બલ્ગેરિયામાં બસમાં આગ લાગતા એકંદરે 46 લોકોનાં મોત, મૃતકોમાં બાળકો પણ સામેલ - BBC Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

પશ્ચિમી બલ્ગેરિયામાં એક બસમાં આગ લાગવાથી એકંદરે 46 લોકોનાં મોત થયા છે. અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે.

આ ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે બે વાગ્યાની આસપાસ થઈ. દુર્ઘટના બોસ્નેક ગામ પાસે થઈ.

દેશના ગૃહમંત્રીના ફાયર સેફ્ટી વિભાગના પ્રમુખ નિકોલાઈ નિકોલોવનું કહેવું છે કે માર્યાં ગયેલા લોકોમાં બાળકો પણ સામેલ છે.

ઘટનાસ્થળ અને પત્રકારની તસવીર

અહેવાલો અનુસાર, આ બસ તુર્કીથી ઉત્તરી મૅસેડોનિયા જઈ રહી હતી. સાત ઘાયલને હૉસ્પિટલ લઈ જવાયા છે.

મંગળવારે થયેલી એક દુર્ઘટના બાદ ઘટનાસ્થળની આસપાસના વિસ્તારને સીલ કરી દેવાયો છે.

ઘટનાસ્થળની તસવીર

બીટીવી અનુસાર વડા પ્રધાન ઝોરાન જેવે ઘટના પર ચર્ચા માટે બલ્ગેરિયાના તેમના સમકક્ષ સાથે વાત કરી છે.

દુર્ઘટના એટલી ભયંકર હતી કે મૃતકોના શરીર સંપૂર્ણ બળી ગયા હતા.

line

અમેરિકાથી ગુજરાતમાં 100 કિલોનું ડ્રગ કોણે મંગાવ્યું? મોટા ડ્રગ રૅકેટ પર સકંજો

ગુજરાતમાં સતત ડ્રગ્સની હેરાફેરીને લગતા કેસો સામે આવી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સતત ડ્રગ્સની હેરાફેરીને લગતા કેસો સામે આવી રહ્યા છે

ગુજરાતમાં ફરી એક વખત ડ્રગ રૅકેટ પકડાયું છે. અને ફરી સવાલ સર્જાયો છે કે આખરે જે ડ્રગ મંગાવાનાર કોણ છે. પોલીસે કેટલાક શકમંદોની ધરપકડ પણ કરી છે.

'ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ પ્રમાણે પાછલા સાત દિવસમાં ગુજરાત પોલીસે એક મોટી કાર્યવાહીમાં અમેરિકા અને દેશના વિવિધ ભાગોથી આયાત કરાયેલું 100 કિલોગ્રામ ડ્રગ પકડ્યું હતું. આ ગુનામાં પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓ પાછલાં બે વર્ષથી ઍર કાર્ગો કુરિયર મારફતે પોતાનો કારોબાર ચલાવી રહ્યા હતા.

અમદાવાદ જિલ્લા પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ વીરેન્દ્રસિંઘ યાદવે આ સમગ્ર ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ મામલાના મુખ્ય સૂત્રધાર 27 વર્ષીય વંડિત પટેલે તેમના સાથીદાર પાર્થ શર્મા સાથે મળીને ક્રિપ્ટોકરન્સી મારફતે ચાર કરોડ ચૂકવી ડાર્ક વેબ મારફતે અમેરિકાસ્થિત ડ્રગ સપ્લાયર પાસેથી ડ્રગ મગાવ્યું હતું.

બંને આરોપીઓની 17 નવેમ્બરના રોજ સાડા ત્રણ લાખના ડ્રગ સાથે ધરપકડ થઈ હતી. આ સિવાય સોમવારે વિપુલ ગોસ્વામી અને જીલ પરાતે નામના બે કથિત પેડલરોને પકડી પાડ્યા હતા.

કોવિડ-19 સહાય માટે સ્ક્રીનિંગ પૅનલ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી
ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

'ઇકૉનૉમિક ટાઇમ્સ'ના એક અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે કોવિડ-19ના પીડિતોના પરિવારજનોને આર્થિક સહાયની ચૂકવણી મામલે સ્ક્રૂટિની કમિટી નીમવા બાબતે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી.

આ સાથે આ મામલાની સુનાવણી કરી રહેલ જસ્ટિસ એમ. આર. શાહ અને બી. વી નાગરત્નાની ખંડપીઠે કેન્દ્ર પાસેથી રાજ્યોએ અત્યાર સુધી ચૂકવાયેલ સહાય અંગેની માહિતી રજૂ કરવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું હતું કે અમે જે લોકો પાસે તેમના સ્વજનના RT-PCR રિપોર્ટ હોય અને 30 દિવસની અંદર તે વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું પ્રમાણપત્ર હોય તો તેમને સહાયની ચૂકવણી કરવા જણાવ્યું હતું. આ સિવાય ચૂકવણીમાં વિલંબ કરવા માટે અન્ય કોઈ તંત્ર ગોઠવવાની વાત નહોતી કરવામાં આવી.

કોર્ટે ગુજરાત સરકાર દ્વારા ખોટા ક્લેઇમ નકારી કાઢવા માટે સ્ક્રૂટિની કમિટી રચાઈ, તેને સુપ્રીમ કોર્ટે સહાયચૂકવણીમાં વિલંબ માટેનો નોકરશાહી પગલું ગણાવ્યું હતું.

કાશ્મીરી હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝની NIA દ્વારા ધરપકડ

ધ કાશ્મીરવાલા ડોટ કૉમના એક અહેવાલ અનુસાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સોમવારે સાંજે માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની રહેઠાણ અને શ્રીનગર ખાતેની ઑફિસ પર દરોડા પાડ્યા બાદ ધરપકડ કરાઈ છે.

પરવેઝની અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ (UAPA) અને અન્ય પણ ઘણી કલમો હેઠળ ધરપકડ કરાવાઈ હતી.અરેસ્ટ મેમો અનુસાર, ખુર્રમની ઇન્ડિયન પીનલ કોડ 120B, 121 અને 121A અને અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ (UAPA) ઍક્ટ, 1967ના સેક્શન 17, 18, 18B, 38 અને 40 અંતર્ગત ધરપકડ કરાઈ છે.

NIAના સુપરિન્ટેન્ડેન્ટ જી. સિવા વિક્રમ તેમની ધરપકડ કરી હોવાનું અરેસ્ટ મેમોમાં જણાવાયું છે.

line

ત્રિપુરા અંગે TMCની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓ પર ત્રિપુરામાં હુમલા થતા હોવાના મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે
ઇમેજ કૅપ્શન, તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓ પર ત્રિપુરામાં હુમલા થતા હોવાના મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

સુપ્રીમ કોર્ટમાં આજે ત્રિપુરામાં સ્થાનિક નગરપાલિકાચૂંટણીઓ પહેલા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવા બાબતે તૃણમૂલ કૉંગ્રેસની અરજી પર સુનાવણી થશે.

TMCનો આરોપ છે કે ત્રિપુરામાં તેમના કાર્યકર્તાઓ વિરુદ્ધ હિંસા થઈ રહી છે અને રાજ્યનો સત્તાધારી પક્ષ ભાજપ તેમના કાર્યકર્તાઓ પર ખોટા કેસ કરી રહ્યો છે.

આ પહેલાં સોમવારે TMCના લગભગ 16 સાંસદોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટેનો સમય માગ્યો હતો. તાત્કાલિક સમય ન મળવાને કારણે તમામ સાંસદોએ ગૃહમંત્રાલય બહાર પ્રદર્શન કર્યું અને ધરણાં પર પણ બેઠા.

ત્યાર બાદ ગૃહમંત્રી અમિંત શાહે TMC સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.

બીજી તરફ ત્રિપુરામાં તૃણમૂલ કૉંગ્રેસનાં યુવા નેતા અને બંગાળી ફિલ્મોનાં અભિનેત્રી સયાની ઘોષને અગરતલાની એક કોર્ટે સોમવારે જામીન આપી દીધા.

તેમની રવિવારે બપોરે ધરપકડ કરાઈ હતી. તેમના પર બિનજામીનપાત્ર કલમો હેઠળ હત્યાનું કાવતરું રચવાના અને શત્રુતા પ્રસરાવાના આરોપ લાગ્યા હતા.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો