ધોની હવે આઇપીએલમાં નહીં રમે, ચેન્નાઈ સુપર કિંગ્સે કઈ જવાબદારી આપી? - ન્યૂઝ અપડેટ

મહેન્દ્રસિંહ ધોની
ઇમેજ કૅપ્શન, મહેન્દ્રસિંહ ધોની
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

"એક એવો ખેલાડી જે સદીઓમાં એકવાર આવે છે. એક નવી ભૂમિકા અને એક એવો સંબંધ કે જે કાયમ માટે ટકી રહેશે."

"મહેન્દ્રસિંહ ધોની હવે ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ મેન્ટરની ભૂમિકા નિભાવશે! ગણી શકાય નહીં એટલી જીત, મુશ્કેલ સમય અને હંમેશાં આપણા હૃદયમાં રહેશે તેવી યાદો સાથે, એમએસ ધોની શરૂઆતથી જ આપણી યાત્રાનો એક અભિન્ન ભાગ રહ્યા છે."

"અમને વિજયની ઊંચાઈઓ સુધી લઈ જવાથી લઈને સુપર કિંગ્સની આગામી પેઢીને માર્ગદર્શન આપવા સુધી, થલા હંમેશાં અમારી ઓળખનો એક ભાગ રહેશે અને ચેન્નાઈ હંમેશાં તેમનું ઘર રહેશે."

ચેન્નાઈ સુપર કિંગ્સે તેના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ધોની વિશે આમ જાહેરાત કરી છે.

સીએસકેનાં માલિક રૂપા ગુરુનાથે ધોની વિશે લખ્યું, "એમએસ ધોની જેવો ખેલાડી સદીમાં એક વાર આવે છે. અમે ભાગ્યશાળી છીએ અને તેમના ખૂબ આભારી છીએ કે તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆતથી અમારી સાથે છે અને આ ટીમનો સંપૂર્ણ પાયો નાખ્યો છે."

"એમએસ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે માત્ર એક દિગ્ગજ ખેલાડી નથી, પરંતુ તેના કરતાં વધુ છે. તેમણે અમને મેદાન પર અને બહાર જે આપ્યું છે તે અમૂલ્ય છે. તેમનું નેતૃત્વ, નમ્રતા, પ્રતિબદ્ધતા અને લાખો ચાહકો સાથેનું તેમનું જોડાણ ખરેખર ખાસ છે. વર્ષોથી, તેમણે એક એવો વારસો બનાવ્યો છે અને અમને એવી યાદો આપી છે જે અમે જીવનભર જાળવી રાખીશું."

ધોનીની કૅપ્ટરનશિપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ આઇપીએલ ટાઇટલ જીત્યાં છે. આ કોઈ પણ કૅપ્ટન દ્વારા સંયુક્ત રીતે જીતેલા સૌથી વધુ ટાઇટલ છે.

વધુમાં, તેમની કૅપ્ટનશીપ હેઠળ, ટીમે બે ચૅમ્પિયન્સ લીગ ટી20 ટાઇટલ પણ જીત્યા છે, જે કોઈ પણ કૅપ્ટન દ્વારા સૌથી વધુ છે.

કૅપ્ટનશિપ ઉપરાંત, ધોની આઈપીએલના ઇતિહાસના શ્રેષ્ઠ બૅટ્સમેનોમાંના એક ગણાય છે. તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 5314 રન બનાવ્યા છે જે ટીમ માટે બીજા સૌથી વધુ રન છે.તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ 272 મૅચ રમી છે.

છેલ્લા બૉલે ટીમને વિજય અપાવનારા શોટ્સ અને હેલિકૉપ્ટર શોટથી તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ અને આઇપીએલ ઇતિહાસનો યાદગાર ભાગ બની ચૂક્યા છે.

ઈરાનનો દાવો, હોર્મુઝની સામુદ્રધુનીમાં ચોથા ટૅન્કરને નિશાન બનાવ્યું

મસ્કત, ઓમાન, ઓમાન પાસે જહાજ ડૂબ્યું, આઈઆરજીસી, ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ, ટેન્કરોને ડૂબાડ્યા

ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે (આઈઆરજીસી) સોમવારે રાત્રે દાવો કર્યો હતો કે તેમણે 24 કલાકના ગાળામાં ચોથા ઑઇલ ટૅન્કરને નિશાને લીધું હતું.

બીબીસી પર્શિયનના રિપોર્ટ મુજબ, બ્રિટનના મૅરિટાઇમ ટ્રૅડ ઑપરેશન્સ સેન્ટરે જણાવ્યું કે ઓમાનના ખાસબથી સાત નૉટિકલ માઇલ ઉત્તરમાં આ પ્રકારની ઘટના ઘટી હોવાના અહેવાલ મળ્યા છે.

આ જહાજની ઉપર સવાર ચાલકદળના તમામ સભ્યો સલામત હોવાના અહેવાલ છે. જોકે, જહાજને કેટલું નુકસાન થયું છે તથા તેની દરિયાઈ પર્યાવરણ ઉપર શું અસર થશે, તેની જાણકારી હજુ સુધી બહાર નથી આવી.

ઉલ્લેખનીય છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી ઓમાનના પાટનગર મસ્કત પહોંચ્યા, ઓમાન પાસે દરિયાકિનારામાં આ ઘટના બની હતી.

આઈઆરજીસીનું કહેવું છે કે આ ટૅન્કરોએ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાના નિયમોનો ભંગ કર્યો હતો.

દિલ્હીમાં ટિકિટ લઈને 'શીશ મહેલ' જોઈ શકાશે, ભાજપ અને આમ આદમી પાર્ટી શું આરોપ લગાવ્યા?- ન્યૂઝ અપડેટ
અરવિંદ કેજરીવાલ અને પરવેશ વર્મા, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીમાં પ્રદૂષણ અને યમુનાની સફાઈને લઈને આમ આદમી પાર્ટી દિલ્હી સરકાર પર સવાલો ઉઠાવી રહી છે, ત્યારે બીજી તરફ ભાજપના નેતૃત્વવાળી દિલ્હી સરકારે અરવિંદ કેજરીવાલના જૂના નિવાસસ્થાનનો મુદ્દો ઉઠાવ્યો છે.

દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ કહ્યું છે કે આગામી અઠવાડિયાથી દિલ્હીના લોકો 'શીશ મહેલ' જોઈ શકશે.

દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે અરવિંદ કેજરીવાલનું સિવિલ લાઇન્સ સ્થિત 6 ફ્લેગ રોડ પરના સરકારી નિવાસસ્થાનને ભાજપ દ્વારા 'શીશ મહેલ' નામ આપવામાં આવ્યું હતું.

એક પ્રેસ કૉન્ફરન્સમાં પ્રવેશ વર્માએ જણાવ્યું કે ટિકિટ બુકિંગ, રિઝર્વેશન અને અન્ય વ્યવસ્થાઓ અંગેની માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

પ્રવેશ વર્માએ કહ્યું, "સૌથી પહેલાં અમે અમારા મીડિયા સાથીદારો માટે મુલાકાતનું આયોજન કરવા માંગીએ છીએ. આ આગામી બેથી ત્રણ દિવસમાં થશે અને તેની માહિતી આવતીકાલે આપવામાં આવશે."

વર્માએ કહ્યું કે હવે જનતાને સમગ્ર પરિસરની મુલાકાત કરાવવામાં આવશે, જેથી લોકો તેને પોતે જોઈ શકે. તેમણે તેને ભ્રષ્ટાચારનું મોટું ઉદાહરણ ગણાવ્યું.

બીજી તરફ, આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકાર યમુનાની સફાઈના નામે મોટી રકમ ખર્ચી રહી છે, પરંતુ તેનો કોઈ લાભ થઈ રહ્યો નથી.

007: ડેનિયલ ક્રૅગના સ્થાને આ કલાકાર બનશે નવો જૅમ્સ બૉન્ડ

જેમ્સ બોન્ડ, ડેનિયલ ક્રેગ, રોબર્ટ પેટ્ટીસન, એમેઝોન એમજીએમ સ્ટુડિયો, રોબર્ટ પેટિસને શું કહ્યું, 007, બોન્ડની ફિલ્મો
ઇમેજ કૅપ્શન, રૉબર્ટ પેટિસન

બ્રિટનના કલાકાર રૉબર્ટ પૅટિસન જૅમ્સ બૉન્ડ શ્રેણીની આગામી ફિલ્મમાં જાસૂસની ભૂમિકા ભજવશે. તેઓ ડેનિયલ ક્રૅગનું સ્થાન લેશે.

40 વર્ષીય રૉબર્ટ 'ટ્વાઇલાઇટ' અને 'ધ બૅટમૅન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

રૉબર્ટ બૉન્ડ સિરીઝની 26મી ફિલ્મમાં જોવા મળશે. આ પહેલાં છ કલાકારો આ દંતકથારૂપ ભૂમિકા ભજવી ચૂક્યા છે.

એમેઝોન એમજીએમ સ્ટુડિયોએ સોમવારે સોશિયલ મીડિયા ઉપર આની જાહેરાત કરી હતી. જેમાં રૉબર્ટને 007ના કૅરેક્ટરમાં જોઈ શકાય છે.

રૉબર્ટે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે, "સિનેમામાં જૅમ્સ બૉન્ડ એ કિવદંતીરૂપ પાત્રોમાંથી એક છે અને 007 માટે મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. જે આજીવન 'સન્માનની વાત' રહેશે."

રાહુલ ગાંધીએ તેમનાં ગર્લફ્રૅન્ડનો ઉલ્લેખ કર્યો, શું જણાવ્યું?

રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, બિલોન્ગિંગ જર્ની ઓફ લવ, રાજીવ ગાંધી, કેમ્બ્રિજ, રાહુલ ગાંધીની ગર્લફ્રેન્ડ કોણ છે, બીબીસી ન્યૂઝ ગુજરાતી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાનાં માતા તથા કૉંગ્રેસ સંસદીય દળનાં વડાં સોનિયા ગાંધીના પુસ્તક 'બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ'ના વિમોચન પ્રસંગે તેમનાં માતા-પિતા તથા ગર્લફ્રૅન્ડ વિશેનો એક કિસ્સો કહ્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજકીય મુદ્દે વાત નહીં કરવા તેમને સૂચના મળી છે. આમ છતાં એક દીકરા તરીકે તેઓ પોતાનાં માતા વિશે કંઈક કહેવા માગે છે.

તેમણે કૅમ્બ્રિજના એક ફોટોગ્રાફનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમનાં માતા ઝૂલા ઉપર ઊલ્ટા લટકેલાં હતાં. રાહુલે કહ્યું કે નાનપણમાં તેમનાં માતા એવાં જ હતાં.

એ પછી તેમણે કૅમ્બ્રિજની 'વર્સિટી રેસ્ટોરાં'નો કિસ્સો કહ્યો, જ્યાં તેમનાં માતા-પિતાની પહેલી વખત મુલાકાત થઈ હતી.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે કેટલાંક વર્ષો પછી તેઓ કૅમ્બ્રિજ પહોંચ્યા. અહીં તેમણે પોતાનાં ગર્લફ્રૅન્ડને એ રેસ્ટોરાં આવવા માટે કહ્યું. રાહુલ જોવા માંગાતા હતા કે તેમનાં માતા-પિતા ક્યાં મળ્યાં હતાં.

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે રેસ્ટોરાંમાં હાજર એક વ્યક્તિને કહ્યું કે તેમનાં માતા-પિતાની પહેલી મુલાકાત અહીં થઈ હતી. ત્યારે તે વ્યક્તિએ તરત જ જણાવ્યું કે તેઓ બંનેને જાણતા હતા.

રાહુલે કહ્યું કે એ વ્યક્તિના કહેવાથી તેમણે ચિકનની એક વાનગી ઑર્ડર કરી. ખાવા વિશે મજાકમાં રાહુલે કહ્યું, "જો તમારે પ્રેમમાં પડવું હોય તો વર્સિટી રેસ્ટોરાં જજો."

રાહુલે જણાવ્યું કે તેમનાં માતા-પિતાને ત્યાંનાં ભોજનનો સ્વાદ ખૂબ જ સારી રીતે યાદ હતો, પરંતુ તેમને ખાવાનું સારું નહોતું લાગ્યું.

રાહુલ ગાંધીની સ્પીચ પૂરી થઈ, એ પછી તેમને પૂછવામાં આવ્યું હતું કે હાલમાં તેમનાં ગર્લફ્રૅન્ડ ક્યાં છે? તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, "તે મારી સારી મિત્ર છે."

શેખ હસીના વિશે બાંગ્લાદેશ સામે ભારતે શરત મૂકી છે?

શેખ હસીના, શમા આબેદ, ભારત, બાંગ્લાદેશ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, શમા આબેદે કહ્યું કે, 'ભારત અને બાંગ્લાદેશના સંબંધ શેખ હસીના કરતાં ખૂબ જ મોટાં છે.'

બાંગ્લાદેશના રાજ્યકક્ષાનાં વિદેશ મંત્રી શમા આબેદનું કહેવું છે કે શેખ હસીના પરત ફરવાની શરત વિશે ભારત તથા બાંગ્લાદેશની સરકાર વચ્ચે કોઈ વાતચીત નથી થઈ.

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત પ્રેસ બ્રીફિંગ દરમિયાન તેમણે આ વાત કહી હતી.

તાજેતરમાં 'બીબીસી બાંગ્લા'માં ભારતીય અધિકારીઓને ટાંકતા એક અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતે શેખ હસીનાના પુનર્રાગમન સંદર્ભે બે શરત મૂકી છે. એ રિપોર્ટનો ઉલ્લેખ કરતા પત્રકારોએ શમા આબેદને આ સવાલ પૂછ્યો હતો.

તેમણે ઉમેર્યું, "અમને કોઈ પણ સત્તાવાર સ્રોત મારફત આવી કોઈ માહિતી નથી મળી. જો ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે અમને આવું કશું જણાવવામાં આવશે, તો અમે તેનો જવાબ આપીશું."

બાંગ્લાદેશના રાજ્યકક્ષાના વિદેશમંત્રીએ કહ્યું, "ભારત અને બાંગ્લાદેશના સંબંધ શેખ હસીના કરતાં ખૂબ જ મોટા છે. અમારી વચ્ચે કેટલાક મુદ્દા પ્રવર્તમાન છે, જેને અમે કૂટનીતિ દ્વારા ઉકેલીશું. તેઓ ભારતમાં બેસીને બાંગ્લાદેશના માહોલને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે."

અમેરિકામાં બૅન્કિંગ સેવાઓને અસર, શું બહાર આવ્યું?

અમેરિકા, મોર્ગન ચેઝ બેન્ક, સાઇબર હુમલા અંગે શું જણાવ્યું, બેન્કિંગ સેવાઓને અસર

અમેરિકામાં બૅન્ક ઑફ અમેરિકા, જેપી મૉર્ગન ચેઝ તથા વૅલ્સ ફાર્ગો સહિત કેટલીક બૅન્કો અને નાણાકીય સંસ્થાના ગ્રાહકોએ બૅન્કિંગ સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

યૂઝર્સને ઑનલાઇન સેવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી પડે, તો તેઓ ડાઉનડિટેક્ટર નામની વૅબસાઇટને રિપોર્ટ કરી શકે છે. આ વેબસાઇટના અહેવાલ મુજબ, લગભગ ચાર હજાર 500 લોકોએ જેપી મૉર્ગન ચેઝની ઑનલાઇન સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું હતું.

બીબીસીને મળેતી માહિતી પ્રમાણે, ચેઝ બૅન્કમાં તકનીકી ખામી આપી હતી અને તે સાઇબર ઍટેક કે સાઇબર સિક્યૉરિટીનો મામલો નથી જણાતો.

ચેઝે સોશિયલ મીડિયા ઉપર નિવેદન બહાર પાડીને જણાવ્યું કે તેની હાર્ડવૅર સિસ્ટમમાં સૉફ્ટવેર સંબંધે ગરબડને કારણે કામકાજને હંગામી ધોરણે અસર પહોંચી હતી.

બૅન્કનું કહેવું છે, "કોઈ સાઇબરહુમલાને કારણે આ અડચણ ઊભી થઈ હોય એમ નથી જણાતું. કેટલાક ગ્રાહકોની રિક્વૅસ્ટ ઉપર કામ કરવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી રહ્યો છે."

ચેઝનું કહેવું છે કે જે લેવડદેવડ માટે તે અન્ય બૅન્કો સાથે સામેલ છે. તેમાં એ બૅન્કો ઉપર પણ અસર પડી શકે છે. ચેઝ બૅન્કે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સમગ્ર બૅન્કિંગ નેટવર્ક સંબંધની સમસ્યા નથી.

બીજી બાજુ, કૅપિટલ વન તથા પીએનસી સહિત અન્ય બૅન્કોનું કહેવું છે કે તેમની બૅન્કિંગ સંબંધિત સિસ્ટમોને અસર નથી પહોંચી.

ચેઝનું કહેવું છે કે હાલ પણ ગ્રાહકો તેમના ખાતા અને નાણાને ઍક્સેસ કરી શકે છે અને સમસ્યાને દૂર કરવા માટે કામ ચાલુ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન