You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પે જ્ઞાનેશકુમારનો ઉલ્લેખ કરીને ભારતની ચૂંટણી વ્યવસ્થા વિશે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરતા અમેરિકામાં મતદાનના નિયમોમાં ફેરફાર કરવાની પોતાની માંગ ફરીથી વ્યક્ત કરી છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમેરિકામાં પણ ભારત જેવી ચૂંટણી વ્યવસ્થા હોવી જોઈએ.
તેમણે ખાસ કરીને ભારતની ચૂંટણીમાં માન્ય ફોટો ઓળખપત્ર ફરજિયાત હોવાનો ઉલ્લેખ કર્યો.
ટ્રમ્પે ભારતની 2024 લોકસભા ચૂંટણીનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે અમેરિકામાં પણ આવી જ વ્યવસ્થા અમલમાં મૂકવી જોઈએ. તેમણે કહ્યું કે તે માટે રિપબ્લિકન પાર્ટી દ્વારા રજૂ કરાયેલ "SAVE America Act" જલદીથી પસાર થવો જોઈએ.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "આ મહિનાની શરૂઆતમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે અમારા પ્રશાસનને પૂછ્યું હતું કે તમે અમેરિકા માં માન્ય ફોટો ઓળખપત્ર વિના ચૂંટણી કેવી રીતે યોજી શકો છો? ભારતની છેલ્લી ચૂંટણીમાં 64.6 કરોડ મતદાતાઓ હતા. તેમાંના 1% કરતાં પણ ઓછા લોકોએ ટપાલ (મેઇલ) દ્વારા મતદાન કર્યું હતું અને દરેક મતદાતા માટે માન્ય ફોટો ઓળખપત્ર હોવું જરૂરી હતું. હવે આપણને SAVE America Act પસાર કરવો જ જોઈએ."
અમિત શાહનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોમવારે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ભારતે પોતાના દેશમાં થયેલી કેટલીક ધરપકડોને પાકિસ્તાન સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.
પાકિસ્તાને કહ્યું કે ભારત પોતાની આંતરિક સુરક્ષાને લગતી પડકારજનક પરિસ્થિતિઓથી લોકોનું ધ્યાન ભટકાવવા અને રાજકીય લાભ મેળવવા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અન્દ્રાબીએ સોમવારે જણાવ્યું, "આ પ્રકારનો પ્રચાર પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ખોટા અભિયાનનું વધુ એક ઉદાહરણ છે. ભારત પોતાના આંતરિક સુરક્ષા સંકટ પરથી ધ્યાન હઠાવવા અને સ્થાનિક રાજકીય હિતો માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં કહ્યું, "ભારત એવો દેશ છે જ્યાં લઘુમતિઓ પર ગંભીર અત્યાચાર થાય છે અને વિરોધના અવાજોને દબાવવામાં આવે છે. ભારત દેશની બહાર આતંકવાદ ફેલાવવાનું અને આતંકવાદીઓને મદદ કરવાનો પણ પ્રયત્ન કરે છે."
તાહિર અન્દ્રાબીએ કહ્યું, "પાકિસ્તાને વારંવાર એવા પુરાવા રજૂ કર્યા છે કે ભારત આતંકવાદ અને અસ્થિરતા ફેલાવતી પ્રવૃત્તિઓમાં સામેલ છે. ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કમાન્ડર કુલભૂષણ જાધવ, જેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે અને જે સજા ભોગવી રહ્યા છે, તેઓ પાકિસ્તાનમાં ભારતના સીધા હસ્તક્ષેપ અને આતંકવાદ સાથેના સંબંધોના સ્પષ્ટ પુરાવા છે."
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું, "પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરે છે કે તે ભારતના બિનઆધારભૂત આરોપોને નકારી કાઢે અને વિસ્તારમાં ભારત દ્વારા પ્રોત્સાહિત આતંકવાદ માટે તેને જવાબદાર ઠેરવે."
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે ભારતીય સુરક્ષા દળોએ સ્વતંત્રતા દિવસ પહેલાં 14 રાજ્યોમાં વિશેષ અભિયાન ચલાવી પાકિસ્તાન સ્થિત 'ISI-સમર્થિત શહજાદ ભટ્ટી નેટવર્ક'ને નષ્ટ કરી દીધું છે અને તેના 200થી વધુ ઑપરેટિવ્સની ધરપકડ કરી છે.
ઝારખંડ : પરીક્ષા રદ થયા પછી પણ આંદોલન કેમ યથાવત્, વિદ્યાર્થી નેતાએ આપી આ માહિતી
ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે મુખ્ય મંત્રી હેમંત સોરેને સોમવારે JPSC-14 અને JSSC-CGL પરીક્ષાઓ રદ કરવાનું ઍલાન કર્યું છે. તેમ છતાં, વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમનું આંદોલન હજુ પણ ચાલુ છે.
વિદ્યાર્થી નેતા રવિન્દ્ર પાસવાને જણાવ્યું, "મંત્રી દીપિકા પાંડે અને ઇરફાન અંસારી થોડા સમય પહેલાં અહીં આવ્યાં હતાં. તેમણે અમને અપીલ કરી હતી કે આ આંદોલન અને ઉપવાસ સમાપ્ત કરવામાં આવે. પરંતુ CBI તપાસ સંબંધિત અમારી માંગ અંગે સરકાર હજુ સુધી સંમત થઈ નથી."
તેમણે આગળ કહ્યું, "સરકાર તરફથી જે પણ સત્તાવાર સૂચના (નૉટિફિકેશન) બહાર પડશે, અમે પ્રથમ તેનો અભ્યાસ કરીશું. ત્યારબાદ અમારા આંદોલનની આગળની રણનીતિ વિશે નિર્ણય લઈશું. અમારી મુખ્ય માંગ છે કે સમગ્ર મામલે CBI તપાસ થવી જોઈએ."
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સરકારે TDPL દ્વારા આયોજિત પરીક્ષાઓની તપાસ કરાવવાની વાત કરી હતી. હવે મુખ્ય મંત્રીએ સ્પષ્ટ રીતે પરીક્ષાઓ, તેમનાં પરિણામો અને પસંદગી પ્રક્રિયા સુધીને પણ રદ કરવાની વાત કહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન