અમદાવાદ સહિત 13 જિલ્લામાં કાલથી અતિભારે વરસાદની આગાહી, જરૂર પડ્યે શાળામાં રજા જાહેર કરવા સૂચના – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

ગુજરાતમાં અમદાવાદ સહિત કુલ 13 જિલ્લામાં શુક્રવારથી રવિવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

જેને પગલે સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારે જાહેર કરેલી પ્રેસ રિલીઝ અનુસાર, આ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં જરૂર પડ્યે રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ આ દિવસો દરમિયાન નાગરિકોને કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરી છે.

બેઠકમાં જોખમી હોર્ડિંગ, બૅનર અને સાઇન બોર્ડ ઉતારી લેવા ઉપરાંત જૂનાં અને જર્જરિત મકાનોમાંથી નાગરિકોને ખસેડવાની તાકીદ કરવામાં આવી છે.

રાજ્ય સરકારનાં મહેસૂલ સચિવ જયંતી રવિએ ઉપરોક્ત જિલ્લાઓના કલેક્ટર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સથી બેઠક કરી હતી.

આ જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.

આ જિલ્લાઓમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જેની અધ્યક્ષતા પ્રથમ વર્ગના અધિકારી કરશે.

જિલ્લા વહીવટી તંત્રોને નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને ખસેડવા તથા તેમના માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

બેઠક દરમિયાન રાહત અને બચાવ કામગીરી માટે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવશે. જ્યારે ભારતીય સેના, ઍરફોર્સ અને નેવીને સ્ટેન્ડ બાય રહેવા તાકીદ કરવામાં આવી છે.

જંતર-મંતર 'બંધ' કરાઈ રહ્યું છે? દિલ્હી પોલીસે નિવેદન જાહેર કરીને શું કહ્યું?

સોશિયલ મીડિયા પર એવા દાવા કરાઈ રહ્યા છે કે જંતર-મંતરને પ્રદર્શન માટે બંધ કરાઈ રહ્યું છે. આ અંગે દિલ્હી પોલીસે નિવેદન જાહેર કર્યું છે.

દિલ્હી પોલીસે ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું, "સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવાઈ રહી છે કે જંતર-મંતર પર પ્રદર્શન માટે તાળું લગાવી દેવાયું છે કે તેને બંધ કરી દેવાયું છે. આ દાવો સંપૂર્ણપણે ખોટો, ભ્રામક અને તથ્યહીન છે."

દિલ્હી પોલીસ પ્રમાણે, "જંતર-મંતર પર શાંતિપૂર્ણ અને કાયદા અંતર્ગત પરવાનગી લઈને પ્રદર્શન કરી શકાય છે."

દિલ્હી પોલીસે આગળ લખ્યું, "માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ અને તેના પાલન અંતર્ગત પોલીસ તરફથી જાહેર કરાયેલા એસઓપી પ્રમાણે, જંતર-મંતર પર એક સમયમાં વધુમાં વધુ એક હજારો લોકોને પ્રદર્શનની પરવાનગી આપી શકાય છે."

પોલીસ જણાવ્યું છે કે પ્રદર્શનનું આયોજન કરનારાને આવી પરવાનગી સંબંધિત અધિકારીઓ પાસેથી લેવાની હોય છે અને તેના માટે નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી હોય છે.

દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ અનકન્ફર્મ્ડ માહિતી પર વિશ્વાસ ન કરો, કે ના તેને શૅર કરો.

29 જુલાઈ એટલે કે બુધવારના રોજ જંતર-મંતર પર પોલીસે મૂકેલા બૅરિકેડ્સ એક સાથે વેલ્ડિંગ કરીને જોડાતા જોવા મળ્યા હતા. આ પહેલાં જંતર-મંતર પર હજારો વિદ્યાર્થીઓએ કૉક્રોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં પ્રદર્શન કર્યું હતું.

આ પ્રદર્શનો દરમિયાન 20 જુલાઈના રોજ સંસદ માર્ચની અપીલ બાદ દિલ્હી પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો, ટિયરગૅસના સેલ છોડવામાં આવ્યા અને આ હિંસામાં ઘણા વિદ્યાર્થીઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત પણ થયા.

બાદમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઘર્ષણ થયું, જેમાં ઘણા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા.

ભારતીય મહિલા અને પુરુષ હૉકી ટીમની જર્સીનો રંગ કેસરી કરવા પર સવાલ ઊઠ્યા

ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમે આવતા મહિને નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં થનારા એફઆઇએચ વર્લ્ડકપમાં પોતાની પરંપરાગત વાદળી જર્સીના સ્થાને કેસરી રંગની જર્સીમાં રમતી દેખાશે.

પૂર્વ કપ્તાન વીરેન્ રાસ્કિન્હાએ આ બદલાવ સામે સવાલ ઉઠાવ્યા છે, જ્યારે હૉકી ઇન્ડિયાએ આને તકનીકી જરૂરિયાત ગણાવીને બચાવ કર્યો છે.

હૉકી ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર નવી જર્સી જાહેર કરતાં કહ્યું કે આની ડિઝાઇન અને રંગનો હેતુ 'એક કહાણી કહેવી' અને 'ભારતના ગૌરવ'ને દેખાડવાનો છે.

તેનું કહેવું છે કે જર્સીને ખેલાડીઓ અને સપૉર્ટ સ્ટાફ સાથે સલાહ-મસલત કર્યા બાદ અંતિમ રૂપ અપાયું છે.

હૉકી ઇન્ડિયા પ્રમાણે, કેસરી રંગ સાહસ, બલિદાન અને જીતનું પ્રતીક છે.

સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, રાસ્કિન્હાએ આ બદલાવ પાછળના કારણ અંગે સવાલ ઉઠાવ્યા હતા. એ બાદ હૉકી ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે વાદળી રંગની જર્સી આંતરરાષ્ટ્રીય હૉકીમાં હવે એક માપદંડ બની ચૂકેલી વાદળી સિન્થેટિક પીચ સાથે ભળી જાય છે.

હૉકી ઇન્ડિયાએ કહ્યું, "આના કારણે ખેલાડીઓ માટે મેદાન પર વસ્તુઓને સ્પષ્ટપણે જોવાના અને ઓળખવાના કામ પર અસર પડી રહી હતી."

આના કારણે ભારતીય ટીમ માટે કેસરી જર્સી અપનાવવાનો નિર્ણય કર્યો છે.

અજિંક્ય રહાણેએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, નિવૃત્તિ લેતી વખતે તેમણે શું કહ્યું?

ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ મુખ્ય બૅટ્સમૅન અજિંક્ય રહાણેએ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

38 વર્ષના રહાણેએ છેલ્લી પ્રતિસ્પર્ધી મૅચ 2026ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમી હતી.

આ ટુર્નામેન્ટમાં તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના કૅપ્ટન હતા. તેમણે 14 મૅચમાં કુલ 335 રન બનાવ્યા હતા.

હાલમાં જ તેમણે ભારતીય ટીમમાં પરત ફરવાની આશા વ્યક્ત કરી હતી. પરંતુ આખરે 17 વર્ષનાં (આઈપીએલ સહિતના) લાંબા કાર્યકાળ બાદ તેમણે તેમની કૅરિયરને વિરામ આપવાનો નિર્ણય લીધો.

તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું, "જિંદગીનું સત્ય એ જ છે કે કોઈ પણ ચીજની શરૂઆત પણ થાય છે અને અંત પણ. જ્યારે એ સમય આવે છે તો તેને સન્માન આપીને આગળ વધવું જોઈએ. બેટિંગમાં મને હંમેશાં ટાઇમિંગ પર ભરોસો રહ્યો છે અને તેની મહત્તાને સમજી છે. આજે મને લાગે છે કે હવે આગળ વધવાનો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી સંન્યાસ જાહેર કરવાનો આ યોગ્ય સમય છે."

તેમણે 85 ટેસ્ટમૅચોમાં કુલ 5,077 રન બનાવ્યા. વન-ડે ક્રિકેટમાં તેમણે 90 મૅચોમાં કુલ 2,962 રન બનાવ્યા, તેમણે કુલ 20 ટી20 મૅચ પણ રમી અને તેમાં તેમણે 375 રન બનાવ્યા. જોકે ટેસ્ટ ક્રિકેટ જ એવું ફૉર્મેટ હતું જેમાં તેમણે અલગ ઓળખ મેળવી હતી.

ગુજરાત : આંગણામાં રમતી બાળકીને દીપડો ઉપાડી ગયો, ડૉક્ટરોએ મૃત જાહેર કરી

છોટા ઉદેપુરના બોડેલીના મોટા વાજપુર ગામે દીપડાના કથિત હુમલામાં એક બાળકીનું મોત થયું છે.

બીબીસી સહયોગી દક્ષેશ શાહ પાસેથી મળેલી વિગતો પ્રમાણે, ચાર વર્ષીય બાળકી તેના ઘરના આંગણામાં રમતી હતી અને તેના પર દીપડાએ હુમલો કર્યો હતો.

ગંભીર ઈજા થતાં બાળકીને જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ હતી, જ્યાં ડૉક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

આ ઘટનાથી મોટા વાજપુર અને સમગ્ર જિલ્લામાં ગભરાટનો માહોલ સર્જાયો છે.

ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમે પાંજરાં ગોઠવ્યાં હતાં.

છોટા ઉદેપુરના ડીસીએફ રૂપક સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "વન વિભાગે ગઈ કાલે રાતે જ દીપડાને શોધવાનું ઑપરેશન શરૂ કર્યું હતું. આજે સવારે દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે. આ એ જ દીપડો છે કે કેમ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. તેમજ મૃતકના પરિવારને સરકાર તરફથી જે કંઈ સહાય મળતી હશે એ દિશામાં પણ કાર્યવાહી કરાશે."

તેમજ તેમણે ગામલોકોને સાવધ રહેવાનું પણ જણાવ્યું હતું.

જૉર્ડનમાં અમેરિકાનાં ઠેકાણાં પર હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર કર્યા હુમલા

અમેરિકાએ ઈરાન પર ફરી વખત હવાઈ હુમલાઓ શરૂ કરી દીધા છે. ગુરુવારે ઈરાનની અંદર ઘણાં ઠેકાણાંને નિશાન બનાવવા માટે હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા.

મનાય છે કે અમેરિકાની હાલની કાર્યવાહી ઈરાન તરફથી જૉર્ડનસ્થિત અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં પર બૅલિસ્ટિક મિસાઇલો છોડ્યા બાદ થઈ છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે આ તમામ મિસાઇલોને રોકી લેવામાં આવી હતી અને ઈરાનનો હુમલો નાકામ કરી દેવામાં આવ્યો હતો.

અમેરિકાની સેનાએ જણાવ્યું છે કે તેણે અમેરિકન દળો પર ઈરાની બૅલિસ્ટિક મિસાઇલ હુમલાના પ્રયાસના બદલામાં ઈરાન પર ભારે હુમલો કર્યો હતો.

અમેરિકાની સેનાએ જણાવ્યું છે કે મંગળવારે જૉર્ડનમાં યુએસ બેઝ અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સનાં ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યાં.

અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે ઈરાનને બહુ આક્રમક ભાષામાં ધમકી આપી છે. અગાઉ ઈરાને રાતે અચાનક જૉર્ડનમાં અમેરિકાના સૈનિકો પર મિસાઇલથી હુમલો કર્યો હતો.

ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝના પ્રમુખ સંવાદદાતા ટ્રે યિંગસ્ટને કહ્યું કે "અમે તેમને તેમની ઔકાત બતાડી દેશું."

ટ્રમ્પે કહ્યું, "અમે તેમના પર જોરદાર હુમલો કરીશું, તેમને જડબાતોડ જવાબ મળશે."

ટ્રમ્પે કહ્યું કે "જૉર્ડનમાં તહેનાત અમેરિકન સૈનિકો પાસે ઈરાન તરફથી છોડેલી બૅલેસ્ટિક મિસાઇલોને રોકવા અને તોડી પાડવા માટે માત્ર થોડી મિનિટો હતી."

તેમણે જણાવ્યું કે તેમણે એ વીડિયો જોયો છે, જેમાં અમેરિકન સૈનિકો મિસાઇલને રોકવાની કાર્યક્રમ દરમિયાન રિયલ ટાઇમમાં કો-ઑર્ડિનેશન કરી રહ્યા છે.

આ દરમિયાન ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉરે જણાવ્યું કે તેણે જૉડર્નસ્થિત મુવાફ્ફક અલ-અલતી ઍરબેઝ અને અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયને નિશાન બનાવીને બૅલેસ્ટિક મિસાઇલો છોડી છે.

જૉર્ડનની સેનાએ કહ્યું કે તેણે ઈરાનની પાંચ મિસાઇલને રોકીને તોડી પાડી છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ ચોકી પર 'ચરમપંથી' હુમલો, ડીએસપી સહિત 9 પોલીસ કર્મચારીઓનાં મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં હાંગૂ કે ખજીના ચેકપોસ્ટ પર થયેલા હુમલા અને જવાબી હુમલામાં એક ડીએસપીસહિત નવ પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે.

બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે આ અથડામણમાં પોલીસે '15 ચરમપંથી'ઓને મારવાનો દાવો કર્યો છે.

ખૈબર પખ્તુનખ્વા પોલીસના નિવેદન પ્રમાણે બુધવારે થયેલા આ હુમલામાં 28 પોલીસ કર્મચારીઓ ઘાયલ પણ થયા છે.

નિવેદનમાં જણાવ્યા પ્રમાણે 'ચરમપંથી'ઓએ હાંગુની ખાજિના બંદા ચોકી પર હથિયારો વડે હુમલો કર્યો. તે પહેલાં પાકિસ્તાનની સેનાના જનસંપર્ક વિભાગ (આઈએસપીઆર)એ દાવો કર્યો કે છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં ચલાવેલાં અભિયાનોમાં '32 આતંકવાદીઓ' માર્યા છે.

ફ્રાન્સ અને સ્પેન બાદ હવે ગ્રીસનાં જંગલોમાં આગ, ગામોનાં ગામો ખાલી કરાવાયાં

ગ્રીસના ક્રીટ દ્વીપના રેથિમ્ન વિસ્તારમાં લાગેલી આગમાં બે બચાવકર્મીનાં મોત થયાં છે.

ઝડપી પવનોએ આગને વધુ વિકરાળ બનાવી છે, જેના કારણે ગામોનાં ગામ ખાલી કરાવાયાં છે.

દક્ષિણ યુરોપમાં ગરમીના સમયે જંગલોમાં આગ લાગવાની આ મોટી ઘટના છે.

દક્ષિણ તુર્કીમાં પણ મુગલા પ્રાંતમાં લાગેલી આગને કારણે ફેથિયેથી અંતાલ્યા સુધીનો મુખ્ય હાઈવે બંધ કરવો પડ્યો છે. એક હૉસ્પિટલના કેટલાક ભાગને પણ ખાલી કરાવાયો છે.

આ દરમિયાન સ્પેન અને ફ્રાન્સમાં ગરમીની ચોથી હીટ વેવ શરૂ થઈ છે. ફાયરના કર્મીઓ એ મોટા જંગલમાં ફરી આગ ન લાગે એવા પ્રયાસો કરી રહ્યા છે, જેને હાલમાં કાબૂમાં લેવાઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ક્રીટમાં અનેક જગ્યાએ આગ લાગી છે અને આ ઝડપથી ફેલાતી ગઈ.

ગ્રીસના બીજા ભાગોમાં પણ આગ લાગી છે. એજિયન સાગર પાસે પારોસ અને લેસબોસ ટાપુઓ સહિત ગ્રીસના મુખ્ય ભૂભાગના દક્ષિણ શહેર ટ્રિફિલિયામાં પણ આગ લાગી છે.

ઈરાનના જૉર્ડન પર હુમલા બાદ ટ્રમ્પની આક્રમક ભાષામાં ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે ઈરાનને બહુ આક્રમક ભાષામાં ધમકી આપી છે. અગાઉ ઈરાને રાતે અચાનક જૉર્ડનમાં અમેરિકાના સૈનિકો પર મિસાઇલથી હુમલો કર્યો હતો.

ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝના પ્રમુખ સંવાદદાતા ટ્રે યિંગસ્ટને કહ્યું કે "અમે તેમને તેમની ઔકાત બતાડી દેશું."

ટ્રમ્પે કહ્યું, "અમે તેમના પર જોરદાર હુમલો કરીશું, તેમને જડબાતોડ જવાબ મળશે."

ટ્રમ્પે કહ્યું કે "જૉર્ડનમાં તહેનાત અમેરિકન સૈનિકો પાસે ઈરાન તરફથી છોડેલી બૅલેસ્ટિક મિસાઇલોને રોકવા અને તોડી પાડવા માટે માત્ર થોડી મિનિટો હતી."

તેમણે જણાવ્યું કે તેમણે એ વીડિયો જોયો છે, જેમાં અમેરિકન સૈનિકો મિસાઇલને રોકવાની કાર્યક્રમ દરમિયાન રિયલ ટાઇમમાં કો-ઑર્ડિનેશન કરી રહ્યા છે.

આ દરમિયાન ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉરે જણાવ્યું કે તેણે જૉડર્નસ્થિત મુવાફ્ફક અલ-અલતી ઍરબેઝ અને અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયને નિશાન બનાવીને બૅલેસ્ટિક મિસાઇલો છોડી છે.

જૉર્ડનની સેનાએ કહ્યું કે તેણે ઈરાનની પાંચ મિસાઇલને રોકીને તોડી પાડી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન