ટી20 ક્રિકેટ વર્લ્ડકપ : ભારતની ટીમ જીત માટે કેટલી મજબૂત દાવેદાર?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, ભારતીય ક્રિકેટ ટીમ
    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતીય ક્રિકેટ ટીમ કૅપ્ટન સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં અમેરિકા સામે 7 ફેબ્રુઆરી, 2026ના રોજ ટી20 વર્લ્ડકપની પહેલી મૅચ રમશે.

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 ઇન્ટરનૅશનલના વર્લ્ડ ચૅમ્પિયન તરીકેનું પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવાના આશયથી 2026ની આ ટુર્નામેન્ટમાં ઊતરશે.

નોંધનીય છે કે ભારતીય ટીમે અત્યાર સુધી બે ટી20 વર્લ્ડકપ જીત્યા છે. પ્રથમ 2007માં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં અને બીજો 2024માં રોહિત શર્માની કપ્તાનીમાં.

જો ભારત આ વર્લ્ડકપ જીતે તો ત્રણ વખત ટી20 વર્લ્ડકપ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બનશે. આ સાથે જ ભારત પોતાના જ દેશમાં વર્લ્ડકપ જીતનાર પણ પ્રથમ દેશ બનશે.

ભારતીય ક્રિકેટ ટીમ 2026નો વર્લ્ડકપ જીતવા કેટલી મજબૂત છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ટી20 ક્રિકેટ ટીમે 2024ના વર્લ્ડકપ પછી કુલ 42 મૅચ રમી છે, જેમાંથી 32માં ટીમને જીત મળી છે તો છમાં હારનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે ગત ટી20 વર્લ્ડકપમાં જીત મેળવ્યા બાદથી ભારતે એક પણ ટી20 સીરિઝ ગુમાવી નથી અને એશિયા કપ પણ જીતી બતાવ્યો છે.

ભારત હાલ આઇસીસી ટી20 રૅન્કિંગમાં ટૉપ પર છે. અભિષેક શર્મા ટી20 બૅટ્સમૅન રૅન્કિંગમાં અને વરુણ ચક્રવર્તી બૉલર રૅન્કિંગમાં પ્રથમ ક્રમે છે.

ટી20 વર્લ્ડકપ માટે જે પ્રકારે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે, એવું કહી શકાય કે તેમાં સિનિયર ખેલાડીઓ અને જુનિયર ખેલાડીઓનું સારું કૉમ્બિનેશન જોવા મળ્યું છે.

ભારતની ટીમના હાલના પ્રદર્શનને જોઈને રવિ શાસ્ત્રીએ આઇસીસીના રિવ્યૂમાં કહ્યું, "તમામ ખેલાડીઓનું હાલનું ફૉર્મ જોઈએ, તેમની ફિટનેસ અને તાજેતરના સમયમાં તેમણે જે ક્રિકેટ રમી છે, તે બધું તેમને સ્પષ્ટપણે ચૅમ્પિયન બનવા માટે ફૅવરિટ બનાવે છે. તમે જુઓ કે તેમના ટોચના ક્રમના ખેલાડીઓ કેવા ફૉર્મમાં છે."

મહેન્દ્રસિંહ ધોનીએ ટી20 વર્લ્ડકપ રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમને 'સૌથી ખતરનાક' ટીમ ગણાવી છે.

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લી ત્રણ ટી20 સિરીઝમાં એક મજબૂત યુનિટ તરીકે રમી છે અને હારી નથી.

ભારતીય બેટિંગ લાઇનઅપ કેટલું મજબૂત?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, ભારતીય ક્રિકેટ ટીમ
ઇમેજ કૅપ્શન, ભારતીય ટી20 ટીમના બૅટ્સમૅન અભિષેક શર્મા શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરવાનું શરૂ કરી દે છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ક્રિકેટ નિષ્ણાતોને મતે ભારતના ઑપનર અભિષેક શર્મા જે પ્રકારે પ્રથમ બૉલથી સિક્સ મારવાની તૈયારી બતાવે છે તે વિરોધી ટીમના મનોબળને નબળું પાડી દે છે.

નોંધનીય છે કે ન્યૂઝીલૅન્ડ સામેની સિરીઝમાં તેમનો સ્ટ્રાઇક રેટ 230થી વધુ રહ્યો છે.

જોકે, સંજુ સેમસન સારા ફૉર્મમાં ન હોવાની વાત ભારત માટે ચિંતાનો વિષય ખરી અને તેમનું ન ચાલવું ભારત માટે નબળાઈ બની શકે છે.

જોકે, તેમના વિકલ્પ તરીકે વિકેટકીપર ઈશાન કિશન ટીમમાં હાજર છે.

ઈશાન કિશન લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં પરત ફર્યા છે. તેમણે સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં ઝારખંડ તરફથી રમતા દસ મૅચમાં 197ની ઍવરેજથી 517 રન બનાવ્યા હતા.

ફાઇનલ મૅચમાં સદી ફટકારીને ઝારખંડને ટ્રૉફી પણ જિતાડી હતી. ઈશાન કિશને ન્યૂઝીલૅન્ડ સામેની છેલ્લી ટી20 મૅચમાં સદી ફટકારી હતી.

ટી20 વર્લ્ડકપ પહેલાં સૂર્યકુમાર યાદવ ફરીથી ફૉર્મમાં આવે તે જરૂરી હતું. સૂર્યકુમાર યાદવની 2025માં ઍવરેજ 13.62એ પહોંચી ગઈ હતી. જોકે, હવે ન્યૂઝીલૅન્ડ સામેની સિરીઝમાં તેમણે 80ની ઍવરેજ અને 196ના સ્ટ્રાઇક રેટથી પાંચ મૅચમાં 242 રન બનાવી એક રીતે પોતાના ટીકાકારોને જાણે જવાબ આપ્યો હતો.

નિષ્ણાતોના મતે મિડલ ઑર્ડરમાં તિલક વર્મા પણ મજબૂત ખેલાડી છે. જોકે, ઈજાના કારણે તેઓ ન્યૂઝીલૅન્ડ સામેની સિરીઝ રમ્યા નહોતા, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં તેમણે ચાર મૅચમાં 62ની ઍવરેજથી રન બનાવ્યા હતા. ઈજા બાદ વૉર્મઅપ મૅચમાં તેમણે પોતાની જાતને પુરવાર કરી દીધા છે.

ઑલરાઉન્ડર પર ભારતીય ટીમનો મદાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, ભારતીય ક્રિકેટ ટીમ

ભારતની ટીમમાં અક્ષર પટેલ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા અને વૉશિંગટન સુંદર ઑલરાઉન્ડર છે.

ગુજરાતના અક્ષર પટેલ ભારતની ટીમના વાઇસ કૅપ્ટન છે. અક્ષર પટેલ હવે પાંચમા ક્રમે બેટિંગ કરે છે અને ટીમને મિડલ ઑર્ડરમાં મજબૂતી આપી રહ્યા છે.

2024ના ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં તેમણે 31 બૉલમાં 47 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે ટી20 ક્રિકેટની 53 ઇનિંગ્સમાં 134ના સ્ટ્રાઇક રેટથી 686 રન બનાવ્યા છે અને 86 વિકેટ લીધી છે.

હાર્દિક પંડ્યા ટી20 ક્રિકેટ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. આઇસીસી મૅન્સ ટી20 રૅન્કિંગમાં ત્રીજા ક્રમે હાર્દિક પંડ્યા અને નવમા ક્રમે શિવમ દુબે છે.

હાર્દિક પંડ્યાએ ટી20માં સ્ટ્રાઇક રેટ 144નો છે અને તેમણે 105 વિકેટ લીધી છે. હાર્દિક પંડ્યાએ 2024ના ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપીને ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતુ.

શિવમ દુબેએ ન્યૂઝીલૅન્ડ સામેની સિરીઝમાં 248.93ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. તેઓ દબાણમાં પણ ખૂલીને રમવા માટે જાણીતા છે.

શિવમ એક-બે ઓવર મિડલ ઓવરમાં નાખીને ઓછા રન આપે છે અને વિકેટ પણ ઝડપથી લે છે.

વૉશિંગટન સુંદર વર્લ્ડકપમાં ક્યારથી રમશે તે અંગે અનિશ્ચિતતા છે, પરંતુ તેઓ નહીં રમે તેવી જાહેરાત હજુ સુધી નથી કરાઈ.

વૉશિંગટન સુંદર ડાબોડી બેટિંગ અને જમણેરી ઑફ બ્રેક બૉલિંગ કરે છે.

ભારતીય ટીમને ફુલટાઇમ ઑફ સ્પિન બૉલર જરૂરિયાત તેઓ પૂરી કરી શકે છે.

વરુણ ચક્રવર્તી ફૉર્મમાં, બુમરાહનું ફૉર્મ ચિંતાજનક

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય બૉલિંગ યુનિટમાં જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અર્શદીપસિંહ અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે છેલ્લા એક વર્ષમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લીધી છે.

વરુણ ચક્રવર્તીએ પાછલા એક વર્ષમાં 18 મૅચમાં 26 અને કુલદીપ યાદવે 13 મૅચમાં 25 વિકેટ લીધી છે. આ બંને ખેલાડીઓની ઇકૉનૉમી પણ આઠથી નીચે રહી છે. આમ, કહી શકાય કે તેઓ ઝાઝા રન નથી આપી રહ્યા.

જસપ્રીત બુમરાહ છેલ્લા એક વર્ષમાં 17 મૅચ રમ્યા છે, જેમાં તેમણે માત્ર 18 વિકેટ લીધી છે.

જોકે, ક્રિકેટ ઍક્સપર્ટ્સના મતે જસપ્રીત બુમરાહનું ટી20 ક્રિકેટમાં હાલનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે. જસપ્રીત બુમરાહ સામાન્ય રીતે ગેઇમ ચૅન્જર બૉલર માનવામાં આવે છે. તેમણે 2024ના ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ લઈને ભારતને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

અર્શદીપસિંહ બૉલિંગની શરૂઆત સારી કરે છે અને વિકેટટેકિંગ બૉલર છે. તેમણે ગત એક વર્ષમાં 13 મૅચમાં 19 વિકેટ લીધી છે. જોકે, છેલ્લી ઓવરોમાં તેઓ થોડા ખર્ચાળ જરૂર સાબિત થયા છે.

હર્ષિત રાણા આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં નવા ખેલાડી છે. ન્યૂઝીલૅન્ડ સામેની ટી20 મૅચમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું. ન્યૂઝીલૅન્ડના ટોચના ખેલાડીઓની ભાગીદારીઓ તેમણે સફળતાપૂર્વક તોડી હતી.

ટી20 ક્રિકેટ : માત્ર બે ઓવર બદલી શકે છે મૅચ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, ભારતીય ક્રિકેટ ટીમ

બધા ક્રિકેટચાહકોને ખ્યાલ છે કે ટી20 ક્રિકેટમાં તમારી ટીમ ગમે તેટલી મજબૂત હોય, પરંતુ બે સારી ઓવર આખી મૅચને પલટી શકે છે. 2024ના ટી20 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં એવું જ બન્યું હતું.

ભારત સામે દક્ષિણ આફ્રિકાને ચૅમ્પિયન બનવા માટે 30 બૉલમાં 30 રન બનાવવાના હતા. 16મી ઓવરમાં જસપ્રીત બુમરાહ ચાર રન, 17મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ચાર રન આપીને એક વિકેટ લીધી. 18મી ઓવરમાં બુમરાહ માત્ર બે રન આપીને એક વિકેટ લીધી હતી. અર્શદીપસિંહ 19મી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા. દક્ષિણ આફ્રિકાને છેલ્લે છ બૉલમાં 16 રન કરવાનાં હોય છે અને હાર્દિક પંડ્યા બૉલિંગ કરવા આવ્યા હતા. દક્ષિણ આફ્રિકા ભારતના 176 રન સામે 169 રન બનાવી શક્યું અને અંતે ભારત ચૅમ્પિયન બન્યું. આમ, ટી20 ક્રિકેટમાં ગમે ત્યારે પાસું પલટાઈ જાય છે.

મહેન્દ્રસિંહ ધોનીએ પણ હાલમાં ક્રિકેટ હોસ્ટ જતીન સપ્રૂ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારત સૌથી ખતરનાક ટીમોમાંથી એક ટીમ છે. ભલે એ બેટિંગથી શરૂઆત કરે કે બૉલિંગથી, એક સારી ટીમના બધા ગુણો આ ટીમમાં છે. આ ફૉર્મેટમાં તેમની પાસે ઘણો અનુભવ છે. તેઓ અન્ડરપ્રેશર પણ રમે છે. જે ખેલાડીને ટીમ માટે જે ભૂમિકા ભજવવાની છે, તે પ્રકારની સ્થિતિનો તેઓ સામનો કરી ચૂક્યા છે.

મહેન્દ્રસિંહ ધોનીએ વધુમાં કહ્યું, "ટી20 ક્રિકેટમાં એવું પણ થઈ શકે છે કે તમારા કેટલાક ખેલાડીઓથી અમુક દિવસે સારું પ્રદર્શન ના થાય અને વિરોધી ટીમનો દિવસ શાનદાર હોય. આવું લીગ સ્ટેજ પર કે નૉકઆઉટ સ્ટેજ પર પણ થઈ શકે છે, ત્યારે તમારે પ્રાર્થનાની જરૂર હોય છે."

ભારતીય ટીમ પર પડનારા દબાણ વિશે રવિ શાસ્ત્રીએ કહ્યું હતું, "જ્યારે તમે તમારા ટાઇટલને બચાવવા પ્રયત્ન કરતા હો, જ્યારે તમે તમારા ઘરમાં રમતા હો ત્યારે તમારા પર ગમે ત્યાંથી દબાણ આવી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન