી રહ્યા છે?
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો કહે છે કે વિશ્વભરના આહારમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF) નું પ્રમાણ ઘટાડવા માટે હવે પગલાં લેવાની જરૂર છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેને લીધે સ્થૂળતા અને ડિપ્રેશન સહિત અનેક રોગોનું જોખમ વધી શકે છે.
ભારતમાં પ્રોસેસ્ડ ફૂડનું વેચાણ ઉત્તરોત્તર વધ્યું છે. 2011માં તે વેચાણ જે 50,000 કરોડ રૂપિયા કરતાં વધારેનું હતું તે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અહેવાલ મુજબ ભારતમાં 2021માં 2,50,000 કરોડ રૂપિયાને આંબી ગયું હતું.
માર્કેટ રિસર્ચ કંપની યૂરોમૉનિટરના ડેટા અનુસાર ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું વેચાણ કરીયાણાની દુકાનો અને નાના વેપારી દ્વારા વધુ થાય છે.
સર્વેક્ષણો દર્શાવે છે કે વિશ્વભરના આહારમાં આ ઔદ્યોગિક રીતે ઉત્પાદિત થતાં ખોરાકનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે આપણે વધુ પડતી ખાંડ અને બિનઆરોગ્યપ્રદ ચરબી ખોરાકમાં લઇએ છીએ. તેમાં પૂરતા ફાઇબર અને પ્રોટીન નથી હોતા જેને લીધે આરોગ્ય પર અસર થાય છે.
યુનાઇટેડ નૅશન્શ ચિલ્ડ્રન્સ ફંડ એટલે કે યુનિસેફનો 2025નો રીપોર્ટ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ બાળકોના આરોગ્ય માટે લાલબત્તી ધરે છે. જેમાં જણાવાયું છે કે બાળકોના ખોરાકના મૂળભૂત અધીકાર સામે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ દ્વારા જે ચેડાં થઈ રહ્યાં છે તેની સામે સરકારોએ અને સમાજની વિવિધ સંસ્થાઓએ જાગવાની જરૂર છે.
પડીકાંમાં મળતા તૈયાર ખોરાક નફો રળવા બનાવવામાં આવે છે નહીં કે બાળકોના આરોગ્ય માટે. તેમાં ચરબી, નમક, ખાંડ અને અન્ય તત્ત્વો એવી રીતે ઉમેરવામાં આવે છે કે તેની ખપત વધારે ને વધારે થાય.
આવા ખોરાકને લીધે બાળકોની પાચનની ક્ષમતાને અસર થાય છે તેમજ મેદસ્વીતા, કુપોષણની સમસ્યાઓ ઊભી થાય છે, તેના પુરાવા છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન