ભારતની પહેલી બુલેટ ટ્રેન ગુજરાતનાં કયાં સ્ટેશનો વચ્ચે દોડશે, તેનું કામ ક્યાં પહોંચ્યું, અત્યાર સુધી શું જાણકારી છે?

બુલેટ ટ્રેન, સુરત નવસારી બિલિમોરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કૉરિડૉર જાપાન નરેન્દ્ર મોદી રેલવે બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સુરતથી બિલિમોરા વચ્ચેના 50 કિમીના બુલેટ ટ્રેનના પટ્ટાનું વિદ્યુતીકરણનું કામ પૂર્ણ.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, દેશની પહેલી હાઈ-સ્પીડ રેલ સેવા 2027ના અંત સુધીમાં શરૂ થઈ જશે. તેનો પહેલો તબક્કો સુરતથી વાપીની વચ્ચે દોડાવાશે. તેમણે કહ્યું કે અમદાવાદથી મુંબઈ સુધીનો આખો બુલેટ ટ્રેનનો કૉરિડૉર ત્યાર પછીના વિવિધ તબક્કાઓમાં ચાલુ કરવામાં આવશે.

ભારતનું બુલેટ ટ્રેનનું સપનું હવે ધીમે ધીમે વાસ્તવિકતા બનતું દેખાઈ રહ્યું છે. વર્ષો સુધી ચાલેલા બાંધકામ પછી દેશનો પ્રથમ હાઇ-સ્પીડ રેલ કૉરિડૉર હવે નવા તબક્કામાં પ્રવેશી રહ્યો છે. ઓવરહેડ વીજ પ્રણાલીમાં વીજપુરવઠો શરૂ કરાયો છે, ટ્રેનોના ઉત્પાદનનું કામ આગળ વધી રહ્યું છે અને મુસાફરો માટે શરૂ થનારો પ્રથમ રૂટ પણ નક્કી થઈ ગયો છે.

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશની પ્રથમ હાઇ-સ્પીડ રેલ સર્વિસ 2027માં શરૂ થશે. ગુજરાતમાં સુરત-વાપી વિભાગ (સેક્શન)ને મુંબઈ-અમદાવાદ કૉરિડૉરના બાકીના ભાગ કરતાં પહેલો શરૂ કરવામાં આવશે.

આ સેવા સમગ્ર 508 કિમી લાંબા રૂટ પર એકસાથે શરૂ નહીં થાય, પરંતુ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, પ્રોજેક્ટની તાજેતરની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ 20 નવેમ્બરે નોંધાઈ હતી. સુરત અને બિલિમોરા વચ્ચેના 50 કિમીના પટ્ટામાં ઓવરહેડ ઉપકરણોને વીજપુરવઠો આપવામાં આવ્યો હતો. આ સાથે પ્રોજેક્ટે પરીક્ષણ અને કામગીરી તરફ વધુ એક ડગલું આગળ વધાર્યું છે.

મુસાફરો માટે તેનો અર્થ એ છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન રૂટ હવે માત્ર નિર્માણધીન પ્રોજેક્ટ બનીને નહીં રહે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઝડપથી આકાર લઈ રહેલા આ પ્રોજેક્ટ માટે આવનારા કેટલાક મહિના અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે. જાણવા મળેલી માહિતી પ્રમાણે, આ રૂટ પર માળખાકીય સુવિધાઓ, ટ્રેનો અને સુરક્ષા પ્રણાલીઓ હવે પરીક્ષણના તબક્કા તરફ આગળ વધી રહી છે.

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ક્યાં દોડશે?

બુલેટ ટ્રેન, સુરત નવસારી બિલિમોરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કૉરિડૉર જાપાન નરેન્દ્ર મોદી રેલવે બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, આઠ સ્ટેશનો પર સિવિલ વર્ક પૂરું થઈ ચૂક્યું છે, અને આર્કિટેક્ચરલ ફિનિશિંગ વર્ક ચાલી રહ્યું છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું, મુસાફરો માટે શરૂ થનારો પ્રથમ તબક્કો ગુજરાતમાં સુરત અને વાપી વચ્ચેનો રહેશે, જે આશરે 100 કિમી લાંબો છે. આ સેક્શનમાં ત્રણ સ્ટેશન સામેલ હોવાની શક્યતા છે – સુરત, બિલિમોરા અને વાપી.

શરૂઆતમાં માત્ર સુરત-બિલિમોરા વચ્ચેના 50 કિમીના પટ્ટામાં સેવા શરૂ કરવાની યોજના હતી. ત્યાર પછી આ પ્રસ્તાવિત સેક્શનને વિસ્તારીને તેમાં વાપીનો પણ સમાવેશ કરાયો, જેથી પ્રથમ તબક્કો વધુ લાંબો બન્યો અને દક્ષિણ ગુજરાતના વધુ વિસ્તારો જોડાયા.

સુરત-વાપી સેક્શન મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કૉરિડૉરનો ભાગ છે, જે 508 કિમી લાંબો છે અને તેનું નિર્માણ 'નૅશનલ હાઇ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ' (NHSRCL) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કૉરિડોરમાં અંતે કુલ 12 સ્ટેશન હશે: મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી.

અલગ-અલગ વિભાગોમાં બાંધકામ, પરીક્ષણ અને કમિશનિંગ પૂર્ણ થયા પછી સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

પ્રથમ બુલેટ ટ્રેન ભારતમાં જ બનાવવામાં આવશે

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રોજેક્ટની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે પ્રથમ ટ્રેનસેટ જાપાનથી આયાત કરાતી શિન્કાન્સેન ટ્રેનોના બદલે સ્વદેશી હશે. 'B28' નામની આ ટ્રેનનું ઉત્પાદન બૅંગ્લુરુસ્થિત BEMLની ફૅક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે. કંપનીને આઠ કોચવાળા બે હાઇ-સ્પીડ ટ્રેનસેટના ડિઝાઇન, ઉત્પાદન અને કમિશનિંગનો કૉન્ટ્રેક્ટ (કરાર) આપવામાં આવ્યો છે.

B28ને પરીક્ષણ દરમિયાન પ્રતિ કલાક 280 કિમીની ઝડપ હાંસલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે તેની નિર્ધારિત ઑપરેશનલ ઝડપ પ્રતિ કલાક 249 કિમી રહેશે. તેની લંબાઈ આશરે 202 મીટર હશે અને તેમાં લગભગ 557 મુસાફરો બેસી શકશે.

ટ્રેનમાં સાત સ્ટાન્ડર્ડ ક્લાસના ડબ્બા (કોચ) અને એક ઍક્ઝિક્યુટિવ ક્લાસનો ડબ્બો હશે. બેઠકો મુસાફરોના આરામને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. તેમાં પાછળ ઢળી શકે અને ફેરવી શકાય તેવી બેઠકો, પહોળી બારીઓ, ઑનબૉર્ડ ઇન્ફોટેનમેન્ટ, મોબાઇલ ચાર્જિંગ પૉઇન્ટ, સામાન રાખવાની જગ્યા અને મર્યાદિત ગતિશીલતા ધરાવતા (દિવ્યાંગ) મુસાફરો માટેની વિશેષ સુવિધાઓ હોવાની અપેક્ષા છે.

ટ્રેનની ડિઝાઇનમાં હવાના અવરોધ, અવાજ અને વધુ ઝડપે સર્જાતા દબાણના પ્રભાવને ઘટાડવા માટે ઍરોડાયનેમિક વિશેષતાઓ પણ સામેલ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ ભારતની પોતાની હાઇ-સ્પીડ રેલ ટેકનૉલૉજીના વિકાસ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જેથી સંપૂર્ણપણે આયાત કરાયેલા રોલિંગ સ્ટૉક પર નિર્ભર રહેવું ન પડે.

B28 બુલેટ ટ્રેનના ટ્રાયલ ક્યારે થશે?

બુલેટ ટ્રેન, સુરત નવસારી બિલિમોરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કૉરિડૉર જાપાન નરેન્દ્ર મોદી રેલવે બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, બુલેટ ટ્રેન માટે ટ્રૅક ટ્રાયલ મે-જૂન 2027ની આસપાસ થવાની શક્યતા છે.

પ્રથમ પ્રોટોટાઇપનું ઉત્પાદન અને પરીક્ષણનું કામ આગળ વધી રહ્યું છે. તેના બૉડીફ્રેમનું માળખાકીય પરીક્ષણ કરવામાં આવ્યું છે, જ્યારે ટ્રૅક પરના ટ્રાયલ પહેલાં ટ્રૅકનાં વધુ પરીક્ષણો કરવામાં આવશે.

હાલમાં ટ્રૅક ટ્રાયલ મે-જૂન 2027ની આસપાસ થવાની શક્યતા છે. જોકે, તે ટ્રેનની તૈયારી અને જરૂરી પરીક્ષણ તથા સર્ટિફિકેશન (પ્રમાણપત્ર) પ્રક્રિયા પૂર્ણ થવા પર નિર્ભર રહેશે.

મુસાફરો માટે સેવા શરૂ થાય તે પહેલાં ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ, સ્થિરતા, ઝડપનું પરફૉર્મન્સ, સલામતી પ્રણાલીઓ, વીજ ઉપકરણો અને અન્ય મહત્ત્વપૂર્ણ ભાગોનું વિસ્તૃત પરીક્ષણ કરવું પડશે.

તેથી કામગીરીની શરૂઆત માત્ર રેલવે કૉરિડૉરનું બાંધકામ પૂરું થવા પર જ નહીં, પરંતુ ટ્રૅકના સફળ પરીક્ષણ અને સર્ટિફિકેશન પર પણ આધારિત રહેશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કેટલું કામ પૂરું થયું છે?

બુલેટ ટ્રેન, સુરત નવસારી બિલિમોરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કૉરિડૉર જાપાન નરેન્દ્ર મોદી રેલવે બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, આ કૉરિડૉર સમગ્ર વિશ્વમાં હાઇસ્પીડ રેલ નેટવર્કમાં વપરાતી વિદ્યુતીકરણની ટેકનૉલૉજી એવી 2*25 kV ઓવરહેડ ટ્રૅક્શન સિસ્ટમનો ઉપયોગ કરશે.

મુંબઈ-અમદાવાદ કૉરિડોરમાં બાંધકામ નોંધપાત્ર રીતે આગળ વધ્યું છે. રેલવે મંત્રી દ્વારા શૅર કરાયેલા આંકડા મુજબ, સપ્ટેમ્બર 2026 સુધીમાં:

• 456 કિમી પિઅરનું બાંધકામ પૂરું થયું હતું.

• 371 કિમી વાયાડક્ટનું બાંધકામ પૂરું થયું હતું.

• 9,300થી વધુ ઓવરહેડ ઇલેક્ટ્રિક માસ્ટ્સ (OHE Masts) ઇન્સ્ટૉલ કરાયા હતા.

• આઠ સ્ટેશન પર સિવિલ વર્ક પૂરું થયું હતું અને ફિનિશિંગનું કામ ચાલી રહ્યું હતું.

• સાબરમતી, સુરત અને થાણે ખાતેના ત્રણ ટ્રેન ડેપોમાં કામ આગળ વધી રહ્યું હતું.

કૉરિડોરમાં વ્યાપક ટનલ નિર્માણ પણ સામેલ છે. મહારાષ્ટ્રના મુખ્ય ટનલ વિભાગો હજી પણ આ પ્રોજેક્ટના સૌથી જટિલ નિર્માણ ઘટકોમાં ગણાય છે.

તાજેતરની વીજસંબંધિત સિદ્ધિ ખાસ મહત્ત્વ ધરાવે છે. સુરત-બિલિમોરા વચ્ચેના 50 કિમીના સેક્શનમાં પ્રોજેક્ટની 2 × 25 કિલોવૉલ્ટ વીજ પ્રણાલી દ્વારા ઓવરહેડ ટ્રૅક્શન ઉપકરણો મારફતે વીજપુરવઠો શરૂ કરવામાં આવ્યો છે.

આ વિકાસ માત્ર સિવિલ વર્ક (માળખાકીય બાંધકામ)માંથી આગળ વધીને રેલવે પ્રણાલીઓના પરીક્ષણ અને કમિશનિંગના તબક્કામાં પ્રવેશનો સંકેત આપે છે.

ભારતની બુલેટ ટ્રેન કેટલી ઝડપે દોડશે?

બુલેટ ટ્રેન, સુરત નવસારી બિલિમોરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કૉરિડૉર જાપાન નરેન્દ્ર મોદી રેલવે બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ખાતે સપ્ટેમ્બર 2017માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

B28 ટ્રેનને પરીક્ષણ દરમિયાન મહત્તમ પ્રતિ કલાક 280 કિમીની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે, પરંતુ તેની ઑપરેશનલ ઝડપ પ્રતિ કલાક 249 કિમી રહેશે.

મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ કૉરિડોરને મહત્તમ પ્રતિ કલાક 350 કિમીની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. સંપૂર્ણ પ્રણાલી અને યોગ્ય રૉલિંગ સ્ટૉક સાથે જ્યારે આ સેવા શરૂ થશે, ત્યારે તેની ઑપરેશનલ ઝડપ પ્રતિ કલાક 320 કિમી રાખવાની યોજના છે.

સમગ્ર કૉરિડોર કાર્યરત થયા પછી, મર્યાદિત સ્ટૉપવાળી ઝડપી સર્વિસમાં મુંબઈથી અમદાવાદની સફર અંદાજે એક કલાક અને 58 મિનિટમાં પૂરી થઈ શકશે. હાલમાં માર્ગ મારફતે આ પ્રવાસમાં ટ્રાફિક અને રસ્તાની સ્થિતિ મુજબ આશરે સાતથી આઠ કલાક લાગે છે.

આ હાઇ-સ્પીડ રેલ કૉરિડોર દેશના બે મોટા આર્થિક કેન્દ્રો વચ્ચેની મુસાફરીમાં મોટો ફેરફાર લાવી શકે છે. ખાસ કરીને વ્યાવસાયિક પ્રવાસીઓ તેમજ મુંબઈ, ગુજરાતના વેપારી શહેરો અને અમદાવાદ વચ્ચે વારંવાર મુસાફરી કરતા લોકો માટે આ સેવા ખૂબ ઉપયોગી નીવડશે.

સુરત, બિલિમોરા અને વાપી માટે બુલેટ ટ્રેનનો શું અર્થ હોઈ શકે?

બુલેટ ટ્રેન, સુરત નવસારી બિલિમોરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કૉરિડૉર જાપાન નરેન્દ્ર મોદી રેલવે બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, બિલિમોરા પણ હવે હાઇ-સ્પીડ રેલ નેટવર્કનો ભાગ બનશે.

પ્રથમ તબક્કાની અસર સમગ્ર મુંબઈ-અમદાવાદ કૉરિડોર કરતાં વધુ ઝડપથી દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. સુરત કાપડ, હીરા અને વેપારનું મુખ્ય કેન્દ્ર છે, જ્યારે વાપી મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર છે.

આ શહેરો વચ્ચેની ઝડપી રેલ કનેક્ટિવિટી વ્યવસાયીઓ, ઉદ્યોગસાહસિકો, કામદારો અને વેપાર અર્થે પ્રવાસ કરતા લોકો માટે મુસાફરી વધુ સરળ બનાવી શકે છે.

બિલિમોરા પણ હવે હાઇ-સ્પીડ રેલ નેટવર્કનો ભાગ બનશે. તેના કારણે આ વિસ્તારના મુસાફરોને પરિવહનના એક નવતર માધ્યમનો ઉપયોગ કરવાની તક મળશે.

આ યોજનાના વ્યાપક લાભો સ્ટેશન કનેક્ટિવિટી, ટિકિટના દર, ફ્રીક્વન્સી અને મુસાફરો માટે સ્ટેશન સુધી પહોંચવાની સુવિધા પર આધારિત રહેશે.

હવે આગળ શું થશે?

બુલેટ ટ્રેન, સુરત નવસારી બિલિમોરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કૉરિડૉર જાપાન નરેન્દ્ર મોદી રેલવે બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતો બુલેટ ટ્રેનનો કૉરિડોર.

આગામી મુખ્ય તબક્કાઓમાં પ્રથમ ટ્રેનસેટની તૈયારીઓ પૂરી કરવી, ટ્રૅક ટ્રાયલ યોજવી, સૅફ્ટી સર્ટિફિકેશન (સલામતી પ્રમાણપત્ર) મેળવવું અને પ્રથમ સેક્શન (વિભાગ) કાર્યરત કરવાનો સમાવેશ થાય છે.

સુરત-બિલિમોરા સેક્શનમાં ઓવરહેડ વીજ પ્રણાલી પહેલેથી જ સક્રિય કરવામાં આવી રહી છે, જ્યારે સમગ્ર કૉરિડોરમાં બાંધકામ અને અન્ય સિસ્ટમ પરનું કામ ચાલી રહ્યું છે.

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2027માં શરૂ થવાની અપેક્ષા છે અને પ્રથમ તબક્કામાં સુરત-વાપી સેક્શન શરૂ કરવાનું આયોજન છે.

સમગ્ર મુંબઈ-અમદાવાદ કૉરિડોરનું કામ આગળ વધવાની સાથે જ તેને તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

હાલ પૂરતો સૌથી મહત્ત્વપૂર્ણ ફેરફાર એ છે કે આ પ્રોજેક્ટ હવે માત્ર કૉંક્રિટના માળખા અને ઊંચા પાટા સુધી મર્યાદિત નથી રહ્યો. હવે એવા તબક્કામાં પ્રવેશી રહ્યો છે જ્યાં ટ્રેન પોતે તૈયાર કરાયેલા માળખા પર ટ્રાયલ શરૂ કરી શકશે.

પ્રથમ મુસાફરી માટે હજી કદાચ થોડો સમય બાકી હોય, પરંતુ ભારતના હાઇ-સ્પીડ રેલ યુગની ઊંધી ગણતરી હવે શરૂ થઈ ચૂકી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન