હાથમાં મોબાઇલ ફોન, ખભે બૅગપૅક અને પગમાં સ્પૉર્ટ્સ શૂઝ - ગિરનાર પરિક્રમાનો ધાર્મિક ચહેરો કઈ રીતે બદલાઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images/@collectorjunag
શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ ગિરનારની પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો હતો. ત્યાર પછી શનિવારે સવારે જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજાથી શરૂ કરીને ગિરનાર દરવાજા સુધી વાહનોનો ભારે ટ્રાફિક સર્જાયો હતો.
ગિરનાર દરવાજાથી આગળ વાહનો લઈ જવાની મનાઈ હોવાથી હજારો લોકો પગપાળા જ ભવનાથ તળેટી તરફ જઈ રહ્યા હતા.
શ્રદ્ધાળુઓ દામોદર કુંડ પાસેથી પસાર થઈને તળેટીમાં આવેલા ભારતી આશ્રમના પ્રવેશદ્વાર અને ગિરનાર અભયારણ્યના પ્રવેશદ્વાર એવા ઈંટવા નાકાથી જંગલમાં પ્રવેશીને પોતાની પરિક્રમા શરૂ કરી રહ્યા હતા.
દર વર્ષે દેવ ઊઠી અગિયારસના દિવસથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા ગુજરાતનો એક મોટો ધાર્મિક ઉત્સવ ગણાય છે.
ચાર દિવસ ચાલતા આ ઉત્સવ દરમિયાન લોકો ભારતી આશ્રમથી પોતાની પગપાળા યાત્રા શરૂ કરે છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તેઓ ઈંટવા નાકાથી ગિરનાર વન્યજીવ અભયારણ્યમાંં પ્રવેશ કરે છે અને જંગલની અંદર 36 કિલોમીટર ચાલીને ગિરનાર પર્વતની ફરતે એક ચક્ર પૂરું કરે છે. ત્યારબાદ ગિરનાર પર્વતની સીડી નજીક આવેલા બોરદેવી નાકાથી જંગલ બહાર નીકળી ફરી ભવનાથ તળેટીમાં પહોંચીને પરિક્રમા પૂર્ણ કરે છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ વર્ષે ઈંટવા નાકાનો દરવાજો વિધિવત પરિક્રમા શરૂ થવાના 18 કલાક અગાઉ જ ખોલી નાખ્યો હતો અને લોકોને પોતાની યાત્રા શરૂ કરવાની મંજૂરી આપી હતી.
તેના 24 કલાક પછી પણ શનિવારે ભવનાથમાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ હતો. કોઈ મહિલાના માથે ગુટકાની જાહેરાતવાળા સફેદ થેલા હતા, તો કોઈના માથે ભરત ભરેલી થેલીઓ અને હાથમાં વાંસની લાકડી હતી. જ્યારે કોઈ આધેડ પુરુષના ખભે કંતાનની થેલી અને હાથમાં લાકડી જોવા મળતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
પરંતુ આ જનમેદનીમાં એટલે કે, માનવ મહેરામણમાં ખભા અને પીઠ પર લટકતાં બૅકપૅક્સ લઈને નીકળેલાં યુવક-યુવતીઓનાં નાના-નાના જૂથ થોડાં અલગ તરી આવતાં હતાં. સામાન્ય રીતે આવા થેલા વન-વગડાના પ્રવાસીઓ પાસે જોવા મળતા હોય છે.
તેમના હાથમાં રહેલા મોબાઇલ ફોન, કાનમાં ઇયરફોન કે ગળામાં લટકતા નેકબૅન્ડ અને ફોનના કૅમેરાથી થઈ રહેલું રેકૉર્ડિંગ (ફિલ્મિંગ) આ પરિક્રમામાં એક અલગ જ ભાત પાડતાં હતાં.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
શનિવારે પરિક્રમાર્થીઓમાંથી 30 થી 40 ટકા લોકો આ પ્રકારનાં યુવક-યુવતીઓ હોય તેવું જણાતું હતું.
દાયકાઓથી પરિક્રમાના સાક્ષી રહ્યા હોય તેવા લોકો કહે છે કે, છેલ્લા એક-દોઢ દાયકામાં પરિક્રમાર્થીઓમાં એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. તેના કારણે પરિક્રમાના મૂળ સ્વરૂપમાં ધરમૂળથી ફેરફારો થયા છે.
કઈ બાબતો યુવાનોને પરિક્રમામાં ખેંચી લાવે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગુલાબી ટી-શર્ટ, કાળા રંગનું પૅન્ટ અને કાળાં ચશ્માં પહેરીને આવેલાં અંજલિ અંધૃતકર શનિવારે સવારે ઈંટવા નાકાએ પહોંચ્યાં હતાં. તેમણે "જય ગિરનારી" નો જયઘોષ કરીને નીચે નમીને ગિરનારની માટીને સ્પર્શ કર્યો અને પોતાના ફોનમાં કેટલાક ફોટા પાડ્યા હતા.
મહારાષ્ટ્રના નાસિકમાં યોગ થેરાપી અને નેચરોપેથી કેન્દ્ર ચલાવતાં અંજલિ પોતાની બે સખીઓ સાથે ગિરનાર પહોંચ્યાં હતાં.
એ જ રીતે રાજકોટથી આવેલાં અને કૉલેજમાં અભ્યાસ કરતાં રિદ્ધિ ચાંઉ નામનાં યુવતી પણ પોતાની બહેન, માતા, માસી અને અન્ય એક મહિલા સાથે જૂનાગઢ આવ્યાં હતાં. તેઓ શુક્રવારે બપોરે પરિક્રમા શરૂ કરીને શનિવારે બપોરે બોરદેવી નાકાએ પહોંચી ગયાં હતાં.
બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના 23 વર્ષના યુવક હરેશ ભાલિયા અમદાવાદની એક કંપનીમાં સૉફ્ટવૅર એન્જિનિયર તરીકે કામ કરે છે. તેઓ અને તેમના ચાર પિતરાઈ ભાઈઓ શુક્રવારે રાત્રે 11 વાગ્યે પરિક્રમા શરૂ કરીને શનિવારે બપોરે યાત્રા પૂરી કરી બોરદેવી નાકાએ પહોંચી ગયા હતા.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અંજલિએ કહ્યું હતું કે, "અમે ગિરનારમાં ખાસ તો વર્ષમાં એક જ વાર યોજાતી લીલી પરિક્રમા કરવા આવ્યાં છીએ. અમે પરિક્રમા કરીશું અને ગિરનાર પર્વત પર આવેલા દત્ત શિખર પર પણ જઈશું."
તેમણે ઉમેર્યું હતું કે, "યુટ્યુબ પરથી આ અંગે લગભગ બધી માહિતી મળી ગઈ હતી. હું દત્તભક્ત છું અને પૌરાણિક ગ્રંથોમાંથી પણ મને માહિતી મળી હતી કે, જીવનમાં ઓછામાં ઓછી એક વાર તો આ પરિક્રમા કરવી જ જોઈએ."
"ઈશ્વરની ભક્તિ અને દત્ત ગુરુજીનો આદેશ થયો એટલે અમે આવી ગયાં. હું દત્ત શિખરે અગાઉ બે વાર આવી ચૂકી છું, પણ પરિક્રમામાં આવવાનું ચાર વર્ષથી વિચારી રહી હતી. હું નિયમિત ટ્રૅકિંગ કરું છું, એ દૃષ્ટિએ પણ અહીં આવીને ઘણું સારું લાગી રહ્યું છે."
રિદ્ધિ ચાંઉ પણ પહેલી વાર પરિક્રમામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, "મારાં મમ્મી કહેતાં હતાં કે જીવનમાં એક વાર તો પરિક્રમા કરવી જ જોઈએ. એટલે મેં કહ્યું કે ચાલો, કરી નાખીએ. અહીં આવવાની બહુ મજા આવી, પણ થાકી પણ એટલાં જ ગયાં. પર્વત પર ચડતી વખતે પહેલી વાર એવું લાગ્યું કે અમે ટ્રૅકિંગમાં ગયાં હોઈએ."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બીજી તરફ, હરેશ ભાલિયાએ જણાવ્યું હતું કે, "મારાં પપ્પા-મમ્મી છેલ્લાં 10 વર્ષથી પરિક્રમામાં આવે છે. પરંતુ આ વખતે થોડી તબીબી કટોકટી (મેડિકલ ઇમર્જન્સી)ના કારણે પપ્પાથી આવી શકાયું ન હતું. તેથી તેમના બદલે આ વખતે હું આવ્યો છું."
તેમણે ઉમેર્યું હતું કે, "પપ્પા દર વર્ષે આવતા હોવાથી ઘરે પરિક્રમાની અને ચડાણની વાતો ચાલતી રહેતી હતી. મને પણ આ યાત્રા હાઇકિંગ કે ઍડવૅન્ચર (સાહસ) જેવી લાગી રહી હતી."
"પરિક્રમા એક પ્રકારનું ઍડવૅન્ચર તો છે જ, પણ હું ભગવાનમાં પણ ખૂબ શ્રદ્ધા ધરાવું છું. તેથી મારો મુખ્ય ઉદ્દેશ પરિક્રમા પૂર્ણ કરવાનો અને ગિરનાર પર ભગવાનના દર્શન કરવાનો હતો."
પરિક્રમામાં યુવાનોની સંખ્યા કેમ વધી રહી છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
યાત્રા સાથે સંકળાયેલી આ સંસ્થાના ટ્રસ્ટીમંડળના હાલના પ્રમુખ જાદવભાઈ કાકડિયા રાજકોટમાં શાકભાજીના વેપારી છે. તેઓ સંસ્થાની શરૂઆતથી જ તેની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને હાલ તેઓ 79 વર્ષના થયા છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "પહેલાં મોટા ભાગે વડીલો અને સાધુ-સંતો જ પરિક્રમામાં આવતા હતા. વડીલો સાથે એકલ-દોકલ યુવાનો જોવા મળતા."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તેમણે ઉમેર્યું હતું કે, "ત્યારે લોકો એમ વિચારતા કે ધર્માદાનું અન્ન કોણ ખાય? એટલે તેઓ રસોડા માટે સીધું-સામાન સાથે લઈને જ આવતા હતા. પરિક્રમા દરમિયાન જંગલમાં જ ચૂલો બનાવીને ખીચડી વગેરે રાંધતા હતા."
"યાત્રીઓ ઝીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવીમાં રાત રોકાઈને ભજન-કીર્તન કરતા અને ત્રણ-ચાર દિવસે પરિક્રમા પૂરી કરતા હતા. એ જમાનામાં પરિક્રમામાં બહુ લોકો આવતા નહીં."
"પરંતુ હવે આપણી વસ્તી વધી છે અને યુવાનોની સંખ્યા પણ વધી છે. તેથી છેલ્લાં 10 વર્ષથી પરિક્રમામાં યુવાનો વધારે દેખાઈ રહ્યા છે. શ્રદ્ધા અને વિશ્વાસ મોટી વસ્તુ છે, જે યુવાનોને પણ અહીં ખેંચી લાવે છે."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બીજી તરફ, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચાંદલી ગામના ખેડૂત રમેશ વસોયા અને તેમની સાથેના બીજા ચાર ખેડૂતો શનિવારે બોરદેવી મંદિર નજીક જંગલમાં ચૂલો બનાવી ખીચડી રાંધીને બપોરનું ભોજન લઈ રહ્યા હતા.
બાજુમાં જ કેટલાંક અન્નક્ષેત્રો વાનગીઓ પીરસી રહ્યાં હતાં અને આગ્રહ કરીને પરિક્રમાર્થીઓને મફત ભોજન-પ્રસાદ લેવા આમંત્રણ આપી રહ્યાં હતાં.
પરંતુ રમેશભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ 19 વર્ષથી પરિક્રમા કરવા આવે છે, પરંતુ અન્નક્ષેત્રોમાં ક્યારેય જમતા નથી કે પાણી પણ પીતા નથી.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રમેશ વસોયાએ દાવો કર્યો હતો કે, પરિક્રમાર્થીઓમાં યુવાનોની સંખ્યા વધવા પાછળ અન્નક્ષેત્રોની હાજરી જવાબદાર છે.
તેમણે કહ્યું હતું કે, "હું ક્યારેય કોઈ અન્નક્ષેત્રમાં પ્રસાદ લેતો નથી કે પાણી પણ પીતો નથી. કારણ કે, બીજાનું ખાઈએ તો આપણું પુણ્ય બીજા લોકોને જાય. અમે અહીં પુણ્ય કમાવવા આવીએ છીએ, એટલે જાતમેહનતનું રાંધીને ખાઈએ છીએ અને બીજા પાંચ લોકોને પણ ખવડાવીએ છીએ."
તેમણે ઉમેર્યું હતું કે, "જો અન્નક્ષેત્રો બંધ થઈ જાય, તો 50 ટકા લોકો ઘટી જાય. આ નાની છાંય એટલે કે યુવા પેઢી આવતી બંધ થઈ જાય."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
'ખોડિયાર રાસ મંડળી'ના ટ્રસ્ટીમંડળના સભ્ય અને 18 વર્ષથી એ સંસ્થા સાથે જોડાયેલા કિશોર વાડોદરિયા રમેશ વસોયાની વાત સાથે આંશિક રીતે સંમત થતાં કહે છે કે, "ગિરનાર ક્ષેત્રમાં બધું વિનામૂલ્યે મળે છે તે વાત સાચી છે. પરિક્રમામાં અમારું અન્નક્ષેત્ર સૌથી જૂનું છે."
"પરંતુ અમારું અન્નક્ષેત્ર શરૂ કરવા પાછળનો હેતુ સાધુ-સંતોને ભોજન કરાવવાનો હતો. કારણ કે, એ જમાનામાં કુંભમેળાની જેમ ગિરનાર પરિક્રમામાં પણ આખા ભારતમાંથી મોટી સંખ્યામાં સાધુ-સંતો આવતા હતા. ત્યાર પછી તેમાં લોકોની સેવાની ભાવનાનો ઉમેરો થયો."
"પરંતુ યુવાનોની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા છે. યુવા પેઢીના લોકો પરિક્રમામાં આવીને વીડિયો ઉતારીને બતાવે છે કે, સરસ જંગલ છે, નાહવાની અને જમવાની બધી સુવિધા છે. તેનાથી બીજા લોકો આકર્ષાય છે."
"એના પરિણામે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના યુવાનો, જેમના ઈષ્ટદેવ દત્ત ભગવાન છે, તેઓ પણ મોટી સંખ્યામાં પરિક્રમા કરતા થયા છે."
લીલી પરિક્રમાનું સ્વરૂપ કઈ રીતે બદલાઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગુજરાત સરકારના માહિતી વિભાગમાંથી 2024માં માહિતી અધિકારી તરીકે નિવૃત્ત થયેલા જૂનાગઢના અશ્વિન પટેલ પોતાની સેવા દરમિયાન છેલ્લાં 25 વર્ષથી પરિક્રમાનું રિપોર્ટિંગ કરતા આવ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "પરિક્રમામાં યુવાનોની વધતી સંખ્યા ભારતની વસ્તીમાં તેમના પ્રમાણને આભારી છે."
તેમણે ઉમેર્યું હતું કે, "ભારતની વસ્તીમાં યુવાનોનું પ્રમાણ 65 ટકા છે. તેથી વસ્તી વધતાં પરિક્રમાર્થીઓની સંખ્યામાં પણ વધારો થાય એ સમજી શકાય તેવું છે."
"હવે યુવાનો આર્થિક રીતે સ્વતંત્ર થતા જાય છે, વાહનવ્યવહારની પૂરતી સુવિધા ઉપલબ્ધ છે અને સોશિયલ મીડિયાને કારણે પરિક્રમાની માહિતી તેમના સુધી પહોંચે છે. આ બાબત પણ યુવાનોના વધારા પાછળનું બીજું મહત્ત્વનું પરિબળ છે."
"છેલ્લાં પંદરેક વર્ષથી પરિક્રમામાં યુવાનોની સંખ્યા સતત વધી રહી છે. તેથી ગિરનાર પરિક્રમા હવે ભક્તિભાવ સાથેની ધાર્મિક યાત્રા ઉપરાંત પ્રકૃતિના ખોળે સમય વિતાવવાનો મેળો પણ બની ગઈ છે, તેમ કહી શકાય."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તેઓ જણાવે છે કે, યુવાનોની ભાગીદારી ગિરનાર પરિક્રમાને એક નવું સ્વરૂપ આપી રહી છે. પરંતુ તેઓ ભારપૂર્વક કહે છે કે, યુવાનોની વધી રહેલી ભાગીદારી માત્ર અન્નક્ષેત્રોને આભારી નથી.
અશ્વિન પટેલ કહે છે કે, "યુવાનોમાં સ્ફૂર્તિ હોય છે, એટલે તેઓ મોટા ભાગે એક જ દિવસમાં પરિક્રમા પૂરી કરી દે છે."
તેમણે ઉમેર્યું હતું કે, "ખરેખર તો અન્નક્ષેત્રોના કારણે પ્રૌઢો અને વૃદ્ધોની ભાગીદારી પણ વધી છે. કારણ કે, સીધું-સામાન ઊંચકીને ચાલી ન શકે તેવી ઉંમરના લોકો માટે પણ પરિક્રમા કરવી હવે શક્ય બની છે."
જૂનાગઢમાં બીબીસી સહયોગી હનીફ ખોખર દ્વારા વધારાના રિપોર્ટીંગ સાથે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















