You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાવનગર લઠ્ઠાકાંડ : જેના લીધે લોકો ટપોટપ મર્યા એ મિથેનોલ શું છે અને એ કેટલું ઝેરી છે?
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ભાવનગરમાં થયેલા 'નકલી વિદેશી દારૂ' પીવાના લીધે આઠ લોકોનાં મોત થયાં છે. ભાવનગરમાં બનેલી આ ઘટનાથી ફરી રાજ્યમાં દારૂ અને કેમિકલ અંગે ચર્ચા શરૂ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં 39 લોકોની સારવાર ચાલી રહી છે.
આ અગાઉ પણ 2022માં બોટાદ અને અમદાવાદ જિલ્લાનાં કેટલાંક ગામોમાં 'લઠ્ઠાકાંડ'ને કારણે 40થી વધુ લોકોનાં મોત થયાં હતાં. 2009માં અમદાવાદના કાંટોળિયા વાસ ખાતે પણ લઠ્ઠાકાંડ થયો હતો. ગુજરાતમાં થતા આ ઝેરી દારૂના કારણે થતાં મોત પાછળ મોટે ભાગે દારૂમાં ભળેલું મિથેનોલ જવાબદાર હોય છે. તાજેતરમાં ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનામાં પણ આ જ કારણ સામે આવ્યું છે.
આ ઘટના અંગે નોંધાયેલી પોલીસ એફ.આઈ.આર. અનુસાર, આરોપીઓ દારૂ બનાવવા માટેનું કાચું રૉ-મટીરિયલ ખરીદવા અમદાવાદ ગયા હતા. ત્યાંથી તેઓ વ્હાઈટ મટીરિયલ (પ્રવાહી સ્વરૂપમાં), ખાલી બોટલો, ઢાંકણાં, સ્ટીકર તથા મિથેનોલ વગેરે સરખેજ તેમજ અન્ય વિસ્તારમાંથી ટ્રાન્સપોર્ટ દ્વારા લાવ્યા હતા. ત્યારબાદ તેઓએ ભેગા મળી ભાવનગર આવીને ગૌતમ નામના આરોપીના ઘરે દારૂ બનાવ્યો હતો. અહીં તેઓએ પ્રથમ વખતે આશરે 51 પેટી જેટલો દારૂ બનાવ્યો અને તેનું છૂટક વેચાણ પણ કર્યું.
ત્યારબાદ બીજી વખત, રઈસ નામના આરોપી અને તેના સાથીદારોએ દારૂ બનાવ્યો પણ તે ઝેરી બનતાં તેનો નાશ કર્યો હતો. પરંતુ ફરીથી આરોપી રઈસે બીજા એક આરોપી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને મધ્યપ્રદેશથી દારૂ બનાવવાના માર્ગદર્શન માટે બોલાવ્યો હતો. પોલીસ એફ.આઈ.આર. અનુસાર, આ ડૉક્ટર સિવાય અન્ય ત્રણ આરોપીઓએ ભેગા મળીને દારૂ બનાવ્યો, જે મિથેનોલયુક્ત ઝેરી દારૂ બન્યો હતો.
"આ લોકો પૈસાની લાલચમાં, આ દારૂથી લોકોના જીવને જોખમ છે તે જાણતા હોવા છતાં, આશરે 35 પેટી જેટલો દારૂ બનાવી ભાવનગરના અલગ-અલગ બુટલેગરો તથા દારૂનું સેવન કરતા લોકોને છૂટક રીતે પહોંચાડ્યો હતો."
મિથેનોલ શું હોય છે?
મિથેનોલ એક ઝેરી સંયોજન છે જે ગેરકાયદેસર શરાબ જેવા કે મૂનશાઇન અને લઠ્ઠાના ઉત્પાદનમાં સામાન્ય રીતે જોવા મળે છે. મિથેનોલ પ્રવાહી ઉકાળવાની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે અને નિસ્યંદનની પ્રક્રિયામાં તે એકત્ર થાય છે.
શરાબના વ્યાવસાયિક ઉત્પાદકો તેને માનવવપરાશ માટે સુરક્ષિત સ્તરે ઘટાડી દે છે. પરંતુ બુટલેગરો સસ્તા શરાબને વધુ નશીલો બનાવવા માટે ઘણીવાર ઈન્ડસ્ટ્રીયલ મિથેનોલ વાપરે છે, જે પેઈન્ટ અને વાર્નિશમાં જોવા મળે છે.
આ ઝેરી સંયોજનનું નાનું પ્રમાણ પણ અંધાપો, લીવરને નુકસાન અને સંભવિત મૃત્યુનું કારણ બની શકે છે. ઓસ્લો યુનિવર્સિટી અને મેડિસિન્સ સાયન્સ ફ્રન્ટિયર્સ દ્વારા સ્થાપિત પહેલ દર્શાવે છે કે વિષાક્તતાની મોટા ભાગની ઘટનાઓ એશિયાઈ દેશોમાં નોંધાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિથેનોલ પૉઇઝનિંગનાં લક્ષણો શું છે?
થોડા પ્રમાણમાં પણ ઈન્ડસ્ટ્રીયલ મિથેનોલ પીવું અત્યંત જોખમી છે.
યુ.કે.ના પબ્લિક હેલ્થ ઈંગ્લૅન્ડ અનુસાર, મિથેનોલ પેટમાં જાય અથવા તેની વરાળ શ્વાસમાં જાય તો ગંભીર અસરો પેદા કરી શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- કોમા
- આંચકી આવવી
- ચેતાતંત્રને નુકસાન
- અંધાપો
- મૃત્યુ
બીબીસી અગાઉ કરેલાં એક અહેવાલમાં ડૉક્ટરના જણાવ્યા અનુસાર, "કિડનીમાં ઍસિડ જમા થાય છે, તે પેશાબના પ્રવાહને અવરોધે છે, ક્ષારનું પ્રમાણ વધારે છે અને કિડની નિષ્ફળ જાય છે."
બ્રિટિશ જર્નલ ઑફ ઑપ્થેલ્મોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે મિથેનોલનું થોડું પ્રમાણ પણ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ભયંકર નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી કાયમી અંધાપો આવી શકે છે. ઉત્તમ તબીબી સારવાર પણ ગેરકાયદે શરાબ પીનારા દર્દીઓની દૃષ્ટિ બચાવવામાં નિષ્ફળ જઈ શકે છે.
લિંકન કાઉન્ટી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ વિકાસ સોડીવાલાએ 2012માં બીબીસીને જણાવ્યું હતું કે ચક્કર આવવા, ઊબકા, પેટમાં દુખાવો, ઊલટી અને દૃષ્ટિ ઝાંખી થઈ ગઈ હોય તેવા દર્દીઓ કેઝ્યુઅલ્ટી વિભાગમાં આવતા હતા.
લોકોએ કહ્યું કે તેમણે દુકાનો અને કાર બૂટ સેલ્સમાંથી શરાબ ખરીદ્યો હતો. તેમણે ઉમેર્યું, "મિથેનોલ આંખની પાછળના નેત્રચેતાતંતુઓ પર હુમલો કરી શકે છે. તે વ્યક્તિની દૃષ્ટિને અસર કરે છે અને કેટલાક કિસ્સાઓમાં અંધ બનાવી શકે છે."
મિથેનોલ અને ઇથેનોલ વચ્ચે શું તફાવત છે?
ઈથેનોલ અને મિથેનોલ એ બળતણ અને દ્રાવક તરીકે ઉપયોગમાં લેવાતા આલ્કોહોલના પ્રકાર છે.
ઈથેનોલ એક મોંઘું રસાયણ છે. તે બીયર, વાઈન અને સ્પિરિટ્સ જેવાં આલ્કોહોલિક પીણાંમાં જોવા મળે છે. સામાન્ય આલ્કોહોલનું સેવન કરવાથી માથાનો દુખાવો અને ઊબકા આવી શકે છે, પરંતુ તેની અસર ક્ષણિક હોય છે.
જ્યારે મિથેનોલ થોડી આલ્કોહોલિક ગંધ ધરાવે છે અને પ્રમાણમાં સસ્તું હોય છે; તે અત્યંત ઝેરી અને વપરાશ માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. ઐતિહાસિક રીતે આ એન્ટિ-ફ્રીઝિંગ કેમિકલ લાકડામાંથી કાઢવામાં આવતું હતું, તેથી તેને 'વુડ આલ્કોહોલ' (લાકડાનો આલ્કોહોલ) પણ કહેવામાં આવે છે.
મિથાઇલ આલ્કોહૉલ કેટલો નુકસાનકારક?
દારૂને વધારે નશીલો બનાવવા માટે તેમાં ઑક્સિટોસિન ભેળવી દેવામાં આવે છે, જે મૃત્યુનું કારણ બની શકે છે.
હાલનાં વર્ષોમાં ઑક્સિટોસિન વિશે એવી માહિતી સામે આવી છે કે તેનાથી નપુંસકતા અને ચેતાતંત્ર સાથે જોડાયેલી ઘણી બીમારીઓ થઈ શકે છે. તેના સેવનથી આંખોમાં બળતરા, ખંજવાળ અને પેટમાં તીવ્ર બળતરા થઈ શકે છે તથા લાંબા ગાળે આંખોની રોશની પણ જઈ શકે છે.
કાચા દારૂમાં યુરિયા અને ઑક્સિટોસિન જેવાં કેમિકલ્સ ભેળવવાના કારણે મિથાઈલ આલ્કોહોલ બની જાય છે, જે લોકોના મોતનું કારણ બને છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે મિથાઈલ આલ્કોહોલ શરીરમાં જતાં જ તીવ્ર રાસાયણિક પ્રક્રિયા થાય છે. તેનાથી શરીરના આંતરિક અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું તુરંત મૃત્યુ નીપજે છે.
ભેળસેળમાં સંતુલન બગડે તો ઝેર બની જાય
કેટલાક લોકોના શરીરમાં આ રાસાયણિક પ્રક્રિયા ધીમે-ધીમે થતી હોય છે, તેથી તેમને બચાવી શકાય છે. જે રાસાયણિક દ્રવ્યને દેશી દારૂ કહીને વેચવામાં આવે છે, તે 95 ટકા વિશુદ્ધ આલ્કોહૉલ છે એટલે કે ભેળસેળ વગરનો હોય છે. તેને ઇથેનોલ પણ કહેવામાં આવે છે.
આ ઈથેનોલને વધુ નશીલો બનાવવા માટે વેપારીઓ તેમાં મિથેનોલ ભેળવે છે. જ્યારે ઈથેનોલ સાથે 'કાષ્ઠ આલ્કોહોલ' કે 'કાષ્ઠ નેફ્થા'ના નામે જાણીતા મિથેનોલના મિશ્રણનું સંતુલન બગડે છે, ત્યારે તે અત્યંત ઝેરી બની જાય છે.
મિથેનોલ એ કૅમિસ્ટ્રીની દુનિયાનો સૌથી સરળ આલ્કોહોલ છે. સામાન્ય તાપમાને તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તેનો ઉપયોગ એન્ટીફ્રીઝરતરીકે, અન્ય પદાર્થોનું મિશ્રણ તૈયાર કરવામાં અને ઈંધણ તરીકે થાય છે. તે એક રંગહીન અને જ્વલનશીલ રસાયણ છે, જેની ગંધ ઈથેનોલ જેવી જ હોય છે. મિથેનોલ એક ઝેરી પદાર્થ છે, જે પીવાથી મૃત્યુ થઈ શકે છે અને આંખોની રોશની જઈ શકે છે.
ઈન્ડસ્ટ્રીઝ ઈથેનોલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કારણ કે તેમાં અન્ય પદાર્થોને ઓગાળવાની/મિશ્ર કરવાની ખૂબ વધારે ક્ષમતા હોય છે. તેનો ઉપયોગ વાર્નિશ, પોલિશ, દવાઓનાં મિશ્રણ, ઈથર, ક્લોરોફોર્મ, કૃત્રિમ રંગો, પારદર્શક સાબુ, અત્તર અને સુગંધિત દ્રવ્યો તેમજ અન્ય કેમિકલ કમ્પાઉન્ડ્સ બનાવવામાં થાય છે. પીવાના દારૂમાં, ઘા સાફ કરવા માટે બેક્ટેરિયાનાશક (એન્ટીસેપ્ટિક) તરીકે અને પ્રયોગશાળાઓમાં દ્રાવક (સોલ્વન્ટ) તરીકે પણ ઈથેનોલ ઉપયોગી થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન